You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં એક વર્ષમાં ટ્રેન સાથે કેટલાં પશુઓ અથડાયાં?
- લેેખક, અર્જુન પરમાર, અનંત ઝણાણે અને વિઝ્યુઅલ જર્નાલિઝ્મ ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
- તાજેતરમાં મુંબઈ-ગાંધીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન સાથે ઢોર અથડાવાની ઘટનાઓ સામે આવતાં તેની નોંધ સમગ્ર દેશની સમાચાર સંસ્થાઓએ લીધી હતી
- બીબીસીએ સમગ્ર ભારતમાં બનતા આવા બનાવો અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો
- બીબીસીએ દાખલ કરેલી માહિતી અધિકારની અરજીના જવાબમાં રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે પાછલાં ચાર વર્ષોમાં ટ્રેન-પશુ અકસ્માતની 49 હજાર કરતાં વધુ ઘટનાઓ નોંધાઈ હતી
- શું આ ઘટનાઓ ખતરનાક છે? શું આવી ઘટનાઓ રોકી શકાય? તેના માટે શું કરી રહી છે સરકાર?
વંદે ભારત અને અન્ય હાઇસ્પીડ ટ્રેનો હાલ ભારતીય રેલવેની પ્રથમ હરોળની ટ્રેનો છે, આ ટ્રેનો સામાન્યપણે વિલંબ અને સાફસફાઈની નબળી સ્થિતિવાળી છાપ ધરાવતી ભારતીય રેલવેમાં નવા યુગનું પ્રતીક બનીને સામે આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે ઘણા પ્રસંગે ઘણી નવી ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું છે. વડા પ્રધાન આ ટ્રેનોને ‘ઝડપી પરિવર્તનના માર્ગે રહેલા ભારતનું પ્રતીક’ ગણાવી છે.
સરકારની મહત્ત્વાકાંક્ષાઓ હાઇ સ્પીડ ટ્રેનો સુધી સીમિત રહી નથી પરંતુ ભવિષ્યમાં બુલેટ ટ્રેન સર્વિસ શરૂ કરવાનું પણ સરકારનું આયોજન છે. પરંતુ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ ધ્યેય સુધી પહોંચવાના માર્ગમાં એક અવરોધ નડી શકે છે અને એ છે : પશુ સાથે અકસ્માત.
ભારતમાં મુક્તપણે ફરતાં ગાય, ભેંસ અને પ્રાણીઓ અને ટ્રેન વચ્ચેના અકસ્માતો અગાઉથી જ સમાચારોમાં છવાયેલા છે.
ભારતીય ટ્રેનોના નવાની આગેવાન એવી વંદે ભારત એક્સપ્રેસ 160 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ ધરાવે છે. આ ટ્રેન તાજેતરમાં પશુ સાથેના કેટલાંક અકસ્માતોને કારણે ચર્ચામાં રહી હતી.
30 સપ્ટેમ્બર 2022ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત કરાવી હતી.
6 ઑક્ટોબરે મુંબઈથી ગાંધીનગર રૂટ પર ટ્રેન અમદાવાદના વટવા અને મણિનગર રેલવેસ્ટેશન ખાતે છ ભેંસોના ટોળા સાથે અથડાતાં અકસ્માત થયો હતો.
બીજા જ દિવસે એટલે કે 7 ઑક્ટોબરે ફરી એક વાર વંદે ભારત ટ્રેનનું આણંદ ખાતે ગાય સાથે અકસ્માત સર્જાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
29 ઑક્ટોબરે વંદે ભારત ટ્રેન અતુલ સ્ટેશન ખાતે પશુ સાથે અથડાતાં ટ્રેન 15 મિનિટ સુધી મોડી પડી હતી.
બીબીસીને RTI થકી મળી માહિતી
આ તમામ બનાવો બાદ બીબીસીએ સરકારને માહિતી અધિકારની એક અરજીમાં પશુ-ટ્રેન અકસ્માતના કુલ કિસ્સા અને તેના કારણે સરકારે ભોગવવા પડેલા ખર્ચ અંગે માહિતી માગી હતી.
જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2022માં પશુ-ટ્રેન અકસ્માતની કુલ 13,160 ઘટનાઓ બની હતી. વર્ષ 2019માં નોંધાયેલા 10,609 અકસ્માતો કરતાં આ આંકડો 24 ટકા વધુ હતો.
ભારતીય રેલવેના નવ ઝોનમાં પાછલાં ચાર વર્ષોમાં પશુ-ટ્રેન અકસ્માતના 49 હજાર કરતાં વધુ કિસ્સા નોંધાયા છે. તેમજ ઉત્તર-મધ્ય રેલવેમાં આવી લગભગ 4,500 ઘટનાઓ થઈ જે 2022માં તમામ ઝોનમાં બનેલ આવી ઘટનાઓનો સૌથી મોટો આંકડો છે.
ભારતીય રેલવેને કેટલું નુકસાન થયું?
ડિસેમ્બર 2021માં દેશના રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં ટ્રેન અને પશુ વચ્ચે થતા અકસ્માત રોકવા માટે સરકાર દ્વારા લેવાયેલાં પગલાંની જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું કે આ ઉપાયોમાં ફેન્સિંગ કે ટ્રૅકની આસપાસ બાઉન્ડ્રી બાંધવી, મુખ્ય શહેરોનાં ટ્રેન રૂટોમાં સુધારો અને પશુઓને ચારો અને ભોજન મળવાની સંભાવનાવાળાં ક્ષેત્રોથી કચરો દૂર કરવો અને ટ્રૅકની આસપાસ ઊગી રહેલાં લીલાં ઘાસ, ઝાડી દૂર કરવાં જેવાં પગલાં સામેલ છે.
રસપ્રદ વાત એ છે કે રેલવેમંત્રીએ કહ્યું હતું કે પશુ-ટ્રેન અકસ્માતની ઘટનાઓમાં રેલવેને કોઈ નુકસાન નથી થયું.
જોકે, બીબીસીને રેલવે મારફતે મળેલ RTIના જવાબના વિશ્લેષણ પરથી માલૂમ પડે છે કે ઉત્તર રેલવે અને દક્ષિણ-મધ્ય રેલવે, આમ રેલવેના બે ઝોને વર્ષ 2022માં ટ્રૅક અને ટ્રેનના સમારકામ પર એક કરોડ 30 લાખ કરતાં વધુનો ખર્ચ કર્યો, જેમાં ઉત્તર રેલવેએ એક કરોડ 28 લાખ રૂપિયાનો અને દક્ષિણ-મધ્ય રેલવેએ બે લાખ રૂપિયા કરતાં વધુ નો ખર્ચ કર્યો.
અને વર્ષ 2019માં, દક્ષિણ-મધ્ય રેલવેએ સમારકામ પાછળ બે લાખ 40 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
આવી ઘટનાઓ કેટલી ખતરનાક?
પશુ-ટ્રેન અકસ્માતમાં વધુ નુકસાન વંદે ભારત ટ્રેનના ઇંજિનના નોઝ કવર પર થાય છે, જે પશુની ટક્કરથી તૂટી જાય છે. ફાઇબર પ્લાસ્ટિકથી બનેલ આ ભાગ, ઝડપથી દોડી રહેલી ટ્રેન સાથે પશુનો અકસ્માત સર્જાતાં ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. પરંતુ તેને સરળતાથી બદલી પણ શકાય છે.
29 ઑક્ટોબર 2022માં પશ્ચિમ રેલવે ટ્વીટ કરીને જાણકારી આપી કે ‘કૅટલ રન ઓવર (પશુ-ટ્રેન અકસ્માત)ની ઘટનાઓની રેલવે મુસાફરી પર અસર પડી છે, જેના કારણે રેલવે દુર્ઘટનાઓની સંભાવના વધી જાય છે. જેમાં ડિરેલમૅન્ટ પણ સામેલ છે. આવા બનાવ મુસાફરોની સુરક્ષા પર ખતરો ઊભો કરે છે અને ટ્રેનોની અવરજવરમાં અવરોધ પેદા કરી શકે છે, તેમજ રેલવેની સંપત્તિને નુકસાન પણ કરે છે.’
