ચાંદીપુરા ફેલાવતી માખી ઘરની માખી કરતાં કેટલી અલગ છે અને કેમ ખતરનાક છે?

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ અને તેના જેવી જ વાઇરલ ઍન્કેફેલાઇટિસની બીમારીનો ભોગ બનેલાં 41 બાળકોનાં મોત થયાં છે.
રાજ્યમાં કુલ આ બીમારીના118 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે અને તેમાંથી 23 બાળકોને ચાંદીપુરા વાઇરસ હોવાની પુષ્ટિ થઈ છે. બાળકોમાં આવી જીવલેણ બીમારીનો ફેલાવો કરવામાં માટીની માખી તરીકે ઓળખાતી સૅન્ડ ફ્લાયનો ઉપદ્રવ કારણભૂત મનાય છે.
માખી શબ્દ સાંભળતા જ આપણને ઘરમાં જોવા મળતી માખીનું ચિત્ર મગજમાં આવે, પરંતુ આ સૅન્ડ ફ્લાય એ ઘરની માખીને કારણે થતાં ગંભીર રોગો કરતાં વધુ ગંભીર રોગના ફેલાવા માટે જવાબદાર મનાય છે. માખી, મચ્છર જેવાં નાનાં જંતુઓ અને કીટકોનો અભ્યાસ કરતાં વિશેષજ્ઞોને મતે ઘરમાં જોવા મળતી માખીથી થતા રોગોને અટકાવવામાં ઘણા ઘરગથ્થુ ઉપાયો ઉપયોગી બને છે, પરંતુ એ ઉપાયો સૅન્ડ ફ્લાયને કાબૂમાં રાખવા હંમેશાં કારગર નથી નીવડી શકતા.

સૅન્ડ ફ્લાય એ ઘરની માખી કરતાં કેટલી અલગ?
સાદી માખી જેને ઘર માખી તરીકે ઓળખવામાં આવે છે, તે ગંદકી પર બેસે છે અને ગંદકીમાં ઇંડાં મૂકે છે. જ્યારે માટીની માખી (Sandfly) જેને મરુમક્ષિકા પણ કહેવાય છે, તે માટીમાં ઇંડાં મૂકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍન્ટોમોલૉજીસ્ટ રાજ શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ કે અમદાવાદમાં ઘરની માખી, માંસની માખી, ફળની માખી, મીડ્જ માખી, બ્લૉ ફ્લાય, ફૉરીડ ફ્લાય, મૉથ ઍન્ડ ડ્રેઇન માખી જોવા મળે છે.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર માટીની માખીની બે પ્રજાતિ જોવા મળે છે. ડૉ. પી.ટી. જોશી ગુજરાતના આરોગ્ય વિભાગમાંથી સેવા નિવૃત થયેલા ઍન્ટોમોલૉજિસ્ટ (કીટકશાસ્ત્રી) છે. વર્ષ 2004-05માં જ્યારે ગુજરાતમાં પહેલીવાર ચાંદીપુરા વાઇરસ દેખાયો હતો, ત્યારે ડૉ. જોશી આરોગ્ય વિભાગની ટીમને લીડ કરી રહ્યા હતા.
બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. પી. ટી. જોશી સૅન્ડ ફ્લાય વિશે માહિતી આપતા કહે છે, “માટીની માખીને ઇંડાંમાંથી પુખ્ત બનતાં 40થી 50 દિવસ લાગે છે. અને ત્યારબાદ તે 15 દિવસ જેટલું જીવન જીવે છે. પુખ્ત માદા માખી તેના જીવનકાળમાં એક જ વખત ઇંડાં મૂકે છે. તેની સંખ્યા 20થી 70 જેટલી હોય છે.”
ડૉ. જોશીએ સૅન્ડ ફ્લાય અને માટીની માખી વચ્ચેનો તફાવત સમજાવતાં કહ્યું, “ઘરમાખીનું જીવનચક્ર સૅન્ડફ્લાય કરતાં ટૂંકું હોય છે. ઘરમાં જોવાં મળતી માખી 9થી 25 દિવસનું જ જીવનચક્ર ધરાવે છે. જોકે માટીની માખીની જેમ ઘરની માખી કરડતી નથી.”
