ગુલબર્ગ હત્યાકાંડમાં ન્યાય માટે ઝઝૂમનાર ઝકિયા જાફરી, અંતિમ શ્વાસ સુધી લડતાં રહ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડનાં પીડિતા અને કૉંગ્રેસના પૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીનું શનિવારે નિધન થયું છે. બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં તેમના પુત્ર તનવીર જાફરીએ આ વાતની પુષ્ટિ કરી છે.
ઝકિયા જાફરી ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા અહેસાન જાફરીનાં વિધવા હતાં, જેમણે ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોના કેસોમાંથી ગુલબર્ગ સોસાયટીના કેસમાં ઉપલબ્ધ અંતિમ ન્યાયીક વિકલ્પ સુધી ન્યાય માટે લડત ચલાવી હતી.
ઝકિયા જાફરીના પુત્ર તનવીરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "તેઓ ઉંમરને લગતી બીમારીઓથી પીડિત હતાં. તેઓ મારાં બહેન નિશરીન સાથે રહેવા સુરતથી અમદાવાદ ગયાં હતાં. શનિવારે સવારે તેમની તબિયત લથડી હતી. ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા અને લગભગ 11:30 વાગ્યે તેમને મૃત જાહેર કરાયાં હતાં. અમદાવાદમાં કાલુપુરસ્થિત કબ્રસ્તાનમાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે, જ્યાં પરિવારના બીજા સભ્યોની પણ દફનવિધિ કરવામાં આવી છે."
ઝકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર સહિત 63 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સુપ્રીમ કોર્ટે એસઆઇટીની રચના કરી હતી.
અંત સુધી લડાઈ ચાલુ રાખી

ઇમેજ સ્રોત, Nishrin Jafri Hussain @fb
વર્ષ 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસમાં લાગેલી આગને કારણે કારસેવકોનાં મોત બાદ ફાટી રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેમાં ગુલબર્ગ સોસાયટીમાં અહેસાન જાફરી સહિત 69 લોકો માર્યા હતા.
ઝકિયા જાફરીને બીમારીને લીધે અહેસાન જાફરીએ ઉપરના માળે મોકલી દેતા તેઓ બચી ગયાં હતાં. એ રીતે તે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં બચી ગયેલા પૈકી એક હતાં.
મધ્ય પ્રદેશના ખંડવામાં જમીનદાર પરિવારમાં જન્મેલાં ઝકિયાનાં લગ્ન મૂળ બુરહાનપુરના વકીલ અહેસાન જાફરી સાથે થયાં હતાં.
ગુજરાતમાં આવ્યાં બાદ તેઓ લાંબો સમય ચમનપુરાની ચાલીમાં રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમનું એ ઘર 1969નાં રમખાણમાં નાશ પામ્યું હતું. એ વખતે ગુલબર્ગ સોસાયટી બનતી હતી અને એ રીતે પરિવાર ત્યાં રહેવા ગયો હતો.
આ પહેલાં બીબીસી સાથે વાત કરતાં ઝકિયા જાફરી કહ્યું હતું, "નરેન્દ્ર મોદી કે આવા જઘન્ય અપરાધમાં સામેલ કોઈ પણ માફીને લાયક નથી."
"હું કેવી રીતે કોઈને માફ કરું? આટલો લાંબો સમય થઈ ગયો છે અને હવે હું કેવી રીતે માફી આપું કે માફ કરું?"
"મારા દિવસો જે વીતી ગયા છે એ પાછા આવી જશે? જવાબદાર લોકોને સજા મળવી જ જોઈએ અને એમ થશે તો જ ભવિષ્યમાં આવું બનતા અટકશે."
ઝકિયા જાફરી કહે છે, "મારા પતિ પોતે વકીલ હતા. હું મરીશ ત્યાં સુધી ન્યાય માટે લડતી રહીશ."
ગુલબર્ગ સોસાયટીમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં મુસ્લિમ રહિશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.
સંખ્યાબંધ મુસ્લિમોએ ટોળાના હુમલાથી બચવા માટે અહેસાન જાફરીના ઘરમાં આશ્રય લીધો હતો.
ટોળાએ આખી સોસાયટીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ઘણા લોકોને જીવતા સળગાવી દેવાયાં હતાં.
