You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઊતરતાં 288 લોકોનાં મોત
ઓડિશાના બાલાસોર જિલ્લા પાસે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ છે. આ અકસ્માતમાં 250થી વધુ લોકોનાં મોત થયાં છે.
સમાચાર એજન્સીઓ અનુસાર ચેન્નાઈથી હાવડા જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી, જે બાદ તેના કેટલાક ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.
આ અકસ્માત બાલાસોર પાસે બાહાનગા બજાર સ્ટેશન નજીક થયો હતો. દુર્ઘટનાસ્થળે રાહત બચાવકાર્ય ચાલુ હોવાની માહિતી મળી રહી છે.
સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ઓડિશાના ચીફ સેક્રટેરી પ્રદીપ જેનાએ કહ્યું હતું કે અકસ્માતમાં એક કરતાં વધુ મૃત્યુ પણ થયાં છે.
તેમણે કહ્યું હતું કે, “આ ખૂબ તીવ્ર અકસ્માત હતો, જેમાં બે પૅસેન્જર ટ્રેન અને એક માલગાડી સામેલ હતી. અકસ્માતમાં કેટલાંક મૃત્યુ થયાં છે. પરંતુ અમે ગણતરી નથી કરી.”
પ્રદીપ જેના અનુસાર, “એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સહિત 600-700 લોકો દુર્ઘટનાસ્થળે કાર્યરત છે. આખી રાત રેસ્કયૂ ઑપરેશન ચાલશે. બધી હૉસ્પિટલો મદદ કરી રહી છે. ઘટનાનો ભોગ બનનારને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. લાગતવળગતા અધિકારીઓ દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે.”
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે.
વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું
ઇસ્ટ કોસ્ટ રેલવેના અધિકારી અમિતાભ શર્માએ સુબ્રત પતિને જણાવ્યું કે, “પહેલાં કોરોમંડલ એક્સપ્રેસના અમુક ડબ્બા પાટેથી ઊતરી ગયા છે. આ ગાડી બીજા પાટા પરથી પસાર થઈ રહેલી યશવંતપુર હાવડા એક્સપ્રેસ સાથે અથડાઈ. કોરોમંડલ એક્સપ્રેસના અમુક ડબ્બા પાટેથી ઊતરીને માલગાડી સાથે અથડાયા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માત અંગે વડા પ્રધાન મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના ટ્વીટમાં શોકાતુર પરિવારો માટે સંવેદના વ્યક્ત કરતાં ઈજાગ્રસ્તો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી.
પોતાના ટ્વીટમાં વડા પ્રધાન મોદીએ લખ્યું, “આ દુર્ઘટના અંગે મેં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી, દુર્ઘટનાસ્થળે બચાવકાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરાઈ રહી છે.”
તેમજ રાહુલ ગાંધીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને કૉંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓને બચાવકાર્યમાં સંભવ તમામ મદદ કરવાનો આગ્રહ કર્યો છે.
વળતરની જાહેરાત
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે તેઓ દુર્ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ રહ્યા છે. તેમણે મૃતકોના પરિવારો માટે દસ લાખ રૂપિયા, ગંભીરપણે ઈજાગ્રસ્તને પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું કે, “અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સ્થિતિનો તાગ મેળવવા માટે હું સવારે ઘટનાસ્થળે પહોંચીશે. અમારી પ્રાથમિકતા ઈજાગ્રસ્તોના ઇલાજ અને જીવિત લોકોની મદદ કરવાની છે.”
મદદ માટે મમતા બેનરજીએ ટીમ મોકલી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે તેઓ ઘટનાસ્થળે તેમના રાજ્યની ટીમ મોકલી રહ્યાં છે જેથી સાથે મળીને રાહત અને બચાવનું કાર્ય કરી શકાય.
રાજ્ય સરકારે અકસ્માતના સ્થળે રાહત અને બચાવદળ રવાનાં કર્યાં છે. મેડિકલ ટીમોને પણ રવાના કરાઈ છે.
ભુવનેશ્વરથી બીબીસીના સહયોગી પત્રકાર સુબ્રત પતિએ જાણકારી આપી છે કે અત્યાર સુધી મળી રહેલ જાણકારી અનુસાર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમની સરકાર ઓડિશા સરકારના સંપર્કમાં છે જેથી ઈજાગ્રસ્તો સુધી પહોંચી શકાય.
તેમણે બે હેલ્પલાઇન નંબર જાહેર કરતાં કહ્યું, “તેમની સરકાર ઝડપથી રાહત અને બચાવનું કાર્ય પૂરું કરવાના તમામ પ્રયત્નો કરી રહી છે.”
પશ્ચિમ બંગાળ સરકારે એક પાંચ સભ્યોની ટીમ દુર્ઘટનાસ્થળે મોકલી છે. આ ટીમ ઓડિશા સરકાર અને રેલવે સાથે સંકલન સાધીને કામ કરશે.
તેમણે કહ્યું, “હું જાતે મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટના પર સતત નજર રાખી રહી છું.”
હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
ઓડિશા રાજ્ય આપત્તિ પ્રબંધન ઑથૉરિટીના પ્રબંધ નિદેશક જ્ઞાન રંજન દાસે કહ્યું છે કે રાજ્ય સરકારે આદેશ આપ્યે છે કે નજીકના જિલ્લાથી પણ ઍમ્બુલન્સો ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના કરાય.
સમાચાર એજન્સી પીટીઆઇ અને એએનઆઇએ કેટલીક તસવીરો જાહેર કરી છે જેમાં જોઈ શકાય છે કે ટ્રેનના અમુક ડબ્બા પલટી ગયા છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ અકસ્માતમાં ઘણા ઈજાગ્રસ્ત થયા હોઈ શકે.
દક્ષિણ રેલવેએ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે રેલવે તરફથી લોકોની મદદ માટે અસ્થાયી હેલ્પલાઇન નંબર 044-25354771 શરૂ કર્યો છે.
જીઆરએમ ખડગપુરે પણ કહ્યું છે કે હાવડા, ખડગપુર, બાલાસોર અને શાલીમાર સ્ટેશનો પર હેલ્પલાઇન નંબર શરૂ કરી દેવાયા છે. તેમણે જણાવ્યું છે કે એનડીઆરએફની ટીમો અકસ્માતની જગ્યાએ પહોંચી ચૂકી છે.