ભારત આર્થિક વિકાસમાં ચીન કરતાં પાછળ કેમ રહ્યું, રુચિર શર્માએ શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી, બીબીસી, રુચિર શર્મા, ભારતનું અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા લેખક, કૉલમિસ્ટ અને ગ્લોબલ ઇન્વેસ્ટર રુચિર શર્માનું માનવું છે કે હાલના સમયમાં ચીનની સરખામણીએ ભારતીય અર્થવ્યવસ્થા પાછળ રહી ગઈ છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે દરેકને એકસમાન તક આપવાની જરૂર છે.

તેમણે એમ પણ કહ્યું કે, લોકો માટે કલ્યાણ સંબંધી અને કૉર્પોરેટ સંબંધી યોજનાઓમાં સંતુલન જાળવવાની જરૂર છે.

થોડા દિવસ પહેલાં રુચિર શર્માએ બીબીસીના સંપાદકો અને પત્રકારો સાથે લાંબી વાતચીત કરી. આ વાતચીતમાં તેમણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા, અમેરિકા અને ચીનની એકબીજા સાથેની હોડ, ભારતીય અર્થવ્યવસ્થા અને નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓ પર વિસ્તારથી પોતાના વિચાર રજૂ કર્યા.

રુચિર શર્મા 2002થી અમેરિકાના શહેર ન્યૂ યૉર્કમાં રહે છે. તેઓ એવા ભારતીયોમાંના એક છે, જેમણે અમેરિકા જઈને નામના કમાઈ છે.

ટ્રમ્પની વાપસીથી ભારતને નફો કે નુકસાન?

બીબીસી ગુજરાતી, બીબીસી, રુચિર શર્મા, ભારતનું અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિપદ પર ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીથી ભારતને કેટલો ફાયદો થશે, એવો સવાલ પૂછતાં તેમણે કહ્યું, "ટ્રમ્પની માનસિકતા રાજનીતિલક્ષી નહીં, પરંતુ, આપ-લે આધારિત છે. તેથી તેમનું બધું ધ્યાન એ બાબત પર રહેશે કે તેઓ ભારત સાથે કેવો વેપાર કરી શકે છે. જો ભારત ચીન સાથે કોઈ વેપારસંધિ કરે છે તો તેમાં અમેરિકાની ભાગીદારી શી રહેશે. આમ, બધું જોતાં, બંને દેશો વચ્ચેના સંબંધ આપ-લે આધારિત રહેવાના છે."

સામાન્ય ભારતીયોને ભારતના વડા પ્રધાન મોદી અને ટ્રમ્પના એકબીજા સાથેના સંબંધોમાં પણ રસ છે; શું તેનો કશો લાભ ભારતને નહીં થાય?, એમ પૂછતાં તેમણે કહ્યું કે, "મિત્રતાનો લાભ તો થાય છે. પરંતુ ટ્રમ્પ માટે આપ-લે જ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે. જે લોકો ટ્રમ્પને ઓળખે છે, તેમનું કહેવું છે કે, ટ્રમ્પનો કોઈ મિત્ર નથી, લોકો સાથે તેમને માત્ર ઓળખાણ છે."

"તેમની પાસે કોઈ સાચો મિત્ર નથી. તેમનું વ્યક્તિત્વ જ એવું છે કે, ઘણા બધા લોકો સાથે તેમની ઓળખાણ છે, પરંતુ કોઈ તેમનો નિકટનો મિત્ર નથી. તેથી, જો કોઈ એમ માનતું હોય કે ટ્રમ્પ તેમના મિત્ર છે અને તેનાથી તેમને કશો લાભ થશે, તો એવું થવું મુશ્કેલ છે."

રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં કેવાં પરિવર્તનો આવશે અને ટ્રમ્પને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડી શકે એ બાબતે રુચિર શર્માએ કહ્યું,

"આજનું અમેરિકા બે દિશામાં જઈ રહ્યું છે. એક બાજુ તમને એવું સાંભળવા મળશે કે, અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ ખૂબ છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે મોટી દુશ્મની છે. સાથે જ, ત્યાંના સર્વે પણ એ વાત દર્શાવે છે કે, ત્યાંના નાગરિક દેશની સ્થિતિથી ઘણા નિરાશ છે. ત્યાંના સરેરાશ અમેરિકનને લાગે છે કે અમેરિકાની સિસ્ટમ લોકો માટે કામ નથી કરી રહી."

"બીજી તરફ એવું છે કે, આખી દુનિયાના પૈસા અમેરિકામાં જ આવી રહ્યા છે. તેથી તમે જોશો કે ડૉલરની કિંમત રૂપિયા અને બીજી કરન્સીઓની સરખામણીએ ઘણી વધારે છે. ટ્રમ્પના આવ્યા પછી તેની ગતિ વધી છે. મને ખબર નથી કે ટ્રમ્પ કઈ રીતે એ વિરોધાભાસનો સામનો કરશે કે, એક તરફ અમેરિકામાં આટલા પૈસા આવી રહ્યા છે, સ્ટૉક માર્કેટ આટલું વધી રહ્યું છે, ડૉલરની કિંમત આટલી વધી રહી છે; સાથે જ, અમેરિકા એઆઇની બાબતમાં ઘણી મજબૂત સ્થિતિમાં છે."

મૂડીવાદ અને લોકશાહી વિશે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, બીબીસી, રુચિર શર્મા, ભારતનું અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રુચિર શર્મા પોતાના પુસ્તક 'વૉટ વેન્ટ રૉંગ વિથ કૅપિટલિઝમ'માં કહે છે કે, મૂડીવાદને મજબૂત કરવા માટે લોકશાહી હોવી જરૂરી છે.

આ બાબતે તેઓ કહે છે, "મૂડીવાદી દેશોમાં સરકારની ભૂમિકા ખૂબ વધી ચૂકી છે, તેથી તેને મૂડીવાદ કહેવો યોગ્ય નહીં ગણાય. કેમ કે, મૂડીવાદી દેશોમાં વ્યક્તિની આર્થિક સ્વાતંત્ર્ય પર કશા અંકુશ નથી હોતા. પરંતુ જો સરકારની ભૂમિકા એટલી વધી ગઈ છે કે સરકાર વેપાર પર આટલા નિયમ લાગુ કરી રહી છે, મોટી મોટી કંપનીઓને મદદ કરી રહી છે, કંપનીઓને રાહત પૅકેજ આપીને તેને તૂટી પડતી અટકાવી રહી છે. તેથી પશ્ચિમી સમાજમાં મૂડીવાદની પરિભાષા બદલાઈ ગઈ છે."

જોકે, છેલ્લાં થોડાંક વર્ષોમાં લોકશાહી દેશોમાં આંતરિક રીતે જોખમ વધ્યું છે.

જ્યારે રુચિર શર્માને એમ પૂછવામાં આવ્યું કે જે દેશોમાં લોકશાહી નબળી પડી રહી છે, ત્યાં મૂડીવાદનો ફેલાવો થાય એ લોકો માટે કેટલો સુરક્ષિત રહેશે?, એના જવાબમાં તેમણે કહ્યું કે, "એમ કહેવું બિલકુલ યોગ્ય છે કે લોકશાહી દેશોને ઘણું નુકસાન થયું છે. પરંતુ જો તમે ચીનને પણ જુઓ તો, ત્યાં પણ છેલ્લાં પાંચ-દસ વર્ષોમાં ઘણી સમસ્યાઓ આવી છે."

"એટલે એમ કહેવું કે સત્તાવાદી સરકાર આવવાથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે, તો ચીન એ વાતનું ઉદાહરણ છે કે એવું નથી થતું. જો તમારા ટોચના નેતૃત્વના નેતા કશી ભૂલ કરે, જેમ કે, ચીનમાં શી જિનપિંગે ઘણી ભૂલો કરી, તો તેનાથી પણ અર્થવ્યવસ્થા ડૂબી શકે છે."

મૂડીવાદ અને સમાજવાદ, બંને આર્થિક નીતિઓમાંથી કઈ પ્રણાલી વધારે સારી છે?, એ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "જે મૂડીવાદને આજે આપણે પશ્ચિમી દેશોમાં જોઈએ છીએ, તે ખરો મૂડીવાદ નથી. મૂડીવાદનો પાયો નાખનારા દાર્શનિકો જો આજના મૂડીવાદને જુએ તો તેઓ કહેશે કે આ મૂડીવાદ નથી. મૂડીવાદી પદ્ધતિમાં આપણે ખૂબ જ હરીફાઈ ઇચ્છીએ છીએ. આપણે ઇચ્છીએ છીએ કે, એમાં લોકોને વધારે સ્વતંત્રતા મળે."

ચીન ભારત કરતાં કઈ રીતે આગળ?

બીબીસી ગુજરાતી, બીબીસી, રુચિર શર્મા, ભારતનું અર્થતંત્ર, ચીન

રુચિર શર્માનું એવું પણ માનવું છે કે, મૂડીવાદ ગરીબોની તરફેણ કરે છે. તેમણે એમ પણ જણાવ્યું કે 1960-70 સુધી ચીન પૂર્ણ રૂપે સમાજવાદ પર આધારિત હતું.

1970 પછી ચીને મૂડીવાદ અપનાવવાનું શરૂ કર્યું અને ત્યાર પછી આપણે જોયું કે ચીનમાં કેટલો વિકાસ થયો.

પરંતુ મહત્ત્વનો સવાલ એ છે કે, છેલ્લાં સો વર્ષોમાં આખી દુનિયામાં આદર્શ મૂડીવાદનું કોઈ ઉદાહરણ જોવા મળ્યું છે?

આ અંગે રુચિર શર્માએ કહ્યું, "મેં મારા પુસ્તકમાં ત્રણ દેશનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં આજે મૂડીવાદ અસ્તિત્વમાં છે. સૌથી પહેલો દેશ સ્વિટ્ઝર્લૅન્ડ છે. સ્વિટ્ઝર્લૅન્ડ આજે સૌથી અમીર દેશોમાંનો એક છે. તેમની માથા દીઠ આવક અમેરિકા કરતાં પણ વધારે છે."

"આ ઉપરાંત મેં તાઇવાન અને વિયેતનામનાં ઉદાહરણ આપ્યાં છે. વિયેતનામ પણ પહેલાં, સમાજવાદમાં માનનારું રાજ્ય હતું. પછી તેમણે છેલ્લાં 20-30 વર્ષોમાં પોતાની અર્થવ્યવસ્થાને ખૂબ ઉદાર કરી છે. આજના સમયે વિયેતનામમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારત કરતાં પણ વધારે આવે છે."

ભારતીય સંદર્ભમાં રુચિર શર્માએ કહ્યું કે, "ભારતમાં સરકારની ભૂમિકા ખૂબ વધારે રહી છે. વેપારના સમર્થન હોવું અને મૂડીવાદને સમર્થન આપવું – એ બંને બે અલગઅલગ બાબત હોય છે. હું એ વાત સાથે સહમત છું કે, ભારતમાં મોટા ભાગની પૉલિસી કેટલાક લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓની ભૂમિકા વધારે રહે છે."

"હું એમ કહેતો રહ્યો છું કે સરકાર નાના અને મધ્યમ વેપારને ઘણી સ્વતંત્રતા આપે. પરંતુ ભારતમાં એટલા બધા નિયમ છે કે વેપાર કરવો મુશ્કેલ બની જાય છે. આપણે એ ભેદ સમજવાની જરૂર છે કે મૂડીવાદના સમર્થનમાં હોવું અને મોટા વેપારના સમર્થનમાં હોવું, એ બે વચ્ચે ઘણું મોટું અંતર હોય છે."

ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર સતત ત્રીજી વાર ચૂંટાવાનાં કારણો વિશે રુચિર શર્માએ જણાવ્યું કે, "છેલ્લાં પાંચ-દસ વર્ષોમાં ભારતમાં વિરોધી લહેર ઘણી ઘટી ગઈ છે અને હવે 50 ટકાથી વધારે સરકારો ફરી વાર ચૂંટણી જીતીને સત્તામાં પાછી આવી રહી છે."

"સૌથી મહત્ત્વપૂર્ણ પરિવર્તન ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવ્યું છે. તેના કારણે લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે 1980ના દાયકામાં રાજીવ ગાંધીનું એક નિવેદન હતું કે, સરકાર એક રૂપિયો ખર્ચ કરે છે તો લોકો પાસે માત્ર 15 પૈસા જ પહોંચે છે. પરંતુ હવે તેમાં ઘણું મોટું પરિવર્તન થયું છે. છેલ્લાં પાંચ-દસ વર્ષમાં સરકાર, જો થોડા પૈસા લોકો માટે ફાળવે છે, તો ઘણા પૈસા સીધા લોકો સુધી પહોંચે છે. આપણે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ જોયું કે, છેવટે ઘણા પૈસા લોકો સુધી પહોંચ્યા, જેના કારણે સરકાર ફરીથી ચૂંટાઈ આવી."

મફતના વાયદાની શી અસર?

બીબીસી ગુજરાતી, બીબીસી, રુચિર શર્મા, ભારતનું અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનરેગા ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષે 100 દિવસના રોજગારી ગૅરંટી આપે છે

રાજકીય પક્ષો એકબીજા સાથે હરીફાઈ કરવા માટે એકબીજાથી ચડિયાતી યોજનાઓ (રેવડી)ની જાહેરાત કરે છે.

રુચિર શર્માને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, આ રેવડી શું છે અને શું તે એક ટકાઉ મૉડલ હોઈ શકે? તેના જવાબમાં તેમણે કહ્યું, "તે એક ટકાઉ મૉડલ નથી. તેને આપણે બે દેશના ઉદાહરણથી સમજીએ. એક તરફ 1970 સુધી ઘણા લોકો એવી વાત કહેતા હતા કે બ્રાઝિલ આગામી સમયમાં એક ખૂબ મોટી અર્થવ્યવસ્થા બનીને ઊભરશે; જ્યારે બીજી તરફ, ચીન 1970માં ઘણું પછાત હતું."

"બ્રાઝિલ 1980 અને 1990ના દાયકામાં પોતાને એક કલ્યાણકારી રાજ્ય બનાવવાના પ્રયત્ન કરી રહ્યું હતું. તે માટે તેમણે ખૂબ પૈસાનો ખર્ચ કર્યો. જેનાથી 1980 પછી તેમનો વિકાસદર બે ટકાએ આવીને અટકી ગયો અને દેવું પણ ખૂબ વધી ગયું. બીજી તરફ, ચીનમાં આર્થિક બાબતોમાં સરકારની ભૂમિકા ઘટાડવાનું શરૂ કરવામાં આવ્યું. 1990માં ચીને 10 કરોડ લોકોને પબ્લિક સેક્ટરની કંપનીઓમાંથી કાઢી મૂક્યા અને લોકોને કોઈ પણ કલ્યાણકારી યોજના આપવાનો ઇનકાર કરી દીધો. ભારત પણ આ બે દેશના મૉડલ પરથી કશુંક શીખી શકે છે."

"એક રોકાણકાર તરીકે ભારતમાં મારા માટે સૌથી મોટું જોખમ એ છે કે, ભારતે છેલ્લાં પાંચ-સાત વર્ષોમાં જે સંતુલન ઊભું કર્યું હતું, તે હવે બગડવા લાગ્યું છે. કેમ કે, હવે સરકાર કલ્યાણકારી યોજનાઓ પર વધારે ખર્ચ કરશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઓછા પૈસા ખર્ચશે. તેના કારણે આપણો વિકાસદર ક્યારેય ચીન જેવો જોવા નહીં મળે."

મનરેગાનું ફંડિંગ ઘટવાથી અસર થશે?

