You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેશભરમાં કેટલી રિટ અને પીઆઈએલ પેન્ડિંગ છે? RTIમાં થયો ખુલાસો
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
તાજેતરમાં જ ભારતના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ લંડનમાં આયોજિત એક કૉન્ફરન્સમાં ભારતીય કોર્ટમાં પેન્ડિંગ કેસો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. રમન્ના આખા દેશમાં પેન્ડિંગ કેસો વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ નિષ્ણાતો અને કાર્યકરો પ્રમાણે વધુ ચિંતાજનક વિચારાધીન રિટ અને જાહેર હિતની અરજીની(PIL)ની ભારે સંખ્યા છે.
11 ફેબ્રુઆરી 2022ના રોજ લોકસભામાં કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજીજુ દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ભારતની જુદી જુદી કોર્ટમાં આશરે 4.67 કરોડ કેસ પેન્ડિંગ છે.
તેમણે આ આંકડા ગૃહમાં સવાલ નંબર 1744નો જવાબ આપતાં રજૂ કર્યા હતા.
લોકસભામાં એક નિવેદન આપતાં કાયદામંત્રી કિરણ રિજીજુએ કહ્યું, "સમયસર કેસની સુનાવણી જુદાં-જુદાં પરિબળો પર નિર્ભર કરે છે, જેમ કે પૂરતા પ્રમાણમાં જજ અને ન્યાયિક ઑફિસરોની સંખ્યા, જજની ખાલી જગ્યા, સપૉર્ટિંગ કોર્ટ સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેસની જટિલતા અને તેની સાથે સંકળાયેલાં તથ્યો, તથ્યોનો પ્રકાર, પક્ષકારોનો સહકાર, બાર, તપાસ એજન્સીઓ, સાક્ષીઓ અને અરજદારો, નિયમો અને પ્રક્રિયાનું પાલન વગેરે."
NALSAR યુનિવર્સિટી ઑફ લૉના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. ફૈઝાન મુસ્તફા બીબીસીને જણાવે છે, "કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા દેશમાં ચિંતાનો વિષય છે તેમાં કોઈ બેમત નથી. કાયદામંત્રી પોતે કહે છે કે 'જો કોઈ નવો કેસ ન નોંધવામાં આવે તો હાલ પેન્ડિંગ કેસોની સુનાવણીમાં આશરે 300-400 વર્ષ લાગી જશે.'"
રિટ અને પીઆઈએલનું મહત્ત્વ અને સમયાવધિ
કોર્ટમાં સર્વગ્રાહીપણે પેન્ડિંગ કેસો વિશે લોકોમાં પૂરતા પ્રમાણમાં ચર્ચા થાય છે, પરંતુ રિટ અને PIL વિશે જવલ્લે જ વાત કરવામાં આવે છે.
ઘણી વખત રિટ અને PILની તુરંત સુનાવણી થઈ જાય છે પરંતુ કેટલીક વખત તે વિચારાધીન રહી જાય છે. ઘણી વખત તો વર્ષો સુધી. એક આશા સાથે કોર્ટમાં પહોંચ્યા હોય એ લોકોને અંતે નિરાશા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર નંદીતા બત્રા કહે છે કે લોકો ન્યાય માટે અનંતકાળ સુધી રાહ જોતા ન રહી શકે.
બીબીસી સાથે ફોન પર વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "જ્યારે આપણે રિટ અને PIL વિશે વાત કરીએ છીએ, તો એ વાત મહત્ત્વની બની જાય છે કે આ બંને લોકોના મૂળભૂત અધિકારોને કેન્દ્રમાં રાખે છે. કોઈએ પણ આવી બાબતમાં વર્ષો સુધી રાહ જોવી પડે તેવું ન બનવું જોઈએ."
"મોડું થવું એ ન્યાય માટે ઘાતક છે. આવી કેસોની શક્ય તેટલી ઝડપથી સુનાવણી થવી જોઈએ. પરંતુ ભારતના ન્યાયતંત્રમાં ઘણા અવરોધો છે. તેને જોઈને લાગતું નથી કે કેસોનો જલદી નિકાલ આવી શકે."
જોકે, ડૉક્ટર મુસ્તફા માને છે કે રિટ અને પીઆઈએલની સંદર્ભે ભારતની કોર્ટ આ અરજીઓ પર તત્કાલ કાર્યવાહી કરે છે.
પરંતુ ભારતમાં ન્યાયતંત્રની સિસ્ટમ સાથે સંકળાયેલ કેટલીક બાબતોને કારણે સુનાવણી લંબાઈ જાય છે અને તે એક ચિંતાનો વિષય છે.
