ઓડિશા ટ્રેન દુર્ઘટના : 288નાં મોત, 17 ડબ્બા ઊતરી ગયા, એ રાતે ખરેખર શું થયું હતું?

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે થયેલી રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોનાં મોત થયાં છે. દુર્ઘટનામાં લગભગ 800 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે.

આ દુર્ઘટના કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાવાના કારણે ઘટી છે.

રેલવેની ટેકનિકલ ભાષામાં તેને હેડ ઑન કૉલિઝન કહે છે. આવી ઘણી ઓછી જોવા મળે છે.

આ દુર્ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. તેમાંથી કેટલાક ડબ્બા બીજા પાટા પર જતા રહ્યા હતા. બીજા પાટા પર એ જ સમયે બૅંગલુરુથી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ આવી રહી હતી.

પાટા પરથી ઊતર્યા બાદ કોરોમંડલ એક્સપ્રેસના જે ડબ્બા બીજા પાટા પર જતા રહ્યા હતા, એ ત્યાંથી પસાર થઈ રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ સાથે અથડાયા. તેની સાથે જ આ ભીષણ દુર્ઘટના ઘટી હતી.

આ દુર્ઘટના રેલવેના સાઉથ ઇસ્ટર્ન ઝોનના ખડગપુર ડિવિઝનમાં બ્રોડ ગેજ નેટવર્ક પર ઘટી હતી.

ચાલો જણાવીએ શુક્રવારની રાત્રે આ દુર્ઘટના સમયે શું-શું થયું હતું?

કેવી રીતે ઘટી દુર્ઘટના?

શુક્રવારે 2 જૂન 2023ના રોજ હાવડા પાસે શાલીમાર રેલવેસ્ટેશનથી ટ્રેન નંબર 12841 શાલીમાર-મદ્રાસ કોરોમંડલ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયે નીકળી હતી.

23 ડબ્બાની આ ટ્રેનને અપલાઈન પર બાલાસોર, કટક, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા થઈને ચેન્નાઈ પહોંચવાનું હતું.

આ ટ્રેને બપોર પછી 3 વાગ્યાને 20 મિનિટ પર તેની સફર શરૂ કરી હતી અને તે પહેલાં સંતરાગાછી રેલવેસ્ટેશન પર અને ત્યારબાદ અંદાજે 3 મિનિટના અંતરે ખડગપુર સ્ટેશન પહોંચી હતી.

ટ્રેન સાંજે ખડગપુર સ્ટેશનથી શરૂ થઈ હતી. આ ટ્રેન સાંજે સાત વાગ્યે બાલાસોર પાસે બાહાનગા બજાર રેલવેસ્ટેશન તરફ જઈ રહી હતી.

આ ટ્રેનને બાહાનગા સ્ટેશન પર રોકાયા વગર સીધું આગળ નીકળી જવાનું હતું, પરંતુ મેઇન લાઇનના બદલે લૂપ લાઇન તરફ જતી રહી હતી. આ સ્ટેશન પર લૂપ લાઇન પર એક માલગાડી ઊભી હતી અને ઝડપથી ચાલી રહેલી કોરોમંડલ એક્સપ્રેસ માલગાડીમાં પાછળથી અથડાઈ હતી.

ઑલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રાએ બીબીસીને જણાવ્યું હતું કે, કોઈ ટેકનિકલ ખરાબીના કારણે કોરોમંડલ એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું અથવા પછી ગડબડના કારણે આ ટ્રેન મેન લાઇનને છોડીને લૂપ લાઇન પર જતી રહી હતી, જેના લીધે આ દુર્ઘટના ઘટી હતી.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેને માલગાડીને પાછળથી ટક્કર મારી હતી, આ કારણે ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. તેના કેટલાક ડબ્બા પડીને બીજી બાજુ ડાઉન લાઇન સુધી પહોંચી ગયા હતા અને એ જ ટ્રેક પર આવી રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ સાથે અથડાઈ ગઈ હતી.

  • શુક્રવાર 2 જૂન 2023ની સાંજે લગભગ સાત વાગ્યે ત્રણ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી
  • આ દુર્ઘટના ઓડિશાના બાલાસોર પાસે બાહાનગા બજાર સ્ટેશન પાસે ઘટી હતી
  • દુર્ઘટનામાં શાલીમાર-કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. એક માલગાડી પણ દુર્ઘટનાની ચપેટમાં આવી ગઈ હતી
  • દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 288 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે, સાથે ઈજાગ્રસ્તોની સંખ્યા 800થી વધુ છે
  • આ કારણે 48 ટ્રેનો રદ થઈ છે, જ્યારે 39 ટ્રેનોનો માર્ગ બદલી નાખવામાં આવ્યા છે
  • વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષીઓને છોડવામાં નહીં આવે

જ્યારે બીજી ટ્રેન સાથે થઈ અથડામણ

એ જ સમયે યશવંતપુરથી હાવડા તરફ આવી રહેલી 12864 યશવંતપુર હાવડા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાવાળી જગ્યાને ક્રૉસ કરી રહી હતી. 22 ડબ્બાની આ ટ્રેન લગભગ ચાર કલાકના અંતરથી ચાલી રહી હતી અને ટ્રેનનો વધુ પડતો ભાગ દુર્ઘટનાવાળી જગ્યાએથી આગળ નીકળી ગયો હતો.

ત્યારે જ કોરોમંડલ ટ્રેનની દુર્ઘટના ઘટી અને તેના કેટલાક ડબ્બા પડ્યા બાદ યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના ભાગે અથડાઈ ગયા હતા. આ અથડામણના કારણે બીજી ટ્રેનના પણ ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.

રેલ મંત્રાલયના પ્રવક્તા અમિતાભ શર્માએ શુક્રવારે રાત્રે એક નિવેદનમાં કહ્યું છે કે આ દુર્ઘટના શુક્રવારે સાંજે લગભગ સાત વાગ્યે ઘટી હતી અને દુર્ઘટનામાં બંને ટ્રેનોના કુલ લગભગ 15 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.

રેલવે નિષ્ણાત અને રેલવે બોર્ડના પૂર્વ સદસ્ય (ટ્રાફિક) શ્રીપ્રકાશે બીબીસીને જણાવ્યું હતું કે, જે પ્રકારની માહિતી મળી રહી છે તેના પરથી લાગે છે કે આ દુર્ઘટના ઘણી મોટી માનવીય ભૂલના કારણે થઈ છે.

શ્રીપ્રકાશ અનુસાર, “જો કોઈ ટ્રેન કોઈ ટ્રેક પર ઊભી હોય, ત્યારે તે ટ્રેક પર બીજી ટ્રેન ન આવી શકે, તેના માટે પૉઇન્ટ રિવર્સ કરી દેવામાં આવે છે, જેથી ટ્રેન બીજા ટ્રેક પર રહે. જો કોઈ તકનીકી ખરાબીના કારણે આવું ન થાય તો તાત્કાલિક રેડ લાઇટ સિગ્નલ કરી દેવામાં આવે છે, જેથી જે પણ ટ્રેન આવી રહી હોય, તે ત્યાં જ રોકાઈ જાય.”

ટ્રેનની સ્પીડ

શિવ ગોપાલ મિશ્રા અનુસાર, આ રૂટ પર ટ્રેનની સ્પીડ લગભગ 15 દિવસ પહેલાં જ વધારીને 130 કિલોમીટર પ્રતિકલાક કરવામાં આવી હતી.

તેમના અનુસાર દુર્ઘટના સમયે કોરોમંડલ એક્સપ્રેસની ઝડપ લગભગ 128 કિલોમીટર પ્રતિ કલાક હતી, જ્યારે બીજી ટ્રેન પણ લગભગ 125 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી ચાલી રહી હતી.

આ સ્પીડના કારણે કોરોમંડલ એક્સપ્રેસને વધુ નુકસાન થયું છે. સાથે સ્પીડના કારણે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાવાળી જગ્યા પસાર કરી ચૂકી હતો અને તેનો માત્ર પાછળનો ભાગ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.

ખાસ વાત એ પણ છે કે દુર્ઘટનાનો શિકાર બનેલી બંને ટ્રેનો એલએચબી કોચની હતી. ‘લિંકે હૉફમૅન બુશ’ કોચ જર્મન ડિઝાઈનના કોચ હોય છે અને દુર્ઘટનાની દૃષ્ટિએ વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

રેલવેના જૂના આઈસીએફ ડિઝાઈનના કોચના મુકાબલે દુર્ઘટનામાં એલએચબીના ડબ્બા એકબીજા પર ચઢી જતા નથી, તેનાથી કોઈ ડબ્બો દબાવાનો ખતરો ઊભો થતો નથી અને મુસાફરોના જીવનું જોખમ ઓછું રહે છે.

ઓડિશા દુર્ઘટનાની તસવીરોથી ખબર પડે છે કે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું. જ્યારે એન્જિનના પાછળના કેટલાક ડબ્બા એકબીજા સાથે અથડાવાથી દબાઈ ગયા હતા.

બીબીસીએ આ મામલામાં વધુ જાણકારી માટે રેલવે અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ અધિકારી સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.

હેલ્પલાઇન નંબર

દક્ષિણ પૂર્વ રેલવેએ દુર્ઘટનાથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

તેમજ શનિવારે દક્ષિણ પૂર્વ રેલવેએ હાવડાથી બાલાસોર માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે, જેથી પરિજનો દુર્ઘટનાવાળી જગ્યાએ પહોંચી શકે.

આ ટ્રેન સંતરાગાછી, ઉલુબેરિયા, બાગનાન, મેચેડા, પાંસકુરા, બાલીછક, ખડગપરુ, હિજલી, બેલ્દા અને જળેશ્વર પર રોકાશે.