વિશ્વમાંથી ડેન્ગ્યુના તાવને નાબૂદ કરી શકે છે આ 'ચમત્કારિક' મચ્છરો

મચ્છરો

ઇમેજ સ્રોત, WORLD MOSQUITO PROGRAMME

    • લેેખક, જૅમ્સ ગેલાઘર
    • પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

ડેન્ગ્યુ તાવના કેસમાં 77% જેટલો ઘટાડો થઈ શકે તેવી "ક્રાંતિકારી" ટ્રાયલ કરવામાં સફળતા મળી હોવાનો વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે. મચ્છરોને એવી રીતે ભ્રમિત કરાય છે કે તેઓ બીમારી ફેલાવી શકતા નથી.

વિજ્ઞાનીઓએ એવા મચ્છરોનો ઉપયોગ કર્યો, જેમને "ચમત્કારિક" બૅક્ટેરિયાથી ચેપી બનાવાયા હોય. આ ચેપને કારણે મચ્છરોની ડેન્ગ્યુ ફેલાવાની ક્ષમતા ઘટી જાય છે.

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા શહેરમાં આ ટ્રાયલ યોજવામાં આવી હતી અને વધુ જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે, જેથી આ વાઇરસને નાબૂદ કરી શકાય.

વર્લ્ડ મૉસ્કિટો પ્રોગ્રામની ટીમ કહે છે કે દુનિયાભરમાં ફેલાયેલા વાઇરસની નાબૂદી આનાથી શક્ય બની શકે છે.

50 વર્ષ પહેલાં બહુ થોડા લોકોએ ડેન્ગ્યુ વિશે સાંભળ્યું હતું, પરંતુ આ રોગચાળો ધીમે ધીમે વિશ્વમાં ફેલાતો રહ્યો છે અને તેના કેસની સંખ્યામાં નાટકિય વધારો થતો રહ્યો.

1970માં માત્ર નવ દેશોમાં ડેન્ગ્યુની બીમારી ચિંતાજનક હદે ફેલાઈ હતી, પરંતુ અત્યારે વિશ્વભરમાં દર વર્ષે 40 કરોડથી વધુ લોકોને ડેન્ગ્યુ થાય છે.

ડેન્ગ્યુને સામાન્ય રીતે "બ્રેક-બૉન ફિવર" (હાડકાતોડ તાવ) તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે તેના કારણે સ્નાયુ અને હાડકાંમાં ભારે પીડા થાય છે અને મોટાપાયે ચેપ ફેલાય ત્યારે હૉસ્પિટલો માટે પહોંચી વળવું મુશ્કેલ બની જાય છે.

line

દુશ્મનનો દુશ્મન

મચ્છર

ઇમેજ સ્રોત, WORLD MOSQUITO PROGRAMME

આ ટ્રાયલમાં વૉલ્બેચિયા બૅક્ટેરિયાના ચેપ સાથેના મચ્છરોનો ઉપયોગ કરાયો હતો. સંશોધકોમાંના એક ડૉ. કેટી ઍન્ડર્સ આ બૅક્ટેરિયાને "કુદરતી રીતે ચમત્કારિક" ગણાવે છે.

વૉલ્બેચિયા બેક્ટેરિયાને કારણે મચ્છરને કંઈ નુકસાન થતું નથી, પરંતુ આ બૅક્ટેરિયા શરીરના એવા હિસ્સામાં બેસી જાય છે, જ્યાંથી સામાન્ય રીતે ડેન્ગ્યુ વાઇરસ શરીરમાં દાખલ થતો હોય છે.

આ બૅક્ટેરિયા સ્રોતો માટે પણ સ્પર્ધા કરે છે અને ડેન્ગ્યુ વાઇરસ પોતાની સંખ્યા વધારી ના શકે તે રીતે અવરોધ સર્જે છે. આના કારણે આ મચ્છર કોઈને કરડે તો પણ ડેન્ગ્યુ થવાની શક્યતા ઘટી જાય છે.

આ ટ્રાયલમાં મચ્છરનાં 50 લાખ ઈંડાંનો ઉપયોગ કરાયો હતો અને તેને વૉલ્બેચિયાનો ચેપ લગાવાયો હતો. ઈંડાંને પાણી ભરેલી ડોલમાં રાખીને દર બે અઠવાડિયે શહેરમાં ઠેરઠેર મૂકવામાં આવમાં આવતાં હતાં. આ રીતે બૅક્ટેરિયાનો ચેપ ધરાવતા મચ્છરોની સંખ્યા વધારવાના પ્રયોગમાં નવ મહિના જેટલો સમય લાગ્યો હતો.

યોગ્યાકાર્તા શહેરને 24 ઝોનમાં વહેંચી દેવાયું હતું અને તેમાંથી અડધોઅડધ ઝોનમાં આ મચ્છરોને છોડવામાં આવ્યા હતા.

'ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસીન'માં આ પ્રયાગનાં તારણો પ્રગટ કરવામાં આવ્યાં છે.

