ગુજરાત સરકાર ચાંદીપુરા વાઇરસને ફેલાતો અટકાવી શકતી કેમ નથી, શું છે કારણો?

ચાંદીપુરા વાઇરસ, અરવલ્લી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાંદીપુરા વાઇરસને કારણે ગુજરાતમાં 50થી વધુ બાળકોનાં મૃત્યુ થયાં છે.
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા બે મહિનાઓથી માથું ઉગામી રહેલા ચાંદીપુરા વાઇરસ સામે રાજ્ય સરકાર વિવિધ મોરચા પર કામ કરી રહી છે. આ વાઇરસને કારણે હજી સુધી 50થી વધુ બાળકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. જેના પરિણામે અનેક સ્વાસ્થ્ય કર્મચારીઓ હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે.

ઑગસ્ટ 4, 2024 સુધી વાઇરસ ઍન્કેફેલાઇટીસના કુલ 143 કેસ નોંધાયા છે, જેમાં 57 કેસ ચાંદીપુરા વાઇરસના છે. હજી સુધી ચાંદીપુરા અને એક્યુટ વાઇરલ ઍન્કેફેલાઇટીસથી મળીને 66 જેટલાં બાળકોને જીવ ગુમાવવો પડ્યો છે.

સરકારના પ્રયત્નોને છતાં, વાઇરલ ઍન્કેફેલાઇટીસ કે જેમાં ચાંદીપુરા પણ સામેલ છે, તેનો ચેપ સતત વધી રહ્યો છે.

દર્દીઓના એવા બ્લડ સૅમ્પલ્સ કે જેમાં ચાંદીપુરા વાઇરસ ન જોવા મળે, તેને ઍન્કેફેલાઇટીસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ ઍન્કેફેલાઇટીસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે.

ચાંદીપુરા વાઇરસ માટે જવાબદાર સૅન્ડ ફ્લાય

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, ચાંદીપુરા વાઇરસ માટે જવાબદાર સૅન્ડ ફ્લાય

સરકારી આંકડા અનુસાર, 22 જુલાઈ 2024 સુધી 88 કેસો નોંધાયા હતા, અને તેમાં 36 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. ચોથી ઑગસ્ટ 2024 સુધી ઍન્કેફેલાઇટીસના નોંધાયેલા કેસોનો આંકડો 153 પર પહોંચી ગયો હતો, જ્યારે મૃત્યુની સંખ્યા 66 થઈ ગઈ હતી. આ આંકડામાં ચાંદીપુરા અને વાઇરલ ઍન્કેફેલાઇટીસ એમ બંનેને કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા સામેલ છે.

આ વધતા આંકડાઓને કારણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ માટે નવા પડકારો ઊભા થયા છે. મુખ્યત્વે, આ વાઇરસનો જટિલ સ્વભાવ અને સ્વાસ્થ્ય વિભાગમાં સ્ટાફની અછતને કારણે રાજ્ય સરકાર માટે આ પડકાર ઘણો મોટો છે.

જોકે, સ્વાસ્થ્ય અધિકારીઓ અસરગ્રસ્ત ગામડાઓમાંં મેલેથિયોન પાઉડરનો છંટકાવ કરતા જોવા મળી રહ્યા છે. સરકારનો દાવો છે કે સાત લાખથી વધુ ઘરોમાં આ પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે, અને દોઢ લાખથી વધુ મકાનો પર સ્પ્રે પણ કરવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

આ વાઇરસ અસ્પષ્ટ છે

ચાંદીપુરા વાઈરસ

ઇમેજ સ્રોત, Getty Images/BBC

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીપુરા વાઇરસ પર હજી વધારે સંશોધન કરવાની જરૂર છે, કારણ કે તે ‘આઇસોલેશનમાં’ પણ જીવી શકે છે, એટલે કે સૅન્ડ ફ્લાય ન હોય તો પણ તે વાઇરસ આપણી વચ્ચે હાજર રહે છે. ચાંદીપુરા વાઇરસનો ફેલાવો સૅન્ડ ફ્લાય કે માટીની માખી દ્વારા થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખેડા જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર ડૉ. વી. એસ. ધ્રુવ ચાંદીપુરા પર છેલ્લાં ઘણાં વર્ષોથી અભ્યાસ કરી રહ્યા છે. આ વાઇરસ પર તેમણે સંશોધન પેપર પણ લખ્યું છે.

ચાંદીપુરા વાઇરસ સામે લડવા માટે સરકારને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, તે અંગે બીબીસી ગુજરાતીએ ડૉ. ધ્રુવે સાથે વાત કરી.

તેમણે જણાવ્યું, "આ વાઇરસ આઇસોલેશનમાં જીવી શકે છે. ઉદાહરણ તરીકે, સૅન્ડ ફ્લાયની ઉંમર સામાન્ય રીતે બે દિવસ હોય છે, પરંતુ જો તે વિસ્તારમાં સૅન્ડ ફ્લાયનો નાશ થયો હોય, તો પણ આ વાઇરસ ફરીથી આવી શકે છે. એક અસરગ્રસ્ત વિસ્તારથી બીજો અસરગ્રસ્ત વિસ્તાર 10 કિલોમીટરના અંતરે હોય તો પણ તે ત્યાં સુધી પહોંચી શકે છે. વાઇરસની આ જટીલતાને સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે."

ડૉ. ધ્રુવે અનુસાર, "વાઇરસની આ જટિલતાને સારી રીતે સમજવી એ સરકાર સામે સૌથી મોટો પડકાર છે."

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરલૉજી પુણેથી આવેલી નિષ્ણાતોની એક ટીમે ગુજરાતમાં આ વાઇરસને સમજવા માટે સંશોધન કર્યું છે. ડૉ. ધ્રુવે આ ટીમના સંશોધનમાં મદદરૂપ પણ થયા છે.

તેમણે જણાવ્યું, "અસરગ્રસ્ત પરિવારના દરેક સભ્યનાં સૅમ્પલ અમે લીધા છે. તે ઉપરાંત, ઘરની આસપાસનાં મચ્છર, માખી, ઊંદર, પક્ષીઓ અને પતંગિયાઓનાં સૅમ્પલો પણ લીધાં છે. હજી સુધી અમને ખબર નથી કે આ વાઇરસ એક ગામથી બીજા ગામ સુધી કેવી રીતે પહોંચે છે."

ગુજરાતમાં જ્યારે વર્ષ 2004, 2009 અને 2010માં આ વાઇરસ ફેલાયો હતો ત્યારે ડૉ. ધ્રુવે આ વાઇરસનો ઘણો અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસ અનુસાર અસરગ્રસ્ત વિસ્તારની સામાજિક, આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની નીતિઓ બનાવવાની જરૂર છે જે ચાંદીપુરા દ્વારા થતા ઍન્કેફેલાઇટીસને અટકાવી શકે.

2014માં ચાંદીપુરાથી મૃત્યુ પામેલાં પ્રથમ દર્દી કિંજલના દાદા ભવાનભાઇ
ઇમેજ કૅપ્શન, 2024માં ચાંદીપુરાથી મૃત્યુ પામેલાં પ્રથમ દર્દી કિંજલના દાદા ભવાનભાઈ

ડૉ. ધ્રુવે માને છે કે, "એની સાથે એ પણ સમજવાની જરૂર છે કે એક ઘરમાં 14 વર્ષથી નાની ઉંમરનાં વધુ બાળકો હોય ત્યારે એકને ચાંદીપુરા થાય છે અને બીજાને નથી થતો, તેવું કેમ થાય છે તે અંગે હજુ ચોક્કસ તારણ નથી. આ કારણે, આ ચેપ કેવી રીતે ફેલાય છે તે બાબતે અસ્પષ્ટતા છે."

આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારનાં ઍડિશનલ ડિરેક્ટર (પબ્લિક હેલ્થ) ડૉ. નીલમ પટેલ સાથે વાત કરી.

તેમણે જણાવ્યું, "મલેરિયા કે ડેન્ગ્યૂ એક સ્થળથી બીજા સ્થળે એટલી ઝડપથી ફેલાતો નથી જેટલો ચાંદીપુરા વાઇરસ ફેલાય છે. જોકે તેના કેસો ઓછા હોય છે, પણ ફેલાવાની ઝડપ વધારે છે, જેથી અમે કોઈ ચોક્કસ સ્થળ પર ફોક્સ કરી શકતા નથી. અમારે મોટા ભૌગોલિક વિસ્તારમાં ફોક્સ કરવાની જરૂર પડી રહી છે."

વાઇરસની આ જટિલતાને કારણે સરકાર કોઈ એક ગામડાંની જગ્યાએ આખા જિલ્લામાં કાર્ય કરી રહી છે.

ડૉ. નીલમ પટેલ જણાવે છે, "એટલા માટે જ પાઉડરના છંટકાવ અને સ્પ્રે માટે અમારે એક ગામડાં પર જ નહીં પરંતુ આખા જિલ્લા પર ફોક્સ રાખવો પડે છે."

તેમના મત પ્રમાણે, "હાલમાં, આખા જિલ્લામાં સ્વાસ્થ્ય સ્ટાફ, તેમજ જરૂર પડે તો અન્ય જિલ્લાઓના લોકોને પણ આ કાર્ય માટે લગાડવામાં આવે છે."

જિલ્લા સ્તરે રાજ્ય સરકારમાં નિષ્ણાત ડૉક્ટરોની કમી

કૃણાલ અસારીનાં માતા
ઇમેજ કૅપ્શન, મૃત્ય પામેલા બાળક કૃણાલ અસારીનાં માતા

સબ-હેલ્થ સૅન્ટર, પબ્લિક હેલ્થ સૅન્ટર, કમ્યુનિટી હેલ્થ સૅન્ટર અને સિવિલ હૉસ્પિટલ પબ્લિક હેલ્થના મુખ્ય ઘટકો છે.

રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગની વેબસાઇટ અનુસાર, દરેક 30,000 ની વસ્તીના સામે એક PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની જરૂર છે, દરેક 5000ની વસ્તી માટે એક સબ-હેલ્થ સૅન્ટર હોવું જોઈએ, અને દરેક 1,20,000 ની વસ્તી માટે CHC (કમ્યુનિટી હેલ્થ સૅન્ટર) હોવું જરૂરી છે.

એક કમ્યુનિટી હેલ્થ સૅન્ટર હેઠળ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, એક કમ્યુનિટી હેલ્થ સૅન્ટર એ 30 બૅડની એક હૉસ્પિટલ હોય છે, જેમાં મેડિસિન, ઑબસ્ટેટ્રિક્સ, ગાયનેકૉલૉજી, સર્જરી, પીડિયાટ્રિસ્ટ, ડેન્ટલ અને આયુષ ડૉક્ટરો ઉપલબ્ધ હોય છે.

2024-25ના બજેટ અનુસાર, રાજ્યમાં હાલમાં 9231 સબ-હેલ્થ સૅન્ટર, 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 365 સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત્ છે.

જો રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના ફેલાવાની વાત કરવામાં આવે તો, સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દાહોદ, પંચમહલ, અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં મોટી વસ્તી છે.

પંચમહલમાં 13 સામુદાયિક અને 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, જ્યારે દાહોદમાં 21 સામુદાયિક અને 97 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, અને અરવલ્લીમાં 10 સામુદાયિક તથા 37 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની ‘હેન્ડબુક ઑફ સ્ટેટિસ્ટિક્સ ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ ‘2022-23’ અનુસાર 'વર્ષ 2019-20માં સ્વાસ્થ્ય વિભાગ માટે રાજ્ય સરકારે 10,395.9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર પબ્લિક હેલ્થ સેક્ટરમાં નિષ્ણાત ડૉક્ટરોની કાયમી નિમણૂક કરવા માટે સંઘર્ષ કરી રહી છે.'

આ રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં 90 ટકા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની કમી છે. આ રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 1376 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની જરૂર છે, જેમાં સર્જન, ઑબસ્ટેટ્રિશિયન, ગાયનેકૉલૉજિસ્ટ, ફિઝિશિયન, અને પીડિયાટ્રિશિયન્સનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ પ્રમાણે, ડૉક્ટરોની આ જગ્યાઓ સામે 411 જગ્યા મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 127 જગ્યા ભરાઈ છે, અને 284 જગ્યા ખાલી છે, જ્યારે કુલ 1249 ડૉક્ટરોની અછત છે.

આ સ્ટાફની કમી ચાંદીપુરા જેવી બીમારી સામેની લડાઈને વધુ મુશ્કેલ બનાવે છે. નિલમ પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું, "પીડિયાટ્રિશિયન્સની કમી હોય તેવા વિસ્તારોમાં રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન સાથે ચર્ચા કરીને પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન્સની એક ટીમ બનાવી છે, અને અવાર-નવાર આ ટીમના ડૉક્ટરોની મદદ લેવામાં આવે છે."

ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશનના ગુજરાત ચેપ્ટરના પ્રવક્તા ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે આ કમિટીમાં 14 ડૉક્ટરોએ સ્વૈચ્છિક રીતે મદદ કરવાની ખાતરી આપેલી છે, અને જ્યાં જરૂર પડે ત્યાં તેઓ મદદરૂપ થાય છે.

સીડીએચઓ દાહોદ ડી. કે. પટેલ અનુસાર, "21 સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં માત્ર બાળકોના એક જ ડૉક્ટર ઉપલબ્ધ છે." ગોધરાના સીડીએચઓ ઉદય તિલાવતએ જણાવ્યું કે, "13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં માત્ર ત્રણ પીડિયાટ્રિશિયન્સ છે, જે ઘોઘંબા, મોરવા, અને હલોલમાં સ્થિત છે."

જાગૃતિ કેવી રીતે લાવવી?

મોટા કંથારિયા ગામે દવાનો છંટકાવ કરતા આરોગ્ય કર્મચારી

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન, મોટા કંથારિયા ગામે દવાનો છંટકાવ કરતા આરોગ્ય કર્મચારી

અરવલ્લી જિલ્લામાં રહેતા કુનાલ અસારીને તાવને કારણે પહેલાં ચક્કર આવ્યા પછી ગણતરીના કલાકોમાં જ તેનું મૃત્યુ થયું. તેમનાં દાદી ચેતના અસારીએ બીબીસીને કહ્યું, "જ્યારે તે આંગણવાડીમાંથી પાછો આવ્યો, ત્યારે તે બીમાર હતો. અમે તેને એક સ્થાનિક ભુવાને બતાવ્યું, જેણે તેનો ઉપચાર કર્યો, પરંતુ તેની સ્થિતિ વધુ ખરાબ થઈ, અને પછી અમે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા, જ્યાં પછી તેને સિવિલ હૉસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો. સવારે, તે વાઇરસને કારણે મૃત્યુ પામ્યો."

કુનાલની જેમ, જ્યાં વિલંબિત રિપોર્ટિંગ એક કારણ છે, એવા કેસો આ વિસ્તારમાં સામાન્ય છે. વધુમાં, સરકાર અને જનતાની વચ્ચે સંચારનો પ્રાથમિક પ્રશ્ન છે.

ડૉ. દિલીપ માવલંકર કે જેઓ ભારતીય પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ નિદેશક અને પબ્લિક હેલ્થ નિષ્ણાત છે, તેમણે બીબીસીને જણાવ્યું, "ચાંદીપુરા વિશે સંચેતન, શિક્ષણ અને સંચાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વહેલું રિપોર્ટિંગ કરવા માટે કોઈ પૂર્ણકાલીન સંચાર અધિકારી નથી. ઘણીવાર, SHC અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ડૉક્ટર આ પ્રકારનું કામકાજ સંભાળે છે."

પંચમહાલ જિલ્લામાં ઍપિડેમિક અધિકારી ડૉ. બી. કે. પટેલે ઉમેર્યું કે "જો કોઈ કેસને તાવના શરૂઆતના 12 કલાકમાં વિશેષજ્ઞ પાસે મોકલવામાં આવે, તો તેની જીવિત રહેવાની સંભાવના ઊંચી છે. પરંતુ ઘણી વખત કેસોમાં વિલંબ થાય છે જેમાં કેટલીકવાર પહેલાં બાળકોને ભુવાઓ દ્વારા સારવાર આપવામાં આવે છે, ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને પછી વિશેષજ્ઞ પાસે મોકલવામાં આવે છે, આ બધી બાબત હજી એક પડકાર છે."

ડૉ. પટેલે વધુમાં જણાવ્યું, "અમારી પાસે અંતરિયાળ ગામોમાં પહોંચતા આરોગ્ય કર્મચારીઓનું નેટવર્ક છે, અને તે માટે વહેલું રિપોર્ટિંગ કરવા માટે પ્રોત્સાહન આપવાના પ્રયાસો ચાલુ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.