ગુજરાતમાં મુસ્લિમોની વાત કરવાનો અર્થ ‘ચૂંટણીમાં પરાજય’ એવો છે?

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદ

અમદાવાદના હ્યુમન ડેવલપમૅન્ટ ઍન્ડ રિસર્ચ સેન્ટર (એચડીઆરસી) નામના એક બિનસરકારી સંગઠને (એનજીઓ) કેટલાક સફાઈ કર્મચારીઓની ભરતી માટે એપ્રિલ – 2016માં એક જાહેરાત બહાર પાડી હતી.

તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, પટેલ અને જૈન સમુદાયના લોકોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. જાહેરાતની નીચે એનજીઓના ડિરેક્ટર પ્રસાદ ચાકોની સહી હતી.

સફાઈ કર્મચારીઓની ભરતીની આ જાહેરાત વાઇરલ થઈ હતી. તેમાં કહેવાતી ઊંચી જ્ઞાતિના ઉમેદવારોને અગ્રતા આપવાનું જણાવવામાં આવ્યું હતું. એ બાબતે મોટો વિવાદ સર્જાયો હતો અને એનજીઓની ઑફિસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

હુમલો કરનાર લોકોમાં અનેક જમણેરી સંગઠનોની સાથે કૉંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઈન્ડિયા (એનએસયુઆઈ)ના કાર્યકરો પણ સામેલ હતા. પ્રસાદ ચાકોએ ભૂગર્ભમાં ઊતરી જવું પડ્યું હતું.

તમે આવી જાહેરાત શા માટે બહાર પાડી હતી, એવું પ્રસાદ ચાકોને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મેં અત્યંત પ્રમાણિકતાપૂર્વક જાહેરાત બહાર પાડી હતી. સમાજના ઉપલા વર્ગના લોકો અનામતના વિરોધી છે. તેથી હું એ ચકાસવા ઇચ્છતો હતો કે જે કામ દલિતો સદીઓથી કરતા રહ્યા છે એ કામ કરવા માટે ઊંચી જ્ઞાતિના લોકોની નિમણૂક કરવામાં આવે તો તેનો પ્રતિભાવ કેવો હશે. મને પ્રતિભાવની ખબર પડી ગઈ.”

અમદાવાદસ્થિત વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહે જણાવ્યું હતું કે પ્રસાદ ચાકોનો પ્રયોગ બહુ રસપ્રદ હતો. તેમની જાહેરાતે સવર્ણોની પોલ ખોલી નાખી હતી.

રાજીવ શાહે કહ્યું હતું કે, “એનએસયુઆઈના કાર્યકરોનો એચડીઆરસીની ઑફિસ પરનો હુમલો દર્શાવે છે કે ગુજરાત કૉંગ્રેસમાં જ્ઞાતિવાદી અને સાંપ્રદાયિક સવર્ણોનું મોટું પ્રમાણ છે. ગુજરાતમાં 2002ના હુલ્લડ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે કૉંગ્રેસ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)થી ડરીડરીને ચૂંટણી લડે છે. કૉંગ્રેસ ભાજપના હિન્દુત્વ તથા બહુસંખ્યકવાદના રાજકારણને ખુલ્લેઆમ પડકારતી નથી. તેને એવું લાગે છે કે તે ચૂંટણીમાં 2002ના હુલ્લડની વાત કરશે તો તેને નુકસાન થશે.”

ગુજરાતમાં વિપક્ષ કૉંગ્રેસ કે આપ કેમ મુસ્લિમોના મુદ્દા નથી ઉઠાવતા?

  • ગુજરાતમાં ભાજપ પાછલાં ઘણાં વર્ષોથી જીતતો આવ્યો છે
  • નિષ્ણાતો માને છે કે ‘હિંદુત્વના એજન્ડા’ને આશરે તેઓ જીત સુનિશ્ચિત કરે છે
  • સામેની બાજુએ મુસ્લિમોના મુદ્દા ઉઠાવવા માટે ગુજરાતમાં જાણે ‘કોઈ નથી’
  • પરંતુ આખરે વિપક્ષ કૉંગ્રેસ અને આપ કેમ મુસ્લિમોને આકર્ષવા તેમના મુદ્દા નથી ઉઠાવતા?
  • શું ગુજરાતમાં મુસ્લિમોના મુદ્દા ઉઠાવવાનો અર્થ ‘હાર’ છે?