જોકે, રેલવેના એક પૂર્વ સિનિયર અધિકારી રાકેશ ચોપરા કહે છે કે, “પહેલાં ટ્રેનોની ઝડપ આટલી વધારે નહોતી. એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં કહેવાય કે આ પ્રકારની ઘટનાઓને કારણે ટ્રેન પાટા પરથી નીચે ઊતરી જાય તેવી સંભાવના વધી જાય છે તેમજ મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાય છે.”
સજા અને દંડની જોગવાઈ?
રેલવે ઍક્ટ 1989ની જોગવાઈ અનુસાર, પશુઓના માલિકોને “જાણીજોઈને કરેલાં એવાં કાર્યો કે ચૂકોને લઈને દંડિત કરી શકાય છે જેનાથી રેલવે મુસાફરોની સુરક્ષા જોખમાતી હોય.”
ગુનો સાબિત થવાના કિસ્સામાં પશુમાલિકોને એક વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.
પશુમાલિકો પર પરવાનગી વગર પ્રવેશ અને પરવાનગી વગરના પ્રવેશનું કૃત્યુ ન રોકવા બાબતે કેસ પણ કરી શકાય છે અને જો તેઓ આ મામલે દોષિત સાબિત થાય તો તેમને છ માસની સજા કે એક હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
બીબીસીએ RTI હેઠળ મેળવેલ જવાબની છણાવટ પરથી માહિતી મળી છે કે પશ્ચિમ રેલવે વર્ષ 2019-2022 દરમિયાન પશુમાલિકો વિરુદ્ધ કૂલ 191 મામલા દાખલ કર્યા છે અને 9,100 રૂપિયાનો દંડ પણ કરાયો છે.
શું ફેન્સિંગ છે એકમાત્ર સમાધાન?
23 ફેબ્રુઆરી, 2023ના રોજ પોસ્ટ કરાયેલ એક ટ્વીટ અનુસાર પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ સેક્શન પર પશુની ટ્રેન સાથે ટક્કરની ઘટનાઓને રોકવા અને મુસાફરી વધુ બહેતર બનાવવા માટે લગભગ 622 કિલોમીટરના “મૅટલ બીમ ફેન્સિંગ”નું નિર્માણ કરી રહી છે. ટ્વીટ અનુસાર આ કામ માટેનાં તમામ ટૅન્ડરો અપાઈ ચૂક્યાં છે અને કામ ઝડપથી થઈ રહ્યું છે.
ટ્રૅકની ફેન્સિંગ કરવા વિશે રેલવેના ભૂતપૂર્વ અધિકારી રાકેશ ચોપરા કહે છે કે, “રેલવેના પાટા પર બૅરિકેડિંગ કે ફેન્સિંગ કરવું એ શક્ય સમાધાન નથી અને રેલવે પણ આ વાત જાણે છે. જો આપણે આવી ઘટનાઓ રોકવી હોય તો અનોખા સમાધાન વિશે વિચારવું જોઈએ.”
2022માં વંદે ભારત ટ્રેનો સાથે થયેલ અકસ્માતો બાદ, મહારાષ્ટ્રમાં રેલવે સુરક્ષાબળે રાજ્યમાં સંવેદનશીલ નાકાઓ પાસે ગ્રામ પ્રધાનોને આ મામલે નોટિસ પણ પાઠવી છે.
રેલવે બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન અરુણેન્દ્રકુમાર માને છે કે પશુ સાથે થતાં અકસ્માતોથી બચવા માટે આપણે રેલવેના ટ્રૅકની આસપાસ રહેતા લોકો સાથે કામ કરવું જોઈએ અને આવી ઘટનાઓ રોકવા માટે તેમની ભૂમિકા અંગે તેમને માહિતગાર કરવા જોઈએ.
તેઓ કહે છે કે, “પશુ-ટ્રેન અકસ્માત રોકવા માટે આપણે આવાં ક્ષેત્રોની ઓળખ કરીને ગાય-ભેંસની અવરજવર માટે કૉરિડૉર બનાવી શકીએ. રેલવે લાઇનની ફેન્સિંગ કરી શકાય છે, પરંતુ સાથે જ આ સમાધાન ઘણું મોંઘું પણ છે.”