You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેલવેની 'કવચ' સિસ્ટમ શું છે? કંચનજંઘા ઍક્સપ્રેસ દુર્ઘટનામાં આ સિસ્ટમ કામ કેમ ન આવી?
- લેેખક, ચંદન જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ઘટેલી રેલવેદુર્ધટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ દુર્ઘટના જે સમયે ઘટી તે સમયે કંચનજંઘા ઍક્સપ્રેસ ટ્રેન ન્યૂ જલપાઈગુડી સ્ટેશનને પાર કરીને સિયાલદહ તરફ જઈ રહી હતી ત્યારે જ એક માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી.
આ ટક્કર એટલે થઈ કારણ કે માલગાડીના લોકો પાઇલટે સિગ્નલ તોડ્યું હતું.
આ દુર્ઘટના પછી લોકો સવાલ કરી રહ્યા છે કે આ મામલે રેલવે તરફથી બનાવવામાં આવેલી સિસ્ટમ 'કવચ' કામ કેમ ન આવી? રેલવેએ દાવો કર્યો હતો કે આ પ્રકારની ઘટનાને રોકવા માટે ઑટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ બનાવવામાં આવી હતી.
આ સિસ્ટમ આ પ્રકારના સિગ્નલ તોડવાને કારણે પેદા થતા ખતરાનો (સિગ્નલ પાસ્ટ ઍટ ડેન્જર – SPAD) મુકાબલો કરવા માટે જ બનાવવામાં આવી હતી.
'કવચ' ટૅકનૉલૉજી શું છે?
કવચ એક સ્વદેશી ટૅકનૉલૉજી છે. દાવો કરવામાં આવ્યો હતો કે રેલવેતંત્ર રેલવેદુર્ઘટનાને રોકવા માટે આ ટૅકનૉલૉજી બધા જ વ્યસ્ત રૂટો પર લગાવશે.
આ એક પ્રકારનું ડિવાઇસ છે જે ટ્રેનના એન્જીન સિવાય રેલવેના રૂટ પર પણ લગાડવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ડિવાઇસને કારણે જો બંને ટ્રેનો એક જ ટ્રેક પર એકબીજાની નજીક આવે ત્યારે ટ્રેન સિગ્નલ અને એલાર્મ થકી ટ્રેનના પાઇલટને આ બાબતે સૂચના મળે છે. જોકે, આ તમામ દાવાઓ પછી પણ રેલવેદુર્ઘટનાઓ પર રોક લાગી શકી નથી.
સૌથી મોટી વાત એ છે કે જે પ્રકારની દુર્ઘટના રોકવા માટે ‘કવચ’ ટૅકનૉલૉજી બનાવવામાં આવી હતી તેવી જ દુર્ઘટના ગયા વર્ષે ઓડિશામાં ઘટી હતી. તે દુર્ઘટનામાં 275 લોકોનાં મોત થયાં હતાં.
સૅન્ટ્રલ રેલવે બૉર્ડનાં સીઈઓ અને ચૅરમૅન જયા વર્મા સિન્હાએ જણાવ્યું કે ‘કવચ’ સિસ્ટમ 1,500 કિલોમીટરના રૂટ પર લગાવવામાં આવી છે અને આ વર્ષે વધારે 3,000 કિલોમીટરના રૂટ પર લગાડવામાં આવશે.
તેમનું કહેવું છે કે આવતા વર્ષે બીજા 3,000 કિલોમીટરના રૂટ પર આ સિસ્ટમ લગાડવામાં આવશે.
જયા વર્મા સિન્હાએ જણાવ્યું, “આ વર્ષની યોજનામાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. જોકે, દુર્ઘટનાવાળી જગ્યા પર આ સિસ્ટમ હજુ લગાડવામાં આવી નથી.”
તેમણે કહ્યું કે આ સિસ્ટમ મોંઘી છે. આ કારણે આ સિસ્ટમને તબક્કાવાર લગાવવામાં આવી રહી છે.
'ઇકૉનૉમિક ટાઇમ્સે' ભારતીય રેલવેના એક રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે રેલવેએ 10 હજાર કિલોમીટર માટે કવચનું ટેન્ડર જારી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અત્યાર સુધી છ હજાર કિલોમીટર પર કવચ સિસ્ટમ લગાડવા માટેનાં ટેન્ડરો જારી કરવામાં આવ્યાં છે, જેમાં સાઉથ સૅન્ટ્રલ રેલવેના 1465 કિલોમીટર રૂટ પર અને 139 એન્જિનોમાં કવચ સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી.