2002ની વાત કરવાથી હિંદુ રોષે ભરાય છે?

ખરેખર એવું છે કે કૉંગ્રેસ 2002ના હુલ્લડનો મુદ્દો ઉઠાવશે તો ગુજરાતના હિંદુઓ રોષે ભરાશે અને ભાજપની તરફેણ કરશે?

રાજીવ શાહે કહ્યું હતું કે “કૉંગ્રેસનો આવો ડર વાજબીપણે લાગે છે. હું માનું છું કે ગુજરાતના શહેરી મધ્યમ વર્ગના હિંદુઓને 2002ના હુલ્લડ બાબતે કોઈ છોછ નથી. તેથી કૉંગ્રેસ તેનો વિરોધ કરે તો આ મધ્યમ વર્ગ વધારે મજબૂતીથી ભાજપને ટેકો આપી શકે છે. કૉંગ્રેસ આ વ્યૂહરચના વડે ભાજપને હરાવી શકે તેમ નથી એ વાત પણ સાચી છે. ભાજપને હરાવવો હોય તો તેની સાથે સીધી ટક્કર લેવી પડે. ઓછાવત્તા અંશે ભાજપ જેવા જ બનવાથી તે હારી જશે.”

ગુજરાતમાં 2002ની 27-28, ફેબ્રુઆરીથી હુલ્લડ શરૂ થયું હતું અને કેટલાય દિવસો સુધી ચાલ્યું હતું. સાબરમતી એક્સપ્રેસના કોચ ક્રમાંક છમાં ગોધરા સ્ટેશને આગ લાગવાને કારણે હુલ્લડ શરૂ થયાં હતાં. આગ લાગવાની દુર્ઘટનામાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા, જે પૈકીના મોટાભાગના અયોધ્યાથી અમદાવાદ પરત આવી રહેલા કારસેવકો હતા.

સરકારી આંકડા મુજબ, ગુજરાતના હુલ્લડમાં કુલ 1,044 લોકો માર્યા ગયા હતા. તેમાં 790 મુસલમાન અને 254 હિંદુ હતા.

મોટા પ્રમાણમાં હુલ્લડ થયાં હતાં એ વિસ્તારોમાંની 65માંથી 53 બેઠકો ભાજપને મળી હતી. 2002માં ગુજરાતમાં ભાજપનો વિધાનસભાની કુલ 182 પૈકીની 126 બેઠકો પર વિજય થયો હતો. ભાજપને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં 73 બેઠકો મળી હતી.

ભાજપને સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું હતું. એ વિસ્તારના ભાજપના 11 પ્રધાનો પૈકીના મોટાભાગના પોતાની બેઠકો જાળવી શક્યા ન હતા.

રસપ્રદ વાત એ છે કે ભાજપને 2002માં આ વિજય 50 ટકા મત સાથે મળ્યો હતો, પરંતુ કૉંગ્રેસની મોટી હાર લગભગ 40 ટકા મત સાથે થઈ હતી.

ભાજપ આજે પણ આ મુદ્દે આક્રમક હોય છે.

‘કોઈ સાથે ભેદભાવ નહીં’

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે કહ્યું હતું કે, “ભાજપ સરકારે કોઈની સાથે ભેદભાવ કર્યો નથી. બિલકીસબાનોની વાત કરીએ તો બધું કાયદા અનુસાર થયું છે. જે લોકો ગુજરાતના 2002ના હુલ્લડની વાત કરે છે તેઓ ગોધરાને ભૂલી જાય છે. કૉંગ્રેસના રાજમાં સૌથી વધારે હુલ્લડ થયાં હતાં. ભાજપની સરકારે તો હુલ્લડને કાબૂમાં રાખ્યાં છે. અમે તુષ્ટિકરણના રાજકારણ પર લગામ તાણી છે. હવે કોઈ પણ પક્ષ તુષ્ટિકરણનું રાજકારણ રમવાની હિંમત નથી કરતો.”

