એ લોકો, જેમણે જાણી જોઈને પોતાની જાતને મચ્છર કરડાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લ્યૂક મિન્ટ્ઝ
- પદ, બીબીસી ફ્યુચર
સ્વયંસેવક થવું એ એક અસામાન્ય બાબત હતી, પરંતુ પુખ્ત વયના યુવાન લોકોનું એક જૂથ પરોપજીવીઓનું વહન કરતું અને દર વર્ષે છ લાખ લોકોનો જીવ લેતા મચ્છરો દ્વારા પોતાના પર હુમલો કરવામાં આવે તેની રાહ જોતું હતું.
એ જૂથ ઑક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટમાં મલેરિયાની નવી રસીની મેડિકલ ટ્રાયલમાં ભાગ લેવા સંમત થયું હતું.
‘R21’ તરીકે ઓળખાતી તે રસીએ તેના પ્રારંભિક તબક્કામાં પણ વિજ્ઞાનીઓમાં ઉત્સાહ પેદા કર્યો હતો.
આ પરીક્ષણ 2017માં હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ સંસ્થા છેક 2001થી મચ્છરો સંબંધે સમાન પ્રયોગો કરી રહી હતી.
બધા સ્વયંસેવકોને પ્રયોગશાળામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક ટેબલ પર કૉફીના કપ જેવા આકારનો નાનકડો કુંજો હતો. તેની ઉપર જાળીદાર પેડ લગાવવામાં આવ્યું હતું.
જારની અંદર ઉત્તર અમેરિકામાંથી આયાત કરવામાં આવેલા પાંચ મચ્છર ગણગણાટ કરતા હતા. એ મચ્છર મલેરિયા પૅરેસાઇટ્સથી સંક્રમિત હતા.
સ્વયંસેવકે પોતાનો હાથ કન્ટેનરની ટોપ પર મૂક્યો હતો, જેથી મચ્છરો ઢાંકણાંમાંથી ઉપર આવીને કરડે અને ચેપ સ્વયંસેવકની ચામડીમાં પ્રવેશે.
મચ્છરો તેમના ઇચ્છુક શિકારનું લોહી ચૂસે છે તેમ તેમ તે પોતાના આહારને જામી જતો રોકવા માટે જે લાળનો ઉપયોગ કરે છે, જે મલેરિયા પૅરેસાઈટ્સને ઘાવમાં લઈ જઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વયંસેવકોમાં બીમારી વિકસિત થતી રોકવા માટે જરૂરી સલામતી વૅક્સિન આપશે, એવી આશા હતી.
તે “કંટ્રોલ્ડ હ્યુમન ઇન્ફૅક્શન ટ્રાયલ” તરીકે ઓળખાતું એક સુંદર ઉદાહરણ હતું. તે એક એવો પ્રયોગ હતો, જેમાં સ્વયંસેવકોને જાણીજોઈને કોઈ બીમારીના સંપર્કમાં લાવવામાં આવતા હતા
ગંભીર રીતે બીમાર કરી શકે તેવો ચેપ કોઈ વ્યક્તિને જાણીજોઈને લગાવવો તે ખતરનાક, કદાચ બેદરકારી પણ લાગે, પરંતુ આ એક અવો અભિગમ છે, જે તાજેતરના દાયકાઓમાં મેડિકલ રિસર્ચમાં લોકપ્રિય બની ગયો છે અને કેટલીક ઉલ્લેખનીય જીત સાથે તેના ફળ પણ મળી રહ્યાં છે.
નિયંત્રિત સંક્રમણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમય જતાં પૂરવાર થયું હતું કે R21 વૅક્સિન મલેરિયાને અટકાવવામાં 80 ટકા સુધી અસરકારક છે અને આ વૅક્સિન વિશ્વ આરોગ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ની ભલામણ-પ્રાપ્ત ઇતિહાસની બીજી વૅક્સિન બની ગઈ.
કોટે ડી આઈવર અને દક્ષિણ સુદાનમાં શિશુઓને તાજેતરમાં જ આ વૅક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ દેશોમાં મલેરિયાને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ એવા લોકોને કારણે શક્ય બન્યું છે, જેમણે પોતાના હાથ મચ્છર ભરેલા કપ પર સ્વેચ્છાએ મૂક્યા હતા.
વૅક્સિનોલૉજીના પ્રોફેસર અને જેનર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એડ્રિયન હિલ કહે છે, “નિયંત્રિત સંક્રમણ પરીક્ષણોમાં છેલ્લાં 20 વર્ષોમાં ઉલ્લેખનીય કામગીરી થઈ છે.”