ઘર માખી અને માટીની માખીની વર્તણૂક વિશે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં સેવાનિવૃત્ત ઍન્ટોમોલૉજિસ્ટ ડૉ. વિજય કોહલીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “ઘર માખી અને માટીની માખી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ઘરની માખી લોહી નથી ચૂસતી, જ્યારે માટીની માખી લોહી ચૂસે છે એટલે તે મનુષ્ય અથવા પશુઓને કરડે છે. ઘરની માખીનું મોઢું સ્પંજ જેવું હોય છે, કારણકે તે સપાટી પરનું પાણી, દૂધ, રસ જેવાં પ્રવાહી ચૂસે છે. જ્યારે માટીની માખી લોહી ચૂસતી હોવાથી તેનાં મોઢા પર તીક્ષ્ણ સોય જેવી રચના હોય છે.”
ઘર માખીથી કયા રોગો થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘર માખી કરડતી ન હોવા છતાં તે ગંભીર માંદગી ફેલાવી શકવા સક્ષમ છે. ઘર માખી ગંદકીમાં ઇંડાં મૂકે છે.
તે મળ, ઊલટી, ગળફા જેવાં ગંદા દ્રવ્યો પર બેસતી હોવાથી ચેપી અને બીનચેપી રોગ ફેલાવતાં બૅક્ટેરિયા અને વાઇરસ તેના શરીર પર ચોંટી જાય છે.
આવા બૅક્ટેરિયા કે વાઇરસ ધરાવતી માખી જો ખાદ્ય પદાર્થો કે માનવ ઉપયોગની અન્ય વસ્તુઓ પર બેસે છે અને તે પ્રકારે મનુષ્યોમાં રોગ ફેલાય છે.
ઘર માખીથી ફેલાતાં રોગો વિશે વાત કરતા ડૉ. જોશી કહે છે, “ઘરની માખી ખાધપદાર્થોને દૂષિત કરીને 13 જેટલાં રોગોનાં જંતુઓનું પરિવહન કરે છે. જ્યારે માટીની માખી કરડે છે.”

માટીની માખીના કેટલા પ્રકાર છે, ગુજરાતમાં કઈ પ્રજાતિ જોવા મળે છે?
ડૉ. જોશી માટીની માખીના પ્રકારો વિશે વાત કરતાં કહે છે, “માટીની માખીની પ્રજાતિ ફ્લેબૅટોમસ પાપાતાસી (Phlebatomus papatasii) એ ચાંદીપુરા વાઇરલ ઍન્કેફેલાઇટિસ (Chandipura Viral Encephalitis)ની વાહક છે. માદા માટીની માખી માણસ કે પાલતું પ્રાણીઓને કરડીને તેમનાં લોહીને ખોરાક તરીકે લઈને જીવે છે.”
“જ્યારે ફ્લેબૅટોમસ આર્જેન્ટિપસ માટીની માખીનો બીજો પ્રકાર છે. એ કરડવાથી ‘કાલા અઝાર’ નામની માખીજન્ય બીમારી થાય છે. અને તે મોટાભાગે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ જેવાં રાજ્યોમાં વધુ જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં મોટેભાગે ફ્લેબૅટોમસ પાપાતાસી જોવા મળે છે.”
માટીની માખી ભેજવાળા વાતાવરણમાં વધારે જીવે છે. જ્યારે વધુ ગરમી કે વધુ ઠંડીમાં આ માખી જીવી નથી શકતી.
તેમણે વધુમાં કહ્યું, “ચાંદીપુરા વાઇરસ પાલતું પ્રાણીઓમાં હોય છે. જો પ્રાણીમાં આ વાઇરસ ઍક્ટિવ હોય તો માખી ચેપી બની જાય છે અને તે બાળકોને કરડીને વાઇરસ ફેલાવે છે. નાના બાળકો કે જેઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે આ વાઇરસ બાળકોમાં ઝડપથી અસર કરતો જોવા મળે છે.”
ગુજરાતમાં સૌ પ્રથમ ચાંદીપુરા વાઇરસ ક્યાં અને કેવી રીતે મળ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
ગુજરાતમાં લગભગ 20 વર્ષ પહેલાં ચાંદીપુરા વાઇરસની હાજરી જોવા મળી હોવાની પુષ્ટિ થઈ હતી.
