મગજમાં ઘૂસીને તેને ખાઈ જનાર જીવડું કેટલું જીવલેણ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એસ નંદકુમાર
- પદ, બીબીસી તમિલ
શુક્રવારે ગૂગલ પર ‘કેરળ બ્રેઇન-ઇટિંગ અમીબા’ શબ્દને 20 હજારથી વધારે લોકોએ સર્ચ કર્યો હતો. આ પાછળ મુખ્ય કારણ એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કેરળમાં મગજને ખાઈ જનાર એક દુર્લભ અમીબાને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
મગજને ખાઈ જનાર અમીબાના ચેપથી પીડિત ત્રણેય વ્યક્તિનું સારવાર વગર જ મૃત્યુ થયું હતું. આ દર્શાવે છે કે આ અમીબાનો ચેપ કેટલો ખતરનાક છે.
કેરળના કોઝીકોડના 14 વર્ષીય મૃદુલ, કન્નૂરનાં 13 વર્ષીય દક્ષિણા અને મલપ્પુરમનાં પાંચ વર્ષીય ફતવાનું આ અમીબાના ચેપને કારણે મૃત્યુ થયું હતું.
યુએસ સેન્ટર ફૉર ડિઝીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)નું કહેવું છે કે આ પ્રકારનાં અમીબાના ચેપને કારણે 97 ટકાથી વધારે લોકોનાં મૃત્યુ થાય છે. અમીબા મગજની પેશીઓનો નાશ કરે છે જેને કારણે મગજમાં સોજો આવે છે.

કેરળમાં શું થયું?
કોઝિકોડમાં સાતમાં ધોરણના વિદ્યાર્થી મૃદુલને તળાવમાં નાહ્યાં પછી માથાનો દુખાવો શરૂ થયો અને ઉલટી થવા લાગી હતી.
મૃદુલને પહેલા કોઝિકોડેની સરકારી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
આ હૉસ્પિટલમાં થયેલા ટેસ્ટ દ્વારા જાણકારી મળી કે મૃદુલને મગજને ખાનાર અમીબાના ચેપને કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. આ બીમારીને પ્રાથમિક એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસ કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર એજન્સી પીટીઆઈની માહિતી પ્રમાણે, મૃદુલને ઇન્ટૅન્સિવ કૅર યુનિટમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગત બુધવારે તેમનું મૃત્યુ થયું.
કોઝિકોડની ખાનગી હૉસ્પિટલમાં બાળ ઑન્કોલૉજિસ્ટ અબ્દુલ રબે જણાવ્યું, “પ્રાથમિક સારવાર કેન્દ્રમાંથી વધુ સારવાર માટે અમારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. અમે તેમને વૅન્ટિલેટર પર રાખ્યા હતા અને એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસના ચેપને લગતા ટેસ્ટ કર્યા હતા.”
“અમે સારવાર માટે ઍન્ટિપાયૉટિક્સ અને ઍન્ટિફંગલ દવાઓ લખી હતી. જોકે, અમે તેમનો જીવ ન બચાવી શક્યા.”
આ જ રીતે કન્નુરનાં 13 વર્ષીય દક્ષિણાને મગજ ખાનાર અમીબાની બીમારીનો ચેપ લાગતાં 12 જૂને તેમનું મૃત્યુ થયું હતું.
અંગ્રેજી સમાચાર પત્ર ધી હિંદુના એક અહેવાલ પ્રમાણે, મુન્નારના એક સ્કૂલ પ્રવાસ દરમિયાન દક્ષિણાએ એક સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવી હતી ત્યારે તેમને અમીબાનો ચેપ લાગ્યો હતો.
આ પહેલા મલપ્પુરમની પાંચ વર્ષીય ફતવા 1 મેનાં રોજ પોતાના ઘરની પાસે કદલુંડી નદીમાં પોતાના પરિવારના સભ્યો સાથે નાહ્યા હતા.
તેમને 10 મેનાં રોજ ઉલટી અને બેભાન થવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અઠવાડીયાની સારવાર પછી આ ચેપને કારણે બાળકનું મૃત્યુ થયું હતું.
મગજ ખાનાર અમીબા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાથમિક એમેબિક મેનિન્ગોએન્સેફાલીટીસ એ મગજને ખાવામાં આવતા અમીબા નેગલેરીયા ફાઉલેરીને કારણે થતો ચેપ છે.
સીડીસીનું કહેવું છે કે નેગલેરીયા ફાઉલેરી અમીબા (એક પ્રકારનો એકકોષીય જીવ) ગરમ મીઠા પાણીના તળાવ અને નદીઓમાં જોવા મળે છે.
આ પ્રકારનાં અમીબા દુનિયાભરનાં તળાવો, નદીઓ અને ખરાબ રીતે રાખવામાં આવેલાં સ્વિમિંગ પુલમાં જોવા મળે છે. આ પ્રકારની જગ્યાઓ પર સ્નાન કર્યા પછી કેટલાક લોકોના નાક થકી અમીબા શરીરમાં પ્રવેશ કરે છે.