આ મુદ્દે ભાજપનું વલણ તો સમજી શકાય તેવું છે, પરંતુ કૉંગ્રેસ આવું શા માટે કરી રહી છે?

અમદાવાદના સેન્ટર ફૉર સોશિયલ નૉલેજ ઍન્ડ ઍક્શનના ડિરેક્ટર તથા જાણીતા સમાજવિજ્ઞાની અચ્યુત યાજ્ઞિકે કહ્યું હતું કે, “કશું નહીં કરીએ તો પણ લોકો મોટી સંખ્યામાં પક્ષને મત આપે છે, એવું કૉંગ્રેસ માને છે. આ નીતિને કારણે કૉંગ્રેસ હુલ્લડ વિશે વાત જ કરતી નથી.”

તેમણે ઉમેર્યું હતું કે, “2002ની હાર પછી તત્કાલીન કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી સમક્ષ એવું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું હતું કે જે વિસ્તારમાં મુસલમાનોની વસતી 25 હજારથી વધારે છે એ વિસ્તારોમાં પક્ષના ઉમેદવારો હાર્યા છે. કૉંગ્રેસના ઉમેદવારો તો મુસલમાનોના વિસ્તારમાં મત માગવા માટે પણ ગયા ન હતા. કૉંગ્રેસે સોફ્ટ હિંદુત્વની નીતિ તો અપનાવી, પણ તે ગુજરાતમાં મજબૂત થઈ નહીં. ગુજરાતમાં હિંદુત્વના રાજકારણનો જવાબ હિંદુત્વ-વિરોધી રાજકારણથી આપવો જોઈતો હતો, પરંતુ કૉંગ્રેસે સોફ્ટ હિંદુત્વ અપનાવ્યું અને તે આજ સુધી નિષ્ફળ છે. આ વખતે તો એવી પરિસ્થિતિ છે કે કૉંગ્રેસ બીજા નંબરની લડાઈ લડી રહી છે.”

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કૉંગ્રેસે રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રધાન રઘુ શર્માને પ્રભારી બનાવ્યા છે. બીબીસીએ તેમને સવાલ કર્યો હતો કે 2002ના હુલ્લડ પછી ગુજરાતમાં કૉંગ્રેસના રાજકારણમાં શું ફરક પડ્યો?

તેમણે કહ્યું હતું કે, “અમે ભૂતકાળમાં ગૂંચવાયેલા રહેવા ઇચ્છતા નથી. લોકો 2002ના હુલ્લડમાંથી બહાર નીકળી ગયા છે અને હવે વિકાસના મુદ્દે વાત થવી જોઈએ. અહીં બેરોજગારી, ગરીબી, બીજી સમસ્યાઓ અને શિક્ષણસંબંધી સવાલો પૂછવા જોઈએ.”

રાજીવ ગાંધી હિંદુત્વના રાજકારણ પર સીધો હુમલો કરતા હતા, પણ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ તેમ કરતાં ખચકાય છે શા માટે, એવો સવાલ પૂછ્યો ત્યારે રઘુ શર્મા નારાજ થઈ ગયા હતા.

તેમણે કહ્યું હતું કે, “રાહુલ ગાંધી હિંદુત્વ અને હિંદુ વિરોધી નથી. તમારે એજન્ડામાંથી બહાર આવવું જોઈએ. અમે હિંદુ ધર્મના વિરોધી નથી. તમે અમને સવાલો કરીને ફસાવવા ઇચ્છો છો.”

મુસલમાનોનું પ્રતિનિધિત્વ

અચ્યુત યાજ્ઞિકે જણાવ્યું હતું કે કોંગ્રેસે સૌપ્રથમ તેના નેતાઓની સૈદ્ધાંતિક સમજ વધારવી જોઈએ. કૉંગ્રેસના મોટાભાગના નેતાઓને ખબર નથી કે હિંદુત્વનો અર્થ હિંદુ ધર્મ નથી.