અહેસાન જાફરીનાં પત્ની જાકિયા જાફરીએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પતિએ પોલીસ અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈએ તેમની મદદ નથી કરી.
જાકિયા જાફરીએ જૂન 2006માં ગુજરાત પોલીસના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને અપીલ કરી હતી કે, નરેન્દ્ર મોદી સહિત કુલ 63 લોકો સામે એફઆઈઆર નોંધવી જોઈએ.
જાકિયા જાફરીનો આરોપ હતો કે મોદી સહિત તમામ લોકોએ તોફાનો દરમિયાન જાણીજોઈને પીડિતોને બચાવવાની કોશિશ કરી ન હતી.
ડીજીપીએ તેમની અપીલ રદ કરી ત્યારે જાકિયા જાફરીએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ વર્ષ 2007માં હાઈકોર્ટે પણ તેમની અરજીને નામંજૂર કરી હતી.
ગુલબર્ગ સોસાયટી કેસનો ઘટનાક્રમ

ઇમેજ સ્રોત, Tanvir Jafri
- માર્ચ 2008માં જાકિયા જાફરી અને બિન-સરકારી સંગઠન 'સિટિઝન્સ ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ' દ્વારા સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.
- સુપ્રીમ કોર્ટે આ કેસમાં પ્રશાંત ભૂષણની અદાલત મિત્ર (એમાઇકસ ક્યૂરી) તરીકે નિયુક્તિ કરી હતી.
- એપ્રિલ 2009માં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે પહેલેથી જ નિમાયેલી એસઆઈટીને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા.
- એસઆઈટીએ વર્ષ 2010ની શરૂઆતમાં નરેન્દ્ર મોદીને પૂછપરછ માટે બોલાવ્યા અને મે 2010માં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો.
- ઑક્ટોબર 2010માં પ્રશાંત ભૂષણ આ કેસથી છૂટા પડ્યા અને સુપ્રીમ કોર્ટે રાજૂ રામચંદ્રનને અદાલત મિત્ર નિયુક્ત કર્યા. રાજૂ રામચંદ્રને જાન્યુઆરી 2011માં સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો.
- માર્ચ 2011માં સુપ્રીમ કોર્ટે તપાસ દળને વધુ તપાસ કરવાના આદેશ આપ્યા કારણ કે એસઆઈટીએ આપેલા પુરાવા અને તેના નિષ્કર્ષ વચ્ચે કોઈ તાલમેલ નહોતો.
- મે 2011માં સુપ્રીમ કોર્ટે અદાલત મિત્રને સાક્ષીઓ અને એસઆઈટીના અધિકારીઓને મળવાનો આદેશ કર્યો.
- સપ્ટેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટે મોદીની સામે એફઆઈઆર કરવાનો આદેશ તો ન આપ્યો અને એસઆઈટીને નીચલી કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.
- આ બાબતને મોદી અને ઝકિયા જાફરી બન્નેએ પોતાની જીત તરીકે દર્શાવી.
- આઠમી ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ આ મામલો બંધ કરવાનો રિપોર્ટ સોંપ્યો.
- જેની સામે જાકિયા જાફરીએ 15 એપ્રિલ 2013માં અરજી દાખલ કરી હતી. જાકિયા જાફરીની અરજી પર તેમના અને એસઆઈટીના વકીલો વચ્ચે પાંચ મહિના સુધી દલીલો ચાલી હતી.
- ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટીન કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય અધિકારીઓને ક્લિનચીટ આપી હતી.
- ઝકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં 9 ડિસેમ્બર, 2021ના રોજ અરજી દાખલ કરી હતી.
- સુપ્રીમ કોર્ટની એક બેન્ચે 24 જૂનના પોતાના નિર્ણયમાં 2002 ગુજરાત રમખાણની તપાસ માટે બનેલી એસઆઈટી કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ માન્ય રાખ્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 60 કરતાં વધુ લોકોને ક્લીનચિટ આપી દીધી.
- કોર્ટનો આ આદેશ રમખાણમાં મૃત્યુ પામેલા સાંસદ એહસાન જાફરીનાં પત્ની ઝકિયાની અરજી પર આવ્યો હતો, જે અરજી અદાલતે ખારીજ કરી દીધી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