NLASAR યુનિવર્સિટી ઑફ લૉનાં પ્રોફેસર અમિતા ધાંડાએ બીબીસીને જણાવ્યું કે જો આપણે ઇચ્છીએ છીએ કે આપણા હકોનો કોઈ મતલબ રહે, તો જરૂરી છે કે તેની પ્રક્રિયા પણ ઝડપી અને તાત્કાલિક થાય.
તેઓ કહે છે, "જો વાત વ્યક્તિના અધિકારક્ષેત્રને પ્રાથમિકતા આપવાની હોય, ખાસ કરીને જે વ્યક્તિનાં જીવન અને સ્વાતંત્ર્ય સાથે સંબંધિત અધિકારોને વધારે નજીકથી જોવાનું વલણ ધરાવે છે, તો મને લાગે છે કે આ વલણ યોગ્ય છે."
પ્રોફેસર બત્રા કોર્ટમાં કેટલીક મહત્ત્વની વિચારાધીન PIL વિશે પોતાનો મત રજૂ કરતાં કહે છે, "બંધારણના અનુચ્છેદ 370ને મર્યાદિત કરવા બાબતના કેસો, જેનાથી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો, આ સિવાય ઘણી બધી PIL છે જેનો જલદીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેમ કે ઇલેક્ટૉરલ બૉન્ડની બંધારણીય માન્યતા વિશે સવાલ કરતી PIL. તે પરોક્ષ રીતે આપણા દેશના લોકતાંત્રિક ફ્રેમવર્કને અસર કરે છે."
કેટલી રિટ અને પીઆઈએલ પેન્ડિંગછે?
બીબીસીએ કરેલી એક RTIની અરજીમાં આ વિશે જવાબ મળ્યો છે. 11 હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાએ દ્વારા અપાયેલી માહિતી અનુસાર રિટ અને PIL ભારે સંખ્યામાં પેન્ડિંગ છે. આ તમામ કોર્ટમાં આશરે 3,91,892 રિટ અરજી અને 10,453 PIL પેન્ડિંગ છે.
આમાંથી ઘણી અરજીઓ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સંબંધિત અને વ્યાપક જાહેર હિત સંબંધિત હોઈ શકે છે. આપણે એમ ન કહી શકીએ આ બધા કેસમાં તત્કાલિક સુનાવણી મળવાપાત્ર હોય છે.
ભારતના બંધારણના અનુચ્છેદ 32 અને 226 અંતર્ગત રિટ અને PIL અનુક્રમે સુપ્રીમ કોર્ટ અને ભારતની જુદી જુદી હાઇકોર્ટમાં ફાઇલ કરી શકાય છે.
અનુચ્છેદ 32 અને 226 અંતર્ગત દરેક નાગરિક દેશનાં ઉચ્ચ અને ઉચ્ચતમ ન્યાયાલયોમાં જઈને PIL અને રિટ દાખલ કરી શકે છે અને પોતાના હકો પ્રાપ્ત કરી શકે છે.
જાહેર હિતના પ્રશ્નો અને તેમાં કોર્ટની દરમિયાનગીરી માટે કોઈ પણ વ્યક્તિ PIL કરી શકે છે
ભારતના ન્યાયતંત્ર સામે પડકારો
નિષ્ણાતોએ અમને જણાવ્યું કે કેસો પેન્ડિંગ હોવાનો મુદ્દો જ સૌથી મોટો મુદ્દો છે, પરંતુ ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગનો મુદ્દો પણ મોટો પડકાર છે.
ડૉ. મુસ્તફા કહે છે, "ભારતના ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર એ છે કે આપણે ત્યાં જજ-જનતા પ્રમાણ અને જજોની ખાલી જગ્યાઓ ચિંતાનો મુદ્દો છે. જ્યાં સુધી PILની સુનાવણીનો મામલો છે, PILનો ઘણી વખત દુરુપયોગ થયો છે. તેના કારણે કોર્ટે દરેક કેસની ધ્યાનપૂર્વક ચકાસણી કરવી પડે છે, તેના કારણે કોર્ટનો વધુ સમય વેડફાય છે."
તેઓ ઉમેરે છે કે કોર્ટ પર પહેલેથી સામાન્ય કરતાં વધારે ભારણ છે.
"કેટલીક વખત ન્યાયતંત્રની સિસ્ટમ રિટ અને PILની સુનાવણીમાં મોડું કરે છે. કેટલીક વખત અમુક કેસમાં કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવાનું હોય છે, તેના કારણે મોડું થાય છે."
આસિસ્ટન્ટ પ્રોફેસર બત્રા પણ માને છે કે જજોની સંખ્યા અને તેમની ભરતીનો મુદ્દો ભારતીય ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર છે.