“ઇન્ફ્લુએન્ઝાથી માંડીને કોવિડ-19 સુધીની દરેક ચીજ માટે નિયંત્રિત સંક્રમણના મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં તે બહુ મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે.”
હવે વિજ્ઞાનીઓ વધુ સ્વયંસેવકોને જાણીજોઈને વધારે બીમારીઓથી સંક્રમિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જેથી વધારે પ્રભાવશાળી વૅક્સિન તથા ઉપચાર વિકસાવી શકાય.
ઝિકા, ટાઇફૉઈડ અને કૉલેરા જેવા રોગજનકો માટે પહેલાં જ નિયંત્રિત સંક્રમણ પરીક્ષણો કરવામાં આવ્યાં છે. હેપેટાઈટીસ-સી જેવા અન્ય વાયરસ જેવા ભાવિ રોગોની ચર્ચા પણ કરવામાં આવી રહી છે.
જોકે, આ પ્રકારનાં પરીક્ષણો માટે કોઈ સેન્ટ્રલ રજિસ્ટ્રી નથી, પરંતુ એડ્રિયન હિલનું અનુમાન છે કે છેલ્લા બે દાયકામાં કમસે કમ એક ડઝન વૅક્સિનમાં તેનું મોટું યોગદાન રહ્યું છે.
એક વ્યવસ્થિત સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે 1980થી 2021 દરમિયાન માણસો પરના 308 નિયંત્રિત સંક્રમણો અભ્યાસ કરવામા આવ્યાં હતાં, જેમાં એ પ્રયોગોમાં ભાગ લેનારાઓને જીવંત પૅથોજેન્સના સંપર્કમાં લાવવામાં આવ્યા હતા.
આ અભ્યાસોના સમર્થકો માને છે કે આવાં પરીક્ષણો યોગ્ય પરિસ્થિતિમાં કરવામાં આવે તો તેના જોખમ કરતાં લાભ અનેકગણા વધુ છે.
જોકે, તાજેતરનાં કેટલાંક પરીક્ષણોએ તબીબી નૈતિકતાની સીમાઓ લાંધી છે અને ક્યારેક વર્જિત ગણાતા પ્રયોગો જે ગતિથી કરવામાં આવી રહ્યા છે તેનાથી કેટલાક વરિષ્ઠ વિજ્ઞાનીઓ ખુશ નથી.
અંધકારમય અતીત
તબીબી ઇતિહાસમાંની કેટલીક અંધકારમય ક્ષણોની વાત જાણ્યા વિના નિયંત્રિત સંક્રમણ પરીક્ષણો વિશેની કેટલીક ચિંતાને સમજવી અશક્ય છે.
તેમાં સૌથી વધુ કુખ્યાત નાઝી વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયોગો છે. તેમાં કૉન્સન્ટ્રેશન કૅમ્પમાંના કેદીઓને ક્ષયરોગ અને અન્ય રોગાણુઓનો ચેપ બળજબરીથી લગાવવામાં આવ્યો હતો.
ગ્વાટેમાલામાં અમેરિકન ડૉક્ટર્સે કરેલી કામગીરી ઓછી જાણીતી છે. તેમણે 1940ના દાયકાની મધ્યમાં 1,308 લોકોને સિફિલિસ તથા જાતીય સંસર્ગથી થતા અન્ય રોગોનો ચેપ લગાવ્યો હતો.
1970ના દાયકાની શરૂઆતમાં એવી વાત બહાર આવી હતી કે ન્યૂયૉર્ક સિટીની વિલોબ્રૂક સ્ટેટ સ્કૂલના ડૉક્ટર્સે વૅક્સિન બનાવવાના પ્રયાસમાં 1950 અને 1960 દરમિયાન 50થી વધુ વિકલાંગ બાળકો પર હેપેટાઇટિસના પ્રયોગો કર્યા હતા.
તબીબી સંશોધકોમાં “વિલોબ્રૂક” ખોટા સંશોધન નીતિશાસ્ત્રનો પર્યાય બની ગયું છે, પરંતુ વિલોબ્રૂકના પ્રયોગોએ, હિપેટાઇટિસ માટે એક કરતાં વધુ રોગકારક જીવાણુઓ જવાબદાર હોવાની શોધમાં પણ મોટો ફાળો આપ્યો હતો.
