ગુજરાત 2002 રમખાણ : ઝકિયા જાફરીની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુછાતા સવાલો, ઝકિયાના પરિવારે શું કહ્યું?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટની એક બેન્ચે 24 જૂનના પોતાના નિર્ણયમાં 2002 ગુજરાત રમખાણની તપાસ માટે બનેલી એસઆઈટી કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ માન્ય રાખ્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 60 કરતાં વધુ લોકોને ક્લીનચિટ આપી દીધી છે.
કોર્ટનો આ આદેશ રમખાણમાં મૃત્યુ પામેલા સાંસદ એહસાન જાફરીનાં પત્ની ઝકિયાની અરજી પર આવ્યો જે અદાલતે ખારિજ કરી દીધી.

ઇમેજ સ્રોત, AFP
કોર્ટે પોતાના નિર્ણયમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, ગુજરાત પોલીસના ભૂતપૂર્વ મહાનિદેશક આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટની ભૂમિકાઓ પર ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાત પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી.
જ્યારે બીબીસીએ ઝકિયા જાફરીના દીકરા તનવીર જાફરીને પૂછ્યું કે અદાલતના નિર્ણય બાદ પરિવારનું આગામી પગલું શું હશે, તો હજયાત્રા પર ગયેલા તનવીરે જણાવ્યું કે, "અમારી પહેલી પ્રાથમિકતા તિસ્તા, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને કસ્ટડીમાંથી બહાર કાઢવાના ઉપાયો પર છે, હાલ વધુ કાંઈ ન કહી શકીએ પરંતુ અમે લોકો સર્વોચ્ચ ન્યાયાલયને પુનર્વિચાર કરવાની વિનંતી કરીને ટિપ્પણી હટાવવાની અપીલ કરી શકીએ છીએ, હજ પરથી પરત ફર્યા બાદ આ વિશે નિર્ણય લેવાશે."
અરજીમાં એસઆઈટી રિપોર્ટને પડકારાયો હતો, એટલે કે આમાં 2002 ગુજરાત રમખાણોમાં ઉચ્ચ પદો પર બેઠેલા લોકો દ્વારા કથિતપણે ષડ્યંત્ર કરાયાની વાત કરાઈ હતી.
લગભગ 450 પાનાંના આદેશમાં જસ્ટિસ એ. એમ. ખાનવિલ્કર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એસઆઈટી તપાસની પ્રશંસા કરી અને કહ્યું, "તપાસ દરમિયાન એસઆઈટીની નિષ્ક્રિયતા કે પક્ષપાતી વલણ અંગે લાગેલા આરોપ હાસ્યાસ્પદ છે."
બેન્ચે કહ્યું કે, "અમે એસઆઈટીના ઑફિસરોની ટીમની પડકારવાળા માહોલમાં થકવી દેનારી મહેનતની પ્રશંસા કરીએ છીએ, અને તેમ છતાં તેઓ સકુશળ પોતાનું કામ સારી રીતે પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે."

રમખાણોમાં લાગેલા આરોપ

ઇમેજ સ્રોત, ANKUR JAIN
ગુજરાત રમખાણમાં આરોપ લાગ્યા હતા કે હિંસા પૂર્વાયોજિત હતી અને હિંસા કરનાર ભીડને કથિત આધિકારિક છૂટ મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ બેન્ચે કહ્યું કે મોટા સ્તરે પૂર્વ પ્લાનિંગ, કાવતરું અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ હોવાના આરોપ અપ્રમાણિત રહ્યા અને તેમના સામેલ હોવાની વાતને લઈને શંકાની પણ શક્યતા નથી.
આંકડા પ્રમાણે, ગુજરાત રમખાણોમાં એક હજાર કરતાં લોકો મૃત્યુ પામ્યાં હતાં જેમાં મોટા ભાગના મુસ્લિમો હતા. આ પહેલાં ગોધરા ટ્રેનમાં આગ લાગવાના કારણે 60 હિંદુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી નરસંહારમાં એહસાન જાફરી સહિત 69 લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં.
ઝકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત 63 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી જેના આધારે સુપ્રીમ કોર્ટે એસઆઈટી નીમી હતી.
એસઆઈટીએ પોતાનો રિપોર્ટ 2012માં આપ્યો હતો.
ભાજપનેતા અને ગૃહમંત્રી અમિત શાહે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સ્વાગત કર્યો અને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મોદીજીએ પણ પૂછપરછનો સામનો કરવો પડ્યો પરંતુ કોઈએ પ્રદર્શન ન કર્યું, સમગ્ર દેશના કાર્યકરો મોદીજીનો સાથ આપવા માટે એકઠા ન થયા. અમે કાયદાના પાલનમાં સહયોગ કર્યો. મારી પણ ધરપકડ થઈ. અમે પ્રદર્શન ન કર્યાં. જ્યારે આટલી લાંબી લડત બાદ, સત્ય જીત સાથે બહાર આવે છે તો તે સોના કરતાં પણ વધુ ઝળકે છે."

તિસ્તા સેતલવાડ, શ્રીકુમાર, સંજીવ ભટ્ટ પર કોર્ટની ટિપ્પણી અને પ્રતિક્રિયા
ભાજપના નેતા અને મીડિયાનો એક મોટો ભાગ એક તરફ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને નરેન્દ્ર મોદી વિરુદ્ધ બે દાયકાથી ચાલી રહેલ કથિત દુષ્પ્રચાર પોકળ હોવાની વાતનો પુરાવો ગણાવી રહ્યા છે, બીજી તરફ કોર્ટના આદેશના અમુક પક્ષોને લઈને ટિપ્પણીઓ પણ થઈ રહી છે.
92 ભૂતપૂર્વ અમલદારોએ સુપ્રીમ કોર્ટના આદેશ પર એક સંયુક્ત પત્રમાં કહ્યું છે કે, "એક આશ્ચર્યજનક ટિપ્પણીમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના આધિકારીઓની પ્રશંસા કરી જેમણે સરકારને બચાવી અને એસઆઈટીના નિષ્કર્ષને પડકારનારા અપીલ કરનારાઓની ટીકા કરી."
અમલદારોની યાદીમાં વજાહત હબીબુલ્લા, એ. એસ. દુલ્લત, હર્ષ મંદર, અમિતાભ પાંડે, જી, કે. પિલ્લઈ, કે. સુજાતા રાવ, જુલિયો રિબેરા, એન. સી. સક્સેના અને જાવેદ ઉસ્માની જેવાં નામ સામેલ છે.
સુપ્રીમ કોર્ટના આદેશમાં કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતમાં ભૂતપૂર્વ પોલીસ ઑફિસર આર. બી. શ્રીકુમાર અંગે કડક ટિપ્પણી કરવામાં આવી, જે બાદ ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી.
કોર્ટે કહ્યું, "દિવસના અંતે લાગે છે કે ગુજરાત રાજ્યના અસંતુષ્ટ ઑફિસરો અને અન્ય કેટલાક લોકો સનસનાટી પેદા કરવા માગતા હતા, અને તેમને જાણકારી હતી કે તેના આધાર અસત્ય છે."
પોતાના આદેશમાં કોર્ટે કહ્યું, "જેમણે આ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો, તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ."
આદેશના એક દિવસ બાદ ભાજપના નેતા અમિત માલવીયે ટ્વીટ કર્યું, "ગુજરાત પોલીસે ફ્રૉડ ઍક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ આઈપીએસ ઑફિસર આર.બી. શ્રીકુમારની ધરપકડ કરી લીધી છે, જેમના પર ગુજરાત રમખાણોમાં બનાવટી દસ્તાવેજ બનાવવાનો આરોપ છે... હવે તેઓ સંજય ભટ્ટ કે જેઓ પહેલાંથી જ જેલમાં છે- તેમની સાથે હશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સંજીવ ભટ્ટ વિશે અદાલતે કહ્યું, "સંજીવ ભટ્ટના હાલ તો હજુ ખરાબ છે. તેમને હત્યા અને અન્ય રાજ્યમાં એક વકીલના રૂમમાં નશાકારક દવા સંતાડવાના કેસમાં દોષિત ઠેરવી દેવાયા છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ 27 ફેબ્રુઆરી 2002ના રોજ બોલાવાયેલી મિટિંગમાં સામેલ હતા. પરંતુ એ સમયે મિટિંગમાં હાજર તમામ ઑફિસરોએ આ દાવો નકાર્યો હતો."

ભવિષ્યને લઈને આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર અને લેખક કિંગ્શુક નાગ 2002માં અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સંપાદક હતા અને તેમણે રમખાણ કવર કર્યાં હતાં.
તેમણે બીબીસીને કહ્યું કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે ગુલબર્ગ સોસાયટી હિંસા અને તેની અસર માટે તિસ્તા અને શ્રીકુમારને જવાબદાર ઠેરવવામાં આવશે.
મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રૂ પ્રમાણે આ પ્રકારના 'રિવેન્જ જસ્ટિસ'થી ભવિષ્યમાં સત્ય માટે અવાજ ઉઠાવનાર બિનસરકારી સંગઠનો અને સામાન્ય લોકોનો અવાજ દબાઈ જશે.
જસ્ટિસ ચંદ્રૂ જણાવે છે કે, "કોર્ટ પણ ખોટા આદેશ આપી શકે છે અને બધાને તેની ટીકા કરવાનો અધિકાર છે. એવું નથી કે સુપ્રીમ કોર્ટ ભૂલ ન કરી શકે. લોકોએ સંતોષ માનવો પડે છે, કારણ કે તેમનો આદેશ અંતિમ છે."
ભૂતપૂર્વ અમલદારોએ કોર્ટને 88મા ફકરામાં તિસ્તા સેતલવાડ અને અન્યો સામેની ટિપ્પ્ણી દૂર કરવાની દરખાસ્ત કરતા પત્રમાં એવું પણ પૂછ્યું હતું કે સુપ્રીમ કોર્ટે શું એવો નિર્ણય કરી લીધો છે કે અરજદારો અને તેમના વકીલો વિરુદ્ધ એટલા માટે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તેઓ પરિશ્રમી છે અને તેની પાછળ સતત લાગેલા છે?
પત્રમાં અમલદારોએ પૂછ્યું, "એનએચઆરસી રિપોર્ટો અને એમિકસ ક્યૂરી રાજુ રામચંદ્રનના રિપોર્ટનું શું... જેમાં કહેવાયું હતું કે એ સમયના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસ થવી જોઈએ?"
સાથે જ પત્રમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં આવા શબ્દોનો ઉપયોગ પહેલાં નથી કરાયો.
પૂર્વ ગૃહસચિવ જીકે પિલ્લઈ પ્રમાણે કોર્ટો સરકારો પર ખૂબ સરળતાથી વિશ્વાસ કરી રહી છે.
તિસ્તા સેતલવાડની ધરપકડ પર તેમણે કહ્યું, "તે કાયદાનું ભંગ નથી કરી રહી, તે બંધારણમાં અરજી દાખલ કરવાના, રિવ્યૂ પિટિશન વગેર દાખલ કરવાના પોતાના લોકતાંત્રિક અધિકારોનો પયોગ કરી રહી છે જે બંધારણે તેમને આપ્યા છે."
જીકે પિલ્લાઈ પ્રમાણે, જ્યારે તિસ્તા સેતલવાડે વગેરે વિરુદ્ધ ફરિયાદ આવી તો પોલીસે કેસની તપાસ કરવી જોઈએ, કારણ કે અખબારમાં છપાયેલા રિપોર્ટ સાચા અને ખોટા બંને હોઈ શકે છે.
તેઓ કહે છે કે, "જજે પોલીસને પૂછવું જોઈતું હતું, કે શું તમારી પાસે જજમૅન્ટની કૉપી છે? શું તમે મામલાની તપાસ કરી?"
પત્રમાં સુપ્રીમ કોર્ટના 2004ના જસ્ટિસ દોરાઈસ્વામી રાજુ અને અરિજિત પસાયતના બેસ્ટર બેકરી મામલામાં રિટ્રાયલના આદેશને પણ ટાંકવામાં આવ્યો.
આદેશમાં બેન્ચે કહ્યું હતું કે, "જ્યારે બેસ્ટ બેકરી અને માસૂમ બાળકો અને અસહાય મહિલાઓ સળગી રહ્યાં હતાં, ત્યારે આજના જમાનાના નીરો અન્ય ક્યાંક જોઈ રહ્યા હતા અને કદાચ વિચાર કરી રહ્યા હતા કે અપરાધના દોષિતોને કેવી રીતે બચાવી શકાય."
રોમ સામ્રાજ્યના પાંચમા રાજા નીરોને એક નિર્દય રાજા સ્વરૂપે યાદ કરવામાં આવે છે.
જસ્ટિસ પસાયતે આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.
સુપ્રીમ કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડ અને શ્રીકુમાર અંગે કરાયેલી ટિપ્પણીઓ પર સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ મદન લોકુરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જ્યારે તમે કોઈ કેસ ખારિજ કરી રહ્યા હો, ત્યારે આ બધું બોલવાની કોઈ જરૂરિયાત નથી."
"આ કેસ ખારિજ કરી રહ્યા છીએ એવું અને અમે ઇચ્છીએ છી કે તમારી સામે પગલાં લેવાય કારણ કે તમે ખોટો કેસ લઈને આવ્યા, એવું કહેવાની ક્યાં જરૂર છે. એ પણ એવા સમયે જ્યારે કોર્ટોમાં હજારો ખોટા કેસ દાખલ કરવામાં આવે છે. એ ખોટા કેસોનું શું જે પોલીસ ફાઇલ કરે છે? શું કોર્ટ ખોટો કેસ દાખલ કરવા મામલે પોલીસ પર કાર્યવાહી કરશે?"
અન્ય એક લેખમાં જસ્ટિસ લોકુરે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટના જજોએ પોતાના આદેશમાં તિસ્તા સેતલવાડની ધરપકડની વાત નથી કરી તો તેમને કોઈ પણ જાતની શરત વગર છોડી મૂકવાના આદેશ આપવા જોઈએ અને ધરપકડ રદ થવી જોઈએ.
તિસ્તા સેતલવાડને વર્ષ 2007માં પદ્મશ્રીથી સન્માનિત કરાયાં હતાં. તિસ્તા, સેતલવાડ અને સંજીવ ભટ્ટ સામે ગુજરાત રમખાણ મામલે પુરાવા ઘડવાના આરોપ છે.

એમિકસ ક્યૂરી રિપોર્ટ વિરુદ્ધ એસઆઈટી રિપોર્ટ

ઇમેજ સ્રોત, ANI
મોદી સમર્થક ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાગેલા આરોપોને રાજકીય કાવતરું ગણાવે છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "બધા જાણે છે કે તિસ્તા સેતલવાડજીની એનજીઓ કરી રહી છે. એ સમયની યુપીએ સરકારે તિસ્તાની એનજીઓની ઘણી મદદ કરી છે. બધાને ખબર છે. સમગ્ર લુટિયંસ દિલ્હીને ખબર છે."
પરંતુ પાછલા બે દાયકામાં ગુજરાત રમખાણોમાં ન્યાયપ્રક્રિયા, એસઆઈટી રિપોર્ટ, અદાલતની કાર્યવાહી વગેરે પર સતત સવાલ ઉઠાવે છે.
લગભગ દસ વર્ષ પહેલાં લગભગ સાડા પાંચ સો પાનાંમાં ઘણા તર્ક આપ્યા બાદ એસઆઈટીએ અંતિમ રિપોર્ટ ફાઇલ કર્યો હતો.
રિપોર્ટમાં અંતિમ પાને લખાયું, "એસઆઈટીનો એવો વિચાર છે કે કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ પણ અપરાધ નથી ઘડાતો."
જોકે, એમિકસ ક્યૂરી રાજુ રામચંદ્રને લખ્યું હતું કે અલગ અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાની વિભિન્ન કલમો અંતર્ગત નરેન્દ્ર મોદી વિરુદ્ધ મામલો બને છે.
ખરેખર મામલો રમખાણો દરમિયાન 2002ની એક મિટિંગનો છે જે વિશે આરોપ લાગ્યા છે કે મુખ્ય મંત્રી મોદીએ કથિતપણે હિંદુઓને પોતાનો ગુસ્સો કાઢવાની વાત કરી હતી.
ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી હરેન પંડ્યા અને સંજીવ ભટ્ટનો દાવો હતો કે નરેન્દ્ર મોદીએ આવી વાત કરી હતી. પરંતુ ત્યાં હાજર અન્ય ઑફિસરોએ આ વાતનો ઇનકાર કરી દીધો કે તત્કાલીન મુખ્ય મંત્રીએ આવી કોઈ વાત કરી હતી.
એમિકસ ક્યૂરી રાજુ રામચંદ્રને રિપોર્ટમાં કહ્યું હતું કે આ મામલો સંજીવ ભટ્ટના શબ્દો વિરુદ્ધ અન્ય ઑફિસરોના શબ્દોનો છે અને એસઆઈટીએ વરિષ્ઠ ઑફિસરોની વાત માન્ય રાખી, અને એવું નથી લાગતું કે કોઈ પણ જાતના આધાર વગર એક પોલીસ ઑફિસર આવી ગંભીર વાત કરશે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શ્રીકુમારને એક "અસંતુષ્ટ ઑફિસર" ગણાવ્યા અને મિટિંગમાં નરેન્દ્ર મોદીના કથિત વક્તવ્યને "કલ્પનાશક્તિ સાથે ઘડાયેલી કહાણી" ગણાવ્યું.
ભૂતપૂર્વ ગૃહસચિવ જીકે પિલ્લઈ કહે છે કે તમે એસઆઈટી રિપોર્ટ સાથે સંમત હો કે ન હો, લોકશાહીમાં જ્યાં કાયદો સર્વોપરી હોય છે ત્યાં સુપ્રીમ કોર્ટનો આદેશ અંતિમ હોય છે.

તત્કાલીન મુખ્ય મંત્રી સાથે સવાલ-જવાબ

ઇમેજ સ્રોત, AFP
વર્ષ 2010માં જ્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં એસઆઈટી ઑફિસમાં રજૂ થયા ત્યારે એવું પહેલી વખત બન્યું હતું કે કોઈ તપાસ એજન્સીએ કોઈ મુખ્ય મંત્રીની સાંપ્રદાયિક હિંસાના મામલામાં સામેલ હોવા મામલે પૂછપરછ કરી હોય.
પત્રકાર અને લેખક મનોજ મિટ્ટા પુસ્તક "મોદી અને ગોધરા : ધ ફિક્શન ઑફ ફૅક્ટ ફાઇન્ડિંગ"માં લખે છે કે એસઆઈટીની તપાસ બાર માસ સુધી ચાલી અને 163 સાક્ષીઓનાં નિવેદન લેવાયાં અને આ બધું શરૂઆતની તપાસ અંતર્ગત થયું. આ પૂછપરછની જવાબદારી નિવૃત્ત સીબીઆઈ ઑફિસર એકે મલ્હોત્રાએ ભજવી હતી.
મિટ્ટા લખે છે, "તેમને ઓછામાં ઓછા 71 પ્રશ્નો પુછાયા. તેમના જવાબવાળા દરેક પાના પર મોદીની સહી હતી. આ પાનાં જણાવે છે કે મલ્હોત્રાએ ધ્યાનપૂર્વક કોઈ પણ જવાબને પડકાર્યો નહોતો, પછી ભલે તે ગમે તેટલા વિવાદાસ્પદ હોય."
પુસ્તક મુજબ, જ્યારે નરેન્દ્ર મોદીને ગુલબર્ગ સોસાયટી પર હુમલા વિશે અને તેના પર કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમને રાત્રે કાયદા વ્યવસ્થાની મિટિંગમાં નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી વિશે ખબર પડી.
આ હત્યાકાંડ દિવસે થયો હતો. એવા સવાલ ઊઠી રહ્યા છે કે કે તત્કાલીન મુખ્ય મંત્રીને આ હત્યાકાંડો વિશે સમયસર ખબર ન પડી, જેથી સમયસર આ બધું રોકવા માટે કડક કાર્યવાહી થઈ શકે.
મનોજ મિટ્ટા પ્રમાણે, એસઆઈટીએ નરેન્દ્ર મોદીના દાવાને ન પડકાર્યો અને તેમના દાવા માની લીધા કે તેમને ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડ વિશે ઘટના સમયે જાણકારી નહોતી મળી.
તેઓ લખે છે કે, "તેમને કશું ખબર નહોતી, મોદીના આ દાવા શંકા ઉપજાવે છે. કારણ કે 28 ફેબ્રુઆરીના રોજ તેમનું અમુક કામ ગુલબર્ગ સોસાયટીથી માત્ર ત્રણ કિલોમિટરના અંતરે હતું."
મનોજ લખે છે કે, "મોદીના દાવો કે તેમને હત્યાકાંડ વિશે રાત્રિના સાડા આઠ વાગ્યે ખબર પડી, તેનાથી સમયનું અસ્પષ્ટ ખાલીપણું ધ્યાને આવે છે. પરંતુ એસઆઈટીની પૂછપરછમાં આ દાવાને નહોતો પડકારાયો, તેમજ રિપોર્ટમાં પણ તેમના આ દાવાની અસર પર ચર્ચા કરાઈ."
"તેમણે ચૂપચાપ મોદીના દાવા માની લીધું કે તેમને ગુલબર્ગ સોસાયટીને ઘેરવા અને ત્યાંના હત્યાકાંડ અંગે કોઈ જાણકારી નહોતી. અને તેમને આ જાણકારી આઠ કલાક સુધી નહોતી. કહેવાય છે કે જૉઇન્ટ કમિશનર એમકે ટંડને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં સાંજના ચાર વાગ્યે દખલ કરી હતી, તેમ છતાં મોદીને લગભગ પાંચ કલાક સુધી જાણકારી ન મળી."
તેઓ આગળ લખે છે કે, "ખરેખર તો ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ વિશે જાણકારી ન હોવાનો મોદીનો દાવો, તેમના જ વધુ એક મોટા દાવા કરતાં અલગ છે, જેમાં તેમણે કહ્યું છે કે તેઓ ગોધરા હિંસા બાદની સ્થિતિને ટ્રેક કરી રહ્યા હતા."
"એવું લાગે છે કે આ વિરોધાભાસ પર એસઆઈટીએ ધ્યાન નહોતું આપ્યું. તેમણે મોદીની સ્પષ્ટતા માની લીધી કે તેમને ખબર નહોતી. એસઆઈટીએ ધ્યાનપૂર્વક ઘણી મિટિંગનો ઉલ્લેખ કર્યો છે જે ગોધરા ઘટના બાદ મોદીએ બોલાવી - બધાનું ફોકસ મુસ્લિમો વિરુદ્ધ હિંસા પર કાબૂ મેળવવાનો હતો."
એસઆઈટી રિપોર્ટના 261મા પાના પ્રમાણે નરેન્દ્ર મોદીએ એ વાતનો ઇનકાર કર્યો કે તેમને મદદ માટે એહસાન જાફરીનો ફોન આવ્યો હતો અને આવી કોઈ ટેલિફોનિક વાતચીત થયાના પુરાવા પણ નથી.
જસ્ટિસ ચંદ્રૂ કહે છે કે, "જો સુપ્રીમ કોર્ટ ખરેખર સત્ય જાણવા માગતી હોત, તો તેમણે આ મુદ્દે વધુ તપાસના આદેશ આપવા જોઈતા હતા અને પહેલાંથી એકઠા કરાયેલા રેકર્ડ આધારે નિર્ણય નહોતો લેવો જોઈતો."

મૃતદેહોની કથિત પરેડથી ફાટી નીકળી હિંસા?

ઇમેજ સ્રોત, MANOJ PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
આરોપ છે કે જેવી રીતે ગોધરા ટ્રેનમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને વિશ્વ હિંદુ પરિષદના જયદીપ પટેલને સોંપવામાં આવ્યા અને કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલ સુધી મૃતદેહોને લાવવામાં આવ્યા, તેનાથી માહોલ ખરાબ થયો.
મનોજ મિટ્ટાના પુસ્તક પ્રમાણે, જ્યારે એસઆઈટીએ નરેન્દ્ર મોદીને ગોધરા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને અમદાવાદ લાવવા અને જયદીપ પટેલ વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે મૃતદેહોની કસ્ટડી જિલ્લા પ્રશાસન, પોલીસ ઑફિસરો અને હૉસ્પિટલના અધિકારીઓ પાસે હતી.
મનોજ મિટ્ટા પ્રમાણે જો એસઆઈટીને મોદીને વળતો પ્રશ્ન કર્યો હોત કે તો પછી મૃતદેહોના સ્વીકાર અંગેના દસ્તાવેજો પર વીએચપી તરફથી સહી કેમ કરાઈ હતી, તો તેનો જવાબ આપવો સરળ ન હોત.
