ગુજરાતમાં ચોમાસા વખતે મચ્છરોની ગણતરી કેમ કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ચોમાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોનાં ઘરોમાં ભરાયેલાં પાણી ઊતરી ગયાં પછી એ સ્થિતિનો ભોગ બનેલા લોકોને જે ચિંતા થાય છે તે હોય છે બીમારીની.
વરસાદી પાણી ભરાઈ રહેવાથી ઘરોમાં સર્જાતી ભેજની સ્થિતિ અને ગલીઓમાં ભરાયેલાં પાણીનાં ખાબોચિયાં મચ્છરોના ઉપદ્રવ માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
આવી સ્થિતિમાં અગમચેતીના પગલારૂપે સરકાર અને મ્યુનિસિપાલિટી તથા મ્યુનિસિપલ કૉર્પોરેશનના વહીવટ હેઠળના આરોગ્ય વિભાગો મચ્છરોનો ત્રાસ ઘટાડવા માટે નિયમિત રીતે મચ્છરોની ગણતરી કરે છે.
જે તે વિસ્તારમાં મચ્છરોની ઘનતા કેટલી છે તે જાણવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમની ગણતરી કરવામાં આવે છે.
જોકે, મચ્છરોની ગણતરીનો હેતુ મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટેનો છે.
મચ્છરની ગણતરીથી આપણે શું જાણી શકીએ છીએ?
કાનમાં ગણગણ અવાજ કરીને હેરાન કરી મૂકતા મચ્છરો ભલે એક જેવા જ દેખાતા હોય, પરંતુ તે અલગ-અલગ પ્રકારના હોય છે. એ અલગ-અલગ પ્રકારની બીમારીઓ ફેલાવી શકે છે.
તમારા ઘરમાં જોવા મળતાં મચ્છરો કયા છે અને તે કઈ બીમારીઓ ફેલાવે છે તે જાણવા સરકારનો મલેરિયા વિભાગ મચ્છરોની ગણતરી કરે છે.
જેને આધારે મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવવા માટેની રૂપરેખા નકકી કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૅશનલ વેક્ટર બૉર્ન ડિસીઝ કંટ્રોલ વિભાગ મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવવા માટે કામ કરે છે. NVBDCની નડિયાદમાં આવેલી લૅબોરેટરીના વૈજ્ઞાનિક રાજેન્દ્ર બહેરિયા બીબીસી ગુજરાતીને કહે છે, “અમે મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવવા માટે પહેલા તો કયા વિસ્તારમાં કઈ જાતિના કેટલા મચ્છરો છે. મચ્છરોનાં ઉત્પતિસ્થાનો કયાં છે તેની પણ તપાસ કરીએ છીએ.”
મચ્છરોનો ઉપદ્રવ કેવી રીતે માપવામાં આવે છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મલેરિયા વિભાગમાં 18 વર્ષથી મચ્છર-માખી પકડવા અને તેની ગણતરીનું કામ કરતા આરીફ બેગ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
તેમણે મચ્છરોની ડેન્સિટી (ચોક્કસ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવ માપવાની પ્રક્રિયા) ગણતરી કેવી રીતે થાય તે વિશે વાત કરતાં આરીફ બેગ કહે છે, “અમે રોજ સવારે અલગ-અલગ વિસ્તારમાં જઈ મચ્છરની ઉત્પતિના આંકડા એકઠા કરીએ છીએ. એક વિસ્તારમાં ચાર ઘર નક્કી કરવામાં આવે. ઘરનાં બારી-બારણાં બંધ કરી શકાય તેવો જ રૂમ હોવો જોઈએ.”
“આ રૂમમાં સફેદ ચાદર પાથરવામાં આવે છે. ત્યારબાદ રૂમની દીવાલો ઉપર કેરોસીન અને પાઇરેથોન દવા મિશ્રણનો પંપથી છંટકાવ કરવામાં આવે છે. દવા છંટકાવ કર્યાના લગભગ અડધો કલાક માટે રૂમ બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે મચ્છરોનું ઑક્સિજન લેવલ ઓછું થઈ જાય છે અને મચ્છરો સફેદ ચાદર પર પડે છે.”