તેમાં જણાવ્યા અનુસાર મચ્છરો છોડાયા ત્યાં ડેન્ગ્યુના કેસમાં 77% ઘટાડો થયો હતો, જ્યારે ચેપ લાગ્યો હોય તે પછીય હૉસ્પિટલમાં દાખલ થવું પડે તેવા કેસોની સંખ્યામાં 86% ઘટાડો થયો હતો.

"આ બહુ ઉત્સાહવર્ધક છે, અને અમારી ધારણા કરતાં ઘણું સારું પરિણામ આવ્યું છે એવું પ્રામાણિકપણે કહી શકાય," એમ ડૉ. ઍન્ડર્સે બીબીસીને જણાવ્યું હતું.

આ ટેકનિક એટલી સફળ રહી કે મચ્છરોને બાદમાં સમગ્ર શહેરમાં છોડવામાં આવ્યા અને પ્રોજેક્ટ હવે આસપાસના વિસ્તારોમાં પણ આગળ વધી રહ્યો છે, જેથી સમગ્ર પ્રદેશમાંથી ડેન્ગ્યુને નાબૂદ કરી શકાય.

line

ક્રાંતિકારી પરિણામ

વર્લ્ડ મૉસ્કિટો પ્રોગ્રામના ઇમ્પેક્ટ ઍસેસમેન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરતાં ડૉ. એન્ડર્સ કહે છે: "આ પરિણામો ક્રાંતિકારી છે."

"અમને લાગે છે કે વિશ્વભરમાં જ્યાં પણ ડેન્ગ્યુની બીમારી જાહેર આરોગ્યની સમસ્યા બની હોય તેવાં શહેરોમાં મોટાપાયે આ રીત અપનાવામાં આવે તો તેની વધારે મોટી અસર જોવા મળી શકે છે."

વૉલ્બેચિયા બહુ જોરદાર રીતે કારગર સાબિત થયા છે અને તે જેમાં ચેપ તરીકે ઘૂસે તે શરીરની ફર્ટિલિટીને પણ અસર કરે છે. તે રીતે તે ભાવી પેઢીના મચ્છરોમાં પણ પોતે હાજર થઈ જાય તેવું કરી શકે છે.

એનો અર્થ એ થયો કે એક વાર વૉલ્બેચિયા શરીરમાં દાખલ થઈ ગયા તે પછી લાંબો સમય ત્યાં રહેવાના અને ડેન્ગ્યુના ચેપ સામે રક્ષણ આપતા રહેવાના.

ચેપનિયંત્રણ માટેના અન્ય ઉપાયો કરતાં આ પદ્ધતિ વધારે અસરકારક છે, કેમ કે તેને વારંવાર કામે લગાવવી પડતી નથી. દવાઓ છાંટવી કે નપુંસક કરેલા નર મચ્છરોને મોટી સંખ્યામાં છોડવા તેવા પ્રયાસો કરતા આં વધારે કારગત છે.

યોગ્યાકાર્તા શહેરના રોગચાળા નિયંત્રણ વિભાગના વડા ડૉ. યુદીરિયા અમેલિયા કહે છે: "આ ટ્રાયલનાં પરિણામોથી અમે ખુશ છીએ. "

"અમને આશા છે કે આ મેથડ યોગ્યાકાર્તાના બધા જ વિસ્તારમાં લાગુ કરવામાં આવે અને આગળ ઇન્ડોનેશિયાનાં બીજા શહેરોમાં પણ તેનો અમલ થાય."

ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરની આ જાત - Aedes aegyptiને સામાન્ય રીતે વૉલ્બેચિયા બૅક્ટેરિયાનો ચેપ લાગતો નહોતો. તેથી વર્ષોના સંશોધન પછી થયેલી આ ટ્રાયલ ઘણી મહત્ત્વની છે કેમ કે આખરે તેમાં બૅક્ટેરિયા દાખલ કરી શકાયા.

રોગચાળાના મૉડલિંગનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાં પણ ધારણા બાંધવામાં આવી છે કે વૉલ્બેચિયાને મચ્છરોમાં દાખલ કરી દેવામાં આવે તો ડેન્ગ્યુ તાવને સંપૂર્ણ નાબૂદ કરી શકાય છે.

બૉસ્ટન યુનિવર્સિટીના વૈશ્વિક આરોગ્ય અને મેડિસીના પ્રોફેસર ડેવિડ હેમર કહે છે કે આ પદ્ધતિમાં "ઉત્સાહવર્ધક શક્યતાઓ" રહેલી છે, જેનો ઉપયોગ ઝિકા, યલો ફિવર, ચિકનગુનિયા સામે પણ કરી શકાય.

આ બધા ચેપ પણ મચ્છર કરડવાથી થાય છે, તેથી તેને પણ આ રીતે નાબૂદ કરવાની શક્યતા વિચારી શકાય છે.

(આ અહેવાલ સૌપ્રથમ જૂન 2021માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

line

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો