આકરી ગરમીમાં દેશી માટલાં સહિતની રીતો કેવી રીતે ઠંડક આપે?

    • લેેખક, કમલા ત્યાગરાજન
    • પદ, બીબીસી ફ્યુચર

ભારતમાં હાલના સમયમાં કેટલાક વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે. એવા સમયે ઉનાળાના દિવસોમાં ગરમીથી બચવાની જૂની રીતો પણ જાણીતી છે.

નંદિતા ઐયરને ઠંડું પાણી પીવાનું જરાય ગમતું નથી. તેમ છતાં આ મે મહિનામાં દેશમાં તાપમાનમાં જોરદાર વધારો થયો ત્યારે નંદિતાના વતન બેંગલુરુમાં પણ રેકૉર્ડ ઉષ્ણતામાન નોંધાયું હતું. કૂકબૂકનાં લેખિકા અને ફૂડ બ્લૉગર નંદિતા જાણતાં હતાં કે તેમના શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી જળવાઈ રહે એ માટે કંઈક કરવું જરૂરી છે.

એ પછી તેઓ તેમના બાળપણનાં પ્રિય સાધનો પૈકીના એક માટીના ઘડા તરફ વળ્યાં. બે અલગ પ્રકારની માટીથી બનેલા ઘડામાં લગભગ દરેક ઘરમાં પીવાનું પાણી ભરવામાં આવે છે.

ઘડાને વીંટાળી રાખવામાં આવતા મલમલના ભીના કપડાને લીધે અંદરનું પાણી કેવી રીતે ઠંડું રહે છે તે તેની વાત કરતાં નંદિતા કહે છે, “મારા દાંત સેન્સિટિવ છે. તેથી ઠંડું પાણી પીવું મારી સિસ્ટમ માટે યોગ્ય નથી. મટકું એટલે કે ઘડામાં પાણી એટલું ઠંડું રહે છે કે તેને પીવાથી આરામ મળે છે.”

“હું નાની હતી ત્યારે મુંબઈના ઉનાળામાં કુદરતી રીતે ઠંડું થયેલું આ પાણી પીવીને કેટલું સુખદ હતું તે મને બરાબર યાદ છે. તેથી બેંગલુરુનું હવામાન મુંબઈ જેવું થવા લાગ્યું ત્યારે મેં એવો જ એક ઘડો ખરીદવાનું નક્કી કર્યું હતું.”

આ મટકાના મૂળ પ્રાચીન છે. માટીના વાસણમાં પાણી ભરવામાં આવે ત્યારે એ પાણી તમામ છિદ્રો અને સુક્ષ્મ તિરાડોમાં પ્રવેશે છે. આ છિદ્રોમાં ભરાયેલા પાણીનું બાષ્પીભવન થવાની પ્રક્રિયા શરૂ થવાની સાથે ઘડાની અંદરની સુપ્ત ગરમી દૂર થાય છે. બાષ્પીભવન દ્વારા ગરમી ગુમાવ્યા પછી ઘડો ઠંડો થાય છે. તેથી તેની અંદરનું પાણી પણ ઠંડું થાય છે.

તેથી ગ્રામ્ય ભારતમાં લોકો સદીઓથી ઠંડા પાણી માટે માટીના ઘડાનો ઉપયોગ કરતા રહ્યા છે. તેની પ્રથમ નોંધ 3,000થી વધુ વર્ષ પૂર્વેની હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાં મળે છે. બ્રાઝીલનાં ઘરોના રસોડાઓમાં માટીના ફિલ્ટર્સની વર્ષો જૂની પરંપરા છે અને આજે પણ તેનો ઉપયોગ સ્વચ્છ, તાજા પાણીના સંગ્રહ માટે કરવામાં આવે છે.

ઘણી બધી વાનગીઓ રાંધતા અને ‘એવરીડે સુપરફૂડ્સ’ પુસ્તકનાં લેખિકા નંદિતાના કહેવા મુજબ, તેમના ફ્રીઝમાં ઠંડા પાણીની એકથી વધુ બૉટલ રાખવા માટે જગ્યા જ નથી. તેથી મટકાને લીધે કામ આસાન બની જાય છે.

તાજેતરનાં વર્ષોમાં દેશમાં જોરદાર ગરમી પડી રહી હોવાથી ઠંડા પાણીની જરૂરિયાત વધારે તાકીદની બની છે. આ ઉનાળામાં દેશમાં સતત હીટ વેવ ચાલતી રહી છે. દિલ્હીના એક હવામાન કેન્દ્રમાં 52.3 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું. જોકે વિભાગે કહ્યું હતું કે એ સાચું નથી અને આવું સેન્સરમાં રહેલી ખામીને લીધે થયું છે.