ડૉ. જોશીએ એ ઘટનાને યાદ કરીને કહ્યું, “વર્ષ 2004-05માં ગુજરાતમાં વડોદરામાં બાળકોમાં મગજનો તાવ આવવાના કેસ દેખાવા લાગ્યા હતા. જેથી તપાસ કરવા માટે અમે વડોદરા ગયા હતા. શરૂઆતમાં એવું લાગી રહી હતું કે ઝેરી મેલેરિયા હોઈ શકે છે. પરંતુ અમે હૉસ્પિટલમાં દાખલ બાળકોની મુલાકાત લીધી, ત્યારબાદ જે જગ્યા પર કેસ જોવા મળ્યા હતા તે ગામ જે આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતું હતું તે જ્યોર્જ પ્રાયમરી હેલ્થ સેન્ટરની પણ મુલાકાત લીધી.
“આરોગ્ય કેન્દ્રની મુલાકાત બાદ અમને આ કેસ ઍન્કેફેલાઇટિસના હોવાની શંકા થઈ. જેથી અમે રાજ્યના પશુપાલન વિભાગની મદદથી લગભગ 267 માખીઓ પકડીને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીની લૅબોરેટરીમાં મોકલી હતી. તેમજ બાળકોના સીરમના નમૂના પણ પુણે મોકલ્યા હતા. પુણે લૅબોરેટરી દ્વારા મોકલવામાં આવેલા રીપોર્ટ અનુસાર બે માદા માખી અને એક નર માખીમાં ચાંદીપુરા વાઇરસ હોવાનું કન્ફર્મ થયું હતું.”
માટીની માખીથી રોગ કેવી રીતે ફેલાય છે?
આ માખીના ફેલાવા વિશે ડૉ. જોશી કહે છે, “આ માખી એક જગ્યાથી બીજી જગ્યા પર મુસાફરી નથી કરી શકતી. આ માખી વધારે ઊડી શકતી નથી તો વાઇરસ કેમ ફેલાય છે તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. એની પાછળનું કારણ એ છે કે પાલતું પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હોય છે. એટલે આ વાઇરસ પાલતું પ્રાણીઓ દ્વારા મુસાફરી કરે છે.”
ડૉ. જોશીએ ઉમેર્યું, “વાઇરસગ્રસ્ત પ્રાણીને માખી કરડે અને એ માખી ત્યારબાદ કોઈ બાળકને કરડે તો એ બાળકોને વાઇરસનો ચેપ લાગી શકે છે. આ ઉપરાંત વાઇરસગ્રસ્ત પ્રાણીને કરડીને એ લોહીથી માખી ઇંડાંને સેવે છે, તો તે ઇંડાંમાં પણ વાઇરસ દાખલ થઈ જાય છે. તે ઇંડાં પુખ્ત માખી બનીને ફરીથી વાઇરસ ફેલાવે છે.”
માટીની માખીથી બાળકોને બચાવવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
જો માટીની માખીની વર્તણૂકની સમજ કેળવી લેવામાં આવે તો તેનાથી બાળકેને બચાવવાનું કામ આસાન બની શકે છે.
માટીની માખીથી બાળકોના બચાવ કરવા વિશે ડૉ. જોશી કહે છે, “વધુમાં જણાવ્યું હતું કે માટીની માખી ઊંચે સુધી ઊડી શકતી નથી એટલે બાળકોને ખાટલામાં ઊંઘાડવા જોઈએ. ઘરની માખી કરતાં માટીની માખી ચાર ગણી નાની હોય છે. આ માખી મચ્છર કરતાં ત્રણ ગણી નાની હોય છે. એટલે જો બાળકોને મચ્છરદાનીમાં પણ ઊંઘાડવામાં આવે છતાં તેમને માટીની માખી કરડવાની શક્યતા રહે છે. જેથી મચ્છર માખીનો નાશ કરવો એજ ઉપાય છે. આ માટે માખી મારવાની દવાનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ઘરમાં અને આસપાસ સ્વસ્છતા રાખવી જોઈએ.”
ડૉ. જોશીના જણાવ્યા અનુસાર માટીની માખીના ઉપદ્રવવાળાં વિસ્તારમાં રહેતાં કોઈ બાળકને જો તાવ આવે અને તેમના શરીર પર જંતુ કરડવાનાં નિશાન દેખાય તો તેમને વિના વિલંબે હૉસ્પિટલ લઈ જવાં જોઈએ. બાળકોને બચાવી લેવાનો એ જ એકમાત્ર માર્ગ છે.