હિંદુત્વ વિરુદ્ધ બોલવું તે હિંદુ ધર્મના વિરોધી હોવું નથી. કૉંગ્રેસમાં મોટાભાગના નેતાઓ જમણેરી પાંખના છે, એમ અચ્યુત યાજ્ઞિકે કહ્યું હતું.

ગુજરાતના લગભગ દસ ટકા નાગરિકો મુસલમાન છે, પણ ભાજપ અહીં એકેય મુસલમાનને ટિકિટ આપતો નથી. તેને લીધે કૉંગ્રેસે પણ મુસલમાન ઉમેદવારોનું પ્રમાણ ઘટાડવાનું શરૂ કર્યું છે.

કૉંગ્રેસે ગત ચૂંટણીમાં માત્ર છ મુસલમાનોને ટિકિટ આપી હતી. તેમાંથી ત્રણનો વિજય થયો હતો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારના વિધાનસભ્ય ગ્યાસુદ્દીન શેખે તાજેતરમાં જ માગ કરી હતી કે વસ્તીના હિસાબે મુસલમાનોને કમસેકમ 18 ટિકિટ મળવી જોઈએ. પક્ષ એટલી ટિકિટ આપતો નથી, પણ દસથી 11 ટિકિટ તો આપવી જ જોઈએ.

મુસલમાનોની વસતીના પ્રમાણમાં તેમને ચૂંટણીની ટિકિટ કેમ આપવામાં આવતી નથી, એવા સવાલના જવાબમાં રઘુ શર્માએ કહ્યું હતું કે, “જીતી શકે એવા ઉમેદવારોને પક્ષ ટિકિટ આપે છે.”

મુસલમાનોને ટિકિટ નહીં આપવાના મુદ્દે ભાજપ પણ આવી દલીલ કરે છે.

ઑક્ટોબરમાં નવરાત્રી દરમિયાન ગરબા પર પથ્થરમારો કરવા બદલ કેટલાક મુસ્લિમ યુવાનોને બાંધીને જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા. આ બાબતે કૉંગ્રેસ ચૂપ રહી હતી, પણ અમદાવાદના જમાલપુર-ખાડિયાના કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે તેનો વિરોધ કર્યો હતો.

ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે આ મુદ્દે કૉંગ્રેસનું મૌન લઘુમતીના મનમાં ચિંતા જન્માવી રહ્યું છે.

મુસલમાનોની વાત કરવી એ ગુનો છે?

વડોદરાસ્થિત સામાજિક કાર્યકર ઝુબૈર ગોપલાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મુસલમાનો વિશે વાત કરવું એ ગુનો બની ગયો છે.

તેમણે કહ્યું હતું કે, “ભાજપ પાસેથી કોઈ આશા નથી. ભાજપ માટે ચૂંટણી જીતવા મુસલમાનોથી નફરત કરવી જરૂરી છે. અમને લાગતું હતું કે કૉંગ્રેસ તેનો ખુલ્લો વિરોધ કરશે, પણ આવું કરવાથી ચૂંટણીમાં હારી જવાશે એવું કૉંગ્રેસ માને છે. કૉંગ્રેસ 2002ના હુલ્લડને ભૂલાવી દેવા ઇચ્છે છે અથવા તો જાણીજોઈને યાદ રાખવા ઇચ્છતી નથી.”

ઝુબૈર ગોપલાણીએ ઉમેર્યું હતું કે, “કૉંગ્રેસને એવું લાગે છે કે તે 2002ના હુલ્લડનો મુદ્દો ઉઠાવશે તો બધા હિંદુઓ તેની સામે એક થઈ જશે. 2002ના હુલ્લડમાં મુસ્લિમો પર જે અત્યાચાર થયા તેની સાથે હિંદુઓ સહમત હતા. એ વાત કૉંગ્રેસના વલણનું કારણ હોઈ શકે. કૉંગ્રેસ આ વાત સાથે અસંમત થવા ઇચ્છતી નથી. આવું ન હોય તો કૉંગ્રેસે ખુલ્લેઆમ અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ. અમે આમ આદમી પાર્ટી પાસેથી આવી આશા રાખીએ છીએ, પરંતુ એ પણ મુસલમાનોથી પોતાને દૂર રાખતી હોય એવું લાગે છે.”