2019થી 2023 સુધી ખૂબ જ ગરમ દિવસોમાં ઍર કન્ડીશનિંગની જરૂરિયાતને કારણે દેશના સરેરાશ ઊર્જા માગમાં 28 ટકા વધારો થયો છે.

રેફ્રીઝરેશનના ઉપાયો હવે અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ છે ત્યારે માટીના પ્રાચીન ઘડાનો રસોડાની બહાર પણ ઉપયોગ થઈ રહ્યો છે.

જૂની ટેકનોલૉજી માટે નવું જીવન

ઈટાલિયન ભાષામાં ટેરાકોટાનો અર્થ ‘પકવેલી માટી’ થાય છે અને પ્રાચીન વિશ્વમાં ચીની તથા ગ્રીક માટીકામથી લઈને ઇજિપ્તની કળા સુધી તેનો વ્યાપક ઉપયોગ થતો હતો.

પોર્ટુગીઝમાં તે નામ નાની ભઠ્ઠીમાં શેકવામાં આવેલી માટીને આપવામાં આવ્યું છે. નવી દિલ્હી નજીકના એન્ટ સ્ટુડિયોના એક ભાગ કૂલઆર્ટના સ્થાપક અને મુખ્ય આર્કિટેક્ટ મોનિશ સિરીપુરાપુ 2014માં નવી દૃષ્ટિ સાથે આ જૂની સામગ્રી ભણી વળ્યા હતા.

તેમના ગ્રાહકો પૈકીના એક ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરતા હતા. તેમને એક સમસ્યા હતી. તેમના ઉત્પાદન એકમમાંનું એક ડીઝલ જનરેટર બે ઇમારતો વચ્ચેની જગ્યામાં એટલી ગરમ હવા ફેંકતું હતું કે તેમના કર્મચારીઓ માટે અસહ્ય ગરમી સર્જાતી હતી. તેને લીધે તેમને માથાનો દુખાવો થતો હતો અને ઊબકાં આવતાં હતાં.

આ સમસ્યાના નિવારણમાં નવી ટેકનિક્સ સાથે ટેરાકોટાનું સંયોજન મદદરૂપ થઈ શકે કે કેમ, તે સિરીપુરાપુ જોવા ઇચ્છતા હતા. તેઓ કહે છે, “મારા તમામ કામમાં હું પ્રકૃતિને કેન્દ્રમાં રાખું છું. હું ઉભરતી ટેકનોલૉજીસનું અન્વેષણ કરવા ઇચ્છતો હતો.”

સિરીપુરાપુના મગજમાં મટકાનો વિચાર આવ્યો હતો. તેઓ કહે છે, “માટીનાં વાસણોમાં પાણી કુદરતી રીતે ઠંડું હોય છે, કારણ કે બાષ્પીભવન થાય ત્યારે વાસણમાંથી ગરમી ચુસાઈ જાય છે. આ પ્રક્રિયાના ઊલટાવીશ તો શું થશે? મને લાગ્યું કે આપણે માટીની આસપાસની હવાને તે જ રીતે ઠંડી કરી શકીએ.”

સિરીપુરાપુના પ્રોજેક્ટમાં ટેરાકોટા પર રિસાયકલ્ડ પાણી નાખવામાં આવે છે. માટીનાં છિદ્રોમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે, જે તેની આસપાસની હવાને ઠંડી કરે છે.

બીહાઈવ તરીકે ઓળખાતા માટીના 800થી 900 કોન હાથેથી બનાવવામાં આવ્યા હતા અને કૂલએન્ટ દ્વારા મધપૂડાની ડિઝાઇનમાં ગોઠવવામાં આવ્યા હતા. તે સ્ટેનલેસ સ્ટીલની એક ફ્રેમમાં લગાવવામાં આવ્યા હતા. સિરીપુરાપુ કહે છે, “મધમાખીના મધપૂડા (બીહાઈવ) જેવા કોનને ગોઠવવાથી ઠંડક માટે જરૂરી સપાટીનો વિસ્તાર થાય છે.”

આવું પ્રથમ બીહાઈવ ગોઠવ્યા પછી કંપનીએ પૂણેથી માંડીને જયપુર સુધી દેશભરમાં શાળાઓ, જાહેર સ્થળો, ઍરપૉર્ટ્સ અને કૉમર્શિયલ બિલ્ડિંગ્ઝમાં 35 કૂલિંગ ટાવર બનાવ્યા છે. મધપૂડા જેવી ડિઝાઇન ઉપરાંત તેઓ એવી ડિઝાઇન્સનો પ્રયોગ પણ કર્યો છે કે જેમાં માટીને વિવિધ આકારમાં ગોઠવવામાં આવે છે અને તેમાં પાણીનો જરાય ઉપયોગ થતો નથી.

સંશોધકોએ માટીના કૂલિંગ પ્રોટોટાઈપ્સનો પ્રયોગ પણ કર્યો હતો. મહારાષ્ટ્રના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ માટીનું ઍર કન્ડીશનર બનાવ્યું હતું. તેમાં હવા ખેંચવા અને બહાર કાઢવા માટે પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પરિણામે આસપાસના તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભારતીય આર્કિટેક્ચરલ કંપનીઓ દાવો કરે છે કે તેમના ક્લે ઇન્સ્ટોલેશન્શને લીધે તાપમાનમાં, માઇનસ છ ડિગ્રીથી વધુ નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને સમગ્ર ઇમારતો વધારે કુદરતી રીતે ઠંડી થાય છે.

ગ્રાહકોએ મોકલેલા વીડિયો અને સાઇટ્સ વિઝિટ્સને આધારે કૂલએન્ટ દાવો કરે છે કે બીહાઈવ જેવી ડિઝાઇનના ઉપયોગથી 15 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધીનો ઘટાડો નોંધાયો છે. સિરીપુરાપુ કહે છે, “તે અમારી અપેક્ષા કરતાં વધારે સારું હતું.” જોકે, તાપમાનમાં ઘટાડાનો આધાર એ વિસ્તારના વેટ બલ્બ ટેમ્પચેચર (વાતાવરણમાં ગરમી તથા ભેજનું માપ) પર હોય છે.

સિરીપુરાપુના જણાવ્યા મુજબ, તે પહેલેથી જ ખૂબ ભેજવાળું હોય તો ત્યાં આટલો તીવ્ર ઘટાડો થઈ શકતો નથી, કારણ કે તેમાં બાષ્પીભવનની સંભાવના ઓછી હોય છે. (શહેર પરનું આકાશ ભીના સ્પોન્જ જેવું હોય તો તેમાં પહેલેથી જ વધારે પાણી હોય છે. તેથી તે વધુ પાણી શોષી શકતું નથી) તેમ છતાં તાપમાનમાં થોડી ડિગ્રીનો ઘટાડો પણ નિર્ણાયક તફાવત લાવી શકે છે.

શ્વાસ લેતી ઇમારતો

એન્ટ સ્ટુડિયો, ઠંડક માટે માટીનો ઉપયોગ કરતી હોય તેવી એકમાત્ર આર્કિટેક્ચર ફર્મ નથી.

આર્કિટેક્ટ અને બેંગલુરુસ્થિત આર્કિટેક્ચર ફર્મ એ થ્રેશહોલ્ડના સહ-સ્થાપકો પૈકીના એક અવિનાશ અંકલગે કહે છે, “આધુનિક ટેકનોલૉજીએ છેલ્લાં 100 વર્ષમાં આપણા ઍર કૂલિંગમાં ક્રાંતિ કરી છે.” ઇમારતો માટે પેસીવ કૂલિંગ સિસ્ટમ્સ બનાવવા એ થ્રેશહોલ્ડ રિસાયકલ્ડ માટીનો પ્રયોગ કરી રહી છે.

અંકલગે કહે છે, “અમે અમારા તાજેતરના ઘણા પ્રોજેક્ટ્સમાં માટીનો ઉપયોગ કર્યો છે. અમે માટીનો અનેક રીતે ઉપયોગ કરીએ છીએ.” દાખલા તરીકે, ટેરાકોટા સ્ક્રીન બનાવવા માટે નજીકની ફેક્ટરીમાંથી બચેલી ટાઇલ્સ લાવવામાં આવે છે.

તેમના કહેવા મુજબ, ડિઝાઇન પ્રકૃતિથી પ્રેરિત છે અને ઇમારતોની આસપાસ રક્ષણાત્મક ત્વચાની જેમ લપેટાયેલી હોય છે.