ઍન્ટિ કોલિઝન ડિવાઇસ
ભારતમાં બે ટ્રેનોની ટક્કરને (હેડ ઑન કોલિઝન) રોકવા માટે ગંભીરતાથી કામ વર્ષ 1999માં થયેલી ગૈસલ રેલવે દુર્ઘટના બાદ શરૂ થયું.
આ દુર્ઘટનામાં અવધ-અસમ ઍક્સપ્રેસ અને બ્રહ્મપુત્ર મેલ ટ્રેનની ટક્કર થઈ હતી જેને કારણે લગભગ 300 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
કોંકણ રેલવે ત્યારબાદ ગોવામાં ઍન્ટિ કોલિઝન ડિવાઇસ (એસીટી)ની સ્વદેશી ટૅક્નિક પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
એસીટીમાં ટ્રેનોમાં જીપીએસ આધારિત ટૅક્નિકો લગાડવામાં આવી હતી, જે કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર એકબીજાની નજીક આવે તો સિગ્નલ અને હુટર થકી તેની જાણકારી ટ્રેનના પાઇલટને પહેલાંથી જ મળી જાય.
આ ટૅકનૉલૉજીના શરૂઆતી ઉપયોગમાં જોવા મળ્યું કે બીજા ટ્રેક પર પણ કોઈ ટ્રેન આવી રહી હોય તો પણ આ પ્રકારનાં સિગ્નલો મળવા લાગે છે. આ ટૅક્નિકમાં બીજા દેશોમાં પણ કેટલીક ઉણપ જોવા મળી હતી અને આ કારણે જ એસીટીથી વધારે સુરક્ષિત ટૅક્નિકની જરૂર હતી.
કોંકણ રેલવેના પૂર્વ પ્રોજેક્ટ મૅનેજર સતીશકુમાર રૉયે બીબીસીને જણાવ્યું, “કોંકણ રેલવેએ જે ઍન્ટિ કોલિઝન ડિવાઇસ નામની ટૅકનૉલૉજી વિકસાવી હતી તે ખૂબ જ સસ્તી ટૅકનૉલૉજી હતી. નોર્થ ફ્રન્ટિયર રેલવેના 1600 કિલોમીટરના રૂટ પર આ ટૅક્નિકની 10 વર્ષ માટે 2019 સુધી સફળ ટ્રાયલ કરવામાં આવી.”
સતીશકુમાર રૉયના મત પ્રમાણે રેલવેએ ખર્ચાને કારણે આ ટૅકનૉલૉજીને લાગુ ન કરી. જોકે, આ ટૅકનૉલૉજીથી પણ મોંધી કેટલીક યુરોપની ટૅકનૉલૉજીને ખરીદવાનો વિચાર થયો. આ રીતે કોંકણ રેલવેની ટૅકનૉલૉજીનો ઉપયોગ ન કરવામાં આવ્યો.
રેલવેએ ત્યારબાદ વિજિલન્સ કન્ટ્રોલ ડિવાઇસ વિકસિત કરીને આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટેનો વિચાર પણ કર્યો હતો.
ત્યારબાદ ટ્રેનોની ટક્કર રોકવા માટે ટ્રેન પ્રોટેક્શન વૉર્નિંગ સિસ્ટમ (ટીપીડબલ્યૂએસ) અને ટ્રેન કોલિઝન અવૉઇડન્સ સિસ્ટમ પર પણ વિચાર થયો હતો.
આ પ્રકારની ટૅકનૉલૉજી વિદેશ પાસેથી ખરીદવી ખૂબ જ ખર્ચાળ પુરવાર થઈ રહી હતી. આ જ કારણે રેલવેએ આ ટૅકનૉલૉજી જાતે વિકસાવવાની વાત પર જોર આપ્યું. આ જ રીતે ટ્રેન કોલિઝન અવૉઇડન્સ સિસ્ટમ જેવી જ ‘કવચ’ નામની સ્વદેશી ટૅકનૉલૉજીને અપનાવી.
ગયા વર્ષે ભારતનાં સાઉથ સૅન્ટ્રલ રેલવેમાં ટ્રાયલ પછી દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2022-23 સુધીમાં આ સિસ્ટમને બે હજાર કિલોમીટર રૂટ પર લગાવી દેવામાં આવશે.