અબ્દુલ રબે કહ્યું, “અમીબા નાકથી મગજ પ્રવેશ કરે છે અને મગજની પેશીઓનો નાશ કરે છે અને મગજમાં સોજા આવે છે. આ કારણે ચેપી વ્યક્તિને તાવ આવે છે અને તેમનું મૃત્યુ થાય છે.”
સીડીસીનું કહેવું છે કે કેટલાક દુર્લભ મામલાઓમાં જો વોટર પાર્કના પાણીમાં યોગ્ય પ્રમાણમાં ક્લોરિન ન હોય તો ત્યાં પણ આ અમીબા મળી આવે છે.
સીડીસીનું કહેવું છે કે અમેરિકામાં દર વર્ષે 10થી ઓછા લોકોને આ પ્રકારનો અમીબાનો ચેપ લાગે છે અને તેમાંથી મોટાભાગના લોકોનું મૃત્યું થાય છે.
લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
મગજને ખાનાર અમીબાના શરૂઆતી લક્ષણોમાં માથાનો દુખાવો થાય છે અને તાવ, ઊબકા અને ઊલટી આવે છે.
કારણ કે અમીબા ઝડપથી આગળ વધે છે. આ લક્ષણ દેખાતાની સાથે એકથી 18 દિવસની અંદર પીડિતનું મૃત્યુ નિપજે છે. સીડીસીની માહિતી પ્રમાણે, ચેપને કારણે પીડિત સામાન્ય રીતે કૉમામાં ચાલ્યા જાય છે અને તેના પાંચ દિવસ બાદ પીડિતનું મૃત્યુ થઈ જાય છે.
કારણ કે આ ચેપ એટલો દુર્લભ છે કે ટેસ્ટ વડે તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં પીડિત વ્યકિતનાં મૃત્યુ પછી જ આ ચેપ વિશેની જાણકારી મળે છે.
આ ચેપ કેટલીક ખાસ જગ્યાઓ પર જ કેમ ફેલાય છે?
ગરમી દરમિયાન તળાવ, નદીઓ અને સ્વિમિંગ પુલમાં પાણી લાંબા સમય માટે ઊંચા તાપમાને રહે છે તે દરમિયાન આ અમીબાનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે.
સીડીસી કહે છે કે લાંબા સમય સુધી પાણીનું ઊંચું તાપમાન અને પાણીનું નીચું સ્તર આ અમીબા ચેપના મુખ્ય કારણો છે.
ડૉ. અબ્દુલ રબે કહ્યું, “તળાવ, નદીઓ અને સ્વિમિંગ પુલમાં સ્નાન કરતી વખતે અથવા ગોતાખોરી કરતા સમયે આ અમીબા નાકના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરે છે.”
સીડીસીનું કહેવું છે કે અમીબાયુક્ત પાણી પીવાથી આ પ્રકારનો ચેપ લાગતો નથી અને આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી.
આ ચેપથી બચવા માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
મોટાભાગના લોકો નદી અને તળાવમાં સ્નાન કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો સ્વિમિંગ પુલમાં જવાનું વિચારે છે. આ સ્થિતિમાં શું કરવું?
ડૉ. અબ્દુલ્લા રબે આ રોગથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવ્યા.
- સ્વિમિંગ પુલનો રખરખાવ સારી રીતે કરવામાં ન આવતો હોય અને જેમાં પાણી ઓછું હોય તેવા પુલમાં ન જવું
- તપાસ કરવી જોઇએ કે સ્વિમિંગ પુલને ક્લોરીનથી જંતુમુક્ત કરવામાં આવ્યો છે કે નહીં?
- દૂષિત તળાવોમાં સ્નાન કરવા ન જવું
- શક્ય હોય તો દરેક પુલને ક્લોરીનયુક્ત કરવા જોઇએ
કેરળની સરકારે આ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ રોગને કારણે થયેલાં મૃત્યુ પર ચર્ચા થઈ હતી. આ વિશે મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને કેટલાક નિર્દેશ પણ આપ્યા હતા.
મુખ્ય મંત્રીએ દુષિત પાણીમાં સ્નાન કરવા અને સ્વિમિંગ પુલને ક્લોરીનયુક્ત કરવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું કે બાળકો માટે આ ચેપ વધુ સંવેદનશીલ હોવાથી ચેપ અટકાવવા માટે જળાશયોની મુલાકાત લેતી વખતે 'સ્વિમિંગ નોઝ ક્લિપ્સ'નો ઉપયોગ કરવો જોઈએ.
મુખ્ય મંત્રીએ કહ્યું કે પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવા માટે દરેકે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ.












