You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘એક જ ઘરનાં બે ભાઈબહેન ગુજરી ગયાં’, વડોદરામાં ગુસ્સે ભરાયેલા લોકોએ સરકારને કેવા સવાલ કર્યા?
“આ ઘટનાથી એ સાબિત થાય છે શાળા, કૉર્પોરેશન અને કૉન્ટ્રેક્ટરે પોતાની જવાબદારી નિભાવી નથી. તેમણે પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવી અને તેના કારણે નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. એક જ ઘરનાં બે ભાઈ-બહેન મૃત્યુ પામ્યાં છે, તેમના પર શું વીતી હશે?”
વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે બોટ પલટાતાં શાળાનાં 12 બાળકો અને બે શિક્ષકોનાં મોત થયાં છે. ઘટનાસ્થળે હાજર લોકોનાં મનમાં ભારોભાર આક્રોશ અને અનેક સવાલ હતા. આવી જ એક વ્યક્તિ આમિર વોરાએ કંઈક આ રીતે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
હજુ સુધી સર્ચ ઑપરેશન ચાલુ છે, તેમજ કેટલાંક બાળકો હજુ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર બોટમાં 30થી વધુ લોકો સવાર હતા. હાલમાં મામલાની તપાસ વડોદરાના કલેક્ટરને સોંપાઈ છે અને દસ દિવસમાં રિપોર્ટ આપવાનો સરકારે આદેશ કર્યો છે. સ્થાનિક પોલીસે આ મામલે બોટ રાઇડના કૉન્ટ્રેક્ટર સહિત 18 સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
જોકે, બીજી તરફ વિપક્ષ અને ઘણા અન્ય લોકો ‘ઘટનાને શાળા, તંત્ર અને સરકારની બેદરકારીનું પરિણામ’ ગણાવી સરકાર અને સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
ઘટનાસ્થળેથી લોકોનો આક્રોશ
ઘટનાસ્થળે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી, જેમાં લોકોનો આક્રોશ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.
એક સ્થાનિકે કહ્યું હતું કે, “આ તંત્રની બેદરકારી છે, બાળકોની સુરક્ષાનો જરા પણ ખ્યાલ રાખવામાં આવ્યો નથી.”
ઘટનાસ્થળે હાજર અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, “અનેક શહેરોમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ તંત્ર જાગૃત થયું હોય એવું લાગતું નથી. હજુ પણ આપણે એ જ પરિસ્થિતિમાં હોઈએ એવું લાગે છે. મોરબી હોય, કાંકરિયા હોય કે પછી તક્ષશિલા આપણી સામે આવાં અનેક ઉદાહરણો છે.”
એક મહિલાએ દુ:ખભર્યા સ્વરે કહ્યું હતું કે, “સરકાર પૈસા આપીને છૂટી જાય તો બાળક થોડું પાછું આવશે?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનાલી મોરે નામનાં એક મહિલાએ સવાલો કર્યા હતા કે, “કૉર્પોરેશનના અધિકારીઓ ગાયબ છે. તેમણે ખરેખર તો સ્થળ પર આવીને આ ઘટનાની જવાબદારી લેવી જોઈએ. શું ચાર-પાંચ લાખ આપી દેવાથી બાળકો પાછાં આવી જશે?”
મનોહર નામની અન્ય એક વ્યક્તિએ માંગણી કરી કે, “વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના તમામ અધિકારીઓમાં જો જરા પણ શરમ બાકી હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. બાળકોના આત્માની શાંતિ માટે તેમણે રાજીનામું આપવું જોઈએ. લોકોએ તેના માટે આંદોલન કરવું જોઈએ.”
સ્થળ પર હાજર વાલીઓએ શાળા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ ઘટનામાં શાળાના સંચાલકો અને શિક્ષકોનો પણ વાંક છે. જે જગ્યાએ બાળકોને લઈ જવામાં આવ્યાં, ત્યાં કેવી સુવિધાઓ છે તેની તપાસ શું શાળાના સંચાલકોએ કરી હતી?
કૉંગ્રેસે કર્યા આકરા પ્રહારો
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટર પર લખ્યું હતું કે, “એ આશ્ચર્યની વાત છે કે બાળકોને લાઇફ જૅકેટ આપ્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યાં હતાં.”
