અરવિંદ કેજરીવાલની સરકારે શું ખરેખર દિલ્હીમાં શિક્ષણની પરિસ્થિતિ પલટી છે?

ઇમેજ સ્રોત, @MSISODIA
- લેેખક, અંશુલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી હોય કે દેશનો અન્ય કોઈ પણ ખૂણો, અરવિંદ કેજરીવાલ દિલ્હીની શિક્ષણનીતિનાં વખાણ કરવાની એક પણ તક નથી છોડતા.
2022માં ગુજરાત ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક સરકારી શાળામાં પહોંચ્યા હતા. એ દરમિયાન, પીએમ મોદી ક્લાસરૂમમાં બાળકો સાથે બેઠેલા જોવા મળ્યા હતા.
આમ આદમી પાર્ટીએ તેને દિલ્હીની 'શિક્ષણક્રાંતિ'ની અસર ગણાવી અને શ્રેય અરવિંદ કેજરીવાલને આપ્યો હતો. દિલ્હીના તત્કાલીન નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું, "તેઓ અમને જેલમાં મોકલશે; અમે તેમને સ્કૂલમાં મોકલીશું."
જોકે, વિપક્ષી દળો, કૉંગ્રેસ અને ભાજપ, આને શિક્ષણના નામે અરવિંદ કેજરીવાલનો 'ફ્લૉપ શો' ગણાવે છે.
ત્રીજી જાન્યુઆરીએ પીએમ મોદીએ દિલ્હીની એક રેલીમાં કહ્યું, "દિલ્હીમાં જે લોકો છેલ્લાં 10 વર્ષથી રાજ્ય સરકારમાં છે, તેમણે અહીંની શાલેયશિક્ષણવ્યવસ્થાને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. દિલ્હીમાં એવી સરકાર બેઠી છે, જેને દિલ્હીનાં બાળકોનાં ભવિષ્યની ચિંતા નથી. 'સમગ્ર શિક્ષા અભિયાન' હેઠળ જે પૈસા ભારત સરકારે આપ્યા તેના અડધા પણ શિક્ષણ પાછળ વાપરી નથી શકી.
રવિવારે કૉંગ્રેસ નેતા અજય માકને દિલ્હીમાં શિક્ષણના મુદ્દે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
અજય માકને સવાલ ઉઠાવ્યો કે, "જો તમારું (અરવિંદ કેજરીવાલનું) શિક્ષણ મૉડલ એટલું સારું છે, તો બાળકો સરકારી શાળાઓ છોડીને પ્રાઇવેટ સ્કૂલોમાં શા માટે જઈ રહ્યા છે?"

કેજરીવાલની શિક્ષણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
અરવિંદ કેજરીવાલે ત્રણ વાર (2013, 2015 અને 2020) દિલ્હીના મુખ્ય મંત્રી પદના સોગંદ લીધા છે. ત્રણેય કાર્યકાળ ભેગા કરીએ તો કેજરીવાલ લગભગ 10 વર્ષ મુખ્ય મંત્રી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા સત્તામાં આવ્યા અને ધીમે ધીમે તેમણે પોતાના એજન્ડા પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર શિફ્ટ કર્યું.
2015માં આમ આદમી પાર્ટીએ વાયદો કર્યો હતો કે, જો તેઓ સત્તામાં આવશે તો શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દેશે. ત્યાર પછીથી દિલ્હી સરકાર બજેટનો લગભગ 20-25 ટકા ખર્ચ શિક્ષણ પર કરી રહી છે, જે દેશનાં બધાં રાજ્યોમાં સૌથી વધારે છે.
જોકે, કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન, એટલે કે, ગ્રૉસ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)ના ગુણોત્તરમાં શિક્ષણ પરના ખર્ચની બાબતમાં દિલ્હી બાકીનાં રાજ્યોની સરખામણીએ પાછળ છે.
શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ઈ.સ. 2021-22માં દિલ્હીએ પોતાના જીએસડીપીનો 1.63 ટકા ખર્ચ કર્યો. જીએસડીપીની સરખામણીએ શિક્ષણ પરનો ખર્ચ કરવાની બાબતમાં દિલ્હી બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં સૌથી નીચે છે. રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ પરના કુલ ખર્ચની વાત કરીએ તો ભારતે 2021-22માં પોતાની જીડીપીના 4.12 ટકા ખર્ચ કર્યો હતો.
વર્તમાન સમયે આતિશી દિલ્હીનાં મુખ્યમંત્રી છે અને શિક્ષણ વિભાગ પણ તેઓ પોતે સંભાળે છે.
દિલ્હી સરકારનો દાવો છે કે સ્માર્ટ ક્લાસ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી અને આધુનિક લૅબ જેવી સુવિધાઓએ સરકારી સ્કૂલોને પ્રાઇવેટની સમકક્ષ બનાવી દીધી છે. પરંતુ, બાળકોની ગેરહાજરી હજુ પણ એક મોટો પડકાર છે.
ઈ.સ. 2022-23માં દિલ્હીની એક હજારથી વધારે સરકારી સ્કૂલોમાં લગભગ 17.85 લાખ વિદ્યાર્થી ભણતા હતા. આ વિદ્યાર્થીઓમાંથી 6.67 લાખ વિદ્યાર્થી (લગભગ 33 ટકા) એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 વચ્ચે સતત સાત દિવસ અથવા તો 30માંથી 20 દિવસ સુધી ગેરહાજર રહ્યા.
ડ્રૉપ આઉટને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે જૂન 2024માં એક નિર્ણય કર્યો હતો, જેની ઘણા લોકોએ ટીકા કરી હતી.
દિલ્હીની શિક્ષણ નિયામકની કચેરીએ સરકારી સ્કૂલોને કહ્યું કે નવમા ધોરણમાં બે વાર નાપાસ થનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર 2024-25 માટે એનઆઇઓએસમાં દાખલ કરાવવામાં આવે. એનઆઇઓએસ એટલે કે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થા.
આ નિર્ણય પાછળ સરકારનો એવો તર્ક હતો કે, નાપાસ થઈને સ્કૂલ છોડી દેનારા વિદ્યાર્થીઓ માટે અનૌપચારિક શિક્ષણના માર્ગ ખૂલશે. જોકે, ટીકાકારોનું કહેવું હતું કે, દિલ્હી સરકાર દસમાનું રિઝલ્ટ ઊંચું લઈ જવા માટે નબળા વિદ્યાર્થીઓને નવમા ધોરણમાં રોકી રહી છે.
ઍક્સપર્ટ્સનો અભિપ્રાય
પ્રોફેસર જેએસ રાજપૂત નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી)ના પૂર્વ ચેરમૅન છે.
પ્રોફેસર જેએસ રાજપૂતનું કહેવું છે કે, દિલ્હીમાં એવું કશું ખાસ નથી થયું જેનાથી તેને શિક્ષણની બાબતમાં અન્ય રાજ્યો કરતાં વધારે સારું કહી શકાય.
દિલ્હીની શિક્ષણનીતિ અંગે જેએસ રાજપૂત કહે છે, "અરવિંદ કેજરીવાલે જ્યારે એવી જાહેરાત કરી હતી કે તેઓ સ્કૂલો પર ધ્યાન આપશે, ત્યારે મને આશાનું એક કિરણ જોવા મળ્યું હતું. 500 નવી સ્કૂલ બનાવવાની વાત કહેવામાં આવી હતી; પરંતુ એવું કશું થયું નહીં. માત્ર થોડીક સ્કૂલમાં વર્ગો અને લૅબ બન્યાં છે. હજારો બાળકોને નવમા ધોરણમાં અટકાવી દેવાય છે અને પછી આ બાળકો ઓપન સ્કૂલમાં ભણવા માટે મજબૂર થઈ જાય છે. જ્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલશે, ત્યાં સુધી શિક્ષણમાં સુધારો નહીં થઈ શકે."
જોકે, દિલ્હી સરકાર તરફથી ટીચરોને ટ્રેનિંગ માટે વિદેશ મોકલવાની યોજનાને જેએસ રાજપૂત એક સારી પહેલ માને છે.
આપનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડ કહે છે કે, દિલ્હી સરકારે ભલે નવી સ્કૂલો ઓછી બનાવી છે, પરંતુ, જૂની સ્કૂલોને નવી બનાવી દીધી છે.
દિલ્હીમાં સરકારમાં આવ્યા પછી અરવિંદ કેજરીવાલે સરકારી સ્કૂલોના શિક્ષકોને દુનિયાની અલગ અલગ શિક્ષણ સંસ્થાઓમાં ટ્રેનિંગ માટે મોકલ્યા છે. તેમાં ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓ પણ સામેલ છે. આ યોજના હેઠળ દિલ્હી સરકાર અત્યાર સુધીમાં એક હજાર કરતાં વધારે શિક્ષકોને વિદેશ મોકલી ચૂકી છે.
દિલ્હી યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર લતિકા ગુપ્તા દિલ્હીના શિક્ષણ મૉડલ પર સવાલો ઊભા કરે છે.
લતિકા ગુપ્તાનું કહેવું છે, "દિલ્હીમાં આંગળીના વેઢે ગણાય એટલી શૈક્ષણિક ઇમારતોનું નિર્માણ થયું છે. તમે શાલીમાર બાગ, કલ્યાણ વિહાર અને નહેરુ વિહાર જેવા વિસ્તારોમાં જાઓ, અહીંની સ્કૂલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્તરે ખાસ કામ નથી થયું. નો ડિટેન્શન પૉલિસી હટાવાઈ એટલે આઠમા ધોરણનાં બાળકો નાપાસ થવા લાગ્યાં. નવમા અને આગિયારમામાં નાપાસ થનારાં બાળકોની સંખ્યા પણ સતત વધી રહી છે; પરંતુ, સરકાર આ આંકડાનો પ્રચાર નથી કરતી."

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની સરકારી સ્કૂલોમાં સરકાર અલગ અલગ અભ્યાસક્રમો—જેવા કે, હૅપ્પીનેસ કૅરિક્યૂલમ અને દિલ્હી આર્ટ્સ કૅરિક્યૂલમ—ચલાવે છે. તેમાં ભણવાની સાથે બાળકોને ખુશ રહેવાની સાથોસાથ યોગ, મેડિટેશન, સંગીત, ડાન્સ અને થીઅટર, વગેરે બાબતો શીખવાડવામાં આવે છે.
લતિકા ગુપ્તાએ જણાવ્યું, "સરકાર આ પ્રકારના કૅરિક્યૂલમને બાળકોના હિતના ગણાવે છે, પરંતુ, શિક્ષકો પર પડતા બિન-શૈક્ષણિક કાર્યોના ભારણ પર કોઈનું ધ્યાન નથી જતું. મેં ભણાવેલા વિદ્યાર્થીઓ ઘણી વાર આ બાબતની પોતાની મુશ્કેલીઓ જણાવે છે. અલગ અલગ કૅરિક્યૂલમની ઇવેન્ટો થાય છે અને ટીચરો પર બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ભાર વધે છે."
જોકે, લતિકા ગુપ્તા, શિક્ષણને રાજકારણમાં મુખ્ય મુદ્દો બનાવવાના પગલાને આમ આદમી પાર્ટીનું એક સારું પગલું ગણાવે છે.
આંકડાઓના અરિસામાં

ઇમેજ સ્રોત, Getty Images
સરકારી સ્કૂલ : ઈ.સ. 2015માં દિલ્હી ચૂંટણીની પહેલાં આમ આદમી પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં 500 નવી સરકારી સ્કૂલ બનાવવાનું વચન આપ્યું હતું. 2015માં અરવિંદ કેજરીવાલને જ્યારે સત્તા મળી ત્યારે દિલ્હીમાં 1,007 સરકારી સ્કૂલ હતી. શિક્ષણ નિયામકની કચેરી, દિલ્હી સરકારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વર્તમાન સમયે આ સંખ્યા 1,082 સુધી પહોંચી ગઈ છે. એટલે કે, આમ આદમી પાર્ટીના 10 વર્ષના કાર્યકાળમાં માત્ર 75 નવી સ્કૂલ બની.
પાસ-નાપાસ : ઈ.સ. 2016થી લઈને 2023 સુધી બારમા ધોરણનાં દિલ્હીનાં પરિણામો સીબીએસઇના ઑલ ઇન્ડિયા રિઝલ્ટ કરતાં આગળ રહ્યાં છે. 2021થી લઈને 2023 સુધી દિલ્હીમાં દસમા ધોરણનાં પરિણામોએ સીબીએસઇનાં ઑલ ઇન્ડિયા રિઝલ્ટને પડકાર્યાં છે. દસમા ધોરણમાં 2022માં સીબીએસઇનું ઑલ ઇન્ડિયા રિઝલ્ટ 94.40 ટકા હતું, જ્યારે દિલ્હીની સરકારી સ્કૂલોમાં આ રિઝલ્ટ 97 ટકા હતું.
જોકે, નવમા અને અગિયારમામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. વર્ષ 2023-24માં નવમા ધોરણમાં ભણનારા એક લાખ વિદ્યાર્થી નાપાસ થયા હતા. 2022-23માં આ આંકડો 88,409, વર્ષ 2021-22માં 28,531 અને 2020-21માં 31,540 વિદ્યાર્થીઓ નવમા ધોરણની પરીક્ષા પાસ ન કરી શક્યા.
અગિયારમા ધોરણમાં શૈક્ષણિક સત્ર 2023-24માં 51,914, વર્ષ 2022-23માં 54,755, વર્ષ 2021-22માં 7,246 અને વર્ષ 2020-21માં 2,169 વિદ્યાર્થી નાપાસ થયા હતા.
નવમા અને અગિયારમા ધોરણમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અંગે ટીકાકારો કહે છે કે, એવું દસમા અને બારમાની પરીક્ષાનું પરિણામ વધારવા માટે કરવામાં આવી રહ્યું છે.

ઇમેજ સ્રોત, @MSISODIA
શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર : ભારત સરકારનું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દર વર્ષે આખા દેશની શાળાઓનો 'શિક્ષણ માટે એકીકૃત જિલ્લા માહિતી પ્રણાલી પ્લસ' (યુડાઇઝ +) રિપોર્ટ જાહેર કરે છે.
રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં ધોરણ છથી લઈને આઠ સુધી સૌથી ખરાબ શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર છે.
પ્રાથમિક સ્તર (ધોરણ એકથી પાંંચ)નો આ ગુણોત્તર બિહાર પછી બીજા ક્રમનો સૌથી ખરાબ છે.
દિલ્હીમાં છઠ્ઠાથી આઠમા સુધીનાં ધોરણોમાં 28 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક છે. પશ્ચિમ બંગાળમાં પણ આ જ સ્થિતિ છે. દિલ્હીમાં ધોરણ એકથી ધોરણ પાંચ સુધી 30 વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે. દિલ્હી પહેલાંના ક્રમે બિહાર છે, જ્યાં 32 વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે.
પ્રાઇવેટ અને સરકારી શાળાઓમાં એડ્મિશન : અરવિંદ કેજરીવાલ ચૂંટણી ભાષણોથી લઈને ઇન્ટરવ્યૂમાં એવા દાવા કરે છે કે, બાળકો દિલ્હીની પ્રાઇવેટ સ્કૂલોને છોડીને સરકારી સ્કૂલોમાં એડ્મિશન લઈ રહ્યાં છે.
આંકડા જોતાં ખબર પડે છે કે, કેજરીવાલના સમયે પ્રાઇવેટ સ્કૂલોમાં એડ્મિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો. પછી કોરોનાકાળ દરમિયાન એવા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.
2014-15માં કુલ એડ્મિશનમાં ખાનગી સ્કૂલોની ભાગીદારી 30.52 ટકા હતી અને 2019-20 સુધી એ વધીને 42.65 ટકા થઈ ગઈ હતી. 2021-22માં ઘટીને તે 35.54 ટકાએ આવી ગઈ હતી. પરંતુ, ત્યાર પછીના જ વર્ષ 2022-23માં વધીને તે 36.79 ટકા થઈ ગઈ.