આનો અર્થ છે કે ભારતીય રેલવેના લગભગ 65 હજાર કિલોમીટરનાં નેટવર્કનાં માત્ર વ્યસ્ત સેક્શનો પર “કવચ” ટૅકનૉલૉજી લગાડવામાં હજી લાંબો સમય લાગી શકે છે.
રેલદુર્ઘટનાને શૂન્ય કરવાનો દાવો
ભારતીય રેલવે વારંવાર અકસ્માત પ્રત્યે ઝીરો ટૉલરન્સની વાત કરે છે. એટલે કે રેલવેમાં એક પણ દુર્ઘટના સહન કરવામાં આવશે નહીં.
સામાન્ય રીતે દરેક રેલવેમંત્રીની પ્રાથમિકતામાં આ વિશે જ સાંભળવા મળે છે. જોકે, છેલ્લાં 15 વર્ષમાં 10થી વધારે રેલવેમંત્રી રહ્યા હોવા છતાં ભારતમાં રેલદુર્ઘટના રોકી શકાઈ નથી.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ માર્ચ 2022માં સિકંદરાબાદ પાસે 'કવચ'ના ટ્રાયલ સમયે પોતે હાજર રહ્યા હતા.
તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે ‘કવચ’ ભારતમાં રેલવેદુર્ઘટનાને રોકવા માટેની સસ્તી અને સારી ટૅકનૉલૉજી છે.
રેલવેમંત્રીએ પોતે જ ટ્રેનના એન્જીનમાં સવારી કરીને તેના ટ્રાયલનો વીડિયો બનાવડાવ્યો હતો. જોકે, આ ટૅકનૉલૉજીની ક્ષમતા પર સવાલો ઊઠી રહ્યા છે.
રેલવેદુર્ઘટનાની વાત કરીએ તો પાછલી સરકારોના રેકૉર્ડ પણ ખરાબ છે અને વર્તમાન સરકારના કાર્યકાળમાં પણ કેટલીક મોટી રેલવેદુર્ઘટનાઓ ઘટી છે. રેલવેમાં કેટલીક દુર્ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચા પણ થતી નથી.
મોદી સરકાર દરમિયાન થયેલી મોટી રેલવેદુર્ઘટનાઓ
2 જૂન 2023 – ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ ઍક્સપ્રેસ ટ્રેને બાહનગા સ્ટેશન પર ઊભેલી એક ગાડીને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે કોરોમંડલ ઍક્સપ્રેસના ઓછામાં ઓછા 12 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 275 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
13 જાન્યુઆરી 2022 – રાજસ્થાનના બીકાનેરમાં આસામના ગુવાહટીથી જઈ રહેલી બીકાનેર-ગુવાહટી ઍક્સપ્રેસના 12 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ઘટી હતી. આ ઘટનામાં ટ્રેનના એન્જીનની મોટર ખૂલીને પાટા પર પડી ગઈ હતી અને તેના પર ટ્રેન ચડી જતાં આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
19 ઑગસ્ટ 2017 – ઉત્તર પ્રદેશના ખતૌલીમાં ઉત્કલ ઍક્સપ્રેસ ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેન પુરીથી હરિદ્વાર જઈ રહી હતી. ત્યાં પાટાનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દુર્ઘટનામાં લગભગ 23 લોકોનાં મૃત્યુ થયાંં હતાં. આ દુર્ઘટના પછી સુરેશ પ્રભુએ રેલવેમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
22 જાન્યુઆરી 2017 – આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં હીરાખંડ ઍક્સપ્રેસ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 40 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
20 નવેમ્બર 2016 – ઉત્તર પ્રદેશના કાનપુરની પાસે પુખરાયાંમાં પટના-ઇન્દોર ઍક્સપ્રેસના 14 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 150 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
20 માર્ચ 2015 – દહેરાદૂન-વારાણસી જનતા ઍક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલી જીલ્લામાં ઘટી હતી.
24 જૂલાઈ 2014 – હૈદરાબાદ નજીક એક રેલવે ફાટક પર સ્કૂલ બસ અને ટ્રેનની ટક્કર થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 15 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના મેડકના મસાઇપેટ વિસ્તારમાં માનવરહિત રેલવે ફાટક પાસે થઈ હતી.
26 મે 2014 – ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જીલ્લામાં આવેલા ચુરેબ રેલવે સ્ટેશન પાસે ગોરખધામ ઍક્સપ્રેસના છ ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતા 25 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 50થી વધારે લોકો ઘાયલ થયા હતા.