You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓડિશા, કોરોમંડલ એક્સપ્રેસ: આ છે ભારતની સૌથી ભીષણ રેલ દુર્ઘટના
- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહનાગા રેલવેસ્ટેશન પાસે થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોનાં મોત થયાં છે અને 800 લોકો ઘાયલ થયા છે.
કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડી એકબીજા સાથે અથડાઈ ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
આ ભારતમાં એક સદીની સૌથી ભીષણ રેલ દુર્ઘટનાઓમાંથી એક છે.
અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.
જોકે આ પહેલાં પણ ફેબ્રુઆરી 2009માં હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસના 14 ડબ્બા ઓડિશાના જાજપુર રેલવેસ્ટેશન પાસે પાટા પરથી ઊતરી ગયા હતા.
આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયાં હતાં અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તાજેતરમાં ઓડિશામાં થયેલી દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં ભારતમાં અત્યાર સુધી થયેલી રેલ દુર્ઘટના વિશે આવો જાણીએ.
ભારતમાં અત્યાર સુધીની રેલ દુર્ઘટના
- 1956માં મહબૂબનગરમાં ગ્રેડ ટ્રંક એક્સપ્રેસની દુર્ઘટનામાં 112 લોકોનાં મોત થયાં હતાં.
- 1956માં તામિલનાડુના અરિયાલુરમાં મદ્રાસ તુતીકોરિન એક્સપ્રેસ નદીમાં પડી જવાથી 156 લોકોનાં મોત થયાં હતાં. દુર્ઘટના એ સમયે થઈ હતી, જ્યારે પુલ તૂટી ગયો હતો. તત્કાલીન રેલવેમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આ વાતની જવાબદારી લેતા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
- 6 જૂન 1981ના રોજ બિહારના સમસ્તીપુરમાં એક ટ્રેન બાગમતી નદીમાં પડી ગઈ હતી. એક અનૌપચારિક અનુમાન છે કે કુલ 800 લોકો માર્યા ગયા હશે. એ નદીમાંથી 212 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ સૌથી મોટી દુર્ઘટના છે.
- 8 જુલાઈ 1987ના રોજ આદિલાબાદ જિલ્લાના મંચિરયાલામાં દક્ષિણ એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ, જેથી 53 લોકોનાં મોત થયાં હતાં. એ જ વર્ષે તામિલનાડુના અરિયાલારમાં એક રૉકફોર્ટ ટ્રેન નદીમાં પડી જવાથી 75 લોકોનાં મોત થયાં હતાં.
- 8 જુલાઈ 1988ના રોજ કેરળમાં બૅંગલુરુ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ પાટા પરથી ઊતરીને એક તળાવમાં પડી ગઈ હતી, જેમાં 107 લોકો માર્યા ગયા હતા.
- 9 ઑક્ટોબર 1990ના રોજ કાકતીય ટ્રેન દુર્ઘટનામાં 47 લોકોનાં મોત થયાં હતાં.
- 7 એપ્રિલ 1992ના રોજ તેનાલીમાં બિત્રગુંટા વિજયવાડા પૅસેન્જર ટ્રેન દુર્ઘટનામાં 20 લોકોનાં મોત થયાં હતાં.
- 3 મે 1994ના રોજ નલગોડા જિલ્લામાં નારાયણાદ્રી એક્સપ્રેસ એક ટ્રૅક્ટર સાથે અથડાવાથી 35 લોકોનાં મોત થયાં હતાં.
- 20 ઑગસ્ટ 1995ના રોજ પુરુષોત્તમ એક્સપ્રેસ અને કાલિન્દી એક્સપ્રેસના અકસ્માતમાં 302 લોકોનાં મોત થયાં હતાં. કેટલાક લોકોનું અનુમાન છે કે 400થી વધુ લોકો માર્યા ગયા હતા. દેશના ઇતિહાસમાં આ બીજી સૌથી ભીષણ રેલ દુર્ઘટના છે.
- 26 નવેમ્બર 1998ના રોજ પંજાબમાં જમ્મુ અને સિયાલદહ ટ્રેનોના અકસ્માતમાં 212 લોકોનાં મોત થયાં હતાં.
- 2 ઑગસ્ટ 1999ના રોજ બંગાળમાં અવધ એક્સપ્રેસ-બ્રહ્મપુત્ર મેલના અકસ્માતમાં 288 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે સિગ્નલમાં ખરાબી હોવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રૅક પર આવી જવાથી આ દુર્ઘટના ઘટી હતી. કર્મીઓની ભૂલના કારણે ઘટેલી આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે.
- 2002માં હાવડા રાજધાની ટ્રેન બિહારમાં દાવી નદીમાં પડી ગઈ હતી, જેમાં 130 લોકોનાં મોત થયાં હતાં.
- 21 ડિસેમ્બર 2002ના રોજ કુરનુલ જિલ્લાના રામલિંગયાપલ્લીમાં કાચીગુડા બૅંગલુરુ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી, જેમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
- 3 જાન્યુઆરી 2003ના રોજ કાચીગુડા મનમાડ એક્સપ્રેસ મહારાષ્ટ્રમાં એક ઊભેલી ટ્રેનમાં જઈ અથડાઈ હતી, જેમાં 20 લોકોનાં મોત થયાં હતાં. આમાં માનવીય ભૂલ મળી આવી હતી અને ટ્રેનચાલક સહિત છ અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.
