ગુજરાત: દેશભરમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મગાવતા દંપતીનું રૅકેટ દાહોદમાંથી કઈ રીતે પકડાયું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"દાહોદના રેલવે સ્ટેશન પાસે એક નેપાળી લાગતું અને અન્ય બે બાળકો ભીખ માગી રહ્યાં હતાં."

"ભીખ માગતા ત્રણમાંથી એક છોકરો આજુબાજુ નજર કરીને થોડા પૈસા પોતાના ખિસ્સામાં સેરવી લે છે અને થોડે દૂર બેઠેલો એક પુરુષ અને એક મહિલા આ જોઈ જાય છે. પછી તે આવીને નાનકડા બાળકને મારવા લાગે છે."

"મારના લીધે એક નેપાળી લાગતું બાળક જોરથી રડવા લાગે છે અને ત્યાં પોલીસની નજર પડે છે. પ્રથમ દૃષ્ટિએ નેપાળી લાગી રહેલા બાળકને જે દંપતી માર મારી રહ્યું હતું તેની પૂછપરછ કરતા ખબર પડે છે કે, માર મારી રહેલું આ આ દંપતી બંને સાથે મળીને દેશનાં અલગઅલગ રાજ્યોમાંથી બાળકની ઉઠાંતરી કરીને એમની પાસે ભીખ મગાવવાનું કામ કરે છે અને એ કમાણીમાંથી ખુદ મોજ કરે છે."

ગુજરાતના દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની સક્રિયતાને પગલે આંતરરાજ્ય બાળ તસ્કરીનું એક મોટું રૅકેટ દાહોદમાંથી પકડાયું છે.

દાહોદના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "દાહોદમાં રેલવે સ્ટેશન પાસે ભીડભાડવાળા વિસ્તારમાં ભીખ માગતાં ત્રણ બાળકોમાંથી એક બાળક નેપાળી જેવું દેખાતું હતું."

"દાહોદ જેવા આદિવાસી બહુલ ધરાવતા વિસ્તારમાં નેપાળી બાળક ભીખ માગતા જોઈને દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગઢવીની નજર એ ભિખારીઓ પર હતી. આ પહેલાં અમારી પાસે ઇનપુટ હતાં કે દાહોદમાં બાળકો ઉઠાંતરી કરીને એમની પાસે ભીખ મગાવનારી એક ટોળકી શહેરમાં ફરી રહી છે ત્યાં રેલવે સ્ટેશન પર નેપાળી બાળકને બે જણાને મારતાં જોઈ તાત્કાલિક દંપતીની અટકાયત કરી હતી, આ ત્રણેય બાળકો સરખી ઉંમરનાં હતાં એટલે અમારી શંકા મજબૂત થઈ."

‘ગુના માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ’

એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા કહે છે કે,"આ જોયા પછી અમે આ દંપતીની તપાસ અને પૂછપરછ શરૂ કરી તો, ખબર પડી કે પતિ હિંદુ હતો અને પત્ની મુસ્લિમ હતી."

"રાજસ્થાનના સીકર જિલ્લાનો નરેન્દ્રસિંહ રાવત જયપુર કામ કરવા જતો હતો ત્યાં એની આંખ નસીમા મુજીબુલ રહેમાન સાથે મળી હતી."

"ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. લગ્ન કર્યાં પછી આ બંને જણા નાસતાં ફરતાં હતાં અને પૈસા ખૂટી જતાં ભીખ માગતાં હતાં. એમને જોયું કે યુવાન લોકોને કોઈ ભીખ નથી આપતું એટલે એમણે બાળકો ચોરી કરવાનું શરૂ કર્યું અને એક રાજ્યમાંથી બાળક ચોરી એને બીજા રાજ્યનાં અલગઅલગ શહેરોમાં લઈ જઈને ભીખ મગાવતાં હતાં."

"નરેન્દ્રસિંહ રાવતે પોતાની મુસ્લિમ પત્નીનું નામ બદલીને ગીતા કરી દીધું હતું. એનું આધારકાર્ડ પણ બનાવી લીધું હતું. એટલું જ નહીં પોતે ક્યાંક પકડાઈ જાય તો, બાળકોને છોડાવવા માટે તેણે અપહરણ કરેલાં બાળકોનાં પણ આધારકાર્ડ બનાવી લીધાં હતાં."

"નરેન્દ્રસિંહ આવી જ રીતે રાજસ્થાનના એક બાળકનું અપહરણ કરીને મધ્યપ્રદેશમાં ભીખ મગાવતો હતો ત્યારે ‘બેગિંગ ડ્રાઇવ’ (બાળકો પાસે ભીખ મગાવતી ટોળકીને પકડવાના અભિયાન) હેઠળ એક બાળકને મધ્યપ્રદેશ પોલીસે ટોળકીમાંથી મુક્ત કરાવીને બાળ સંરક્ષણગૃહમાં મોકલી દીધું હતું."

"ત્યારે નરેન્દ્રસિંહ એનો પિતા હોવાનું કહી બાળકનું નકલી આધારકાર્ડ બતાવીને બાળકને ત્યાંથી લઈ ગયો હતો. આ આધારકાર્ડમાં તે પોતે બાળકનો પિતા હોવાનું દર્શાવ્યું હતું."

કઈ રીતે બાળકોની ચોરી કરતા?