“અડધો કલાક બાદ રૂમ ખોલીને ટૉર્ચ દ્વારા ચાદર પર પડેલા મચ્છરને ચેક કરીએ છીએ. આ મચ્છરોને ચીપિયાથી પકડીને તેમની જાતિ અને પ્રકારની તપાસ કરી એક ડબ્બીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ ચાર ઘરમાંથી મળેલા મચ્છરની સંખ્યાનો ચારથી ભાગાકાર કરવામાં આવે છે અને જે આંકડો આવે તેને તે વિસ્તારની મૉસ્કિટો ડેન્સિટી (મચ્છરની ઘનતા) કહેવાય.”
ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરોની ગણતરી કેવી રીતે થાય?

ગ્રામ્ય વિસ્તારમાં બે રીતે મચ્છરોની ડેન્સિટી માપવામાં આવે છે. જેમાં રૂમમાં ચાદર પાથરવાની અને દવા છાંટવાની પ્રક્રિયા સમાન છે. બીજી રીતમાં હેન્ડ કેસ કલેક્શન પણ કરવામાં આવે છે. રાજેન્દ્ર બહેરિયા કહે છે:
- એક પદ્ધતિ હેન્ડ કેસ કલેક્શન એટલે કે હાથથી મચ્છર પકડવાની છે અને બીજી પદ્ધતિમાં પાયરેથોન સ્પ્રે પદ્ધતિથી ગણતરી કરવામાં આવે છે. જે વિસ્તારમાં મચ્છરજન્ય બીમારી વધુ હોય ત્યાં મચ્છરોની ડેન્સિટીની ગણતરી થાય છે
- આ સિવાય મચ્છરોની રેન્ડમ કલેક્શન પણ કરવામાં આવે છે. મચ્છરોની ડેન્સિટીની ગણતરી માટે એક ગામમાં આઠ ઘર નક્કી કરાય છે, ત્યારબાદ આ આઠ ઘરોમાં બન્ને પદ્ધતિથી મચ્છર કલેક્શન કરવામાં આવે છે
- હેન્ડ કેસ કલેક્શનમાં ઇન્સેક્ટ કલેક્ટર સૌપ્રથમ ટૉર્ચ લગાવીને ઘરની અંદર મચ્છરો ચેક કરે છે. ત્યારબાદ ઍસ્પાયરેટર ટ્યૂબની મદદથી મચ્છર પકડે છે
- પકડેલા મચ્છરો કઈ જાતિના તે ચેક કરીને તેમની અલગ-અલગ ગણતરી કરવામાં આવે છે
રાજેન્દ્ર બહેરિયાના જણાવ્યા અનુસાર હેન્ડ કલેક્શન બાદ એ આઠ ઘરોમાં જ પાયરેથોન સીટ કલેક્શન કરીને મચ્છરની ગણતરી કરવામાં આવે છે.
હેન્ડ કલેક્શન અને પાયરેથોનના છંટકાવ એમ બન્ને પદ્ધતિથી મળેલા મચ્છરનો સરવાળો કરીને ત્યારબાદ ગણતરી કરીને ત્યારબાદ તેની ડેન્સિટી કાઢવામાં આવે છે. આ ડેન્સિટીને પર મૅન અવર ડેન્સિટી કહેવાય છે.
મચ્છર ભેગા કર્યા બાદ લૅબોરેટરીમાં શું કરવામાં આવે છે?