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આરોપો લગાવતાં કહ્યું હતું કે, “ભાજપની સરકાર કૉન્ટ્રેક્ટરો પાસેથી પૈસા લે છે અને કૉન્ટ્રેક્ટરો મનમાની કરે છે. એક પછી એક ઘટનાઓ ગુજરાતમાં બનતી રહે છે. નિર્દોષ લોકો મરે છે.”
કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, “વડોદરાની ઘટનામાં માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે. પ્રથમ દૃષ્ટિએ બોટના લાઇસન્સધારકોએ નિયમ કરતાં વધુ બાળકોને બેસાડ્યાં હોય તેવું લાગે છે. દરેક દુર્ઘટના પછી સરકાર તપાસનો દેખાડો કરે છે પરંતુ આ રીતે લૂંટનાં લાઇસન્સ કોને આપેલાં છે તેની તપાસ કરતી નથી.”
વડગામના ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, “હું વડોદરા હરણી તળાવની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં બાળકો અને શિક્ષકો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. વારંવાર પુનરાવર્તિત ઘટનાઓ સુરક્ષા ધોરણો અને પ્રોટોકોલ પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરે છે તથા સરકાર અને સંબંધિત વિભાગો માટે ત્વરિત પગલાં લેવા, હાલનાં પગલાંની સમીક્ષા કરવી અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે જરૂરી સુધારાનો અમલ કરવો જ પડે તે હવે ફરજિયાત બની ગયું છે.”
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વિપક્ષનાં નેતા અમી રાવતે કહ્યું હતું કે, “આ કોઈ દુર્ઘટના નથી, આ ઘટનાને અમે હત્યા તરીકે જોઈ રહ્યાં છીએ. અમે માંગણી કરીએ છીએ કે કોઈ જજ પાસે આ ઘટનાની તપાસ કરાવવામાં આવે. આ બેદરકારીનો નમૂનો છે. બોટમાં કોઈ પણ પ્રકારનાં લાઇફ જૅકેટ કે અન્ય સુરક્ષા ઉપકરણો ન હતાં. જ્યારે 2016માં આ પ્રોજેક્ટ કૉન્ટ્રેક્ટરોને આપવામાં આવ્યો ત્યારે જ અમે આ વાતનો વિરોધ કર્યો હતો.”
આમ આદમી પાર્ટીએ પણ ઉઠાવ્યા સવાલો
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, “દુ:ખદ વાત એ છે કે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. મોરબીમાં પણ આવી જ ઘટના બની હતી. ભાજપ બ્લૅકલિસ્ટ થયેલી કંપનીઓને જ પાછું કામ અને કૉન્ટ્રેક્ટ સોંપે છે. આ ભાજપનો જૂનો ખેલ છે.”
આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાએ આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે ભૂતકાળમાં ગુજરાતમાં બનેલી કુલ દસ દુર્ઘટનાનો હવાલો આપીને લખ્યું હતું કે, “ગુજરાતની જનતાએ રોજ ઊઠીને મોતના આંકડાનો માત્ર સરવાળો કરવાનો થાય છે અને ભાજપવાળા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી માત્ર વાતો કર્યા કરે છે.”
સરકારે શું કહ્યું?
આ પહેલાં ગુરુવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
ઘટનાની તપાસ અંગે વાત કરતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "તપાસ અધિકારીઓ ગુનાહિત મામલાની તપાસમાં લાગેલા છે. સંપૂર્ણ ઘટનાની તપાસ જિલ્લા કલેક્ટરને સોંપાઈ છે. જેઓ દસ દિવસમાં પોતાનો અહેવાલ સોંપશે."
બોટ સંચાલક અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી નક્કી કરતાં તેમણે કહ્યું હતું કે, "પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જૅકેટ પહેરાવાયાં હતાં."
ઘટનાને પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'ઍક્સ' પર લખ્યું કે , "ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું." તેમણે બચાવની કામગારી ચાલુ હોવાનું અને તાકીદે રાહત મળે એવી તંત્રને સૂચના આપી હોવાની પણ જાણકારી આપી હતી.