You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવું ગામ જે બે રાજ્યોની સરકાર વચ્ચે વહેંચાયેલું છે
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
"મારું ઘર મહારાષ્ટ્રમાં છે અને મારા ઢોર માટેનો તબેલો ગુજરાતમાં બાંધેલો છે."
આ શબ્દો છે વલસાડના ધરમપુર તાલુકાના શિવપાડાના સ્થાનિક સુરશભાઈ ગાયકવાડના.
તમને થશે આ ભાઈએ તેમનાં ઢોર આટલાં દૂર કેમ રાખ્યાં હશે? પરંતુ એવું નથી, ઢોર તો તેમના ઘરની નજીક જ છે, પરંતુ તે જેવા જ ઘરની બહાર પગ મૂકે છે કે મહારાષ્ટ્રની સરહદ ત્યાંથી પસાર થાય છે.
તમને કેવું લાગશે જો તમે એક રાજ્યમાં રહો અને તમારો પાડોશી બીજા રાજ્યમાં? તમારું ઘર એક રાજ્યમાં હોય અને તમારાં ઢોર બીજા રાજ્યમાં?
સાંભળવામાં અજુગતું લાગે છે પણ આ વાસ્તવિક્તા છે ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર આવેલા મોરદહાડ ગામની.
સુરશે ગાયકવાડ કહે છે કે, "હું ઘરની બહાર પગ મૂકું એટલે સરહદ આવી જાય છે. સરહદ બિલકુલ મારા આંગણામાંથી પસાર થાય છે. જ્યારથી મારો જન્મ થયો છે ત્યારથી મેં આ જ સ્થિતિ જોઈ છે.''
શું છે મોરદહાડ ગામની ખાસિયત?
- મોરદહાડ ગામની વસતી 700 છે. શિવપાડામાં બંને તરફની વસતી 300 લોકોની છે
- ગામમાં ચાર ફળિયા છેઃ નિશાળ ફળિયા, વડપાડા, વેલપાતર અને શિવપાડા
- ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે
- આ ગામ મુરદડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે. મોરદહાડ ગામના લોકો મુરદડ તાલુકા પંચાયત બેઠક માટે મતદાન કરે છે
- શિવપાડા બે રાજ્યોમાં વહેંચાયલો છે અને સરહદ આ ફળિયાનું વચ્ચેથી પસાર થાય છે
ગુજરાત રાજ્યનું છેલ્લું ગામ અને અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાં મોરદહાડ ગામ દરેક રીતે બીજા ગામોથી અનોખું છે.
આ ગામની વિશેષતા એ છે કે અહીંની શિવપાડા ફળિયાની વચ્ચોવચ ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પસાર થાય છે. આ સરહદ એવી રીતે પસાર થાય છે કે બંને બાજુ મકાનો વહેંચાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચારેય તરફથી ડુંગરોથી ઘેરાયલાં આ ગામના શિવપાડા ફળિયામાં પ્રવેશ કરો ત્યારે તમને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો દ્વારા ઊભી કરવામાં આવેલી સુવિધાઓ તમને જોવા મળે.
શિવપાડાનો મહારાષ્ટ્ર તરફનો વિસ્તાર ભેંસખડક ગામનો ભાગ છે જે નાશિક જિલ્લાના સુરગણા તાલુકામાં આવે છે. ગુજરાતનો ભાગ ધરમપુર તાલુકામાં આવે છે.
શિવપાડા ફળિયામાં કેટલાંક ઘર એવાં છે જે મહારાષ્ટ્રમાં છે અને તેમનું આંગણું ગુજરાતમાં છે. ગુજરાત રાજ્યમાં 12 મકાનો છે, જયારે મહારાષ્ટ્ર તરફ 17 મકાનો છે.
મોદહાડ ગામના સ્થાનિક શાંતિલાલ સેવરે બીબીસી સાથેની વાતચીતમાં સમજાવે છે સરહદ ક્યાં-ક્યાંથી પસાર થાય છે.