બીજી તરફ પ્રોફેસર ધાંડા માને છે કે જે રીતે દેશનાં ન્યાયાલયો કેસનું સમાધાન લાવી રહ્યાં છે અને કેટલાક કેસને પ્રાથમિકતા અપાઈ રહી છે, તે આપણા બધા માટે ચિંતાનો વિષય છે.
તેઓ કહે છે, "ઝાકિયા જાફરી અને સામાજિક કાર્યકર્તા હિમાંશુકુમાર દ્વારા કોર્ટમાં PIL ફાઇલ કરવામાં આવી હતી, અને તે અંગે નિર્ણય જાહેર કરાયા હતા, આ નિર્ણયોને જોઈને આપણે કહી શકીએ છીએ કે જાહેર હિત માટે સામાજિક દરકાર ધરાવતા લોકો જો સત્તા પર બેઠેલા લોકોને અઘરા સવાલ કરે છે, તો ન માત્ર કોર્ટ કેસને ફગાવી દે છે પરંતુ આવા લોકો સામે કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપી શકાય છે. આ પ્રકારનું વલણ દરેક પ્રકારની જાહેર હિતની અરજી માટે નકારાત્મક અસરો ઉપજાવી શકે છે."
ઐતિહાસિક પીઆઈએલ કેસ અને રિટ અરજીઓ
રિટ અને PILનો નિકાલ કરતી વખતે સર્વોચ્ચ અદાલતના કેટલાક નિર્ણયો એવા હતા જેના કારણે ભારતીય ન્યાયતંત્રે નવો ચીલો ચાતર્યો.
આ કેસો રિટ અને PILનું મહત્ત્વ પણ દર્શાવે છે અને અદાલતો દ્વારા આ મુદ્દાઓને શક્ય તેટલી વધુ ઝડપે કેમ હાથમાં લેવા જોઈએ તે અંગેના પ્રશ્નનો જવાબ આપે છે.
કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય (1973)
આ કેસ રિટ અરજી સાથે સંકળાયેલો હતો જેમાં કેરળના જમીન સુધારણા અધિનિયમ 1963ને પડકાર આપવામાં આવ્યો હતો.
આ કેસનો નિર્ણય આપતાં ભારતની સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખાનો સિદ્ધાંત જાહેર કર્યો હતો.
આ કેસમાં સરકારનો દાવો હતો કે તેની પાસે બંધારણમાં સુધારા કરવાની અમર્યાદિત શક્તિ છે. બીજી બાજુ અરજદારે દલીલ આપી હતી કે બંધારણમાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો છે જેને સુધારા દ્વારા દૂર ન કરી શકાય. જે સુધારાની મદદથી તે લક્ષણ રદ કરી દેવામાં આવે તેને ગેરબંધારણીય ઠેરવાશે.
કોર્ટે અરજદારની દલીલ સ્વીકારી અને સ્વીકાર્યું કે સંસદની સુધારો કરવાની સત્તા અબાધિત નથી. તે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને નાબૂદ કરવા માટે સુધારાની સત્તાનો ઉપયોગ ન કરી શકે.
13 જજની બેન્ચે (સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની સુનાવણી માટે રચાયેલી અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ) પોતાનો નિર્ણય આપતાં બંધારણના મૂળભૂત માળખાને પણ વ્યાખ્યાયિત કર્યું હતું.
તેમાં બંધારણની સર્વોપરિતા, બંધારણનું બિનસાંપ્રદાયિકપણું, વ્યક્તિનું ગૌરવ (મૂળભૂત અધિકારો દ્વારા સુરક્ષિત) અને બીજી ઘણી વિશેષતાઓનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે જો કોઈ સરકાર ભવિષ્યમાં મૂળભૂત અધિકારોના પ્રકરણને બંધારણમાંથી હઠાવવા માગે અથવા બિનસાંપ્રદાયિક દેશને બદલે ધર્મકેન્દ્રિત દેશની રચના કરવા માગે, તો તે કરવું સહેલું નહીં હોય, કેમ કે સુપ્રીમ કોર્ટ કેશવાનંદ ભારત અને મૂળભૂત સિદ્ધાંતનો હવાલો આપીને આવા કોઈ પણ પ્રયત્નને અમાન્ય ઠેરવી શકે છે.
'10 જજમૅન્ટ્સ ધેટ ચેન્જ્ડ ઇન્ડિયા' નામના પુસ્તકનાં લેખિકા અને વકીલ ઝીયા મોદીએ કેશવાનંદ ભારતી કેસમાં અપાયેલા નિર્ણયને "ભારતીય લોકતંત્રનો સુરક્ષાવાલ્વ" ગણાવ્યો છે.