મચ્છરોને જે-તે વિસ્તારમાંથી એકઠા કર્યા બાદ તેમને લૅબોરેટરીમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમના પર વાઇરસ છે કે નહીં તેની તપાસ થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના જુનિયર ઍન્ટેમોલૉજિસ્ટ રાજ શર્મા કહે છે, “મચ્છરો મૉનિટરિંગ માટે અમારી ફિલ્ડની ટીમ છે. આ ટીમમાં ઇન્સેક્ટ કલેક્ટર અને લારવા મૉનિટરિંગ ટીમ હોય છે. ઇન્સેક્ટ કલેક્શન ટીમ દ્વારા ફિલ્ડમાંથી મચ્છર અને લારવા લૅબોરેટરીમાં લઈને આવે છે. ત્યારબાદ આ મચ્છરમાં કોઈ વાઇરસ છે કે નહી તે ચેક કરવા ગાંધીનગરમાં આવેલી ગુજરાત બાયોટૅક્નૉલૉજી રિસર્ચ સેન્ટર (GBRC) લૅબોરેટરીમાં મોકલીએ છીએ.
“ફિલ્ડમાંથી જે લારવા (મચ્છરનાં ઈંડાંમાંથી નીકળેલાં બચ્ચાં) લાવવામાં આવે છે. તેમને અલગ-અલગ પાંજરામાં ઉછેરવામાં આવે છે. આ મચ્છરોને પણ પુખ્ત થયા બાદ વાઇરસની તપાસ કરવા માટે GBRC લૅબારેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવે છે. વર્ષ 2024માં 285 માદા એડીસી મચ્છરોનાં સૅમ્પલ વાઇરસ અંગેની તપાસ માટે GBRC ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે. તેમજ હ્યુમન સીરમના 204 સૅમ્પલ મોકલવામાં આવ્યાં છે.”
મચ્છરો પર દવાની અસર સામે પ્રતિરોધ વિકસ્યો છે કે નહીં તેની તપાસ

નડિયાદ ખાતેની લૅબોરેટરીમાં મચ્છર મારવાની દવા સામે મચ્છરોએ પ્રતિરોધ ક્ષમતા વિકસાવી છે કે નહીં તેની પણ તપાસ થાય છે.
વૈજ્ઞાનિક રાજેન્દ્ર બહેરિયા કહે છે, “અમે રાજ્યના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારના મચ્છરોને લૅબોરેટરીમાં ઉછેરીએ છીએ. અમે 10 મચ્છર લાવીએ તો તે ઈંડાં મૂકે છે અને તેમની સંખ્યા વધતી જાય છે. અમે 500 મચ્છરો પર દવાની અસર અંગે અભ્યાસ કરીએ છીએ.”
તેમણે વધુમાં કહ્યું, “અલગ-અલગ વિસ્તારના મચ્છરોને ઉછેરીને અમે તે મચ્છરો પર દવાનો છંટકાવ કરીએ છીએ. આ દવાના છંટકાવના એક કલાક બાદ કેટલા મચ્છરો નીચે પડ્યા તે નોંધીએ છીએ. તેમજ 24 કલાકમાં કેટલા મરી ગયા તે ચેક કરીએ છીએ. 100 ટકા મચ્છરો મરી જાય તે દવા જ અસરકારક કહેવાય.”
રાજેન્દ્ર બહેરિયા કહે છે, “ગુજરાતમાં વર્ષો પહેલાં મચ્છરો માટે ડીડીટી (ડાયક્લૉરો ડાયફિનાઇલ ટ્રાયક્લૉરોઇથેન) પાઉડરનો છંટકાવ થતો હતો. જેથી 100 ટકા મચ્છરો મરી જતા. પરંતુ આજે ડીડીટી પાઉડરનો છંટકાવ કરવામાં આવે તો 40થી 50 ટકા જ મચ્છરો મરે છે. ત્યારબાદ મેલાથિઓન, પરમેથ્રિન, ડેલ્ટામેથ્રિન જેવી દવાઓનો પણ ઉપયોગ થયો. હાલ ગુજરાતમાં વર્ષ 2008થી આલ્ફાસાયપર્મેથ્રિનનો ઉપયોગ કરવામાં આવે છે. જે 100 ટકા અસરકારક છે. કોઈ પણ દવાનું રિઝિસ્ટન્સ આવતાં 10થી 15 વર્ષ લાગે છે. આ રિઝિસ્ટન્સ અચાનક નહીં, ધીરે ધીરે આવતું હોય છે.”
“જેમ જેમ સમય જાય તેમ મચ્છરોમાં જે-તે દવા સામે રિઝિસ્ટન્સ પાવર (પ્રતિરોધ ક્ષમતા) વધે છે. જેથી દવા બદલવી પડે છે. 90 ટકા મચ્છર મરતા હોય તો દવાનો ડોઝ ડબલ કરીને એકાદ વર્ષ ચલાવી શકીએ છીએ. પરંતુ ત્યારબાદ તો દવા બદલવી જ પડે છે.”
મચ્છરોનાં લારવાનો કેવી રીતે નાશ કરી શકાય

મચ્છરોના લારવા જેને પોરા તરીકે પણ ઓળખવામાં આવે છે તેના નાશ માટે અલગ-અલગ દવા અને માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
રાજ શર્મા કહે છે, “અમે ઍન્ટમોલૉજી લૅબોરેટરીમાં ફિલ્ડમાંથી લાવેલા લારવામાં અમે હાલમાં ઉપયોગ લેવાતી હોય તે દવા નાખીએ છીએ, તે દવાની લારવા પર કેટલા સમયમાં શું અસર થાય તેનું મૉનિટરિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત લૅબમાં ગ્લુરેરિયા અને ગપ્પી માછલી પણ રાખવામાં આવી છે. આ માછલીઓને લારવા ફીડ કરીને મૉનિટરિંગ કરવામાં આવે છે. માછલીઓ કેટલા પોરા ખાય તે પ્રમાણે કેટલી માછલીઓ જે-તે વિસ્તારમાં નાખવી તે નક્કી કરી શકાય.”
ઘરમાં મચ્છર મારવાની દવાનું મશીન ક્યાં મૂકવું?
રાજ શર્મા કહે છે કે લોકોમાં એવી માન્યતા હોય છે મચ્છર મારવાની દવાનું ફોગિંગ (ધુમાડો) કર્યા બાદ તરત જ મચ્છરો મરી જાય, પરંતુ સામાન્ય રીતે જે દવા 24 કલાકમાં મચ્છર પર અસર કરે તે પ્રકારની દવા જ વાપરવાનું હિતાવહ છે.
મચ્છરને તરત જ મારી નાખે તેવી દવા માનવશરીરને પણ નુકસાન પહોંચાડે તેવી શક્યતા હોવાથી તીવ્ર દવા વાપરવી હિતાવહ નથી.
મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે ઘરમાં વાપરવામાં આવતા ઇલેક્ટ્રિક રિપેલન્ટને ઊંચી જગ્યા પર રાખવામાં આવે છે. જેથી તેની દવા હવા સાથે ઉપર જાય છે, નીચે નથી જતી. જ્યારે એડીસી મચ્છર સપાટીથી વધારે ઊંચે ઊડી શકતા નથી. જેથી ઘરના એ રિપેલન્ટની અસર થતી નથી. જેથી રિપેલન્ટને ઘરમાં શક્ય એટલા નીચે રાખવા જોઈએ.
મચ્છરોનું જીવનચક્ર કેટલા દિવસનું હોય?
માદા મચ્છર એક વખતમાં 200 જેટલાં ઈંડાં મૂકે છે. આ ઈંડાં મૂક્યાના 24 કલાકમાં પ્રથમ તબક્કાના લારવા બને છે. ત્યારબાદ 5થી 6 દિવસ બાદ તે પ્યુપા સ્ટેજમાં આવે છે. આ સ્ટેજને નૉનફીડિંગ સ્ટેજ તરીકે ઓળખાય છે. આ સ્ટેજમાં તેમના પર કોઈ દવા અસર ન કરે.
પ્યુપા સ્ટેજના 24 કલાકમાં પુખ્ત મચ્છર બની હવામાં આવે છે. પુખ્ત મચ્છર ખોરાક માટે લોહી પીવા કરડે છે. ત્યારબાદ 24 કલાકમાં તે ઈંડાં મૂકશે. આમ આ ચક્ર સતત ચાલ્યા કરે છે.
