‘શું પાણી લાવવાનું કામ સ્ત્રીનું જ હોય, એ તેણે આજીવન કરવાનું હોય’, પાણીનાં એક-એક ટીપાં માટે મહિલાનો સંઘર્ષ

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી

માથા પર હાંડો, થાકી જવાય એટલો લાંબો રસ્તો અને પાણીનાં દરેક ટીપાં માટે સંઘર્ષ.

ભારતની લાખો મહિલાઓ માટે આ જીવનનો માર્ગ છે. શાળા છોડવી, રોજીંદુ જીવન છોડવું, આરામ છોડવો, સ્વાસ્થ્ય છોડવું અને સૌથી મહત્ત્વનું તે મનની શાંતિ ગુમાવવી.

આ બધું માત્ર પાણી ભરવા માટે જ.

ભારતમાં મહિલાઓએ પાણી ભરવા માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે?

દરેક વસ્તુની એક કિંમત હોય છે અને તે કિંમત વસ્તુ બનાવવા માટે જરૂરી સામગ્રી, તેના માટે આપેલા સમય અને તેના માટે કરેલા શ્રમ પર આધારિત હોય છે.

દેશની લાખો મહિલાઓ દિવસ-રાત કામ કરે છે, પરંતુ તેમના સમય અને મહેનતની ગણતરી થતી નથી. એ પૈકીનું એક કામ આખા પરિવાર માટે રોજેરોજ દૂરથી પાણી લાવવાનું છે.

એક હાંડો પાણી માટે સ્ત્રીએ કેટલી કિંમત ચૂકવવી પડે છે?

તેની આ દેશના અર્થતંત્ર પર કોઈ અસર થાય છે? અમે તેને જાણવાનો પ્રયાસ કર્યો.

શરૂઆતમાં અમે નાસિક જિલ્લાના ઈગતપુરી તાલુકાના ત્રિંગલવાડી ગામમાં ગયા હતા. અહીં મોટાભાગની

મહિલાઓનો દિવસ માત્ર પાણી લાવવામાં જ પસાર થાય છે.

આ ગામ વાસ્તવમાં ત્રિંગલવાડી ડૅમ પાસે આવેલું છે, પરંતુ મહારાષ્ટ્રના અનેક નાના-મોટા ગામડાઓ જેવું જ નસીબ આ ગામનું છે. ડૅમના પાણી પર ગ્રામજનોનો કોઈ અધિકાર નથી. તે પાણી નજીકના શહેરના લોકો માટે અનામત છે.

રોજ ચાર કલાક ચાલવાનું

ડૅમ આમ પણ ખાલી થઈ ગયો છે. બચેલું સ્વચ્છ પાણી ટૅન્કર ખતમ કરી રહ્યાં છે.

ગામમાં અમારી મુલાકાત સુનીતાબાઈ ભુરવડે સાથે થઈ.

તેઓ સવારમાં પાણી ભરીને તાલુકામાં મસાલા દળાવવા નીકળ્યાં હતાં. અમે તેમની સાથે વાત કરી.

અમે તેમને કહ્યું કે પાણીની તકલીફની વાત કરો. એ પછી વધુ મહિલાઓ આવી અને ધડાધડ બોલવા લાગી.

સુનીતાબાઈએ કહ્યું, “પાણી માટે અમારા દિવસમાં ચાર કલાક જાય છે. આવો, જાઓ. કેટલે લાંબે પાણી લેવા જવું પડે છે, ખબર છે? એક દિવસમાં ત્રણ-ચાર વખત જવું પડે છે અને ઘરે આવીને આડા પડવું પડે છે. પાણી લેવા આટલે દૂર જવું પડતું હોવા છતાં પાણી લાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”

પાણી ભરેલો હાંડો માથા પર રાખીને લાવવો પડતો હોવાને કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક તકલીફો થાય છે. માત્ર સુનીતાબાઈ જ નહીં, ગામની અન્ય અનેક મહિલાઓ કોઈને કોઈ પીડા ભોગવી રહી છે.

કોઈના હાથપગ દુખે છે, કોઈની પીઠ.

સુનીતાબાઈ કહેવા લાગ્યા, “ત્રાસ થાય છે. ઉનાળામાં ચક્કર આવે છે. માથું દુ:ખે છે.”

તમે કોઈ દવા લો છો કે નહીં, એવું પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “અહીં ગામડામાં દવા ક્યાંથી મળે? એકાદ ગોળી લઈએ તો ઠીક, બાકી કામ નિરંતર ચાલ્યા કરે.”

પાણી ભરવાની જવાબદારી માત્ર સ્ત્રીની?

આ મહિલાઓ ક્યાંથી પાણી ભરી લાવે છે તે જોવા અમે ગયા.

ત્રિંગલવાડી ડૅમમાંથી પાણી લગભગ ખતમ થઈ ગયું હતું. તેની વચ્ચોવચ જઈને બેસી શકાય તેવું હતું. જે પાણી બચ્યું હતું, તે સંપૂર્ણપણે પ્રદૂષિત હતું. પીવાલાયક ન હતું.

