You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈના ઘાટકોપરમાં 14 લોકોનો ભોગ લેનાર હોર્ડિંગ લગાવવા માટે કોણે નિયમો નેવે મૂક્યા?
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી સંવાદદાતા
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ પડવાને કારણે થયેલાં મોતની સંખ્યા 14 થઈ ગઈ છે જ્યારે આ ઘટનામાં 74 લોકો ઘાયલ થયા છે.
સોમવારે 13મી મેના રોજ બપોરના સમયે મુંબઈમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થયો હતો. એ દરમિયાન ઘાટકોપર પૂર્વના રમાબાઈ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે લાગેલું જાહેરાતનું એક ગેરકાયદેસર હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ હૉર્ડિંગ 100 ફૂટ ઊંચું હતું.
શરૂઆતમાં અહીં 100 જેટલા લોકો ફસાઈ ગયા હતા. ઘાયલોને મુંબઈની અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓના હવાલેથી લખ્યું હતું કે મંગળવારે પણ અહીં રાહત અને બચાવકામગીરી શરૂ હતી.
હોર્ડિંગ ગેરકાયદેસર હતું
આ હોર્ડિંગ ગેરકાયદેસર છે. તે પડી ગયું ત્યારપછી સંબંધિત જાહેરાતની કંપની ઈગો મીડિયાની સાથેસાથે ગેરકાયદેસર હોર્ડિંગ પ્રત્યે બેકાળજીભર્યા વલણને કારણે રાજ્ય રેલવે પોલીસ (જીઆરપી) અને મુંબઈ નગર નિગમ વિભાગના અધિકારીઓ સામે ઇરાદા વગરની હત્યાનો મામલો પણ દાખલ કરવામાં આવ્યો છે.
મુંબઈ નગર નિગમનાં એ તમામ હોર્ડિંગ્સ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના માટે નગર નિગમનું લાઇસન્સ નથી લેવામાં આવ્યું.
પરંતુ આ ઘટનાને કારણે અનેક સવાલો સપાટી પર આવ્યા છે. જેમકે સરકાર લોકોનાં મૃત્યુ થાય પછી જ કેમ જાગે છે? મુંબઈમાં હૉર્ડિંગને મામલે આટલી ચર્ચાઓ કેમ છે? હકીકતમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
હોર્ડિંગને નિયમો કોરાણે મૂકીને લગાવવામાં આવ્યું હતું
અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર ઘાટકોપરમાં હોર્ડિંગ લગાવતાં સમયે નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોય તેવું પ્રતીત થાય છે. આ સાથે જ એ આરોપ પણ લગાવવામાં આવે છે કે આ વિશાળ હોર્ડિંગ લગાવતી વખતે તમામ સંબંધિત સરકારી એજન્સીઓની પરવાનગી લેવામાં આવી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈ નગર નિગમનું કહેવું છે કે હોર્ડિંગ પાસેનાં વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં છે. જેથી લોકોને દૂરદૂરથી હોર્ડિંગ દેખાય.
બીએમસી કમિશનર ભૂષણ ગગરાણી અનુસાર, “નગર નિગમના તમામ સ્થાનિક અધિકારીઓને આ પ્રકારનાં ગેરકાયદેસર અને ખતરનાક હોર્ડિંગ્સ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ હોર્ડિંગ્સ દૂરથી દેખાય એટલા માટે કેટલાંક વૃક્ષોને પણ કથિત રીતે કાપી નાખવામાં આવ્યાં હતાં.”
ગગરાણીએ કહ્યું કે, “રેલવેનું કહેવું છે કે રેલવે અધિનિયમ અનુસાર તેમને નગર નિગમ પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી. પરંતુ આ કાયદા અનુસાર સાચું નથી. તેના કારણે જ તેના પર કાર્યવાહી થઈ શકી નહોતી.”
તેમણે કહ્યું કે, “જમીન કોઈની પણ હોય, નગર નિગમની પરવાનગી લેવી જરૂરી હોય છે. આ હોર્ડિંગ માટે અનુમતિ લેવામાં આવી નથી. જેના કારણે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.”
જમીન કોની છે અને કોણે લગાવ્યું હોર્ડિંગ?
નગર નિગમના અધિકારીઓ અનુસાર, જે જમીન પર હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું એ જમીન કલેક્ટોરેટની છે અને તેને રાજ્ય સરકારે રેલવે પોલીસ કૉલોની (જીઆરપી) માટે આપી હતી.
જીઆરપીએ વર્ષ 2020માં પોતાની વેબસાઇટ પર હોર્ડિંગ્સ માટે ટૅન્ડર બહાર પાડ્યું હતું. ડિસેમ્બર 2021માં ઈગો મીડિયા કંપનીને અહીં ચાર હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી જ એક હોર્ડિંગ 13મી મેના રોજ સાંજે વરસાદ અને ભારે પવનને કારણે તૂટી પડ્યું હતું.
રેલવે પોલીસ વિભાગે અનુમતિ આપ્યા બાદ આ હોર્ડિંગ એપ્રિલ 2022માં લગાવવામાં આવ્યું હતું.
