નાભિમાં મેલ અને કચરો કેમ જમા થાય છે અને ક્યાંથી આવે છે?

નાભિનો મેલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જેસન જી ગોલ્ડમૅન
    • પદ, ફીચર સંવાદદાતા

કેટલાક લોકોની નાભિ પર વાળ નથી હોતા, જ્યારે કેટલાક લોકોને દરરોજ નાભિના વાળ સાફ કરવા પડે છે. જેસન જી ગોલ્ડમૅને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો.

નાભિની અંદર બનતા લિન્ટ વિશે બે મહત્ત્વપૂર્ણ વાતો જાણવી જરૂરી છે.

પહેલી વાત એ કે વૈજ્ઞાનિકે રૂપે તેને બેલી બટન લિન્ટ કહેવામાં આવે છે જ્યારે સામાન્ય ભાષામાં બેલી બટન લિન્ટ (બીબીએલ) કહેવામાં આવે છે.

બીજી વાત એ છે કે બેલી બટન લિન્ટ સામાન્ય રીતે મધ્યમ ઉંમરના પુરુષોમાં વધારે જોવા મળે છે, ખાસ કરીને તેવા પુરુષો જેનું વજન હમણાં જ વધ્યું હોય.

આ માહિતી સિડની યુનિવર્સિટીના રિસર્ચર ડૉક્ટર કાર્લ ક્રુઝેલનિકીની શોધમાં સામે આવી હતી.

તેઓ ઑસ્ટ્રેલિયામાં એક વિજ્ઞાન સંબંધિત એક રેડિયો શોના હૉસ્ટ છે. તેમના એક શ્રોતાએ પૂછ્યું કે નાભિમાં ઉત્પન્ન થતો રેસાદાર મેલ ક્યાંથી આવે છે અને કેવી રીતે ઉત્પન્ન થાય છે.

ક્રુઝલેન્કીને આ સવાલ પરથી એક ઑનલાઇન સર્વે કરવાનો વિચાર આવ્યો. આ સર્વે પરથી તેમણે તારણ કાઢ્યું કે બેલી બટન લિન્ટ મોટે ભાગે મધ્યમ ઉંમર અને શરીર પર વધારે વાળ ધરાવતા પુરુષોમાં જોવા મળે છે.

તેમને આ શોધ માટે 2002માં આઈજી નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા. આઈજી નોબલ પુરસ્કાર એ પ્રકારની રિસર્ચ માટે આપવામાં આવે છે જે લોકોને પહેલાં હસાવે છે અને પછી તે વિશે વિચારવા માટે મજબૂર કરે છે.

ક્રુઝેલનિકી અને તેમના સાથીઓએ એક ઑનલાઇન સર્વેના માધ્યમથી કેટલાક ઇચ્છુક લોકોના નમૂના એકઠા કર્યા અને આ લોકોને પોતાની નાભિની આસપાસના વાળ કાપવા માટે કહ્યું હતું.

નાભિની આસપાસના વાળને ટ્રિમ કરવાથી નાભિમાં રેશમ જેવા દોરા જમા થતા બંધ થઈ ગયા હતા.

તેઓ કદાચ આ વિષય પર વિશ્વના સૌથી મોટા નિષ્ણાતો પૈકી એક ન હોય, પરંતુ ડૉ. કાર્લ અને તેમના સાથીઓ નાભિમાં આ મેલ કેવી રીતે જમા કેવી રીતે થાય છે તે પાછળનું કારણ શોધ્યું, જેને કારણે આ વિષયની સમજણ વધી છે.

ડૉ. કાર્લ માને છે કે નાભિની આસપાસના વાળ એક યુનિડાયરેક્શનલ મશીનની જેમ કામ કરે છે. આ વાળ લોકોના કપડાના દોરામાંથી નાના-નાના રેસાઓને નાભિમાં એકઠા કરે છે અને આ કારણે જ નાભિમાં રેસાદાર મેલ ભેગો થાય છે.