બીબીસી ગુજરાતી, બીબીસી, રુચિર શર્મા, ભારતનું અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ બ્રિક્સ દેશો પર ટૅરિફ લાદશે

ભારતમાં મનરેગા એક એવી વ્યવસ્થા છે, જે ગરીબોનાં હિતો માટે કામ કરે છે. પરંતુ સરકારે મનરેગાને ફંડિંગ ઘટાડી દીધું; તો બીજી તરફ, અમીરોને રાહત પૅકેજ આપવામાં આવી રહ્યાં છે.

આ બાબત પર રુચિર શર્માનું માનવું છે કે, "હું રાહત પૅકેજ આપવાનો બિલકુલ વિરોધી નથી. અમેરિકામાં એક લાંબા સમય સુધી ખાનગી સેક્ટરની કંપનીઓને રાહત પૅકેજ નહોતું અપાતું. પરંતુ, 1980માં, અમેરિકામાં તેમાં ઘણી વૃદ્ધિ થઈ છે."

ભારતીય અર્થવ્યવસ્થાને ચીનની જેમ 9થી 10 ટકાના વિકાસદરથી આગળ વધારવા માટે રુચિર શર્મા કેટલાંક સૂચનો પણ કરે છે.

તેઓ કહે છે, "તમારે ચીનની જેમ 9થી 10 ટકાના વિકાસદરથી આગળ વધવું હોય, તો તમારે એ સમજવું પડશે કે ચીને તે માટે શું કર્યું. ચીને કહ્યું કે અમે 9થી 10 ટકાના વિકાસદરથી આગળ વધીશું અને તેનાથી વધારેમાં વધારે લોકોની મદદ કરી શકાશે. જીવાદનો સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત પરિણામોની સમાનતા નથી, એટલે કે, બધા લોકોને એક જેવું પરિણામ મળે. પરંતુ, તેનો મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે કે તકની સમાનતા આપવી, જેમાં બધા લોકોને સમાન તક મળે."

અમેરિકામાં એક વાત કહેવાય છે કે, કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈને સફળ થઈ શકે છે. પરંતુ શું એ વાત આજના સમયમાં પણ સંપૂર્ણ સાચી છે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "ના. એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. જો તમે સર્વેના ડેટા જોશો, તો અમેરિકામાં 50 વર્ષ પહેલાં 80 ટકા લોકો એવી વાત કહેતા હતા કે અમારું જીવન અમારાં માતાપિતા કરતાં વધારે સારું હશે. પરંતુ આજે આ વાત માત્ર 30 ટકા લોકો જ કહે છે. એટલે, અમેરિકામાં ઘણો બદલાવ આવ્યો છે. તો પણ, અમેરિકામાં અત્યારે ઘણું બધું સારું છે, જેના કારણે અમેરિકા આજે પણ બધા આપ્રવાસીઓ (ઇમિગ્રન્ટ્સ)ના મનપસંદ સ્થળ તરીકે જળવાઈ રહ્યું છે."

હાલના સમયે ભારત બાબતે દુનિયાભરમાં જે વિચારાઈ રહ્યું છે તે અંગે તેમણે કહ્યું, "અમેરિકામાં લોકો એક વાત બહુ બોલે છે કે ભારતીયોની બ્રાન્ડ વૅલ્યૂ ખૂબ વધી છે. એ ખરેખર સાચી વાત છે કે, ભારતીય બ્રાન્ડ ઘણી મજબૂત છે. અમેરિકામાં લોકો એ બાબત જુએ છે કે, ત્યાંની મોટી મોટી કંપનીઓના મોટા ભાગના સીઇઓ તો ભારતીય જ છે. તેઓ એવું માને છે કે ભારતીયો ખૂબ બુદ્ધિમાન હોય છે. હવે સરકાર આનો પોતાના લાભ માટે ઉપયોગ કરે તો એ બીજી વાત છે. આમ છતાં, મોટા ભાગના રોકાણકારો ભારતને વેપાર કરવા માટે મુશ્કેલ દેશ માને છે."