ઝુબૈર ગોપલાણીએ એમ પણ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીના વલણમાંથી થોડું આશ્વાસન મળે છે. તેઓ હિંદુત્વના રાજકારણનો ખુલ્લેઆમ વિરોધ કરે છે, પરંતુ પ્રદેશ કૉંગ્રેસનું વલણ તેનાથી તદ્દન ઊલટું છે. રાજીવ અને સોનિયા ગાંધી કરતાં પણ વધારે સેક્યુલર રાહુલ ગાંધી છે. એ જ કારણે મીડિયામાં તેમની પપ્પુ તરીકેની ઇમેજ બનાવી દેવાઈ છે.”

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અર્જુનભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ ચૂંટણીમાં ભાજપને એવો કોઈ મુદ્દો આપવા નથી ઇચ્છતી જેના વડે ભાજપ ધ્રુવીકરણ કરી શકે.

મુસલમાનોનાં અધિકાર અને પ્રતિનિધિત્વની વાત કરવી એ ધાર્મિક ધ્રુવીકરણને વેગ આપવો એવું કહેવાય? આ સવાલના જવાબમાં અર્જુનભાઈ રાઠવાએ કહ્યું હતું કે, “ભાજપ તેનો ખોટી રીતે ઉપયોગ કરી લે છે. તેથી અમે ઇચ્છતા હોવા છતાં એ મુદ્દા ઉઠાવી શકતા નથી, પણ આમ આદમી પાર્ટી જે મુદ્દા ઉઠાવી રહી છે, તેમાં તમામ સમુદાયની મહત્ત્વાકાંક્ષાઓ સામેલ છે.”

આમ આદમી પાર્ટીનું મૌન

બિલકીસબાનો મામલે આમ આદમી પાર્ટી પૂર્ણપણે મૌન છે. 2002ના હુલ્લડમાં બિલકીસબાનો પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ ગર્ભવતી હતાં. તેમની ત્રણ વર્ષની દીકરીની હુલ્લડખોરોએ તેમની આંખ સામે હત્યા કરી હતી. બિલકીસબાનો પર બળાત્કારના ગુનેગારોને રાજ્ય સરકારની સહમતીથી તાજેતરમાં મુક્ત કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં જે યુવાનોનો જન્મ 2000માં થયો હતો તેઓ હુલ્લડ વિશે કશું જાણતા નથી.

ગુજરાત લૉ સોસાયટીમાં બીબીએનો અભ્યાસ કરતાં પલક, 2002માં હુલ્લડ થયાં ત્યારે માત્ર ત્રણ વર્ષનાં હતાં.

મેં તેમને 2002ના હુલ્લડ વિશે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેઓ એ વિશે કશું જાણતાં નથી.

મેં પૂછ્યું હતું કે પરિવારજનોએ એ વિશે કશું જણાવ્યું નથી કે એ વિશે તમે કશું વાચ્યું પણ નથી? પલકે કહ્યું હતું કે, “કંઈ ખાસ ખબર નથી.”

પલક સાથે આ વાત થતી હતી ત્યારે તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બેઠાં હતાં. મેં તેમને પૂછ્યું હતું કે ગુજરાતમાં તેમને કયા નેતા પસંદ છે?

પલકે કહ્યું હતું કે, “મોદી. જુઓ આ રિવરફ્રન્ટ પણ મોદીજીએ બનાવ્યો છે. ગુજરાતમાં મોદીજીને કારણે જ ભાજપ જીતતી રહી છે. આ વખતે પણ મોદીજીને કારણે જ જીતશે.”