તમને કેટલો ઇન્કમટૅક્સ લાગશે, સમજો ટૅક્સનું ગણિત?

બીબીસી ગુજરાતી, ઇન્કમટૅક્સ, બજેટ 2025-26, નાણામંત્રી નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે 12 લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમટૅક્સ નહીં લાગે

શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.

આ બજેટમાં તેમણે પગારદાર અને મધ્ય વર્ગના લોકોને ઇન્કમટૅક્સમાં ભારે રાહતો આપી છે.

2025-26ના બજેટમાં નાણામંત્રીએ ઇન્કમટૅક્સના નવા સ્લૅબ જાહેર કર્યા છે. નવી કરપ્રણાલી અંતર્ગત વાર્ષિક 12 લાખ રૂ. સુધીની આવક કરમુક્ત હશે.

નિષ્ણાતો અનુસાર આ જાહેરાતનો સૌથી મોટો લાભ મધ્યમ વર્ગને થશે.

અહીં નોંધનીય છે કે પગારદાર વ્યક્તિ માટે સ્ટાન્ડર્ડ કપાતની રકમ 75 હજાર રૂપિયા છે. જેથી તેમના માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત બનશે.

આનો અર્થ એ થાય છે કે 12.75 લાખ રૂપિયાની આવકવાળી પગારદાર વ્યક્તિઓએ કોઈ ટૅક્સ ચૂવવાનો નહીં આવે.

મધ્યમ વર્ગને રીઝવવાનો પ્રયત્ન

બીબીસી ગુજરાતી, ઇન્કમટૅક્સ, બજેટ 2025-26, નાણામંત્રી નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના લગભગ 75 મિનિટ લાંબા બજેટભાષણના અંતમાં નવા કરમાળખાની જાહેરાત કરી હતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના લગભગ 75 મિનિટ લાંબા બજેટભાષણના અંતમાં નવા કરમાળખાની જાહેરાત કરી હતી.

નાણામંત્રીની જાહેરાત દરમિયાન સત્તાધારી પક્ષના સાંસદોના ચહેરા પર સ્મિત રેલાયેલું જોવા મળ્યું હતું. નાણામંત્રીની આ જાહેરાતને સત્તાધારી પક્ષના સાંસદોએ તાળીઓ પાડીને વધાવી લીધી હતી.

ઇન્કમટૅક્સ સ્લૅબમાં આવેલા મોટા ફેરફાર

નાણામંત્રીએ પોતાના બજેટભાષણમાં કહ્યું હતું કે મોદી સરકારે ઇન્કમટૅક્સમાં લોકોને સતત રાહતો આપી છે. આ હેતુ માટે ટૅક્સ સ્લૅબમાં સતત ફેરફાર કરાતો રહ્યો છે.

જો તમે આંકડા જુઓ તો ટૅક્સમાં નીચે પ્રમાણેના ફેરફાર કરાયા છે.

  • વર્ષ 2014માં 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરાઈ
  • વર્ષ 2019માં પાંચ લાખ રૂપિયા સુધીની આવક કરમુકત કરાઈ
  • વર્ષ 2023માં સાત લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત જાહેર કરાઈ
  • વર્ષ 2025માં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત જાહેર કરાઈ

અત્યાર સુધીનું કરમાળખું કેવું હતું?

બીબીસી ગુજરાતી, ઇન્કમટૅક્સ, બજેટ 2025-26, નાણામંત્રી નિર્મલા સીતારમણ
ઇમેજ કૅપ્શન, નવી કરપ્રણાલીમાં કરમાળખું કંઈક આવું બની ગયું છે

ગત વર્ષના બજેટ પ્રમાણે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ ચૂકવવાનો નહોતો. જ્યારે ત્રણથી સાત લાખ રૂપિયાની આવક પર પાંચ ટકાનો ટૅક્સ ચૂકવવાપાત્ર હતો.

આ સિવાય સાતથી દસ લાખ રૂપિયા સુધીની આવક પર દસ ટકા, દસથી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા અને 12થી 15 લાખની આવક પર વાર્ષિક 20 ટકા ટૅક્સ ચૂકવવાનો થતો.

આ સિવાય 15 લાખ કરતાં વધુ આવક પર 30 ટકા ટૅક્સની ચુકવણી કરવી પડતી.

નોંધનીય છે કે આ આંકડા નવી કરપ્રણાલી પ્રમાણેના હતા.

વરિષ્ઠ નાગરિકોને પણ રાહત

બીબીસી ગુજરાતી, ઇન્કમટૅક્સ, બજેટ 2025-26, નાણામંત્રી નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ બજેટમાં વરિષ્ઠિ નાગરિકોને મળતી વ્યાજની રકમ પર લાગતા ટૅક્સની છૂટમાં વધારો કરી તેની મર્યાદા 50 હજાર રૂ.થી વધારીને એક લાખ કરી દેવાઈ છે

બજેટમાં કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે પણ ટૅક્સમાં રાહતો જાહેર કરી છે. આ બજેટમાં વરિષ્ઠિ નાગરિકોને મળતી વ્યાજની રકમ પર લાગતા ટૅક્સની છૂટમાં વધારો કરી તેની મર્યાદા 50 હજાર રૂ.થી વધારીને એક લાખ કરી દેવાઈ છે.

આ સાથે જ નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં કહ્યું હતું કે સરકાર આવતા અઠવાડિયે નવું ઇન્કમટૅક્સ બિલ લાવશે.

'પાછલા દાયકાના સૌથી મોટા સુધારા પૈકી એક'

બીબીસી ગુજરાતી, ઇન્કમટૅક્સ, બજેટ 2025-26, નાણામંત્રી નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images/BBC

બીબીસીએ સરકારના 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત જાહેર કરવાના નિર્ણય અંગે બૅંકબજાર ડોટ કૉમના સીઇઓ આદિલ શેટ્ટી સાથે વાત કરી હતી.

આદિલ શેટ્ટી અનુસાર, "આ બજેટમાં રજૂ કરાયેલા સુધારા એ પાછલા દસ વર્ષોમાં કરાયેલા સૌથી મોટા સુધારા પૈકી એક છે. આ નિર્ણયને કારણે રાજકોષીય ખાધ વિના લોકોના હાથમાં વધુ પૈસા રહે એ સરળ અને તાર્કિક બન્યું છે."

શેટ્ટીએ આગળ કહ્યું, "સૌથી મહત્ત્વની વાત એ છે કે ફુગાવાની સાપેક્ષમાં ટૅક્સ સ્લૅબ બદલાવામાં આવ્યા છે. પાછલાં અમુક વર્ષોથી કરદાતાઓ આની સતત માગ કરી રહ્યા હતા."

શેટ્ટીએ એવું પણ કહ્યું કે, "હાથમાં વધુ પૈસો આવવાનો અર્થ છે ખર્ચમાં વધારો. આનાથી માલનો વપરાશ વધશે. જેના કારણે આર્થિક વૃદ્ધિને વેગ મળશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.