You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મદુરાઈ ટ્રેન અકસ્માત: નવ લોકોનાં મોત, રેલવેએ આગ વિશે શું કહ્યું?
તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ડબ્બામાં આગ લાગવાથી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે.
શનિવારે સવારે બનેલી ઘટનાના કારણ અંગે દક્ષિણ રેલવેએ જણાવ્યું છે કે આગ ‘ગેસ સિલિન્ડર’ના કારણે લાગી હતી જેને ટ્રેનમાં ‘ગેરકાયદેસર રીતે’ લઈ જવામાં આવી રહ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈએ કહ્યું છે કે તે ટ્રેનનો એક પ્રાઇવેટ કોચ હતો જે ઉત્તર પ્રદેશના લખનઉથી આવ્યો હતો. ઘટના સમયે ટ્રેન રેલવે સ્ટેશન પર ઊભી હતી.
દક્ષિણ રેલવેએ બે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે- 9360552608, 8015681915
ઉત્તર પ્રદેશ સરકારે ટૉલ ફ્રી નંબર જાહેર કર્યો છે-1070.
ક્યાં જઈ રહી હતી ટ્રેન?
રેલવેએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ કોચ શુક્રવારે નાગરકોઇલ જંક્શન પર પુનાલુર- દક્ષિણ મદુરાઈ ઍક્સપ્રેસ સાથે જોડાયેલો હતો અને વહેલી સવારે મદુરાઈ પહોંચ્યો હતો.
અહીં તેને ટ્રેનથી અલગ કરીને યાર્ડમાં રાખવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના આ યાત્રાળુઓ લખનઉથી ચડ્યા હતા અને રામેશ્વરમ જઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ટ્રાવેલ એજન્સીએ મુસાફરો માટે આ કોચ બુક કરાવ્યો હતો.
આ કોચના મુસાફરોની મુસાફરી 17 ઑગસ્ટના રોજ લખનઉથી શરૂ થઈ હતી અને મુસાફરો રવિવારે ચેન્નઈ પહોંચવાના હતા. ત્યાંથી તેઓ લખનઉ પાછા ફરવાના હતા.
આગ ક્યારે લાગી અને કેમ લાગી?
મદુરાઈના જિલ્લા મૅજિસ્ટ્રેટ એમએસ સંગીતા અનુસાર, "રવિવારે સવારે મદુરાઈ રેલવે સ્ટેશન પર ઊભેલા કોચમાં આગ લાગી હતી. આ કોચ ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યો હતો."
જિલ્લા મૅજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર સવારે જ્યારે મુસાફરો ચા બનાવવા માટે સ્ટવ સળગાવતા હતા ત્યારે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
મીડિયા સાથે વાત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું, "55 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે."
દક્ષિણ રેલવેએ માહિતી આપી છે કે આ દુર્ઘટના શનિવારે સવારે 5:15 વાગ્યે થઈ હતી. રેલવેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ કોચ પ્રાઇવેટ પાર્ટીનો કોચ હતો જે મદુરાઈના રેલવે યાર્ડમાં ઊભો હતો. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 7:15 સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગને કારણે બીજા કોઈ કોચને નુકસાન થયું નથી.
દક્ષિણ રેલવેનું નિવેદન
દક્ષિણ રેલવેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રાઈવેટ પાર્ટી કોચમાં જ્વલનશીલ સામગ્રી લઈ જવી ગેરકાયદેસર છે. પરંતુ કોચમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જવામાં આવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.
નૉર્થ ઈસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રૅલવે મેનેજર આદિત્ય કુમારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ટ્રાવેલ એજન્સીએ આઈઆરસીટીસી દ્વારા બુકિંગ કરાવ્યું હતું.
તેણે કહ્યું કે "ટ્રાવેલ એજન્ટ કે જેણે બુકિંગ કરાવ્યું હતું તેની શોધખોળ ચાલી રહી છે પરંતુ તે ફરાર થઈ ગયો છે. એજન્ટે 63 લોકોનું બુકિંગ કરાવ્યું હતું."
"જ્યારે કોચ લખનઉથી રવાના થયો હતો, ત્યારે નિયમો અનુસાર તેની તપાસ કરવામાં આવી હતી અને તેમાં ગેસ સિલિન્ડર ન હતો. હવે સિલિન્ડર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો તેની તપાસ કરવામાં આવશે."
રાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
રાજ્યના મુખ્યપ્રધાન એમ.કે સ્ટાલિને પણ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને અસરગ્રસ્ત પરિવારોને ત્રણ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું છે કે "મેં કૉમર્શિયલ ટેક્સ મિનિસ્ટર પી. મૂર્તિ અને અન્ય અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે ઘાયલોને વહેલી અને યોગ્ય સારવાર મળે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને યોગ્ય સન્માન સાથે તેમના વતન લઈ જવામાં આવે."
દક્ષિણ રૅલવેએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દસ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતથી પ્રભાવિત ઉત્તર પ્રદેશના લોકોના પરિવારજનો માટે બે લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
તેમણે સૉશિયલ મીડિયા પર કહ્યું છે કે તેણે ઘાયલોની યોગ્ય સારવાર માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે, સાથે જ અસરગ્રસ્ત લોકોની મદદ માટે ટૉલ ફ્રી નંબર 1070 જાહેર કર્યો છે.