ગુજરાત સરકારે કેમ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી?

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

10 વર્ષીય તન્વી પારગી દાહોદના ફતેપુરા તાલુકામાં રહે છે. તેમના પિતા પરવતભાઈ પારગી અમદાવાદ અને ગાંધીનગરમાં કડિયાકામ કરે છે.

પરવતભાઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "મારી દીકરીએ પણ આ વર્ષે પ્રવેશપરીક્ષા આપી હતી. મારી દીકરી ભણવામાં હોશિયાર છે. તેને સરકારની યોજનાવાળી સ્કૂલમાં પ્રવેશની પરીક્ષામાં 100માંથી 82 માર્ક્સ આવ્યા છે. અમારે તો તેને ‘ટૅલેન્ટ પૂલ વાઉચર સ્કીમ’માં જ પ્રવેશ લેવડાવાનો હતો. પરંતુ હવે જ્યારે આ સ્કીમ બંધ થઈ ગઈ છે તો અમારે તેને સરકારી શાળામાં મોકલવી પડશે. ટૅલેન્ટ પૂલની શાળા મળત તો અમને શાંતિ થઈ જાત, કેમ કે ત્યાર બાદ ભણવાનો બધો જ ખરચો સરકાર ઉઠાવતી હતી, હૉસ્ટેલની ફી આપતી હતી.

ગુજરાત સરકારે ‘ટૅલેન્ટ પૂલ વાઉચર સ્કીમ’ બંધ કરતા એક વાલી તરીકે પરવતભાઈ નિરાશા સાથે આ વાત કરે છે.

ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2024-25થી 'ટૅલેન્ટ પૂલ વાઉચર સ્કીમ' બંધ કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી. આ સ્કીમ 2008-2009માં શરૂ કરાઈ હતી.

ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની શિષ્યવૃત્તિ માટેની પ્રવેશપરીક્ષા લેવાઈ ગઈ હતી અને મેરિટ લિસ્ટ પણ આવી ગયું હતું, પરંતુ ત્યાર બાદ સ્કીમ બંધ કરવાનો પરિપત્ર આવ્યો છે.

આ સ્કીમનો અનુસૂચિત જનજાતિના અનેક વિદ્યાર્થીઓએ લાભ લીધેલો છે.

ગુજરાતના પશ્ચિમ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના નીશા નલવાયા આજે ભુજની મેડિકલ કૉલેજમાં એમબીબીએસ કરે છે.

નીશાના પિતા બાયડમાં આદિવાસી ખેડૂત છે. તેમની મહિનાની આવક 8થી 10 હજાર છે.

તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે, “મારી દીકરી ભણવામાં હોશિયાર છે, પણ મારી એટલી કમાણી નથી કે હું તેને સારી શાળામાં ભણાવી શકું. પરંતુ ‘ટૅલેન્ટ પૂલ વાઉચર સ્કીમ’ના કારણે તે સારી ખાનગી શાળામાં ભણી શકી. મારી એટલી કમાણી જ નહોતી કે હું તેને ખાનગી શાળામાં ભણાવી શકું, બાયૉલૉજીમાં ભણાવવા લાખોનાં ટ્યૂશનના ખર્ચ કરી શકું અને તેને ડૉક્ટર બનાવી શકું."

આવું જ કંઈક કહેવું છે દાહોદના વરુણ ભાભરના પિતા બાબુભાઈ ભાભરનું.

બાબુભાઈને ત્રણ બાળકો છે અને તેઓ અગાઉ અમદાવાદ-આણંદ બાજુ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા અને તેમને મહિને 3000-3500 રૂપિયા મળતા.

બાબુભાઈ બીબીસી સાથે વાત કરતા કહે છે, "મેં હવે ખેતીકામ શરૂ કર્યું છે અને મહિને 4000-5000 કમાઉ છું. જોકે આટલી કમાણીમાં હું બાળકોને સારી શાળામાં ભણાવી ન શકું. મારા એક બાળકને આ યોજના હેઠળ પ્રવેશ પણ મળી ગયો હતો."

શું છે ટૅલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર સ્કીમ?

ગુજરાત સરકાર દ્વારા 2008-09માં આ સ્કીમ બહાર પાડવામાં આવી હતી. આ સ્કીમ લાવવાનો સરકારનો હેતુ એ હતો કે, ‘અનુસૂચિત જનજાતિના હોશિયાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવા અને પ્રતિભાશાળી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મદદ કરવી, જેથી તેઓ સમાજના અન્ય વર્ગો સાથે આત્મવિશ્વાસપૂર્વક સ્પર્ધા કરી શકે.’