- 2 જુલાઈ 2003ના રોજ ગોલકુંડા એક્સપ્રેસની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી અને વારંગલ સ્ટેશન પર પાટા પરથી ઊતરીને રસ્તા પર પડી હતી. જેમાં 21 લોકોનાં મોત થયાં હતાં.
- 29 ઑક્ટોબર 2005માં રાયપલ્લે સિકંદરાબાદ પૅસેન્જર ટ્રેન નલગોડા જિલ્લાના રામન્નાપેટ અને વાલીગોડા વચ્ચે પાટા પરથી ઊતરી ગઈ હતી, જેમાં 115 લોકોનાં મોત થયાં હતાં.
- 11 જુલાઈ 2006ના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં સાત બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેમાં 181 લોકો માર્યા ગયા હતા અને 900 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- 2 ડિસેમ્બર 2006ના રોજ બિહારના ભાગલપુરમાં 150 વર્ષ જૂના પુલમાં 47 લોકોનાં મોત થયાં હતાં.
- 18 ફેબ્રુઆરી 2007ના રોજ સમજૌતા એક્સપ્રેસમાં થયેલા બ્લાસ્ટમાં 68 લોકોનાં મોત થયાં હતાં.
- 1 ઑગસ્ટ 2008ના રોજ વારંગલ જિલ્લામાં ગૌતમી એક્સપ્રેસમાં આગ લાગવાથી 31 લોકોનાં મોત થયાં હતાં.
- 14 ફેબ્રુઆરી 2009ના રોજ હાવડાથી ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસના 14 ડબ્બા ઓડિશાના જાજપુર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયાં હતાં અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- 28મે 2010ના રોજ બંગાળમાં જનેશ્વરી એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જવાથી અને એક માલગાડીના પાટા પરથી ઊતરી જવાથી 150 લોકોનાં મોત થયાં હતાં.
- 22 મે 2012ના રોજ અનંતપુરના પેનુકોંડામાં હમ્પી એક્સપ્રેસ દુર્ઘટનામાં 25 લોકોનાં મોત થયાં હતાં.
- 30 જુલાઈ 2012ના રોજ મોડી રાત્રે નેલ્લોરમાં તામિલનાડુ એક્સપ્રેસમાં આગ લાગવાથી 47 લોકોનાં મોત થયાં હતાં.
- 19 ઑગસ્ટ 2013ના રોજ બિહારના ધમારા ઘાટ સ્ટેશન પર સહરસા ટ્રેન દુર્ઘટનામાં 35 લોકોનાં મોત થયાં હતાં.
- 28 ડિસેમ્બર 2013ના રોજ આંધ્ર પ્રદેશમાં બૅંગલુરુ-નાંદેડ એક્સપ્રેસમાં આગ લાગવાથી 26 લોકોનાં મોત થયાં હતાં.
- મે 2014માં દીવા જંક્શન અને સાવતવાડી સ્ટેશન વચ્ચે એક પૅસેન્જર ટ્રેન પાટા પરથી ઊતરી જવાથી 20 લોકોનાં મોત થયાં હતાં.
- મે 2014માં ગોરખઘામ એક્સપ્રેસ યુપીના એક સ્ટેશન પર માલગાડી સાથે અથડાઈ હતી, જેમાં 25 લોકોનાં મોત થયાં હતાં.
- 23 જુલાઈ 2014ના રોજ નાંદેડ સિકંદરાબાદ એક્સપ્રેસ મેદક જિલ્લામાં ટ્રૅક પાર કરી રહેલી સ્કૂલ બસ સાથે અથડાઈ હતી, જેમાં 20 લોકોનાં મોત થયાં હતાં.
- માર્ચ 2015માં દહેરાદૂન વારાણસી જનતા એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના રાયબરેલી પાસે પાટા પરથી ઊતરી જવાથી 58 લોકોનાં મોત થયાં હતાં.
- ઑગસ્ટ 2015માં મધ્ય પ્રદેશમાં કામાયની એક્સપ્રેસ અને જનતા એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જવાથી 31 લોકોનાં મોત થયાં હતાં.
- નવેમ્બર 2016માં યુપી પુખરાયા પાસે ઇન્દૌર રાજેન્દ્ર નગર એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જવાથી 150 લોકોનાં મોત થયાં હતાં.
- જાન્યુઆરી 2017માં હીરાખંડ એક્સપ્રેસ વિજયનગરમ પાસે પાટા પરથી ઊતરી ગઈ હતી, જેમાં 41 લોકોનાં મોત થયાં હતાં.
- ઑગસ્ટ 2017માં યુપીના મુઝફ્ફરનગર પાસે કલિંગ ઉત્કલ એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જવાથી 23 લોકોનાં મોત થયાં હતાં.
- ઑક્ટોબર 2018માં અમૃતસરમાં દશેરા મનાવી રહેલા લોકો ટ્રેનની ચપેટમાં આવી જવાથી 59 લોકોનાં મોત થયાં હતાં.
- મે 2020માં જાલના પાસે ટ્રૅક પર સૂઈ રહેલાં 16 શ્રમિકોનાં મોત એક ટ્રેનની નીચે કચડાઈ જવાથી થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર