ઇન્કમટૅક્સ : 12 લાખના 'તીર' વડે વડા પ્રધાન મોદીએ કેટલાં નિશાન સાધ્યાં?

બીબીસી ગુજરાતી, મોદી, બજેટ, 12 લાખ રૂ.ની આવક કરમુક્ત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 12 લાખ સુધીની આવક પર કોઈ ટૅક્સ ન લાદવાનો નિર્ણય એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ટૅક્સ ફ્રી આવકની મર્યાદામાં સીધો પાંચ લાખ રૂ.નો વધારો કરાયો છે
    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

"આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાવાળું બજેટ છે, આ દરેક ભારતીયનાં સપનાંને પૂરું કરનારું બજેટ છે. અમે યુવાનો માટે ઘણાં સૅક્ટર ખુલ્લાં મૂકી દીધાં છે. આ વિકસિત ભારતના મિશનને ડ્રાઇવ કરવાનું છે, આ બજેટ આમ આદમી માટે છે. આ બજેટ આપણા લોકોનાં સપનાં પૂરાં કરનારું છે. આ બજેટ બચત, રોકાણ, વપરાશ અને વિકાસને વધારશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બજેટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેમની સરકારે બજેટમાં કયાં ક્ષેત્રોને મહત્ત્વ આપ્યું છે.

ખરેખર, પોતાનું આઠમું બજેટ રજૂ કરી રહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્કમટૅક્સ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી.

બજેટમાં કહેવાયું છે કે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટૅક્સ ફ્રી રહેશે અને જો તમે પગારદાર હો તો આ મર્યાદા 12.75 લાખ થઈ જશે. (કારણ કે 75 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ કપાતમાં કોઈ બદલાવ નથી કરાયો.)

આ જાહેરાત એટલા માટે મહત્ત્વની છે, કારણ કે ટૅક્સ ફ્રી આવકની મર્યાદામાં સીધો પાંચ લાખ રૂપિયાનો વધારો કરી દેવાયો છે.

ત્રીજા કાર્યકાળમાં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાના પ્રથમ બજેટમાં નવી ટૅક્સ પ્રણાલીમાં ટૅક્સ ફ્રી આવકની વાર્ષિક લિમિટ સાત લાખ રૂપિયા રાખી હતી.

નિર્મલા સીતારમણે એવું પણ કહ્યું હતું કે આ રાહતતી સરકારી ખજાના પર લગભગ એક લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે.

અર્થતંત્ર પર શી અસર થશે?

બીબીસી ગુજરાતી, મોદી, બજેટ, 12 લાખ રૂ.ની આવક કરમુક્ત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વની સૌથી મોટી વસતી ધરાવતા ભારત દેશમાં આર્થિક વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે અને આવતા વર્ષે આનો આંકડો પાછલાં ચાર વર્ષોમાં સૌથી ઓછો રહેવાનું અનુમાન કરાઈ રહ્યું છે

જ્યારે અર્થતંત્ર નબળું જણાઈ રહ્યું છે ત્યારે વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા ભારતમાં આર્થિક વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે અને આવતા વર્ષે આનો આંકડો પાછલાં ચાર વર્ષોમાં સૌથી ઓછો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જીડીપીનો દર ઘટી રહ્યો છે, વપરાશ ઘટી રહી છે, ખાદ્ય મોંઘાવારીથી લોકો પરેશાન છે, કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં નબળાં રહ્યાં છે, એટલે સુધી કે લગભગ 45 ટકા કંપનીઓએ પોતાનું ગાઇડન્સ (આગામી સમયમાં પરિણામોનું અનુમાન) પણ ઘટાડ્યું છે. અને વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત પોતાના ડૉલર ઘરભેગા કરી રહ્યા છે.

કહેવાઈ રહ્યું છે કે ઘરેલુ માગને વધારવા અને શહેરી ક્ષેત્રોમાં મધ્યમ વર્ગની સતત ઘટતી જતી વપરાશને વધારવ માટે આ પગલું લઈ શકાયું હોઈ શકે.

વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્ર માટે આ નિર્ણય કેવાં પરિણામ આપી શકે?

જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણકુમાર કહે છે કે, "ઇન્કમટૅક્સમાં છૂટ એક નૅરેટિવ બિલ્ડિંગ છે, દિલ્હીની ચૂંટણી છે. આનાથી 142 કરોડ લોકો પૈકી માત્ર બે-અઢી કરોડને જ લાભ થશે. જેઓ મીડિયામાં છે, સરકારી કર્મચારી છે, બુદ્ધિજીવી છે, શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં છે. આની અર્થતંત્ર પર કંઈ એવી અસર નહીં પડે કે એકાએક માગમાં વધારો થઈ જશે અને આર્થિક વિકાસને ગતિ મળશે. એક પ્રકારે આ પણ રેવડી કલ્ચર જ છે, કારણ કે વધતા ખર્ચ વચ્ચે આવનારા સમયમાં આ છૂટની શી અસર પડશે એ જોવાનું રહેશે."