બીબીસી ગુજરાતી

જૂના કપડાને કારણે નાભિમાં ઓછો મેલ જમા થાય છે

નાભિ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિશ્વમાં નાભિમાં એકઠા થતા મેલ વિશે વાત કરનાર ક્રુઝેલનિકી એકલા નથી. 2009માં વિયેના યુનિર્વસિટી ઑફ ટેકનૉલૉજીના રિસર્ચર જૉર્જ સ્ટીનહાઉસરે ‘મેડિકલ હાઇપોથેસિસ’ નામની એક વિશેષ મૅગેઝિનમાં પોતાની હાઇપોથેસિસ પ્રકાશિત કરી હતી. (મેડિકલ હાઇપોથેસિસ બીજી વૈજ્ઞાનિક મૅગેઝિનથી અલગ છે. આ મૅગેઝિન કોઈ પણ પ્રકારની સમીક્ષા વિના બિન-પરંપરાગત વિચારોને પ્રકાશિત કરે છે. આ વિચારોને સુસંગત અને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા જોઈએ.)

સ્ટીનહાઉસર ત્રણ વર્ષ સુધી પોતાની નાભિનો મેલ એકઠો કરતા રહ્યા. તેમણે કહ્યું કે હું મારી સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખું છું. હું રોજ સવારે સ્નાન કરું છું તેમ છતાં દિવસના અંતે મારી નાભિમાં કપડાના દોરાના રેસાનો મેલ એકઠો થઈ જાય છે. સ્ટીનહાઉસરે પોતાની નાભિના મેલના કુલ 503 નમૂના એકઠા કર્યા હતા.

તેનું વજન એક ગ્રામથી પણ ઓછું હતું. દરેક નમૂનાનું સરેરાશ વજન 1.82 મિલીગ્રામ હતું. જોકે, સાત નમૂનાનું વજન 7.2 મિલીગ્રામથી વધારે હતું જ્યારે એક રેસાદાર મેલના નમૂનાનું વજન 9.17 મિલીગ્રામ હતું.

સ્ટીનહાઉસરે લખ્યું, “આ વાત સામાન્ય છે કે કોટનના દોરા એકઠા થવાને કારણે નાભિમાં આ લિન્ટ એકઠો થાય છે, કારણ કે આ લિન્ટનો કલર જે તે શર્ટના કલર સાથે મેચ થાય છે.”

સ્ટીનહાઉસરે જ્યારે જૂનાં શર્ટ કે ટી-શર્ટ પહેર્યાં ત્યારે નાભિમાં લિન્ટ ઓછું હતું, કારણ કે જૂના શર્ટમાં ઢીલા દોરા પહેલાંથી જ સાફ થઈ ગયા હતા.

સ્ટીનહાઉસર અને ક્રુઝેલનિકી બંને અંતે એ જ નિષ્કર્ષ પર પહોંચ્યા. સ્ટીનહાઉસરે કહ્યું કે નાભિની આસપાસના વાળ જ આ પ્રકારની રેસાવાળા મેલને નાભિમાં એકઠો કરે છે.

નાભિની આસપાસના વાળ પાતળા રેસાને પોતાની તરફ ખેંચે છે અને આ રેસાને નાભિ તરફ લઈ જાય છે. આ બધા રેસા નાભિમાં એકઠા થાય છે.

સ્ટીનહાઉસરે કહ્યું, “આ પ્રક્રિયામાં વાળ એક હૂકની જેમ કામ કરે છે.”

સ્ટીનહાઉસરે એક વખત પોતાની નાભિ પાસેના વાળ હટાવી દીધા. ડૉ. કાર્લના સર્વેની જેમ તેમણે પણ જોયું કે નાભિની આસપાસ વાળ હટાવવાથી નાભિમાં એકઠો થતો મેલ રોકી શકાય છે.

જોકે, સ્ટીનહાઉસર પોતાની રિસર્ચને એક ડગલું આગળ વધાર્યું હતું. તેમણે 100 ટકા કોટનનો શર્ટ પહેર્યા પછી નાભિમાં એકઠા થયેલા રેસાદાર મેલના નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ કર્યું.

