You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ચૂંટણી પહેલાં જ ભાજપમાં વિવાદ કેમ થયો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આપ કેટલાક ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે, કૉંગ્રેસે પણ તેની પ્રથમ યાદી તૈયાર કરી લીધી હોય એવું માનવામાં આવે છે, જોકે હજુ જાહેર નથી થઈ.
તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનાં નામ નક્કી કરવાના ભાગરૂપે પક્ષે નિરીક્ષકોને મોકલીને સેન્સ લેવાનું શરૂ કર્યું છે.
ત્રણ દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે.
જેમાં નિરીક્ષકો ત્રણ દિવસ સુધી વિવિધ દાવેદારોને સાંભળશે અને તેનો રિપોર્ટ આપશે ત્યાર બાદ આ રિપોર્ટની ચર્ચા ગુજરાત સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાં થશે અને પછી આખરી નામોની યાદી જાહેર થશે.
હવે એક ઔપચારિક વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી ચૂક્યા છે કે તેઓ આ વખતે 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે.
એનો અર્થ જાણકારો એ કરી રહ્યા છે કે ભાજપના કેટલાક ધારાસભ્યોને આ વખતે ટિકિટ નહીં મળે એ વાત પાક્કી છે અને આ કારણને લઈને સેન્સ દરમિયાન આ વખતે વધુ દાવેદારો બહાર આવી રહ્યા છે.
દાવેદારોમાં વિજય રૂપાણીનું નામ નહીં
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘણી જગ્યાએ સેન્સ પ્રક્રિયાએ બબાલનું રૂપ ધારણ કર્યું છે. ઘણી જગ્યાએ હોબાળો થયો, તો ક્યાંક 100થી વધુ દાવેદારોએ ટિકિટ માગી છે. જેને કારણે નિરીક્ષકો માટે જૂથવાદને સંભાળવો માથાનો દુખાવો સાબિત થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી મહત્ત્વની બાબત એ સામે આવી કે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠકની સેન્સની વાત આવી ત્યારે તેના દાવેદારોમાં રૂપાણીનું નામ જ નહોતું.
જોકે મનાય છે કે રૂપાણીએ જાતે ટિકિટ માગી નથી અને કહ્યું છે કે તેઓ પાર્ટી જે કહેશે તેમ કરશે. જોકે રૂપાણીનું નામ ન હોવાથી સમર્થકોમાં ભારે નારાજગી દેખાતી હતી અને તેને કારણે હવે સમર્થકો દ્વારા સેન્સ પ્રક્રિયામાં રૂપાણીનું નામ પહેલું મૂકવાનો નિર્ણય લેવાયો છે.
ધોરાજીની બેઠકની સેન્સ દરમિયાન ભાજપના નેતાઓ વચ્ચે તરકાર થઈ હોવાના અહેવાલો પણ મળ્યા છે.
તો ઘાટલોડિયા બેઠક માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોઈ દાવેદારી નહોતી. જેથી ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલની ટિકિટ લગભગ ફાઇનલ માનવામાં આવે છે.
પાલનપુર બેઠક પર 100થી વધુ દાવેદારો
સૌથી વધુ દાવેદારો પાલનપુરની બેઠકો માટે આવ્યા હતા. પાલનપુર વિધાનસભાની બેઠક માટે ભાજપના 120 દાવેદારોને નિરીક્ષકોએ સાંભળવાની ફરજ પડી હતી.
આટલી મોટી સંખ્યામાં દાવેદારો હોવાને કારણે ભાજપના નિરીક્ષકોએ એકસાથે પાંચ-પાંચ દાવેદારોને બોલાવીને સાંભળ્યા હતા.
દરમિયાન ઘણા દાવેદારો લૉબિંગ કરતા પણ જોવા મળ્યા. સાબરકાંઠામાં પણ દાવેદારી દરમિયાન હોબાળો થયો. જેને કારણે જે રૂમમાં નિરીક્ષકો સેન્સની પ્રક્રિયા કરતા હતા તેને સાંકળ બાંધી દરવાજો બંધ કરવો પડ્યો.
તો વીરમગામ બેઠક પરથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જોકે હાર્દિક પોતે નિરીક્ષકો સામે આવ્યા નહોતા અને તેમના સમર્થકોએ દાવેદારી નોંધાવી હતી. તેમની સામે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે પણ ટિકિટ માગી છે. પહેલાં તેઓ કૉંગ્રેસમાં હતાં અને હવે ભાજપમાં છે.
અહીંથી પાટીદાર આંદોલનના ચહેરા રહેલા વરુણ પટેલ અને ચિરાગ પટેલ સહિતના ઘણા નેતાઓએ દાવેદારી નોંધાવી છે. પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જેને કારણે ભાજપ નેતાગીરી માટે અહીંથી કોઈને પણ ટિકિટ આપવી ભારે માથાપચ્ચીનું કામ રહેશે.
અહીં કુલ 48 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
જોકે હાલ હાર્દિક પટેલની ગૃહ મંત્રી અમિત શાહ સાથેની એક તસવીર બહાર આવી છે. મનાય છે કે હાર્દિક પટેલે અમિત શાહને મળીને શુભેચ્છા મુલાકાત કરી હતી.
ભાજપમાં જોડાયા બાદ હાર્દિકની અમિત શાહ સાથે પહેલી તસવીર જોવા મળી છે, જેને હાર્દિકના સમર્થકો સૂચક માની રહ્યા છે.
અમદાવાદની અસારવા બેઠક માટે પણ વિવિધ દાવેદારો અને સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી. તો સુરતની વરાછા બેઠક માટે પણ ઉગ્ર ચર્ચા શરૂ થઈ છે.
વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણી દ્વારા ડાયમંડ ઉદ્યોગકાર દિનેશ નાવડિયાની દાવેદારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
દિનેશ નાવડિયાએ કહ્યું છે કે ડાયમંડ ઉદ્યોગમાંથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ, જ્યારે કાનાણીએ કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે પક્ષ તેમને જ ટિકિટ આપશે.
તો વલસાડની પારડી બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રહેલા ભરત પટેલ નાણામંત્રી કનુભાઈ દેસાઈના સમર્થનમાં આગળ આવ્યા છે.