દક્ષિણ બેંગલુરુની એક કૉમર્શિયલ બિલ્ડિંગમાં સૂર્યથી રક્ષણ માટે ઇમારતની દક્ષિણ બાજુએ માટીની જાળી સ્થાપિત કરવામાં આવી છે.

અંકલગે કહે છે, “મધ્યાહ્નથી માંડીને બપોરના ત્રણ વાગ્યા સુધી સૂર્યનો તાપ તીવ્ર હોય છે. એ વખતે ઉપરની ટાઇલ્સની છાયા નીચેની ટાઇલ્સ પર પડે છે. તેનાથી ઇમારતમાં ગરમી પ્રવેશતી નથી. તેને મ્યુચ્યુઅલ શેડિંગનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તેનો ઉપયોગ રાજસ્થાનના ખાસ કરીને જયપુર તથા જેસલમેર જેવાં અનેક જૂનાં શહેરોમાં કરવામાં આવતો હતો. ઘરોમાં, મહેલોમાં, દરેક જગ્યાએ લગભગ 500 વર્ષ પહેલાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.”

આ સિદ્ધાંતનો ઉપયોગ કરતી આધુનિક ડિઝાઇનમાં મુખ્ય બિલ્ડિંગમાં માટીનો સ્ક્રીન ત્રણથી ચાર ફીટ આગળથી શરૂ થતો હોય છે. ટાઇલ્સને પક્ષીની ચાંચની માફક ગોઠવવામાં આવે છે. તેમાં સૌથી ઉપરની ટાઇલની છાયા સૌથી મોટી હોય છે. આગ લાગવાની સ્થિતિમાં ઇમારતોમાં પાણીના છંટકાવ માટે ગોઠવવામાં આવતી સસ્પેન્ડેડ સ્પ્રિંક્લર સિસ્ટમને દિવસના સૌથી ગરમ સમય દરમિયાન સંચાલન માટે પ્રોગ્રામ કરવામાં આવે છે. તે બાષ્પીકરણ કૂલિંગ સુનિશ્ચિત કરે છે.

અંકલગે કહે છે, “ટેરાકોટા એક પ્રાકૃતિક સામગ્રી હોવાને કારણે વનસ્પતિઓથી સભર હોય છે. તેની વધારાની કૂલિંગ ઇફેક્ટ હોય છે. તે જીવન અને સ્વસ્થ જૈવ વૈવિધ્યને ટેકો આપે છે. ઘરમાં પ્રકાશ બહુ આવે છે, પરંતુ ગરમી થતી નથી. અમે ઘરની અંદર માઇક્રોક્લાયમેટ બનાવીએ છીએ અને બહારની વધુ ગરમીને ઘટાડીએ છીએ. તે એકોસ્ટિક સ્ક્રીન તરીકે પણ કામ કરે છે, કારણ કે તે બહારના ઘોંઘાટને ઘટાડે છે અને તેમાં રહેનારને પ્રાઇવસી આપે છે.”

બેંગલુરુથી 40 કિલોમીટર દૂર એ ફાર્મમાં થ્રેશહોલ્ડે કૂલિંગ માટે રાબેતા મુજબની ઈંટને બદલે માટીની ઈંટોનો પ્રયોગ કર્યો છે.

અંકલગેના કહેવા મુજબ, એ સસ્તી અને પર્યાવરણ માટે સારી છે. ટેરાકોટાની ઈંટ 600થી 700 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે પાકે છે, જ્યારે નૉર્મલ ઈંટને તેનાથી ઓછી ગરમીમાં પકાવી શકાય છે. તેના પરિણામે ઇમારતોમાં તાપમાનમાં 5-8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતો હોવાનું નોંધાયું છે.

ઘડાયેલી આંતરદૃષ્ટિ

વિવિધ સ્થાનોને નવું સ્વરૂપ આપવાના પોતાના મિશનમાં આર્કિટેક્ચર કંપનીઓ માટીના સ્વદેશી કારીગરોની મદદ પણ લે છે.

એ પૈકીના એક ડોલન કુંડુ મોંડલ છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમના માટીના આર્ટવર્કને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. મોંડલ નાના હતા ત્યારે નદીકિનારેથી માટી એકઠી કરીને ઢીંગલીઓ, પ્રાણીઓ, પક્ષીઓ તથા ઝૂંપડીઓ બનાવતા હતા.

તેમનું પોતાનું ઘર પણ માટીથી બાંધવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વૉટરપ્રૂફિંગની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વાવાઝોડામાં તેમનું ઘર નાશ પામ્યું હતું.

મોંડલ કહે છે, “મારી દાદી, મોટી બહેન તથા મેં સાથે મળીને સૂકા ઘાસના ટુકડા સાથે માટી ભેળવી હતી અને રહેવા માટે ફરી ઘર બનાવ્યું હતું.”

મોંડલના કહેવા મુજબ, તેમને માટીમાંથી નવા-નવા શિલ્પ બનાવવાની ઇચ્છા કાયમ થાય છે અને તાજેતરમાં જ તેમને એક ઘર માટે ટેરાકોટા સ્ક્રીનનું કામ કરવાની ઑફર મળી હતી. મોંડલ કહે છે, “હું નાનપણથી જ માટીના આલિંગનમાં અને માટી મારા આલિંગનમાં રહી છે.”

ઉત્તર ભારતના ગુરુગ્રામસ્થિત ડેવલપમૅન્ટ ઓલ્ટરનેટિવ્સના વાઇસ પ્રેસિડેન્ટ સૌમેન મૈતી જણાવે છે કે માટીની ઇમારતોથી ગ્રામીણ કારીગરોને આજીવિકા મળે છે તે સારી વાત છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ છે.

ઇમારતોમાં સ્ક્રીન અને પેનલ્સ જેવા માટીનાં વધારાનાં માળખાં, પહેલેથી જ જગ્યાની તંગી ધરાવતા શહેરોમાં ખાસ્સી જગ્યા રોકી લે છે. એ ઉપરાંત સમય જતાં કૂલિંગની કાર્યક્ષમતા ઘટી શકે છે. માટીનાં સૂક્ષ્મ છિદ્રોમાં ખનીજો એકઠાં થઈ શકે છે. તેમાં ઝીણવટભરી સફાઈ અને જાળવણી જરૂરી બને છે.

માટીનો ઉપયોગ બાંધકામ સામગ્રી તરીકે વ્યાપક રીતે કરવામાં આવે અને ફેક્ટરીઓમાં તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે તો તેમાં બીજો છૂપો ખર્ચ ઉમેરાઈ શકે છે.

તેના ટ્રાન્સપૉર્ટેશન માટે વધુ ઊર્જાની જરૂર પડે, એમ નિયતિ ગુપ્તા જણાવે છે. નિયતિ નવી દિલ્હીસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ વર્લ્ડ રિસોર્સિસ નામની ક્લાયમેટ પ્રોગ્રામ થિંક ટેન્કમાં વરિષ્ઠ સહયોગી તરીકે કામ કરે છે.

નિયતિ કહે છે, “ઇન્ડસ્ટ્રીયલ ક્લે ટાઇલ્સ, કારીગરો દ્વારા હાથેથી બનાવવામાં આવતી માટીની પરંપરાગત ઈંટો કરતાં વધારે ભારે હોય છે. તેમાં વધારે ફળદ્રુપ જમીનનો ઉપયોગ થાય છે (જે અન્યથા ખેતી માટે વાપરી શકાય)” તેનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ સ્થાનિક રીતે ઉત્પાદિત અને ફાયર-ઑન-સાઇટ ક્લે ટાઇલ્સ છે, પરંતુ કૂલિંગની જરૂરિયાત વધવાની સાથે તેનું ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન અનિવાર્ય બની શકે.

બાંધકામ સિવાયનાં ક્ષેત્રોમાં સાદાં મટકાંમાં પાણીનો સંગ્રહ ભારતમાં ઉનાળામાં મુખ્ય બાબત છે. તે પ્રાચીન પરંપરાની સ્વીકૃતિ છે.

માટીનાં વાસણોનો ઉપયોગ રસોઈમાં કેવી રીતે કરવામા આવે છે અને ઢાંકણવાળી પાણીની એક લિટરની બૉટલોનો ઉપયોગ પાણીના સંગ્રહ માટે કરવામાં આવે છે, તે નંદિતા ઐયરે તેમના પુસ્તક ‘એવરીડે સુપરફૂડ્સ’માં જણાવ્યું છે.

માટીની પાણીની બૉટલોને સારી સ્થિતિમાં રાખવા માટે સલાહ આપતાં નંદિતા કહે છે, “માટીનાં વાસણોને દર બે-ત્રણ દિવસે નાળિયરનાં છોતરાંથી સારી રીતે ઘસીને સાફ કરવાં જોઈએ અને તેમાં શેવાળ ન જામી જાય એટલા માટે તડકામાં સૂકવવાં જોઈએ.”