હોર્ડિંગ્સ લગાવવા માટેના મુંબઈ નગર નિગમના નિયમો અનુસાર, મુંબઈમાં માત્ર 40*40 ચોરસ ફૂટ સુધીનાં હોર્ડિંગ્સ લગાવવાની જ મંજૂરી છે.
જોકે, ઘાટકોપરમાં પેટ્રોલપંપ પાસે લગાવવામાં આવેલું આ હોર્ડિંગ 120*120 ચોરસ ફૂટનું હતું. નગર નિગમનું કહેવું છે કે આ ગેરકાયદેસર છે.
મુંબઈ દરિયાકિનારે આવેલું શહેર છે એટલે અહીં હોર્ડિંગનાં આકાર, ક્ષમતા અને નિયમો તે અનુસાર અલગ નક્કી કરવામાં આવ્યાં છે.
આથી સૌપ્રથમ તો કૉન્ટ્રેક્ટર પાસેથી હોર્ડિંગનું ડ્રૉઇંગ અને તેના વજનની જાણકારી માંગવામાં આવે છે. ત્યારપછી એ જોવા માટે સ્ટ્રક્ચરલ ઑડિટ પણ કરવામાં આવે છે કે આ હોર્ડિંગ લગાવવા માટે બરાબર છે કે નહીં.
મુંબઈમાં દર વર્ષે દરેક હોર્ડિંગનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાનો નિયમ છે. આ હોર્ડિંગ માટે મુંબઈ નગર નિગમ પાસેથી કોઈ લાઇસન્સ લેવામાં આવ્યું નહોતું.
મુંબઈમાં કુલ 1025 હોર્ડિંગ છે જેમાંથી 179 હોર્ડિંગ રેલવે સીમાની અંતર્ગત આવે છે.
બીએમસી અને જીઆરપી વચ્ચે ઓછો સમન્વય
અત્યાર સુધી જે માહિતી સામે આવી છે, તે મુજબ રેલવે પોલીસ કે એજન્સીએ હોર્ડિંગ લગાવતાં પહેલાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી કોઈ પરવાનગી લીધી નહોતી.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આ જગ્યા તેમની માલિકીની હોવાથી તેમને મ્યુનિસિપલ કૉર્પોરેશનની પરવાનગી લેવાની જરૂર નથી. જોકે, મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કહેવું છે કે મુંબઈમાં ગમે ત્યાં હોર્ડિંગ્સ લગાવવા માટે તેમની પરવાનગી ફરજિયાત છે.
આ દર્શાવે છે કે રાજ્ય રેલવે પોલીસ (જીઆરપી) અને મુંબઈ મહાનગરપાલિકા વચ્ચે આવી બાબતોમાં સંકલનનો અભાવ છે. આથી એવું કહેવાય છે કે હોર્ડિંગ પડ્યા સુધી મહાનગરપાલિકાએ કોઈ પગલાં લીધાં નહોતાં.
જોકે, મહાનગરપાલિકાએ બીજી મેના રોજ રેલવે પોલીસને પત્ર લખીને એજન્સીને આપેલી પરવાનગી પાછી ખેંચી લેવા અને હોર્ડિંગ દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ હવે હોર્ડિંગ પડી ગયા બાદ 13મી મેના રોજ મહાનગરપાલિકાએ એજન્સીને તાત્કાલિક તમામ હોર્ડિંગ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે.
તે દરમિયાન એ વાતને લઈને નવો વિવાદ ઊભો થઈ ગયો છે કે ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવા અને નિયમોનું પાલન ન કરવાની પરવાનગી કોણે આપી? આ ઘટના માટે કોણ જવાબદાર છે?
મુંબઈ મહાનગરપાલિકાઓ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય રેલવે પોલીસે હોર્ડિંગની અનુમતિ આપી હતી અને મહાનગરપાલિકાને તેની સાથે કોઈ લેવા-દેવા નથી.
આ સાથે જ મહાનગરપાલિકાનું એ પણ કહેવું છે કે મહાનગરપાલિકાને તેની ફરિયાદ કર્યા બાદ રેલવે પોલીસને હોર્ડિંગ હઠાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? આ સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી.
આ ઘટના પછી તરત જ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે મુંબઈના તમામ હોર્ડિંગ્સનું ઑડિટ કરવામાં આવશે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર લોકો સામે ઇરાદા વગરની હત્યાનો કેસ પણ દાખલ કરવામાં આવશે.
આ મામલામાં હાલમાં ઈગો મીડિયા કંપનીના ભાવેશ ભીંડે સામે પંતનગર થાણામાં ઇરાદા વિના હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. ભાવેશ ભીંડેએ મુલુંડ વિધાનસભાથી 2009માં ચૂંટણી લડી હતી.
એ જાણકારી પણ સામે આવી રહી છે કે ભાવેશની સામે કુલ 26 કેસ છે. તેઓ મુલુંડના રહેવાસી છે અને ઈગો મીડિયા કંપની નામની એક ઍડવર્ટાઇઝ કંપનીના માલિક છે.