મેનકા ગાંધી વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા
1978માં કેન્દ્ર સરકારે મેનકા ગાંધીનો પાસપોર્ટ જપ્ત કરવાનું નક્કી કર્યું હતું અને તેના માટે એક વખત તેમને પોતાનો પક્ષ રજૂ કરવાનો પણ સમય આપ્યો ન હતો. સરકારે આ હુકમ કરવા પાછળનું કારણ આપ્યું ન હતું.
તેમણે એક રિટ અરજી દાખલ કરી અને સરકારના આ ઍક્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયાં હતાં. તેમણે દલીલ આપતાં કહ્યું હતું કે વિદેશપ્રવાસ કરવો એ બંધારણના આર્ટિકલ 21 (જીવન જીવવાના અધિકાર) અંતર્ગત તેમનો હક છે.
સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી અને કહ્યું કે માત્ર વિદેશપ્રવાસ જ નહીં, જીવન જીવવાના અધિકારમાં બીજા પણ ઘણા અધિકારો સામેલ છે.
આ નિર્ણય બાદથી આર્ટિકલ 21 ઘણા માનવાધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓનું ગોડાઉન બની ગયું છે.
મેનકા ગાંધીના કેસ બાદથી કોર્ટે જીવન જીવવાના અધિકારમાં અન્ય પણ ઘણા હકો સામેલ કર્યા છે જેમાં પ્રાઇવસી જાળવવાનો હક, સ્વચ્છ હવા લેવાનો હક, શિક્ષણનો હક, ભોજનનો હક વગેરે. આ બધા હકો બંધારણમાં અપાયેલ જીવન જીવવાના અધિકાર અંતર્ગત આવે છે.
નવેતેજસિંહ જોહર વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા (PIL)
આ કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન પીનલ કોડની કલમ 377ને ગેરબંધારણીય ગણાવી હતી.
આ ધારા અંતર્ગત 'પ્રકૃતિ વિરુદ્ધ સેક્સ' એ ગુનો છે. તેમાં સમલૈંગિકો વચ્ચે સંમતિ સાથે સેક્સનો પણ સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલતે એલજીબીટી સમુદાય માટે "બંધારણ દ્વારા સુરક્ષિત સ્વાતંત્ર્યો સહિત બંધારણીય અધિકારોની સંપૂર્ણ શ્રેણી" સુનિશ્ચિત કરવાનો માર્ગ પણ મોકળો કર્યો.
એનએલએસએ વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા (PIL)
આ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડરને ત્રીજી જાતિ તરીકે ઓળખ આપી હતી. આ સમૂહને એક કાયદેસર દરજ્જો મળ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં આ કૉમ્યુનિટીને અનામત આપવાના હક વિશે પણ સરકારને જણાવ્યું.
કોર્ટે પોતાના આદેશમાં સરકારને સલાહ આપી કે તેમણે આ લોકોને 'સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત' લોકોની શ્રેણીમાં સ્થાન આપવું જોઈએ, જેનાથી તેમને નોકરી અને શિક્ષણમાં ફાયદો મળે.
સબરીમાલા મંદિર કેસ (PIL)
આ કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષો જૂનો પ્રતિબંધ હઠાવ્યો જેમાં કેરળના સબરીમાલા મંદિરમાં માસિકધર્મમાં આવી શકે તે વયજૂથનાં મહિલાઓ અને છોકરીઓ મંદિરમાં પ્રવેશ મેળવી શકતાં ન હતાં.
આ નિર્ણયમાં જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે પૂજા કરવાથી માત્ર મહિલાઓને રોકવાની આ પ્રવૃત્તિ એ સ્ત્રીઓને ગૌણત્વનો અહેસાસ કરાવે છે.
મોટા ભાગના જજનો મત હતો કે મહિલાઓને પૂજાથી બાકાત રાખવાં એ બંધારણના આર્ટિકલ 25 હેઠળ ભેદભાવ છે. આર્ટિકલ 25 દરેક વ્યક્તિને કોઈ પણ જાતના અવરોધ વગર પોતાના ધર્મના પાલનનો એકસમાન અધિકાર છે અને તેના માટે તેની જાતિ પર ધ્યાન આપવું ન જોઈએ.
વકીલ કે. આર. કોષ્ટી પીઆઈએલના નિષ્ણાત છે અને તેમણે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડ્યા છે.
તેઓ કહે છે, "ઉપર દર્શાવવામાં આવેલા દરેક મુદ્દા સાથે સંકળાયેલી પીઆઈએલ દેશના માનવાધિકાર સાથે સંકળાયેલી હતી. મહિલાઓ અને LGBTQ કૉમ્યુનિટી સૌથી વંચિત કોમ્યુનિટી છે, માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં. પોતાના નિર્ણયની સાથે કોર્ટે આ કૉમ્યુનિટીઓને સન્માન આપવાનો અને સમાનતાનો હક આપવાનો પ્રયાસ કર્યો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો