You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓડિશા ટ્રેન દુર્ઘટના : શું છે 'કવચ સિસ્ટમ' જે આ દુર્ઘટના રોકી શકતું હતું?
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ વિપક્ષ અને જાણકારો સરકારને ઘેરી રહ્યા છે.
વિપક્ષી પાર્ટીઓના નેતા અને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ટ્રેન દુર્ઘટના બાદ એ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આટલો મોટી દુર્ઘટના સર્જાઈ કેવી રીતે?
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "દુર્ઘટના બાદ હાઈલેવલ કમિટી બનાવવામાં આવી છે અને તેમની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે."
આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર 'કવચ'ની પણ ચર્ચા થઈ રહી છે.
ઓડિશાની મુલાકાતે પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પણ રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં કહ્યું હતું કે ટ્રેનમાં 'ઍન્ટી કોલિઝન ડિવાઇસ' લાગ્યું હોત તો આ દુર્ઘટના સર્જાઈ ન હોત.
તો આ 'કવચ' અથવા તો 'ઍન્ટી કોલિઝન ડિવાઇસ' હકીકતમાં શું છે?
શું છે કવચ?
'કવચ' વિશે કહેવામાં આવે છે કે તેના દ્વારા રેલ દુર્ઘટનાઓ રોકી શકાય છે. દાવો કરવામાં આવ્યો હતો કે જો બે ટ્રેનો એક જ ટ્રૅક પર આવી રહી હોય તો આ સિસ્ટમ બંને ટ્રેનોને રોકી દેશે.
'કવચ' સિસ્ટમ માર્ચ 2022માં લૉન્ચ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારની યોજના પ્રમાણે કવચ અંતર્ગત બે હજાર કિલોમિટરનું રેલ નેટવર્ક કવર કરવાનું હતું. સરકાર આ દિશામાં કામ કરી રહી હતી અને વિવિધ રેલ રૂટ્સ એ અંતર્ગત કવર કરવાના હતા.
આ સિવાય સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શૅર કરવામાં આવી રહ્યો છે.
આ જૂના વીડિયોમાં અશ્વિની વૈષ્ણવ કહે છે કે "અમે એક સ્વદેશી સિસ્ટમ કવચ બનાવી રહ્યા છીએ. તે યુરોપની સિસ્ટમથી પણ વધારે સારી હશે. અમે એક ટેસ્ટ પણ કર્યો. આ ટેસ્ટમાં એક ટ્રેનમાં હું પણ હાજર હતો. એક જ ટ્રેક પર બે તરફથી હાઈસ્પીડમાં ટ્રેનો આવી રહી હતી."
"ઠીક 400 મીટર દૂર જ કવચ સિસ્ટમ બંને ટ્રેનોને આપોઆપ રોકી દે છે. હું એન્જિનિયર હતો તો મેં આ ટ્રેનોમાં બેસવાનું રિસ્ક લીધું અને ખુદ પરિક્ષણ કર્યું. હું ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલો હતો."
અશ્વિની વૈષ્ણવ જે ટેસ્ટની વાત કરતા હતા. એ ટેસ્ટનો વીડિયો તમે અહીં જોઈ શકો છો.
મમતા બેનરજીએ રેલવેમંત્રીની હાજરીમાં કહ્યું...
ઓડિશામાં દુર્ઘટનાસ્થળે પહોંચેલા મમતા બેનરજીએ કહ્યું હતું કે જો ટ્રેનમાં 'ઍન્ટી કોલિઝન ડિવાઇસ' હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત.
મમતા બેનરજીએ કહ્યું, "હું જ્યારે મંત્રી હતી ત્યારે 'ઍન્ટી કોલિઝન ડિવાઇસ' તૈયાર કરવામાં આવ્યું હતું. તેનો હેતુ હતો કે એક ટ્રેક પર બે ટ્રેનો આવે તો આપોઆપ રોકાઈ જાય."
તેમણે આગળ કહ્યું, "રેલવેમંત્રી પણ અહીં હાજર છે. જો 'ઍન્ટી કોલિઝન ડિવાઇસ' લગાવ્યું હોત તો દુર્ઘટના ન થઈ હોત."
સાથે જ મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે હવે રેલવેને 'સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ' મળી રહી નથી.
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીએ કહ્યું, "રેલવેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે એ જરૂરી છે. હવે રેલવેનું બજેટ હોતું નથી. લાગે છે કે રેલવેમાં કૉ-ઑર્ડિનેશનની અછત થઈ ગઈ છે."
તેમણે બાલાસોર દુર્ઘટનાને સદીની સૌથી મોટી રેલ દુર્ઘટના ગણાવતા કહ્યું કે તેમાં માર્યા ગયેલા પશ્ચિમ બંગાળના લોકોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર અપાશે.
મમતા બેનરજીએ કહ્યું કે રાહત અને બચાવની કામગીરી પૂરી થાય ત્યાં સુધી પશ્ચિમ બંગાળ સરકાર, રેલવે અને ઓડિશા સરકાર સાથે મળીને કામ કરશે.
શું આ રૂટ પર 'કવચ' હતું?
સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે બાલાસોરમાં થયેલી દુર્ઘટનાને કવચનો ઉપયોગ કરીને કેમ રોકવામાં ન આવી.
આ પ્રશ્નનો જવાબ રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ આપ્યો.
તેમણે કહ્યું, "કવચ સિસ્ટમ રૂટના આધારે નક્કી થાય છે. દિલ્હી-હાવડા અને દિલ્હી-બૉમ્બે રૂટ પર જ હાલ આ સિસ્ટમને લગાવવામાં આવી રહી છે. તેનું કામકાજ ચાલી રહ્યું છે."
અંતે તેમણે જણાવ્યું, "આ અકસ્માત જે રૂટ પર થયો ત્યાં કવચ સિસ્ટમ શરૂ થઈ ન હતી."