ટ્રમ્પે મૅક્સિકો, કૅનેડા અને ચીન પર ટેરિફ લાદ્યાં, ટ્રુડોએ લીધાં વળતાં પગલાં, ટ્રેડવૉરની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળના પહેલા પખવાડિયાંમાં જ અપેક્ષા મુજબ, કૅનેડા, મૅક્સિકો અને ચીન પર આયાતજકાત વધારી દીધી છે.
ટ્રમ્પે કૅનેડા અને મૅક્સિકોથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા તથા ચીનથી આવતી સામગ્રી ઉપર 10 ટકાની આયાતજકાત લાદી છે. અગાઉ ટ્રમ્પે ચીનની આયાતો પર 60 ટકા જેટલો ઊંચો કર લાદવાની વાત કહી હતી.
કૅનેડાએ પણ અમેરિકાના ઉત્પાદનોની આયાત પર 25 ટકાની વળતી જકાત નાખવાની વાત કહી છે.
મૅક્સિકોએ 'પ્લાન બી'નો અમલ કરવાની તથા વળતી જકાત લાદવાની વાત કરી છે, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવેલા આરોપો ઉપર વાંધો ઉઠાવ્યો હતો.
જ્યારે ચીનનું કહેવું છે કે આ પ્રકારના ટેરિફ વૉરથી કોઈનું પણ ભલું નહીં થાય.

ટેરિફ લાદતા ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું કે કૅનેડા, મૅક્સિકો તથા ચીન પર ટેરિફ લાદવામાં આવ્યા છે. અમેરિકાની 40 ટકા જેટલી આયાત આ ત્રણ દેશોમાંથી થાય છે.
આ આંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિકશક્તિ અધિનિયમ (આઈઈપીએ) હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રશિયા કે વેનેઝુએલા જેવા દેશો વિરુદ્ધ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, એટલે ટ્રમ્પનું આ પગલું અસામાન્ય માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, "આપણા નાગરિકો પર ગેરકાયદેસર ઘૂષણખોરોનું જોખમ વધી રહ્યું છે. ફેન્ટાલિન સહિતની ઘાતક દવાઓ આપણા નાગરિકોને મારી રહી છે. આપણે અમેરિકનોની રક્ષા કરવાની જરૂર છે અને રાષ્ટ્રપતિ તરીકે તે સુનિશ્ચિત કરવું એ મારી ફરજ પણ છે."
ટ્રમ્પે લખ્યું હતું કે અમે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઘૂષણખોરો તથા ડ્રગ્સને અટકાવવાનો વાયદો કર્યો હતો અને નાગરિકોએ તેના માટે મોટાપાયે મતદાન પણ કર્યું હતું.
બીજું બાજુ, યુએસ રિટેઇલ ઇન્ડસ્ટ્રી લીડર્સ ઍસોસિયેશને આશા વ્યક્ત કરી છે કે ચારેય દેશો મળીને આ અંગે કોઈ રસ્તો કાઢશે, કારણ કે તેનાથી અમેરિકાના અર્થતંત્રને આંચકો લાગી શકે છે. આ સિવાય કન્સ્ટ્રક્શન, કપડાં, કૃષક, સ્ટીલ અને શરાબ ઉત્પાદક સંગઠનોએ પણ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરી છે.
ડિસેમ્બર મહિનામાં અમેરિકાનો ફુગાવાનો દર 2.9 ટકા રહ્યો હતો, જેને બે ટકા પર લાવવા માટે અમેરિકાની મધ્યસ્થ બૅન્ક સંઘર્ષ કરી રહી છે.
દક્ષિણ એશિયાઈ દેશોને લાભ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીનાં એશિયા બિઝનેસ રિપોર્ટર સુરંજના તિવારી જણાવે છે, નવી ટેરિફ નીતિ પર દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો ચાંપતી નજર રાખી રહ્યા છે, કારણ કે તેમનો માલ કૅનેડા અને મૅક્સિકો થઈને અમેરિકા પહોંચતો હોય છે.
મલેશિયા, સિંગાપોર તથ થાઇલૅન્ડ આ વિસ્તારની ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફિલિપાઇન્સ અને વિયેતનામ પણ ઍસેમ્બલિંગમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેઓ ચીનની તાકત પર આધાર રાખે છે.
અમેરિકાની જકાતની સામે ચીન પણ વળતાં પગલાં લે તેવી શક્યતા છે, જેના કારણે વેપારવ્યવસ્થા ખોરવાઈ જશે અને ભાવો ઉપર જવાની તથા માલની અછત સર્જાવાની શક્યતા છે.
મૅક્સિકોનાં રાષ્ટ્રપતિએ ક્લાઉડિયા શેનિબાઉમે કહ્યું, 'મેં મારા નાણામંત્રીને પ્લાન-બી અમલમાં મૂકવાની સૂચના આપી છે. અમે તેના પર કામ કરી રહ્યા હતા. મૅક્સિકોના હિતમાં અમે ટેરિફ તથા નૉન-ટેરિફ' પગલાં લઈશું.'
જોકે, તેમણે પોતાની ઍક્સ પોસ્ટમાં એ વાતની સ્પષ્ટતા નહોતી કરી કે મૅક્સિકો કેવા પ્રકારનાં પગલાં લેશે.
મૅક્સિકોની સરકાર ડ્રગ્સ કાર્ટેલ સાથે 'અસહ્ય નિકટતાપૂર્ણ સંબંધ' ધરાવે છે એવા વ્હાઇટ હાઉસના આરોપોને ક્લાઉડિયાએ નકારી કાઢ્યા હતા અને તેને 'બદનક્ષીપૂર્ણ' ગણાવ્યા હતા.
ક્લાઉડિયાનું કહેવું છે કે ડ્રગ્સ તથા હથિયારોની તસ્કરીને અટકાવવા માટે અમેરિકાએ વધુ કેટલાંક પગલાં લેવાની જરૂર છે.
મૅક્સિકોનું માનવું છે કે અનેક ચીજવસ્તુઓ માટે અમેરિકા તેની ઉપર આધાર રાખે છે એટલે તેને વધુ નુકસાન થશે.
કૅનેડાએ વળતી આયાત જકાત લાદી

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું કહેવું છે કે "અમે ઇચ્છતા ન હતા" કે આવું કરીએ કે થાય, પરંતુ અમે આને માટે "તૈયાર છીએ." તેમણે કૅનેડાના પ્રીમિયરો (રાજ્યોના વડા) તથા કૅબિનેટની સાથે બેઠક કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
જેમાં 'સર્વાનુમત્તે અને સજ્જડ' પગલાં લેવાનું નક્કી થયું હતું. આ સિવાય 'ડૉલરની સામે ડૉલર'ની નીતિ અપનાવવાની વાત પણ કહી હતી.
ઑઇલ, સંતરાં અને શરાબ માટે અમેરિકનો કૅનેડા પર આધાર રાખે છે, એટલે કૅનેડા આ દિશામાં વળતાં પગલાં લેશે.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકા પર 25 ટકાની વળતી જકાત લાદવાની વાત કહી હતી. જેમાંથી અમુક કર મંગળવારથી અમલમાં આવશે તથા બાકીની ચીજવસ્તુઓ પર 21 દિવસમાં અમલમાં આવશે.
ટ્રુડોએ તેમની પત્રકારપરિષદમાં અમેરિકનોને સીધા જ સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે ટેરિફ વૉરને કારણે તેમની ઉપર સીધી અસર થશે. આ સિવાય તેમણે 'અન્યોને ઇર્ષ્યા થાય એવી ઐતિહાસિક ભાગીદારી'ની પણ યાદ અપાવી હતી.
ચીનની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના વાણિજ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, ટેરિફને કારણે અમેરિકા, વિશ્વ કે ચીન કોઈનું પણ ભલું નહીં થાય.
ચીને પોતાનાં હિતોની રક્ષા કરવા માટે પણ વળતી કાર્યવાહી કરવાની વાત કહી છે.
ચીનના કહેવા પ્રમાણે, તે અમેરિકાના પગલાંથી નાખુશ છે અને તેનો વિરોધ કરે છે. તે વિશ્વ વેપાર સંગઠનના નિયમોનો ગંભીરપણે ભંગ કરે છે, એટલે તેની પાસે કેસ કરશે.
એક આકલન મુજબ, આ પહેલાં જ્યારે ટ્રમ્પે જકાત લાદી હતી, ત્યારે ચીન તૈયાર ન હતું, જોકે આ વખતે તે સજ્જ જણાય છે.
યુકે ઉપર ટેરિફ નહીં લાદવાની અમેરિકાના વાણીજ્ય મંત્રી ડોનાલ્ડ ટ્રમ્પને ભલામણ કરી છે. તાજેતરની જાહેરાતોમાં યુકે, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ નથી થતો.
બીજી બાજુ, યુરોપિયન સંઘે પણ અમેરિકાથી આયાત વધારવાનો નિર્ણય કર્યો છે, જેથી કરીને વેપારતુલામાં રહેલી ખાધને દૂર કરી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