એસપી ઝાલા વધુમાં કહે છે કે, "અમારી પૂછપરછમાં ખબર પડી કે, અઢી વર્ષ પહેલાં તેઓ આ નેપાળી બાળકને દિલ્હીથી અપહરણ કરીને લાવ્યાં હતાં."

"નરેન્દ્રસિંહ અને નાસીમાએ દિલ્હીથી એનું અપહરણ કર્યું હતું અને એની પાસે ભીખ મગાવતાં હતાં. જયારે બીજા બે બાળકોનું રાજસ્થાનથી અપહરણ કર્યું હતું."

"તેમણે તાજેતરમાં જ રાજસ્થાનથી અપહરણ કરીને ગુજરાતના દાહોદમાં ભીખ મગાવવા લાવેલી બાળકીનાં માતાપિતા જ્યારે મજૂરી કરવા માટે અન્ય રાજ્યમાં જઈ રહ્યાં હતાં ત્યારે એમને રેલવે સ્ટેશન પાસે વિશ્વાસમાં લઈને સારું ખાવાનું અને દારૂ પીવડાવવાની લાલચ આપી હતી."

"બાળકીનાં માતાપિતાને દારૂ પિવડાવી નશામાં ધૂત કરીને એક બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીના કાઉન્સેલિંગ પછી એનાં માતાપિતાનાં નામ અને ગામની અમને જાણકારી મળી છે."

"અમે રાજસ્થાન પોલીસ અને ચાઇલ્ડ હૅલ્પ લાઇન સાથે જૉઇન્ટ ઑપરેશન કર્યું છે, જેમાં રાજસ્થાનના રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવી લીધા છે."

"આ બંને લોકો આવી રીતે દેશનાં અન્ય રાજ્યોમાંથી બાળકો ચોરી ભીખ મગાવવાનું કામ કરે છે. અત્યાર સુધી એમણે કેટલાં બાળકોનું અપહરણ કર્યું છે અને કોઈ ભીખ માગતી ટોળકીને બાળક વેચ્યાં છે કે નહીં એની તાપસ કરી રહ્યા છીએ."

જ્યારે 36 બાળકોને બચાવાયાં

રાજસ્થાનના શિહોરીના ડીવાયએસપી જેઠુ સિંઘે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે ગુજરાત પોલીસ તરફથી વિગતો આવી છે અને એના આધારે અમે આ બાળકીને એનાં માતાપિતાને હવાલે કરી દઈશું."

"રાજસ્થાનમાંથી જ અપહરણ કરાયેલા એક અન્ય બાળકનાં માત્ર માતાનું નામ મળ્યું છે એના આધારે લાપતાની ફરિયાદ તપાસીને એ બાળકનાં માતાપિતાને શોધીશું પછી તેને પણ પરિવાર સાથે મિલન કરાવી દઈશું."

આ સમગ્ર ઘટના વિશે વાત કરતા નિવૃત એસીપી દીપક વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "દરેક ગુનેગાર કોઈ એક કડી છોડતો હોય છે. આ ગુનેગારોએ પહેલી ભૂલ એ કરી કે સમાન ઉંમરનાં બાળકોનું અપહરણ કરીને એમની પાસે ભીખ મગાવતાં હતાં. એટલે કોઈપણ માતાપિતાને સરખી ઉંમરનાં ત્રણ બાળકો ન હોય અને જે રીતે દિલ્હીથી અપહરણ કરાયેલું બાળક નૉર્થ ઈસ્ટ કે નેપાળનું હોઈ શકે એ શક્યતાને જોઈને પોલીસે એમને પકડ્યા છે."

"પણ ગુજરાતમાં ધાર્મિકસ્થળો પર દેશભરમાંથી યાત્રાળુઓ આવે છે ત્યારે આવી ગૅન્ગ સક્રિય બનીને બાળકનું અપહરણ કરી અલગઅલગ જગ્યાએ ભીખ મગાવે છે. 2005માં આવી જ એક ગૅન્ગ પકડાઈ હતી, જેમાંથી 36 બાળકોને પોલીસે રેસ્ક્યૂ કર્યાં હતાં."

ગુજરાતમાંથી લાપતા થતાં બાળકોનું પ્રમાણ

નેશનલ ક્રાઇમ રૅકર્ડ્સ બ્યૂરોના આંકડા મુજબ ગુજરાતમાં સરેરાશ દરરોજ 38 વયસ્ક લોકો ગુમ થયાનું નોંધાય છે. વર્ષ 2021માં 14,067 લોકો લાપતા થયાં હતાં તેમાંથી 4240 પુરુષો હતા અને 15 ટ્રાન્સજેન્ડર હતાં. અને 1395 લોકો એવા હતા જેમની વય 18 વર્ષથી ઓછી હતી.

આ આંકડો વર્ષ 2020માં 1204 હતો. ઉપરાંત જો વર્ષ 2021ની વાતમાં ગુમ થયેલાં બાળકોની વાત લઈએ તો તેમાં 1049 છીકરીઓ હતી અને 344 છોકરાઓ હતા.

જોકે રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે વર્ષ 2021માં બાળકો પાછાં મળવાનો દર 73.8 ટકા છે. વર્ષ 2019માં આ દર 65.9 ટકા હતો.

ઉલ્લેખનીય છે કે અપહરણ કરી ભીખ માગવાના રૅકેટમાં ધકેલી દેવાયેલાં બાળકોનું શોષણ પણ કરવામાં આવતું હોય છે.