જો તેમની નાભિમાં એકઠા થયેલા પાતળા રેસા તેમના ટી-શર્ટના દોરામાંથી આવ્યા હોત તો રાસાયણિક વિશ્લેષણથી જાણકારી મળે કે નાભિમાં હાજર રેસાનો મેલ સંપૂર્ણપણે સેલ્યુલોઝ એટલે કે કપડાના દોરાથી બન્યો હતો.

જોકે, તેમણે રાસાયણિક વિશ્લેષણ થકી જાણ્યું કે નાભિમાં રેસાની સાથે-સાથે બીજી અશુદ્ધિઓ પણ એકઠી થઈ હતી.

સ્ટીનહાઉસરે રાસાયણિક વિશ્લેષણ પરથી જણાવ્યું કે નાભિમાં એકઠો થયેલો મેલ કપડાના રેસા, ઉપરાંત ધૂળ, વસા, પ્રોટીન અને પરસેવાથી બને છે. ગંદકી એકઠી કરતી વખતે પેટના વાળ આ અલગ-અલગ ઘટકો વચ્ચે અંતર કરતા નથી.

તેમણે આ આધારે કહ્યું કે જે લોકોની નાભિમાં રેસાદાર મેલ હોય છે તેમની નાભિ સામાન્ય રીતે સાફ થઈ શકે છે, કારણ કે આ રેસાદાર મેલની સાથે-સાથે બીજો મેલ પણ નીકળી જાય છે.

માત્ર ગણતરીના રિસર્ચરોએ નાભિના મેલ પર શોધ કરવા માટે પોતાનો સમય અને ઊર્જા લગાવી હતી. ક્રુઝેલનિકી અને સ્ટીનહાઉસર આ પ્રકારના રિસર્ચરો છે.

આપણી નાભિની અંદર શું છે તે વિશે જાણકારી મેળવવા માટે નૉર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીમાં એક ગંભીર રિસર્ચ થઈ રહી છે.

રૉબ ડન કેક સેન્ટર ફૉર બિહેવિયરલ બાયૉલૉજી અને નૉર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના જીવવિજ્ઞાનના શોધકર્તા ‘બેલી બટન ડાયવર્સિટી પ્રોજેકટ’ નામના પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે.

2011માં ડન અને તેમના સાથીઓએ ઉત્તર કેરોલિનામાં યોજાયેલી ‘2011 સાઇન્સ ઑનલાઇન કૉન્ફરન્સ’ અને ‘ડાર્વિન ડે ઇવેન્ટ’માંથી 500 સ્વયંસેવકોના નમૂના એકત્ર કર્યા હતા. જોકે, રિસર્ચરોને લિન્ટમાં કોઈ ખાસ રસ ન હતો. રિસર્ચરો ‘બેલી બટન માઇક્રોબાયોમ’ વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હતા.

ડને લખ્યુ, “નાભિ આપણું સૌથી નજીકનું નિવાસસ્થાન છે અને આજ સુધી તેની ઉપેક્ષા કરવામા આવી છે.” રિસર્ચરો જાણવા ઇચ્છે છે કે ક્યાં પ્રકારના બૅક્ટેરિયા આપણી નાભિમાં રહે છે.

શરૂઆતી રિસર્ચ દરમિયાન ડન અને તેમની ટીમે નાભિમાં છુપાયેલા વિશાળ માઇક્રોબિયલ વિવિધતાની શોધ કરી. તેમણે કહ્યું કે આ કોઈ પ્રકારના સૂક્ષ્મ જીવોનો ખજાનો છે.

નાભિમાં બેક્ટેરિયલ અનુકૂલન

રોજ સ્નાન કરવા છતાં પણ નાભિમાં લિન્ટ જમા થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોજ સ્નાન કરવા છતાં પણ નાભિમાં લિન્ટ જમા થાય છે

તેમણે શરૂઆતના 60 નમૂનાના અવલોકનમાં લગભગ બે હજાર 368 પ્રજાતિની ગણતરી કરી છે અને આ આંકડો વધી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ સંખ્યા અમેરિકામાં પક્ષીઓ અને કીડીઓની જૈવવિવિધતા કરતાં બે ગણી છે. જોકે, નાભિમાં મળી આવેલી મોટા ભાગની પ્રજાતિઓ દુર્લભ છે. કુલ મળી આવેલી પ્રજાતિમાંથી બે હજાર 128 પ્રજાતિઓ છથી ઓછા લોકોની નાભિમાં હતી.

