ઘરમાં વંદા આવી રહ્યા છે? આટલું કરો તો નહીં આવે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરુગેશ
- પદ, બીબીસી તામિલ
ઘણા લોકોને વંદાથી બહુ ડર લાગતો હોય છે.
હું છ વર્ષનો હતો અને રસોડામાંથી કાચની બોટલ કાઢી રહ્યો હતો ત્યારે એ વંદો ઊડીને મારી ગરદન પર આવી ગયો હતો. મેં ડરીને ચીસ પાડી અને કાચની બોટલ ફેંકી દીધી હતી. મેં વંદા અગાઉ પણ જોયા હતા, પરંતુ આટલા નજીકથી જોયા ન હતા.
અમારા ઘરે મારાં ભાઈ-બહેન વંદાથી રમતા હતા, પણ મને ચીતરી ચડતી હતી.
વાસ્તવમાં, હવે એવું લાગે છે કે માણસે વંદાથી ડરવાની જરૂર નથી, કારણ કે મચ્છર કે અન્ય જંતુની માફક વંદા આપણું લોહી પીતાં નથી.
જોકે, ફૉરેસ્ટ ઇકોલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કીટશાસ્ત્રી બ્રોનોયના જણાવ્યા મુજબ, વંદા અત્યંત પ્રદૂષિત વિસ્તારમાં જ રહેતા હોય છે.
બ્રોનોયે કહ્યું હતું,"વંદા સામાન્ય રીતે ગંદી જગ્યાઓ, કચરાવાળી જગ્યા અને શૌચાલય વગેરેમાં જોવા મળે છે. તેથી જ ઘણા લોકોને વંદાથી નફરત હોય છે."
વંદાથી થતા રોગનો ડર પ્રાચીન ગ્રીસના કાળથી યથાવત છે, એમ જણાવતાં બ્રોનોયે કહ્યું હતું, "પ્રાચીન ગ્રીકોને ભીતિ હતી કે વંદો રોગનું કારણ હોય છે. વંદામાં ટ્રોપોમાયોસિન નામનું પ્રોટીન હોય છે. વંદાના મળ, ચામડી અને શરીરના ભાગોમાં રહેલું એ પ્રોટીન મનુષ્યમાં એલર્જી પેદા કરી શકે છે."
પ્રાચીન ઇજિપ્તવાસીઓ વંદાને દૂર રાખવા માટે દેવતાઓની પૂજા કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વંદાના ડર કે તેના પ્રત્યેના ધિક્કારને તબીબી પરિભાષામાં કેટાસરિડા ફોબિયા કહેવામાં આવે છે.

વંદાથી રોગ કેવી રીતે ફેલાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
કીટ વિજ્ઞાન વિભાગના એસોસિએટ પ્રોફેસર સેલ્વા મુથુકુમારનના જણાવ્યા અનુસાર, વંદા મનુષ્યમાં સીધી રીતે કોઈ રોગ ફેલાવતા નથી.
સેલ્વા મુથુકુમારને કહ્યું હતું, "મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય રોગ મચ્છરોથી ફેલાય છે. કોલેરા માખીઓ દ્વારા ફેલાય છે, પરંતુ વંદા માણસમાં સીધી રીતે કોઈ રોગ ફેલાવતા નથી. વંદા સૂક્ષ્મ જીવાણુવાળી ક્ષીણ થતી સામગ્રી ખાય છે. આવી ચીજો ખાધી હોય તે વંદો આપણા ખોરાક પર આંટો મારી જાય ત્યારે સૂક્ષ્મ જીવાણુઓ આપણા ખોરાકમાં ભળી જાય છે, તે આપણને થતા રોગનું કારણ બને છે."

વંદાને તમારા ઘરથી દૂર કેવી રીતે રાખશો?

ઇમેજ સ્રોત, Getty Images
સેલ્વા મુથુકુમારનના જણાવ્યા મુજબ, ખોરાક અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં વંદાની વસ્તી વધે છે. સ્વચ્છતા રાખવામાં આવે તો વંદા આવતા નથી.
- જે થાળી, પ્લેટમાં જમ્યા હો તેને તરત ધોઈ નાખો. બચેલો ખોરાક તરત જ ફેંકી દો.
- ઘરમાં કચરો જમા ન થાય તેની કાળજી લો. તમે જે કચરાપેટીનો ઉપયોગ કરતા હો તે ઢાંકણાવાળી હોવી જોઈએ. રાતે કચરાપેટી ઘરની બહાર રાખવી જોઈએ.
- વંદા ઘરની બારી અને દરવાજામાંથી પ્રવેશ કરતા હોય છે. તેથી જરૂર ન હોય ત્યારે બારી-દરવાજા બંધ રાખવા.
- કાર્ડબોર્ડના બૉક્સ પર ખાસ ધ્યાન આપો. કાર્ડબોર્ડના બૉક્સ લાકડાંના માવામાંથી બનાવવામાં આવતા હોય છે. લાકડાંનો માવો વંદા માટે ઉત્તમ ખોરાક છે.
- ઘણી વખત વંદા ડિશવૉશર મારફત પણ ઘરમાં પ્રવેશે છે. તેથી રાતે ડિશવૉશરને ચુસ્ત કવર ચડાવવું જરૂરી છે.
- સ્પ્રે અને જેલનો ઉપયોગ વંદાને ભગાડવા માટે કરવામાં આવે છે, પરંતુ એરોસોલનો ઉપયોગ માણસ માટે હાનિકારક હોઈ શકે છે.