આ સ્કીમ હેઠળ ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી.

આ સ્કીમ હેઠળ ધોરણ 5ના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કે જેઓ પ્રવેશપરીક્ષા પાસ કર્યા પછી અને 60% કે તેથી વધુ ગુણ મેળવે તો આગલા વર્ગમાં પ્રવેશ મળી શકાતો હતો.

આ યોજનામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ કે જેઓ સરકારમાન્ય સારી ખાનગી શાળાઓમાં પ્રવેશ લેવા માગતા હોય તેને તેમને ઈએમઆરએસ નામની પ્રવેશપરીક્ષા આપવાની હોય છે, જેનું સંચાલન ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. આ એક સામાન્ય પરીક્ષા છે જેના દ્વારા વિદ્યાર્થીઓ એકલવ્ય, જવાહર વિદ્યાલય અને અન્ય કેટલીક જગ્યાએ પ્રવેશ મેળવી શકતા હતા.

યોજનાની પાત્રતા પરિવારની વાર્ષિક આવક પર આધારિત હતી. જો પરિવારની વાર્ષિક આવક બે લાખ સુધી હોય તો તેમને સંપૂર્ણ સબસિડી મળે, બેથી ત્રણ લાખની વચ્ચે હોય તો તેમને પચાસ ટકા સબસિડી મળે અને જે પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ હોય તેમને આ આ યોજના હેઠળ અરજી કરવાની પાત્રતા નહોતી.

આ યોજના હેઠળ સરકારે બે પ્રકારની શાળાને મંજૂરી આપી હતી, 'અતિ શ્રેષ્ઠ' અને 'શ્રેષ્ઠ' શાળા. જે વિદ્યાર્થીઓને અતિ શ્રેષ્ઠ શાળા મળે તેમને દર વર્ષે 80,000 રૂપિયાનું વાઉચર મળતું અને જેને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવે છે તેમને દર વર્ષે રૂપિયા 60,000 મળતા હતા.

જો શાળાની ફી આનાથી ઓછી હોય તો વિદ્યાર્થીને તે રકમ શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવામાં આવતી અને જો શાળાની ફી તેનાથી વધુ હોય તો બાકીની ફી વાલીએ ભરવાની રહેતી.

આદિજાતિ વિકાસ વિભાગની વેબસાઇટ અનુસાર, આ યોજના ગુજરાતના તમામ જિલ્લામાં ઉપલબ્ધ છે.

અરવલ્લી જિલ્લાના બાયડમાં ટૅલેન્ટ પૂલ યોજના હેઠળ આવી જ એક શાળા છે. શાળાના મૅનેજિંગ ડિરેક્ટર તપન પટેલ કહે છે, “જે વિદ્યાર્થીઓ ટૅલેન્ટ પૂલ સ્કૂલ હેઠળ પ્રવેશ મેળવે છે તેમને આ વાઉચર હેઠળ વાર્ષિક ફીથી લઈને હૉસ્ટેલની ફી, ગણવેશ, પુસ્તકો, વર્ષમાં એક વખત પિકનિક, મેડિકલ ખર્ચ, સાબુ, તેલ વગેરે બધું જ મળે છે. આ વિદ્યાર્થીઓ પહેલેથી જ ગુણવાન હોવાથી તેઓ સારી રીતે અભ્યાસ કરે છે અને ઉત્તમ કારકિર્દી બનાવે છે. અમારા વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રવેશ્યા છે.”

સ્કીમ કેમ બંધ કરવામાં આવી?

વર્ષ 2024-25 માટે પ્રવેશપરીક્ષા લેવાઈ હતી અને મેરિટ લિસ્ટ પણ બહાર આવી ગયું હતું. જોકે બાદમાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે ટૅલેન્ટ પૂલ વાઉચર સ્કીમ બંધ કરવામાં આવી છે.