તેઓ કહે છે કે, "ગુજરાતની બાજુનાં ચાર-પાંચ ઘર તો એવાં છે કે સરહદને અડીને આવેલાં છે. તેમના ઓટલાથી સરહદ પસાર થાય છે."
"આ બંને ગામો વચ્ચે જે રોડ છે તે પણ અડધો ગુજરાત દ્વારા સંચાલિત છે તો બીજી તરફનો અડધો રોડ મહારાષ્ટ્ર દ્વારા સંચાલિત છે. આ બંને ગામો વચ્ચે રોડ એક જ છે પણ તેને બનાવવા માટે અલગ-અલગ રાજ્યોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે."
શિવપાડા ફળિયામાં બંને તરફના ઘરો માટે વીજળી, રસ્તા, પીવાના પાણી અને પ્રાથમિક શાળાની અલયાદી વ્યવસ્થા છે.
"પરંતુ રાજ્ય અલગ-અલગ હોવાથી બંને બાજુ વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ અલગ-અલગ રાજ્યની સરકારો પૂરી પાડે છે. આ ગામમાં પાણીની ટાંકીઓ પણ બંને બાજુ અલગ-અલગ છે."
"અહીં બંને રાજ્યોની અલગ પ્રાથમિક શાળાઓ છે. મહારાષ્ટ્રમાં રહેતાં કટેલાક પરિવારોનાં બાળકો ગુજરાતની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યાં છે, હજી પણ ભણી રહ્યાં છે. આવી જ સ્થિતિ ગુજરાતમાં રહેતાં પરિવારોની છે. ગુજરાતની પ્રાથમિક શાળા મોરદહાડ ગામની વચ્ચે છે અને મહારાષ્ટ્રમાં જે શાળા છે તે અહીથી માત્ર 400 મીટર દૂર છે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ધરમપુર અથવા નાસિક જતાં હોય છે."
ગુજરાતના રહેવાસી ગોપાલ ગાયકવાડએ પોતાનું શિક્ષણ મહારાષ્ટ્રથી પૂર્ણ કર્યું છે. હાલ તેઓ નાસિકમાં નોકરી શોધી રહ્યા છે.
તેઓ કહે છે કે, "ઉમરથાણા વિસ્તારમાં શિવપાડાનો જે વિસ્તાર આવેલો છે ત્યાં હજી વીજળી અને પાણીની સમસ્યા છે. લોકોને શિક્ષણ તો મળી રહે છે પરંતુ બીજી સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે."
શિવપાડા બે ભાગોમાં કેમ વહેચાયું?
આ વિશે ઊંડાણપૂર્વક સમજવા બીબીસીએ સામાજિક આગેવાન સુરેશ જોગારી જોડે વાત કરી. તેઓ જણાવે છે કે, "જયારે બંને રાજ્યોના ભાગ પાડવામાં આવ્યા ત્યારે અહીંયા ગાઢ જંગલો હતાં. તેના કારણે સરકાર અહીં જોવા ન આવી શકી કે આ સરહદ એક ગામને બે ભાગમાં વહેંચી દે છે."
"આ ઉપરાંત, તે સમયે આ ગામના વડીલો પણ અભણ હતા. તેમણે પણ આ વિશે સરકારને પ્રશ્ન ન કર્યો અને આ ગામ બે રાજ્યો વચ્ચે વહેંચાઈ ગયું. વર્ષોથી આવી જ સ્થિતી છે અને બંને રાજ્યોની સરકારે શિવપાડા મામલે કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી.
પંચાયતના કામો કઈ રીતે થાય છે? તેના જવાબમાં ગામના રહીશ ગોપાલ ગાયકવાડ કહે છે કે, પંચાયતના અને સરકારી યોજનાના લાભો માટે જે-તે રાજ્યમાં આવેલી પંચાયત કચેરીમાં જવું પડે છે. મોરદહાડમાં પંચાયત ઑફિસ છે એવી જે રીતે ઉમરથાણામાં પંચાયત કચેરી આવેલી છે. મહારાષ્ટ્રની બાજુએ રહેતા લોકોને સરકારી વહીવટી કાર્ય માટે મહારાષ્ટ્રના ઉમરથાણા જવું પડે છે. શિવપાડાથી ઉમરથાણા માત્ર બે કિલોમીટર છે.
એકબીજા પર નિર્ભર બંને રાજ્યના લોકો
બે સરકારો વચ્ચે વહેંચાયલાં હોવાના કારણે આ શિવપાડાની બંને બાજુએ મૂળભૂત સુવિધાઓની બાબતમાં ભિન્નતા જોવા મળે છે. રસ્તા, હૉસ્પિટલ, વીજળી અને સુવિધાઓ માટે એક બાજુને બીજી બાજુ કરતાં ઓછી મળી છે.
સુરેશ જોગારી કહે છે કે, "આ ગામોની ભૌગલિક સ્થિતિ એવી છે કે મહારાષ્ટ્ર કરતાં ગુજરાત પાસે વધુ મોટો વિસ્તાર છે. હૉસ્પિટલ જેવી સુવિધા ગુજરાતમાં સારી હોવાથી અને નજીકમાં હોવાના કારણે તાત્કાલિક જરૂરિયાત જણાય ત્યારે મહારાષ્ટ્રની બાજુના લોકો વલસાડના ધરમપુર ગામમાં હૉસ્પિટલ જાય છે. ઉમરથાણા અને સુરગાણાના રહીશો પણ આરોગ્ય અને વસ્તુઓની ખરીદી પણ ધરમપુરથી જ કરે છે.
દિવ્યા ગાયકવાડનું ઘર મહારાષ્ટ્રની તરફ છે અને તેઓ ઘણી વસ્તુઓ માટે તે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યો પર નિર્ભર છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "ઉમરથાણા કરતાં ધરમપુર મોટું નગર છે અને સુવિધાઓ પણ સારી છે. અમારે કોઈ વસ્તુની જરૂર હોય તે લેવા અમારે સામાન્યતઃ ધરમપુર જ જવું પડે. મારા છોકરાનો જન્મ પણ ધરમપુરમાં જ થયો છે. શિવપાડાનાં લોકો નાની મોટી બીમારીમાં ધરમપુર જ જાય છે.
તેઓ વધુમાં કહે છે કે, "મારાં પિતા ખેત પેદાશ વેચવા માટે ક્યારેક ધરમપુર તો ક્યારેક ઉમરથાણા જાય છે. કેટલીક વસ્તુઓની ખરીદી માટે અમારે સુરગાણા જવું પડે છે. અમારા મિત્રો અને સંબંધીઓ બંને રાજ્યોમાં છે અને એટલે અમારે સમાયંતરે બંને રાજ્યોમાં મુસાફરી કરતાં હોઈએ છીએ."
હાલમાં શિવપાડામાં કૉમ્યુનિટી હૉલનું બાંધકામ ચાલી રહ્યું છે. નવાઈની વાત એ છે કે હૉલ માટેનું ભંડોળ મહારાષ્ટ્ર સરકાર આપી રહી છે અને તે બની રહ્યું છે ગુજરાતમાં! તેની પાછળનું કારણે એ છે કે મહારાષ્ટ્ર તરફ જમીન મળતી નહોતી.
સુરેશ જોગારી કહે છે કે, "આવું માત્ર શિવપાડામાં શક્ય બની શકે કારણકે બંને તરફનાં લોકો એકબીજા માટે લાગણી ધરાવે છે. હૉલ બાંધવા માટે જગ્યાની શોધખોળ ચાલતી હતી ત્યારે ગુજરાતમાં રહેતા પાડોશીઓએ જગ્યા આપી જેમાં હાલ બાંધકામ ચાલી રહ્યું છે. આ હૉલ બંને રાજ્યોનાં લોકો ઉપયોગ કરશે, જે એક નવીન વાત હશે."
"એક સરહદે ભલે શિવપાડાને બે ભાગોમાં વહેંચી દીધું હોય પરંતુ અહીંના લોકો માટે સરહદ કોઈ મહત્ત્વની નથી. અહીંના લોકો નિખાલસતાથી અને પ્રેમસભર રહે છે અહીં તેમની વચ્ચે કોઈ સરહદ નથી."