હકીકતમાં મોટા ભાગની પ્રજાતિ માત્ર એક જ વ્યક્તિના નમૂનામાં મળી આવી હતી. બૅક્ટેરિયાની અદભુત વિવિધતા છતાં માનવની નાભિમાં મળી આવતા મોટા ભાગના બૅક્ટેરિયા અમુક જ પ્રજાતિઓના હોય છે.

આ રિસર્ચમાં લેવામાં આવેલા નમૂનાના 70 ટકા નમૂનામાં લગભગ આઠ પ્રજાતિ જોવા મળી હતી, જેમાંથી દરેક વ્યક્તિમાં કોઈ એક પ્રજાતિ સમાન ન હતી. કુલ મળેલા બૅક્ટેરિયાના 50 ટકા બૅક્ટેરિયા આ આઠ પ્રજાતિમાંથી હતા.

આ ઉપરાંત રિસર્ચરોને આર્કિયાની ત્રણ પ્રજાતિ મળી હતી, જે સામાન્ય રીતે એક્સ્ટ્રીમ વાતાવરણમાં જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણ પૈકી બે આર્કિયા એક એવા નમૂનામાંથી મળી આવ્યા જે વ્યક્તિએ વર્ષોથી સ્નાન કર્યું ન હતું.

નાભિમાં આટલી બધી જૈવવિવિધતા કેમ છે?

નાભિમાં મેલ

ઇમેજ સ્રોત, Getty Images

ડન અને તેમની ટીમ માને છે કે બૅક્ટેરિયાની સામાન્ય પ્રજાતિઓનો સમૂહ લોકોની ચામડી, તેના પર્યાવરણ અને નાભિ સુધી અનુકૂળ થઈ શકે છે. જ્યારે બાકીની પ્રજાતિ ક્યારેક નાભિની આસપાસ ફરતી રહે છે.

નાભિના મુખ પાસે સમાનતા છે. એવું લાગે છે કે નાભિમાં કાયમી રૂપે રહેતા બૅક્ટેરિયા મોંની નજીકના વિસ્તારને અનુકૂળ થઈ ગયા છે. જ્યારે અન્ય પ્રજાતિઓ થોડા સમય માટે ત્યાં દેખાઈ શકે છે પરંતુ તેઓ ત્યાં લાંબા સમય સુધી રહેવા માટે સક્ષમ નથી.

ઉદાહરણ તરીકે, ઉષ્ણકટિબંધીય પ્રદેશોના જંગલોમાં કેટલાંક વૃક્ષો ત્યાં ચોક્કસ રીતે અનુકૂલિત થાય છે. તે પ્રકારની જમીનમાં અન્ય પ્રકારના છોડ ઊગી શકે છે, પરંતુ તેઓ ત્યાં મોટી સંખ્યામાં ઊગી શકતાં નથી.

વિશાળ જૈવવિવિધતાને કારણે વ્યક્તિની નાભિમાં કયા પ્રકારના બૅક્ટેરિયા જોવા મળશે તેની આગાહી કરવી અશક્ય છે. પરંતુ સંશોધકો આગાહી કરી શકે છે કે બૅક્ટેરિયાની કઈ પ્રજાતિઓ વારંવાર જોવા મળશે અને કયા દુર્લભ હશે.

જો તમારી નાભિમાં કપડાંના નાના તંતુઓ નિયમિતપણે જમા થતા નથી અને ગઠ્ઠો અથવા ગંદકી થતી નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારી નાભિ હજુ પણ તે જગ્યા છે જ્યાં બૅક્ટેરિયા રહે છે.