બીબીસીએ આ યોજના બંધ કરવા પાછળનાં કારણો જાણવા આદિજાતિ વિકાસ વિભાગનો સંપર્ક કરવા કોલ, મૅસેજ અને ઇ-મેલ કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. પરંતુ સત્તાવાર પરિપત્રમાં આ યોજના બંધ કરવા પાછળનું કારણ એ છે કે ‘આ શાળાઓમાં પ્રવેશ મેળવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ અન્ય સરકારી શાળાઓ જેમ કે એકલવ્ય નિવાસી શાળા, જવાહર નવોદય વિદ્યાલય અને કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં પ્રવેશ ફેરબદલ કરે છે. આ કારણે, યોજનામાં તેની નિયત સંખ્યા કરતાં ઓછા વિદ્યાર્થીઓને લાભ મળે છે.’

આ સિવાય અન્ય યોજનાઓ છે જેમ કે જ્ઞાનશક્તિ નિવાસી શાળા અને જ્ઞાનશક્તિ આદિવાસી નિવાસી શાળાઓ, જે સમાન ધોરણે કાર્યરત્ છે. આથી ‘સરકાર યોજનાઓને ડુપ્લિકેટ કરવા માગતી નથી.’

પરંતુ જ્યારે બીબીસીએ શાળાસંચાલકો સાથે વાત કરી (જેઓ આ યોજનાનો ભાગ છે) તો તેમની પાસેથી અલગ વાત જાણવા મળી.

તપનભાઈ કહે છે, “દરેક શાળાને ટૅલેન્ટ પૂલ વાઉચર દ્વારા 40 જેટલા નવા વિદ્યાર્થીઓ રાખવાની છૂટ છે. અમારી શાળામાં દર વર્ષે 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને ભાગ્યે જ એવા વિદ્યાર્થીઓ હશે કે જેઓ શાળા છોડીને અન્ય કોઈ શાળામાં જોડાયા હોય. હકીકતમાં ટૅલેન્ટ પૂલ વાઉચર હેઠળની શાળાઓ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે.”

અમે આ શાળાઓના વાલીઓને પૂછ્યું કે તેઓ આ વિશે શું કહે છે.

તો તન્વીના પિતા પરવતભાઈ પારગી કહે છે કે, "મારી દીકરીએ પ્રવેશપરીક્ષામાં 82 માર્ક્સ મેળવ્યા છે. અમે વિચાર્યું કે અમે તેને ટૅલેન્ટ પૂલ સ્કીમ હેઠળ શાળામાં મોકલીશું. પરંતુ પરિણામ પછી ખબર પડી કે ટૅલેન્ટ પૂલ વાઉચર બંધ થઈ ગયું છે. અમારી પ્રથમ પસંદગી ટૅલેન્ટ સ્કીમ હતી, કારણ કે આ શાળાઓનું પરિણામ સારું છે. અમે માત્ર ટૅલેન્ટ પૂલ માટે અરજી કરી છે. હવે આ યોજના બંધ થઈ ગઈ છે, મારે તેને બીજી સરકારી શાળામાં મોકલવી પડશે."

આ યોજનાના કેવા લાભ થયાં છે?

છેલ્લાં 16 વર્ષમાં આ યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે બીબીસીએ વાત કરી.

નિશા રાજુ નલવાયા દાહોદના બાયડનાં છે. તેમણે ટૅલેન્ટ પૂલ વાઉચર સ્કીમમાંથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા નાના ખેડૂત છે. નિશા આજે ભુજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે.

તેમના પિતા કહે છે, “મારું તો ગજુ જ નહોતું કે હું મારી દીકરીને આટલા ખરચા કરીને એમબીબીએસ કરવી શકું. આ તો આવી યોજનાના લીધે હું તેને ભણાવી શક્યો.”

તેઓ એમ પણ કહે છે કે, અમારા ગામની ટૅલેન્ટ પૂલ સ્કૂલમાં 3-4 વિદ્યાર્થીઓ છે. બધા ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે."

અરવિંદ રાઠવા છોટાઉદેપુરના છે. તેમણે આ વર્ષે 482 માર્ક્સ સાથે નીટ પાસ કરી છે. તેઓ મેડિકલ કૉલેજમાં ઍડમિશનની રાહ જોઈ રહ્યા છે. તેઓ પણ ટૅલેન્ટ પૂલ સ્કીમ હેઠળ ભણ્યા છે.