પુખ્ત મચ્છર સરેરાશ 30થી 35 દિવસ સુધી જીવે છે.
પુખ્ત મચ્છરને દર ત્રીજા દિવસે લોહી જોઈએ. તેને પોષણ માટેનું લોહી મળી જાય પછી તે આરામ કરે છે.
વાતાવરણમાં 25થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 7થી 20 ટકા હ્યુમિડિટી (ભેજ) એ મચ્છરો માટે અનુકૂળ વાતાવરણ છે.
આ વર્ષો કોઈ માદા મચ્છરે ઈંડાં મૂક્યાં હોય અને પછી વરસાદ બંધ થઈ જાય અને જો તેના લારવા સુકાઈ જાય તો આગામી બે વર્ષ સુધી ગમે ત્યારે એ લારવાને પાણી મળે તો તેમાંથી મચ્છર બની શકે છે.
મચ્છરોનો ઉપદ્રવ ક્યાં વધુ જોવા મળે છે?

ગુજરાતમાં કેવા પ્રકારના મચ્છરો જોવા મળે છે, તેનાથી કઈ બીમારીઓ ફેલાય?

ઇમેજ સ્રોત, Getty Images
વિશેષજ્ઞોના મતે ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના મચ્છરો જોવા મળે છે. ચોમાસામાં આ તમામ પ્રકારના મચ્છરોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે.
રાજ શર્મા કહે છે, “અમદાવાદ અને ગુજરાતમાં મુખ્યત્વે એડીસી, એનોફિલીસ અને ક્યુલેક્ષ મચ્છરો જોવા મળે છે. માદા મચ્છરના કરડવાથી બીમારી ફેલાય છે. એનોફિલીસ મચ્છરથી મલેરિયા, એડીસી મચ્છરથી ડેન્ગ્યૂ, ચિકુનગુનિયા, ઝીકા, યલો ફીવર, રિફ્ટ વેલી ડિસીઝ અને ક્યુલેક્ષ મચ્છરથી વેસ્ટ નાઇલ ફીવર, જાપાનીઝ ઍન્કેફેલાઇટીસ, લિમ્ફેટીક ફાઇલેરિયાસિસ જેવી બીમારીઓ ફેલાય છે.”
ગ્રામ્ય વિસ્તારની વાત કરતાં રાજેન્દ્ર બહેરિયા કહે છે “ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પાકમાં પાણી પીવડાવવાની સિઝનમાં મચ્છરો થાય છે. જેનાથી ફેબ્રુઆરીથી એપ્રિલના અંત સુધીમાં મલેરિયાના કેસોમાં થોડો વધારો થયેલો જોવા મળે છે. જ્યારે ચોમાસામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જુલાઈથી ઑક્ટોબર દરમિયાન મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ જોવા મળે છે. માત્ર મચ્છરોમાં દવાના રિઝિસ્ટન્સ અંગે નહીં, પરંતુ મલેરિયાની દવા પણ માનવશરીરમાં અસર કરે છે કે નહીં, તેના ડ્રગ્સનું રિઝિસ્ટન્સ માણસોમાં વિકસ્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે છે.”
મચ્છરથી દર વર્ષે વિશ્વમાં 7 લાખ લોકોનાં મૃત્યુ થાય છે

ચોમાસામાં વરસાદમાં પાણી ભરાવાના અને ભેજને કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, જેને કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જોખમી મચ્છરજન્ય રોગોથી દર વર્ષે લગભગ 7 લાખ લોકો મૃત્યુ પામે છે.
જેમાં મલેરિયાને કારણે લગભગ 4 લાખ અને ડેન્ગ્યૂના કારણે લગભગ 40 હજાર લોકો મૃત્યુ પામે છે. ભારત સરકાર દ્વારા દેશને 2030 સુધી મલેરિયા ફ્રી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