ગ્વાટેમાલામાં સિફિલિસ ટ્રાયલની તપાસ કરી ચૂકેલા અમેરિકન પ્રેસિડેન્શિયલ કમિશનમાં ફરજ બજાવતા જ્યોર્જટાઉન યુનિવર્સિટીની કેનેડી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍથિક્સના ડિરેક્ટર ડેનિયલ સુલમાસી કહે છે, “આ તમામ ઘટનાઓએ પૅથોજેન્સથી લોકોને ઇરાદાપૂર્વક ચેપ લગાડવાના વિચાર સામેના વિરોધમાં પણ ફાળો આપ્યો છે.”
ઉચ્ચ આવક ધરાવતા દેશોના વિજ્ઞાનીઓએ 1960 અને 1970ના દાયકામાં તબીબી પરીક્ષણો માટેની ગાઇડલાઇન્સ બનાવી હતી, જેમાં સ્વયંસેવકોના કલ્યાણની ચિંતાને અગ્રતા આપવામાં આવી હતી.
તેના પરિણામે નિયંત્રિત ચેપ પરીક્ષણો હાથ ધરવા વધુ મુશ્કેલ બની ગયાં, પરંતુ તબીબી નૈતિકતા પ્રત્યેનો આપણો અભિગમ વધારે સ્પષ્ટ થતો જાય છે તેમ અને રોગચાળાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને વિજ્ઞાનીઓ માનવોમાં નિયંત્રિત ચેપ પરીક્ષણો બાબતે પુનર્વિચાર કરી રહ્યા છે.
ગતિ એ મુખ્ય પ્રેરણા છે. પરંપરાગત વૅક્સિનના પરીક્ષણમાં સ્વયંસેવકોને રસી અથવા પ્લાસિબો આપવામાં આવે છે અને ત્યાર બાદ તેમને સામાન્ય જીવન જીવવાનું કહેવામાં આવે છે.
કેટલાક સ્વયંસેવકો તેમના રોજિંદા જીવન દરમિયાન વાઇરસના સંપર્કમાં આવશે અને તેનાથી રસીની અસરકારકતા ચકાસવાની તક મળશે, તેવી આશા હોય છે.
જોકે, એ ક્રૂર ગણાય તેટલી હદે ધીમી પ્રક્રિયા હોઈ શકે છે. લાક્ષણિક ચેપી રોગ સામેની રસી વિકસાવવામાં એક દાયકા કરતાં વધુ સમય લાગી શકે છે. તેમાં લાખો ડૉલર્સનો ખર્ચ થાય છે અને હજારો (ક્યારેક લાખો) લોકો આ રોગથી પીડાતા રહે છે.
નિયંત્રિત માનવ ચેપ પરીક્ષણ મૂળ મુદ્દા પર કરવામાં આવે છે. તેમાં રસીકરણ કરાયું હોય તેવા સ્વયંસેવકો વાયરસના સીધા સંપર્કમાં આવે તેની રાહ જોવી પડતી નથી.
બાલ્ટીમોર, મૅરીલૅન્ડમાં જ્હૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મેડિસિનના પ્રોફેસર એન્ડ્રિયા કોકસ કહે છે, “ટાઇમિંગ મહત્ત્વનું છે. ઘણીવાર એકદમ ઝડપભેર કામગીરી હાથ ધરવી જરૂરી હોય છે.”
પ્રારંભિક ચેતવણી પ્રણાલી

ઇમેજ સ્રોત, Getty Images
એન્ડ્રિયા કોક્સ માને છે કે નિયંત્રિત ચેપ પરીક્ષણોની તરફેણમાં કેટલીક મજબૂત દલીલો છેઃ તેમાં સમય, પૈસા અને આખરે માનવ જીવનનો બચાવ થાય છે.
વળી સેલ્મોનેલા અને શિગેલા જેવા દુર્લભ પૅથોજેન્સ સંદર્ભે કામ કરતી વખતે તે બહુ ઉપયોગી છે, એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે આવા પૅથોજેન્સના કિસ્સામાં પરંપરાગત પરીક્ષણો વર્ષો સુધી ખેંચાતા રહે છે, કારણ કે વિજ્ઞાનીઓએ સ્વયંસેવકો સંબંધિત રોગના સંપર્કમાં આવે તેની રાહ જોવી પડે છે.
તેઓ કહે છે, “આવું સામાન્ય રીતે બનતું નથી. તેથી તે થવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે.”
વિજ્ઞાનીઓના મતાનુસાર, નિયંત્રિત ચેપ પરીક્ષણો યોગ્ય રીતે કરવામાં આવે તો તે પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે પણ કામ કરી શકે છે.
તેનાથી સંશોધકો સતર્ક બની શકે છે અને લોકો પર વિવિધ પ્રકારની રસીનું પરીક્ષણ કરી શકે છે તેમજ રસીની કેમિસ્ટ્રીમાંની કોઈ પણ સંભવિત સમસ્યાનો તાગ મેળવી શકે છે.
એન્ડ્રિયા કોક્સના કહેવા મુજબ, વાસ્તવમાં વૅક્સિનનું પરીક્ષણ પ્રથમ વખત કરવામાં આવે ત્યારે કેટલીક પ્રારંભિક સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓનું નિરાકરણ વિજ્ઞાનીઓની પ્રયોગશાળામાં કરવામાં આવે તે બહેતર હોય છે, કારણ કે પ્રયોગશાળામાં સારવાર સરળતાથી ઉપલબ્ધ હોય છે.
તેઓ ફિલિપીન્ઝ સરકાર દ્વારા ડેન્ગ્યૂ ફીવર સામે રક્ષણ માટે 2016માં લોન્ચ કરવામાં આવેલી ડેન્ગવૅક્સિયા વૅક્સિનનો દાખલો આપે છે. ડેન્ગ્યૂ ફીવર એક મચ્છરજન્ય વાઇરસ છે અને તેનાથી દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે.
ફિલિપીન્ઝમાં આ વૅક્સિન આઠ લાખ બાળકોને આપવામાં આવી હતી, પરંતુ સંશોધકોને તેમાં એક સમસ્યા જાણવા મળી હતીઃ ડેન્ગ્યૂ થયો હોય તેવાં બાળકોના કિસ્સામાં આ વૅક્સિન અસરકારક હતી, પરંતુ જેમને અગાઉ ચેપ ન લાગ્યો હોય તેવા બાળકો માટે તે જોખમી હતી.
ડબલ્યુએચઓએ તેની માર્ગદર્શિકામાં 2017માં ફેરફાર કર્યો હતો અને એવી ભલામણ કરી હતી કે અગાઉ ડેન્ગ્યૂ વાઇરસથી સંક્રમિત ન થયા હોય તેવા લોકોને ડેન્ગવૅક્સિયા આપવી ન જોઈએ.
એન્ડ્રિયા કોક્સના કહેવા મુજબ, આવી ચિંતાજનક બાબત નિયંત્રિત ચેપ અભ્યાસની શરૂઆતમાં જ ઉજાગર થઈ શકે છે.
જો ડેન્ગવૅક્સિયાની સૌપ્રથમ અજમાયશ નિયંત્રિત ચેપ પરીક્ષણમાં કરવામાં આવી હોત તો સંશોધકો જાણી શક્યા હોત કે પહેલાંથી જ ડેન્ગ્યૂનો ચેપ લાગ્યો હોય તેવા અને ચેપ ન લાગ્યો હોય તેવા લોકો સહિતના દર્દીઓના શરીરમાં વૅક્સિન તથા વાઇરસ કેવી ક્રિયા-પ્રતિક્રિયા કરે છે.
એન્ડ્રિયા કોક્સ કહે છે, “મર્યાદિત સંસાધનો હોય તેવા પ્રદેશોમાં રસી સંબંધી સમસ્યાઓ વિશે જાણવા કરતાં સઘન દેખરેખ અને તબીબી સંભાળ ઉપલબ્ધ હોય તેવા પ્રદેશોમાં જાણવું બહેતર હોય છે.”
ઉપચાર વિનાના રોગો

ઇમેજ સ્રોત, Getty Images
નિયંત્રિત ચેપ પરીક્ષણની ચર્ચા કરતી વખતે વિજ્ઞાનીઓ, અવળી પરિસ્થિતિ સર્જાય તો વિશ્વસનીય સારવારની જરૂરિયાત વિશે લાંબા સમયથી વાત કરતા રહ્યા છે.
જેનર ઇન્સ્ટિટ્યૂટે લોકોને મલેરિયાના સંપર્કમાં ઇરાદાપૂર્વક લાવવાનું 2001માં શરૂ કર્યું ત્યાં સુધીમાં આ રોગ માટેની અસરકારક સારવાર ઉપલબ્ધ થઈ ગઈ હતી.
વિશ્વના ઘણા ભાગોમાં દવા પ્રત્યે પૅરાસાઈટ્સના વધતા પ્રતિકારને કારણે ડ્રગ ટ્રીટમેન્ટ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય તેવા મલેરિયાના અન્ય સ્ટ્રેઈનનો ઉપયોગ ઇન્સ્ટિટ્યૂટ ખાતેના સંશોધકો કરી રહ્યા છે.
જોકે, કેટલાક વિજ્ઞાનીઓને એ વાતની ચિંતા છે કે જે રોગોની સારવાર ઉપલબ્ધ નથી તેના માટેના પ્રયોગો શરૂ થયા પછી નૈતિક મર્યાદાની રેખાઓ અસ્પષ્ટ થઈ જશે.
અમેરિકાના સંશોધકોએ 2022માં 20 તંદુરસ્ત મહિલાઓને ઝિકા વાયરસનાં બે સ્ટ્રેઇન્સ આપ્યાં હતાં. એ પૈકીની એકેય મહિલા ગર્ભવતી કે સ્તનપાન કરાવતી ન હતી. સમાન પ્રમાણમાં પુરુષો પણ વાઇરસથી સંક્રમિત થશે એવા પ્રયોગના ભાગરૂપે આમ કરવામાં આવ્યું હતું.
મોટાભાગના પુખ્ત વયના લોકોમાં ઝિકા વાઇરસ હળવાં લક્ષણોનું કારણ બને છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત માતાપિતાને ત્યાં જન્મેલાં બાળકમાં જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે.
કેટલાક દુર્લભ કિસ્સાઓમાં તે પુખ્ત વયના લોકોમાં ન્યુરોલૉજિકલ સમસ્યાઓ સાથે સંકળાયેલું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વાઇરસ માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી.
પરીક્ષણ પહેલાં મહિલાઓએ અનેક વખત પ્રેગ્નેન્સી ટેસ્ટ્સ કરાવ્યા હતા અને પરીક્ષણ પછીના બે મહિના સુધી તેમને ગર્ભનિરોધકોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું.
એ પ્રયોગનાં પરિણામો હજુ પ્રકાશિત થયાં નથી, પરંતુ 2023ની એક મેડિકલ કૉન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલી વિગત મુજબ, વાઇરસ આપવામાં આવ્યો હતો તે તમામ મહિલાઓને ચેપ લાગ્યો હતો અને સંસર્ગનિષેધના સમયગાળા દરમિયાન તેમના શરીરમાં ફોલ્લીઓ તથા સાંધામાં દુખાવા સહિતનાં લક્ષણો જોવાં મળ્યાં હતાં.
હેપેટાઇટિસ-સી

ઇમેજ સ્રોત, Getty Images
જ્હૉન્સ હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ચેપી રોગના નિષ્ણાત, સહ-લેખક અન્ના ડર્બિનના જણાવ્યા મુજબ, આ અભ્યાસ ઝિકા વાઇરસ માટેના વ્યાપક નિયંત્રિત ચેપ પરીક્ષણનો એક નમૂનો પ્રદાન કરી શકે છે.
ઝિકા વાઇરસથી ઇરાદાપૂર્વક સંક્રમિત કરવામાં આવ્યા હોય તેવા લોકોને બચાવવામાં ડેન્ગ્યૂની વૅક્સિન કેટલી અસરકારક છે તેની ચકાસણી કરવા સંશોધકો હવે સ્વયંસેવકોની ભરતી કરી રહ્યા છે.
રોગના જીવનભર ભોગવવા પડતા પરિણામને લીધે કંટ્રોલ્ડ એચઆઈવી પરીક્ષણોની ચર્ચા, દૂરની પૂર્વધારણાના સંદર્ભમાં કરવામાં આવી રહી છે.
જોકે, વધુ વાસ્તવિક વાત એ છે કે સામાન્ય રીતે સારવાર-યોગ્ય, પરંતુ કાયમ ટ્રીટેબલ ન ગણાતા હેપેટાઇટિસ-સી વાઇરસ સંબંધી નિયંત્રિત ચેપ પરીક્ષણની સંભાવના છે.
સારવાર ન કરવામાં આવે તો વાઇરસનો ક્રોનિક ચેપ સિરોસિસ, યકૃતની ગંભીર બીમારી અને મૃત્યુનું કારણ બની શકે છે.
દાખલા તરીકે, ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ નિયંત્રિત ચેપ ટ્રાયલ્સ દ્વારા સંભવિત હેપેટાઇટિસ-સી વૅક્સિનના પરીક્ષણ માટેનું ભંડોળ મેળવ્યું છે.