તેમના પિતા કહે છે, “અમે તેની શાળાથી ખૂબ ખુશ છીએ. તેની શાળાએ તેને સારી રીતે શીખવ્યું. તેણે 10માં 95 ટકા અને 12માં 84 ટકા મેળવ્યા. અમે આશા રાખીએ છીએ કે તે એમબીબીએસમાં પણ સ્થાન મેળવશે. હું એક નાનો ખેડૂત છું જે ભાગ્યે જ મહિને 3000થી 4000 કમાય છે. ટૅલેન્ટ પૂલ યોજનાઓ એકલવ્ય શાળાઓ કરતાં ઘણી સારી છે.”

પૂરણભાઈ પંચમહાલમાં શાળા ચલાવે છે જે ટૅલેન્ટ પૂલ વાઉચર હેઠળ મંજૂર થયેલી છે. બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, “અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે મેડિકલ અને એન્જિનિયરિંગ અને કૉમર્સમાં સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓ આ શાળાઓ છોડી રહ્યા છે તેવું કહેવું સાચું નથી. આજે અમારી પાસે કુલ 180 વિદ્યાર્થીઓ છે જેમને આ યોજના દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેમાંથી કોઈએ શાળા છોડી નથી. અમારી શાળાનું સરેરાશ પરિણામ 95 ટકા છે."

વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ અંગે તેઓ કહે છે, "આ વિદ્યાર્થીઓ એટલા ગરીબ પરિવારના છે કે તેમનાં માતા-પિતા અમદાવાદ જેવાં શહેરોમાં સ્થળાંતરિત મજૂરો છે. તેઓ તેમનાં બાળકોના શિક્ષણની દેખરેખ રાખી શકતાં નથી અને અમારા જેવી શાળાઓ તેમને શીખવા અને આગળ વધવા માટે જગ્યા પૂરી પાડે છે."

તપનભાઈ કહે છે, "મારી શાળામાં મોટા ભાગના વિદ્યાર્થીઓનાં માતા-પિતા મજૂર છે. તેઓ સૌથી ગરીબ પૃષ્ઠભૂમિમાંથી છે, આ વિદ્યાર્થીઓ તેમના સમુદાયમાં પરિવર્તનકર્તા છે. જો તેઓ શિક્ષિત હશે તો તેમનું જીવન બદલાઈ જશે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ તેમનાં ગામડાંમાં ફરક લાવે છે. આવી યોજનાઓ બંધ કરવી એ આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એક ખોટું પગલું છે."

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પર તેની કેવી અસર પડશે

આદિજાતિ વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર વર્ષ 2019-20માં 1262 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

તપનભાઈ કહે છે, "આ યોજના હેઠળ દર વર્ષે 500 ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. આ યોજના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓના ઉછેરમાં મદદરૂપ થઈ હતી."

બીબીસીએ કેવડિયાના આદિવાસી વિસ્તારમાં કામ કરતા સામાજિક કાર્યકર લખન મુસાફિરને પૂછ્યું કે આ યોજના બંધ થવાને કારણે આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ પર શું અસર પડી શકે છે.

તેમણે કહ્યું કે, "વિદ્યાર્થીઓ એકલવ્ય શાળામાં શિફ્ટ થાય છે તે દલીલ પાયાવિહોણી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે એકલવ્ય શાળાઓમાં કાયમી શિક્ષકો ન હોવા જેવા અનેક પ્રશ્નો હતા."

"પરંતુ ટૅલેન્ટ ટૂલ વાઉચર ખાનગી શાળાઓ સાથે જોડાણમાં છે, તેથી આ યોજનાનો લાભ ખાનગી શાળાઓને મળી રહ્યો છે. પરંતુ આપણે હજુ પણ એ હકીકતને અવગણવી ન જોઈએ કે આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આ શાળાઓનું યોગદાન પ્રશંસનીય છે."

હવે સવાલ એ છે કે જો આ યોજના હેઠળ 500 બેઠકો બંધ કરવામાં આવી છે તો શું સરકારે અન્ય કોઈ યોજનામાં આદિવાસી વિદ્યાર્થીઓની બેઠકો વધારી છે. વિચાર એ છે કે વિદ્યાર્થીઓને અન્ય યોજનાઓમાં સમાન બેઠકો પ્રદાન કરવી જોઈએ.

ટૅલેન્ટ પૂલ સ્કીમ, આદિવાસીઓ વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડતી અસર અંગે બીબીસીએ આદિવાસી વિકાસ વિભાગના સચિવ કૃષ્ણ મુરલી સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમના તરફથી જવાબ મળશે ત્યારે આ અહેવાલમાં અપડેટ કરાશે.