તેથી આ મહિલાઓ ડૅમના કિનારે નાના-નાના ખાડાઓ ખોદીને તેમાંથી જે પાણી મળે છે તેમાંથી હાંડા ભરે છે. માટી નેચરલ ફિલ્ટરેશનનું કામ કરે છે, પરંતુ તેમાં ઘણો સમય લાગે છે.

એક ખાડો ખોદીને તે આખો ભરાય ત્યાં સુધીમાં દોઢ કલાક થાય છે. તેમાંથી એક કે બે હાંડા ભરાય છે. સ્ત્રીઓ પાણી માટે આવા ઓછામાં ઓછાં ચાર ચક્કર મારવા પડે છે.

પાણી ભરવા માટે આ મહિલાઓ જેટલું રોજ ચાલે છે એટલા જ દૂર તેમના રોજગારના સપનાં જાય છે.

મહિલાઓનું જીવન તેમાં ડૂબી જાય છે.

સુનીતાબાઈ નિસાસો નાખતાં કહે છે, “આ પાણી ભરતાં-ભરતાં બાર વાગી ગયા. હવે મને કામ કોણ આપશે. કોઈ કામ આપે? કામ કરવા જઈએ તો ઘર માટે પાણી ન મળે. અહીંતહીં ભાગદોડ કરીએ તો પણ પાણી મળતું નથી.

રોજીરોટી મળતી નથી. શું કરવું?”

વિશ્વ આરોગ્ય સંગઠન અને યુનિસેફના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વિશ્વમાં 18 લાખ લોકોએ પીવાનું પાણી બહુ દૂરથી લાવવું પડે છે. જે 70 ટકા ઘરોમાં પાણીની સુવિધા નથી તેમાં પાણી લાવવાની અને ભરવાની જવાબદારી મહિલાઓ તથા છોકરીઓની જ હોય છે.

આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં લગભગ 25 ટકા ઘરોમાં દૂરથી પાણી લાવવાની જવાબદારી માત્ર મહિલાઓની છે.

સરેરાશ ભારતીય મહિલા પાણી ભરવા માટે દિવસમાં 15થી 20 મિનિટ ખર્ચે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે પ્રમાણ 40 મિનિટ જેટલું હોઈ શકે છે, પરંતુ પુરુષો આ કામ માત્ર પાંચ મિનિટમાં કરી શકે છે.

મહિલા કરોડો કલાકો પાણીમાં વિતાવે છે

સીમા કુલકર્ણી મહિલા કિસાન અધિકાર મંચ નામની સ્વયંસેવી સંસ્થાના સભ્ય છે. તેઓ ગ્રામીણ મહિલાઓ અને તેમના જીવનના અભ્યાસુ છે. આ બાબતે માહિતી આપતાં તેઓ કહે છે, “ટાઈમ યુઝના નેશનલ સર્વેનો રિપોર્ટ જણાવે છે કે મહિલાઓ રોજ દિવસના સાડા ચાર કલાક પાણી ભરવામાં, ચારો લાવવામાં, લાકડા એકઠા કરવામાં અને અન્ય કામો પાછળ ખર્ચે છે. તેનો અર્થ એ થાય કે રોજગારી માટે તેમની પાસે માત્ર અડધો દિવસ બાકી રહે છે. માત્ર પાંચથી છ કલાક. એ સમયગાળા દરમિયાન તેઓ મજૂરી, સ્વયંરોજગાર કે પૈસા મળે તેવું કામ કરી શકે છે.”

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં મહિલાઓ દ્વારા પાણી લાવવામાં દરરોજ 20 કરોડ કલાક ખર્ચાય છે. ઇન્ટનેશનલ ડેવલપમેન્ટ એન્ટરપ્રાઈઝના ડેટા અનુસાર, ભારતમાં દર વર્ષે મહિલાઓના 15 કરોડ કામના દિવસો પાણી લાવવા અને ભરવામાં ખર્ચાય છે.

તેનો અર્થ એવો થાય કે જે સમયમાં તેઓ રોજગાર મેળવીને કમાણી કરી શકે એ સમય આવા કામોમાં ખર્ચાય છે. તેની અસર મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર જ નહીં, પરંતુ દેશના અર્થતંત્ર પર પણ થાય છે.

પ્રોફેસર અશ્વિની દેશપાંડે અર્થશાસ્ત્રી છે અને દિલ્હીની અશોકા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના વડા છે. તેઓ કહે છે, “મહિલાઓનો મોટાભાગનો સમય પાણી અને બળતણની વ્યવસ્થા કરવામાં જ વપરાય છે. પાણી લાવવાની મહેનત મહિલાઓએ જ કરવી પડે છે. તેથી તેઓ બંધાઈ જાય છે. તેઓ બીજું કશું કરી શકતા નથી. બીજા કામ કરીને પૈસા પણ કમાઈ શકતા નથી.”

પ્રોફેસર દેશપાંડે મહિલાઓ અવેતન શ્રમનો મુદ્દો પણ માંડે છે. તેમના મતે, આ કામને ગણતરીમાં લેવાતું નથી. તેથી મહિલાઓ આર્થિક સશક્તિકરણની બાબતમાં પાછળ રહી જાય છે.

તેઓ કહે છે, “મેક્રોઈકૉનૉમીની વાત કરીએ તો આપણે બે પાસાં સમજવા પડશે. એક તો જ્યાં કામ ઉપલબ્ધ છે ત્યાં મહિલાઓ કામ કરી શકતી નથી, કારણ કે તેમણે ઘરના કામ કરવા પડે છે, પરંતુ ઘણી સ્ત્રીઓ એવી છે, જે ઘરના કામ કરીને પણ રોજગાર મેળવવાના પ્રયાસ કરે છે. તેમાં સમસ્યા એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં તેમના માટે કોઈ કામ ઉપલબ્ધ નથી.”

અર્થતંત્ર પર કેવી અસર

ભારતના અર્થતંત્રમાં રૂ. 22.7 લાખ કરોડનું યોગદાન આપે છે, જે જીડીપીના સાડા સાત ટકા છે.

મહિલાઓના અવેતન શ્રમનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની અસર અર્થતંત્ર પર પડી શકે છે, એવી ચેતવણી નિષ્ણાતો પણ આપે છે.

સીમા કુલકર્ણી કહે છે, “પિરિયોડિક લેબર સર્વેમાં બહાર આવેલી સત્તાવાર માહિતી મુજબ, 2017-18માં

મહિલાઓના અવેતન શ્રમનું પ્રમાણ 31 ટકા હતું અને 2022-23ના ડેટા મુજબ, તે 37 ટકાની નજીક પહોંચી ગયું છે. સરકારનો ટેકો ન હોવાને કારણે આ વધારો થયો છે. તેથી સ્ત્રીઓએ પાણી ભરવામાં, અન્ન સુરક્ષામાં અને પરિવારની સંભાળ લેવાના કામમાં ઘણો સમય આપવો પડે છે. તેઓ આર્થિક વળતર મળે તેવું કામ કરી શકતી નથી અને તેની અર્થતંત્ર પર અસર થાય છે.”

બીજી તરફ સરકારનું કહેવું છે કે જાન્યુઆરી 2024 સુધીમાં દેશના 73 ટકા ગ્રામીણ ઘરોમાં પાણીનું પાઈપ્ડ કનેક્શન આપ્યું છે. તેને લીધે મહિલાઓ અને છોકરીઓને પાણી લાવવામાં થતા કષ્ટ તથા સમયમાં ઘટાડો થયો છે.

‘મને યાદ છે ત્યારથી કામ કરું છું’

જોકે, આ બધા આંકડાઓ અને ચર્ચાઓથી દૂર સુનીતાબાઈનું જીવન માત્ર પાણી લાવવામાં વહી રહ્યું છે. એક દિવસ પાણી ન ભરવાનું હોય અને બહુ બધો સમય મળે તો તેઓ શું કરે છે?

આ સવાલનો જવાબ સુનીતાબાઈ તરત આપી શકતા નથી.

ગ્રામીણ મહિલાઓના જીવનની વાત હસતા-હસતા કરતાં સુનીતાબાઈ કહે છે, “મને યાદ છે ત્યારથી હું કામ કરી રહી છું. સ્ત્રીનું જીવન પાણી ભરવામાં નીકળી જાય છે. એ વૃદ્ધ થાય અને ઉપર જાય ત્યાં સુધી.”

તેમને તેમની સખીને મળવા જવાનો સમય પણ છેલ્લા એક મહિનાથી મળ્યો નથી.

“એ ગામના એક છેડે રહે છે અને હું બીજા છેડે. પાણી ભરવામાંથી જ નવરા થતા નથી. ગયા મહિને ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મળી હતી. પછી છેક આજે મળી અને એ પણ તમારા લીધે.” સુનીતાબાઈ આ વાત કહે છે ત્યારે તેમની સખી માથું હલાવીને સંમત થાય છે.

મેં ભારપૂર્વક પૂછ્યું કે જરા વિચાર કરીને કહો કે તમને ફૂરસદનો સમય મળે તો શું કરો?

સુનીતાબાઈ કહે છે, “ફૂરસદનો સમય મળે તો મને ગીતો ગાવા ગમે છે.”

પણ તેમના ગીતો પણ પાણી મેળવવાના સંઘર્ષમાં સંભળાતા નથી.

“રડીશ નહીં દીકરા, હું પાણી ભરવા જાઉં છું

સોનાની થાળીમાં તને જમવા આપીશ

મોતીનો હાર તને રમવા આપીશ

રડીશ નહીં દીકરા, હું પાણી ભરવા જાઉં છું.”