2021માં જ્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં એડ્મિશન લેનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી, ત્યારે કેજરીવાલે તે બાબતે ટ્વીટ કર્યું હતું.
કેજરીવાલે લખ્યું હતું, "ભારતમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે."
પરંતુ, નોંધવા જેવી વાત એ છે કે, જ્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં એડ્મિશન લેનારાની ટકાવારી ઘટી હતી, ત્યારે ભારતમાં કોરોનાનો પ્રભાવ હતો. ઘણા લોકો પર કોરોનાની મોટી આર્થિક અસર જોવા મળી હતી. ખાનગી શાળાઓમાં ઘટતી એડ્મિશનની સંખ્યાની પાછળના કોરોના જેવા સંભવિત કારણને નજરઅંદાજ ન કરી શકાય.
શું કહે છે આમ આદમી પાર્ટી?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને કૉંગ્રેસ દિલ્હીના શિક્ષણ મૉડલની ટીકા કરતી રહે છે.
ડિસેમ્બરમાં ભાજપ નેતા અને દિલ્હીમાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હી સરકારની 'શિક્ષણક્રાંતિ' વિરુદ્ધ પોલ ખોલ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ ભાજપના નેતાઓએ જુદી જુદી સ્કૂલોની બહાર વિરોધપ્રદર્શન કર્યાં હતાં.
મીડિયા સાથેની વાતચીતમાં વિજેન્દ્ર ગુપ્તાએ આરોપ કર્યો કે, "2023-24માં નવમા ધોરણમાં એક લાખ બાળકો અને અગિયારમા ધારણમાં 51 હજાર બાળકો નાપાસ થયાં હતાં. દસ વર્ષમાં ત્રણ બિલ્ડિંગ બન્યાં અને ત્રણેય ખાલી છે. 29 પ્રતિભા વિદ્યાલય બંધ કરી દેવાયાં. આ કેવી શિક્ષણક્રાંતિ છે?"
કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવી દિલ્હી વિધાનસભા સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. શુક્રવારે સંદીપ દીક્ષિતે અરવિંદ કેજરીવાલને જંતર-મંતર પર પબ્લિક ડિબેટ માટે આમંત્રિત કર્યા હતા.
તે દરમિયાન સંદીપ દીક્ષિતે કહ્યું, "અરવિંદ કેજરીવાલે છેલ્લાં દસ વર્ષમાં એક પણ કામચલાઉ શિક્ષકને પાકી નોકરી નથી આપી. શિક્ષણના ક્ષેત્રમાં શું કામ થયું છે?"
કૉંગ્રેસ અને ભાજપના આરોપો મુદ્દે બીબીસીએ આપનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડ સાથે વાતચીત કરી.
પ્રિયંકા કક્કડે કહ્યું, "ભાજપ અને કૉંગ્રેસના આરોપો પર ન જાઓ. તમે પોતે દિલ્હીની સ્કૂલોમાં જાઓ. તમે દિલ્હી સરકારની વેબસાઇટ પર જાઓ, તમને બધી માહિતી મળી જશે. જે લોકો પોતે ચોથું પાસ છે તેઓ આવા આરોપ કરી રહ્યા છે."
શું તમે 500 નવી સરકારી સ્કૂલ બનાવી શક્યાં? કેમ કે, સરકારી ડેટા તો એટલી સ્કૂલો નથી બતાવતા.
આ સવાલ અંગે પ્રિયંકા કક્કડનું કહેવું છે, "અમે જૂની સ્કૂલોમાંની મોટા ભાગની તોડીને નવી સ્કૂલ બનાવી છે. એ બધી સ્કૂલો પણ જૂની નથી. જૂની સ્કૂલ અને આજની સ્કૂલોમાં આભજમીનનું અંતર છે. 10 સાલમાં અમે 22,000થી વધુ ક્લાસરૂમ બનાવ્યા છે."
પાંચ ફેબ્રુઆરીએ દિલ્હીમાં વોટિંગ છે અને 10 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. ત્યાર પછી વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આરોપો અંગેના જનતાના મત સ્પષ્ટ થઈ જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