2012માં પરંપરાગત હેપેટાઈટિસ-સી રસીનું પરીક્ષણ શરૂ કરવાના નિરાશાજનક પ્રયોગ પછી આ વાયરસ બાબતે નિયંત્રિત ચેપ પરીક્ષણનું સૂચન પણ કોક્સ કરે છે.
તેમના કહેવા મુજબ, તેમાં છ વર્ષ લાગ્યાં હતાં અને આખરે તે નિષ્ફળ રહ્યું હતું. તે એક નિરાશાજનક અને ભાવનાત્મક પ્રક્રિયા હતી. એ દરમિયાન વિશ્વભરના લાખો લોકો આ રોગનો ભોગ બન્યા હતા.
તેઓ દલીલ કરે છે કે નિયંત્રિત ચેપ પરીક્ષણ ખૂબ ઝડપી હશે. આ માટે સંપૂર્ણપણે માહિતગાર પુખ્ત સ્વયંસેવકોની ભરતીનું સૂચન કરે છે. એ સ્વયંસેવકો સ્વૈચ્છાએ પ્રયોગમાં ભાગ લેવા સહમત થશે અને તેમને એ માટે નાણાં પણ ચૂકવવામાં આવશે.
રસીકરણ પછી સ્વયંસેવકો ઇરાદાપૂર્વક વાઇરસના સંપર્કમાં આવશે અને પછી કેટલાક સપ્તાહ કે મહિનાઓ સુધી તેમનું નિરિક્ષણ કરવામાં આવશે. જેઓ વાઇરસના ચેપમાંથી મુક્ત નહીં થાય તેમને ઍન્ટિ-વાઇરલ્સ આપવામાં આવશે.
અલબત, સલામતીના કડક નિયંત્રણો હોવા છતાં અકસ્માતો થાય જ છે. હિલના કહેવા મુજબ, 2012માં જેનર ઇન્સ્ટિટ્યૂટનો એક સ્વયંસેવક મલેરિયાથી સંક્રમિત થયાના સાત દિવસ પછી ફરજિયાત તબીબી તપાસ માટે હાજર થયો ન હતો.
તે એક સપ્તાહ સુધી ગુમ રહ્યો હતો. આખરે બધું ઠીક હતું અને આ ઘટનાની જાણ ઍથિક્સ કમિટીને કરવામાં આવી હતી, પરંતુ પરિણામ વધુ ગંભીર હોઈ શકે છે.
‘ગૂંચવાડાભર્યો સિદ્ધાંત’

ઇમેજ સ્રોત, Imperial College London/Thomas Angus
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં ચેપ તથા રોગ-પ્રતિકારક વિજ્ઞાનના એમિરેટ્સ પ્રોફેસર એલેનોર રિલે જેવા કેટલાક વિજ્ઞાનીઓને જે ઝડપે નિયંત્રિત ચેપ પરીક્ષણો હાથ ધરવામાં આવે છે તે અસ્વસ્થ બનાવે છે.
તેઓ કહે છે, “જે રોગોમાં ખૂબ જ ગંભીર વિક્ષેપ સર્જાવાની સંભાવના હોય અને ઓર્ગેનિઝમને તેના ટ્રૅકમાં જ અટકાવી દે તેવી દવાઓ આપણી પાસે નથી ત્યારે સંતુલન વધારે મુશ્કેલ બની જાય છે.”
“દાખલા તરીકે, 1,000 લોકોમાંથી એક માણસ મૃત્યુ પામશે એવું જોખમ હોય ત્યારે તમારે મને ખાતરી આપવી પડશે કે આ કોઈ એવી બાબત છે, જે અન્ય કોઈપણ રીતે શીખી શકાતી નથી.”
અન્ય નીતિશાસ્ત્રીઓ ઓછા ચિંતિત છે. ન્યૂયૉર્ક યુનિવર્સિટીની ગ્રોસમેન સ્કૂલ ઑફ મેડિસિન ખાતે બાયૉઍથિક્સના પ્રોફેસર આર્થર કેપલાન માને છે કે સારવાર શક્ય હોય તેવા જ રોગોનું નિયંત્રિત ચેપ પરીક્ષણ થવું જોઈએ, તેવો વિચાર “ગૂંચવણભર્યો સિદ્ધાંત” છે.
અવકાશ સંશોધનમાં મદદ માટે હાથ ધરવામાં આવેલા પ્રયોગો તરફ ધ્યાન દોરતા તેઓ કહે છે, “પરમાર્થવાદ અને અન્યોને મદદરૂપ થવાની ઇચ્છા સંશોધનનો હિસ્સો બનવાનું એકદમ યોગ્ય કારણ છે.”