અમેરિકાના ટૅરિફથી ભારત સાથેના વેપાર પર અસર

આફ્રિકા અને એશિયામાં ઘણા બધા દેશોનો અમેરિકા સાથેનો ટ્રેડ સરપ્લસ છે અને ચીન સાથેનો ટ્રેડ ડેફિસિટમાં છે.

એવા સમયમાં કે જ્યારે અમેરિકા ટૅરિફ વધારી શકે છે, તો એ બિઝનેસની દૃષ્ટિએ ભારત જેવા દેશોમાં શી અસર કરશે?

આ વિશે રુચિર શર્માએ કહ્યું, "ભારતે પણ પોતાનો વેપાર વધારવો જોઈએ; ખાસ કરીને પોતાના પાડોશી દેશો સાથે. મોટા ભાગના સફળ દેશ પોતાના પડોશીઓ સાથે ઘણો વેપાર કરતા હતા. 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી તેણે પડોશી દેશો સાથેનો વેપાર વધારવા પર ઘણું ધ્યાન આપ્યું હતું."

"આમ છતાં, છેલ્લાં 11 વર્ષમાં આ વેપારમાં વધારે વૃદ્ધિ નથી થઈ. બીજી તરફ, તમે દુનિયામાં જોશો તો પડોશીઓ સાથે સૌથી ઓછો વેપાર દક્ષિણ એશિયામાં થયો છે."

ભારતમાં 2011 પછીથી સામાજિક–આર્થિક વસ્તીગણતરી નથી થઈ. સરકાર પર ઘણી વાર એવો આરોપ થતો રહ્યો છે કે તે ઘણા બધા મહત્ત્વપૂર્ણ ડેટા જાહેર નથી કરતી.

એવો આરોપ પણ થાય છે કે, ડેટાને એ રીતે તૈયાર કરવામાં આવે છે કે જેનાથી ભારતનું ચિત્ર સારું દેખાય.

આ આરોપો અંગે રુચિર શર્માએ જણાવ્યું, "ભારતની ડેટા સિસ્ટમ ઘણી ખરાબ છે. તેને દરેક રીતે સરખી કરવાની જરૂર છે. પરંતુ, મને લાગે છે કે આ સમસ્યા પ્રોપગેંડાની સાથોસાથ અયોગ્યતાની પણ છે. નાણાકીય દુનિયામાં રોકાણકારો સરકારના ડેટા કરતાં વધારે પોતાના ઇન્ડિકેટર પર ધ્યાન આપે છે. એટલે, અમે સરકારના ડેટા પર એટલો વિશ્વાસ નથી કરતા."

શું આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં અમેરિકાનું વર્ચસ્વ ઘટવાનું છે?, એ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "મારા પુસ્તક 'બ્રેકઆઉટ નેશન'માં મેં કહેલું કે બ્રિક્સ દેશોની અર્થવ્યવસ્થા દુનિયા પર હાવી થશે અને અમેરિકા તૂટવાનું શરૂ થશે. પરંતુ, આજે હું એવું માનું છું કે રોકાણની દુનિયામાં સૌથી વધુ વર્ચસ્વ અમેરિકાનું છે."

"એટલે, જે વાત મેં 12 વર્ષ પહેલાં મારા પુસ્તકમાં લખી હતી, તે બધી ખોટી સાબિત થઈ રહી છે. કેમ કે, આજે ચીન, બ્રાઝિલ અને બાકીના બ્રિક્સ દેશોમાં ઘણી આર્થિક મંદી છે, અને બધા રોકાણકારોને રોકાણ માટે અમેરિકા સારું લાગી રહ્યું છે. એમ છતાં, મારું માનવું એ જ છે કે અમેરિકાના વર્ચસ્વમાં થોડો ઘટાડો થશે. તેથી મારી સલાહ એ જ છે કે બધા પૈસા એક જ માર્કેટમાં ન રોકીને અમેરિકાની બહારના માર્કેટમાં પણ રોકો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.