મિટ્ટા પ્રમાણે કાયદો એ વાતની પરવાનગી નથી આપતો કે મૃતકના મૃતદેહની કસ્ટડી તેના વાલી કે કાયદાકીય ઉત્તરાધિકારી સિવાય અન્ય કોઈને આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે પોતાના હાલના આદેશમાં કહ્યું કે મૃતદેહોને બંધ ગાડીમાં પોલીસ સુરક્ષામાં લઈ જવામાં આવ્યા, માત્ર જયદીપ પટેલ સાથે હતા.
આદેશ પ્રમાણે, "એવા કોઈ પણ પુરાવા નથી કે જેથી મૃતદેહોને ખુલ્લી ગાડીઓમાં લાવવામાં આવ્યા કે ગોધરાથી અમદાવાદ સુધી પરેડ યોજવામાં આવી કે અંતિમસંસ્કાર પહેલાં ખાનગી લોકોના સમૂહ દ્વારા તે લઈ જવાયા. મૃતદેહોને અમદાવાદ લઈ જવાનો નિર્ણય સ્થાનિક સ્તરના અધિકારીઓનો જાગૃત અને એક સાથે લેવાયેલો નિર્ણય હતો અને તેવું તે સમયના મુખ્ય મંત્રીના આદેશ કે નિર્દેશ પર નહોતું કરાયું જેવો આરોપ લગાવાઈ રહ્યો છે. આવું એટલા માટે કરાયું કે મોટા ભાગના મૃતકો અમદાવાદ અને નજીકના વિસ્તારના હતા."

રાહુલ શર્મા અને સીડીનું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2004માં ગુજરાત આઈપીએસ ઑફિસર રાહુલ શર્માએ નાણાવટી કમિશનમાં કૉલ રેકર્ડની સીડી જમા કરી હતી. નાણાવટી કમિશન ગુજરાતનાં રમખાણોની તપાસ કરી રહ્યું હતું.
આ ડેટાથી મંત્રીઓ, અમલદારો, વીઆઈપી, અને અન્ય ઘણા લોકોના મોબાઇલ નંબરની મદદથી તેમની પ્રવૃત્તિ ટ્રેક કરવામાં મદદ મળી હતી.
આ કૉલ રેકર્ડ આધારે મીડિયામાં ઘણી કહાણીઓ છપાઈ.
મનોજ મિટ્ટા પોતાના પુસ્તકમાં કહે છે કે, "તેનો ફાયદો એ થયો કે ગુજરાત રમખાણોનાં મોબાઇલ ફોન પુરાવા આધિકારિકપણે જાહેર થઈ ગયા. આનાથી વકીલો, કાર્યકર્તાઓ, પીડિતો માટે શર્માની સીડીનો હવાલો આપવો સુલભ થઈ ગયું જેથી તેઓ માયા કોડનાણી, જયદીપ પટેલ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ રમખાણો મામલે કાર્યવાહીનું દબાણ લાવી શકે."
જસ્ટિસ કે ચંદ્રૂ પ્રમાણે ઇલેક્ટ્રોનિક ડેટાને રજૂ કરતી વખતે અમુક રીતોનું પાલન કરવાનું હોય છે.
તેઓ કહે છે કે, "એ મામલાઓમાં જ્યારે અપરાધ કરનારા સત્તામાં હોય ત્યારે કોર્ટ સામે સમગ્ર પુરાવા રજૂ કરવા અને તેમને સંતુષ્ટ કરવાનું કામ મુશ્કેલ હશે."
બીજી તરફ સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં સીડી વિશે કહ્યું, "એસઆઈટીને કૉલ રેકર્ડની તપાસ કરી અને ખબર પડી કે તે નિરાધાર છે."
સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત છે. ઉચ્ચ પદો પર બેઠેલા લોકોની ગુજરાત રમખાણમાં ભૂમિકા હતી, સુપ્રીમ કોર્ટના નિર્ણયને અંતિમ રૂપ આપી દીધો છે.
એવું લાગે છે કે મામલો હવે અદાલતોની યાદીમાંથી બહાર છે, પરંતુ જે તમામ જીવન 2002 રમખાણોના અગ્નિમાં વેરવિખેર થઈ ગયાં, તેમની સાથે જોડાયેલા લોકો કદાચ જ આ બધું પોતાના મનમાંથી કાઢી શકશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