આવાં પરીક્ષણોમાં માઇક્રૉગ્રેવિટીની અસર માટે સ્વયંસેવકોને પાછળની તરફ નમેલા પલંગ પર સૂવાનું કહેવામાં આવે છે. એ કારણે તેમના મગજ તરફ લોહીનો પ્રવાહ જાય છે.
આ અભ્યાસોમાં ભાગ લેતા સ્વયંસેવકોને ઘણી વખત બહુ ઓછું વળતર આપવામાં આવે છે. આર્થર કેપલાન કહે છે, “તેઓ માત્ર લોકોના ભલા માટે અભ્યાસોમાં ભાગ લેતા હોય છે. તેથી લાભ વિના જોખમોનો સામનો કરવા તૈયાર હોય તેવા સ્વયંસેવકોનો અભ્યાસમાં ઉપયોગ કરવાના ઉદાહરણો છે.”
2021માં ઇમ્પિરિયલ કૉલેજ, લંડનએ કોવિડ-19 માટે વિશ્વના પ્રથમ નિયંત્રિત માનવ ચેપ અભ્યાસની જાહેરાત કરી ત્યારે આ બધા સવાલ પ્રકાશમાં આવ્યા હતા.
કોવિડ-19ના સંદર્ભમાં વધુ નિયંત્રિત ચેપ પરીક્ષણોના આગ્રહ અને તેના માટે સ્વયંસેવકોની ભરતીમાં મદદ કરવાના હેતુસર માર્ચ-2020માં સ્થાપવામાં આવેલા અમેરિકા સ્થિત વનડેસૂનર નામના એક જૂથ દ્વારા તે જાહેરાતને ઉત્સાહભેર આવકારવામાં આવી હતી.
કેટલાક લોકો ચેપ લાગવા છતાં બીમાર કેમ પડતા નથી, તેની મૂલ્યવાન સમજ એ અભ્યાસે આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે એવા લોકોના નાકની લાઇનિંગમાં રોગપ્રતિકારક ક્ષમતા હોય છે, જે વાઇરસને તેમની શરીરમાં પ્રવેશતો અટકાવે છે.
જોકે, આ અભ્યાસથી વિવાદ પણ સર્જાયો હતો. કોવિડ-19નો કોઈ ઇલાજ નથી અને તેની લાંબા ગાળાની અસરો અણધારી હોય છે.
પુખ્ત વયના 36 યુવાઓ તેમના નાકમાં ઇન્જેક્ટ કરવામાં આવેલા પ્રવાહી દ્વારા વાઇરસના સંપર્કમાં આવ્યા હતા અને તેમને લંડનની હૉસ્પિટલમાં 14 દિવસ સુધી અલગ રાખવામાં આવ્યા હતા.
એ અભ્યાસનાં સહ-લેખિકા અને ઇમ્પિરિયલ કૉલેજ, લંડનનાં ક્લિનિકલ લેક્ચરર અનિકા સિંગનાયગમે કહ્યું હતું, “અમે જોયું હતું કે સ્વયંસેવકોનાં નાક તથા ગળામાં અનેક વાઇરસની નકલ હતી અને તેઓ લગભગ દસ દિવસ સુધી ઇન્ફૅક્ટેડ રહ્યા હતા.”
તેના લેટરલ ફ્લો ટેસ્ટ્સની ચોકસાઈએ, તે સમયે ઘણા દેશોમાં નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા એટ-હોમ પરીક્ષણને દર્શાવવામાં પણ મદદ કરી હતી.
અલબત, જ્યોર્જટાઉન યુનિવર્સિટીની કેનેડી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍથિક્સના સુલમાસી માને છે કે ઇમ્પિરિયલ કૉલેજ દ્વારા કરવામાં આવેલો નિયંત્રિત માનવ ચેપ અભ્યાસ નૈતિક કસોટીમાં નિષ્ફળ રહ્યો હતો.
તેઓ કહે છે, “વિકલ્પ મારફતે જે શીખી શકાયું હતું એવું ઘણું તેમાંથી જાણી શકાયું ન હતું. કોવિડ નવીન બાબત હતો. તેના લાંબા ગાળાના પરિણામો વિશે તેઓ ખાસ કશું જાણતા ન હતા.”
તેઓ ઉમેરે છે કે અજમાયશ શરૂ થઈ તે પહેલાં સુધીમાં કોવિડ-19ની અનેક વૅક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.
ઇમ્પિરિયલ કૉલેજ, લંડનએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19ના દર્દીઓમાં ગંભીર બીમારીના જોખમને ઘટાડતી ઍન્ટીવાયરલ ટ્રીટમેન્ટ રેમડેસિવીર સમગ્ર અભ્યાસ દરમિયાન, અપેક્ષા કરતાં વધુ બીમાર હોવાનો અનુભવ કરતા તમામ સ્વયંસેવકો માટે ઉપલબ્ધ હતી.
એક પ્રવક્તાએ કહ્યુ હતું, “રોગચાળો ફેલાયાને એક વર્ષ થઈ ગયું હતું ત્યારે અભ્યાસને નૈતિક મંજૂરી આપવામાં આવી હતી. એ સમયે પુખ્ત વયના. તંદુરસ્ત યુવાઓ આ રોગ વિશે ઘણું જાણતા હતા, જે આ જૂથમાં ગંભીર રોગનું બહુ ઓછું જોખમ હોવાનું દર્શાવતી હતી.”
તેમણે ઉમેર્યું હતું કે આ અભ્યાસે “કોવિડ-19 ઇન્ફૅક્શન વિશેની ઘણી ઝીણી વિગતો પૂરી પાડી હતી, જે અન્ય પ્રકારના પરીક્ષણ દ્વારા મેળવી શકાયા ન હોત.”
એ પછી કોવિડ-19 સંબંધિત અન્ય નિયંત્રિત ચેપ પરીક્ષણોમાં વધારો થયો છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો હાલમાં એક પરીક્ષણ માટે દર્દીઓની નોંધણી કરી રહ્યા છે. તેમાં કોવિડ-19 વિરોધી વૅક્સિન આપવામાં આવી હતી તેવા સ્વયંસેવકોને જાણીજોઈને BA.5 ઑમિક્રોન સબવૅરિયન્ટનો ચેપ લગાવવામાં આવશે.
આ પરીક્ષણનો હેતુ, વૅક્સિન્સ વાયરસના સબવૅરિયન્ટ્સ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે એ વિશે વધુ સમજવાનો છે. આ પ્રયોગના સહભાગીઓને તેમના સમય તથા પ્રવાસ ખર્ચ માટે 400 ડૉલર્સ આપવામાં આવશે.
ઇંગ્લૅન્ડના સાઉથમ્ટનના 33 વર્ષના ડિલિવરી ડ્રાઈવર સીન કઝીન્સને 2014થી 2020 વચ્ચે ત્રણ નિયંત્રિત ચેપ પરીક્ષણોમાં ભાગ લેવા બદલ 14,280થી વધુ ડૉલર્સ મળ્યા હતા.
એ પૈકીના બે પરીક્ષણોમાં તેમને ઇન્ફ્લુએન્ઝા થયો હતો, જ્યારે ત્રીજામાં તેમને રેસ્પિરેટરી સિન્સિટિયલ વાઇરસ થયો હતો.
પૈસા વિના પણ પોતે વધારે પરીક્ષણો માટે સહમત થયાં હોત, એમ જણાવતાં સીન કઝીન્સ કહે છે, “તે કોઇક નવો પ્રયાસ હતો. હું મારો સમય આપવા ઈચ્છતી હતી અને માનવતાને મદદ કરવા ઇચ્છતી હતી.”
ભવિષ્યમાં ઓછાં નહીં, પરંતુ વધુ નિયંત્રિત માનવ ચેપ પરીક્ષણો થશે, એ વાત સાથે વિજ્ઞાનીઓ સંમત છે.
ઉપયોગમાં લેવામાં આવતાં પૅથોજેન્સની યાદીમાં પણ ઉમેરો થશે. એ પૈકીના કેટલાકની સારવાર શક્ય છે.
અલબત, તેનાથી સુલમાસી જેવા કેટલાક વિજ્ઞાનીઓ ચિંતિત છે. તેઓ કહે છે, “આપણે મર્યાદાઓ લાંઘીશું અને કોઈને ગંભીર તકલીફ થશે પછી જ તે અટકશે.”
બીજી તરફ અન્ય લોકો પુષ્કળ તબીબી તકોની આગાહી કરે છે. તેમના કહેવા મુજબ, યોગ્ય નિયંત્રણો મૂકવામાં આવે તો નિયંત્રિત માનવ ચેપ પરીક્ષણો વડે, સદીઓથી માનવજાતને પીડા આપતા રોગો માટે વધુ ઝડપી તથા વધુ સારી વૅક્સિન વિકસાવી શકાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