પ્રોફેસર કુમાર કહે છે કે, "કેન્દ્રીય સામાન્ય બજેટ લગભગ 50 લાખ કરોડ રૂપિયાનું હોય છે. તેથી દરેક ક્ષેત્રને કંઈક ને કંઈક ફાળવણી કરી શકાય છે. જો તમે ઝીણવટપૂર્વક જુઓ તો રોજગારી પેદા કરનારાં ક્ષેત્રો જેમ કે, ગ્રામીણ રોજગાર ગૅરંટી સ્કીમ, શિક્ષણ અને સ્વાસ્થ્યક્ષેત્રે હકીકતમાં બજેટકપાત થઈ રહી છે. જેમ કે, મનરેગામાં ગત વર્ષની માફક જ 86 કરોડ રૂપિયા જ ફાળવાયા છે, જે પાંચ ટકાના મોંઘવારી દરને જોડીને જોઈએ તો ફાળવણીમાં ઘટાડો કહેવાય."

એચડીએફસી બૅંકનાં અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તા કહે છે કે, "ટૅક્સકપાતથી ઉપભોક્તા માગમાં વધારો થવાની આશા છે. આ સિવાય ખાદ્ય મોંઘવારીથી ઝઝૂમી રહેલા મધ્યમ અને નિમ્ન આવક વર્ગને રાહત મળશે અને તેમની બચત થશે."

આર્થિક વિકાસ ઝડપી બનશે?

બીબીસી ગુજરાતી, મોદી, બજેટ, 12 લાખ રૂ.ની આવક કરમુક્ત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેટિંગ એજન્સી મૂડીઝનું માનવું છે કે મધ્યમ વર્ગને રાહત આપવાથી આર્થિક વૃદ્ધિ પર ઝાઝી અસર નહીં પડશે (પ્રતીકાત્મક તસવીર)

જોકે, રેટિંગ એજન્સી મૂડીઝ એક પગલા અંગે ઝાઝી ઉત્સાહિત નથી. તેમનું માનવું છે કે મધ્યમ વર્ગને રાહત આપવાથી ભારતની વૃદ્ધિ પર ઝાઝી અસર નહીં પડે.

મૂડીઝ રેટિંગ્સના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિશ્ચિયી ડે ગુઝમૅન કહે છે કે અત્યાર સુધી એ વાત સ્પષ્ટ નથી કે ટૅક્સકપાતનું પગલું ભરીને સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે ઘણું કર્યું છે. થોડા સમય માટે તો આની અસર દેખાઈ શકે છે, પરંતુ લાંબા ગાળા માટે અનિશ્ચિતતા છે.

નુવામા ઇન્સ્ટિટ્યૂટ ઇક્વિટીઝના કાર્યકારી નિદેશ અબનીશ રૉય કહે છે કે, "પાગારદાર વર્ગની ખર્ચશક્તિ વધવાથી બધા પ્રકારની કન્ઝ્યૂમર કંપનીઓને લાભ થશે."

ડાબર ઇન્ડસ્ટ્રીઝના મોહિત મલ્હોત્રાએ ઇન્કમટૅક્સમાં રાહત આપવાના સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.

તેમણે કહ્યું કે લોકોના હાથમાં પૈસા વધશે અને તેથી તેઓ ખર્ચ પણ કરશે. આનાથી અર્થતંત્રને વેગ મળશે.

2047 સુધી વિકસિત ભારત

બીબીસી ગુજરાતી, મોદી, બજેટ, 12 લાખ રૂ.ની આવક કરમુક્ત, રાજકારણ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય રિઝર્વ બૅંક અને ઘણી ખાનગી એજન્સીઓએ માન્યું છે કે ભારતીય અર્થતંત્રમાં હાલ સુસ્તી છે.

નાણામંત્રીએ પણ કહ્યું છે કે જો ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવું હોય તો અને વર્ષ 2047 સુધી વિકસિત દેશની કૅટગરીમાં પોતાની જાતને જોવી હોય તો જીડીપી વૃદ્ધિદર આઠ ટકા કરતાં ઓછો ન હોવો જોઈએ.

કદાચ આ જ કારણસર સરકાર મધ્યમ વર્ગને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે.

નવી ઇન્કમટૅક્સ પ્રણાલીમાં ભાર બચત પર હોવાને સ્થાને ખર્ચ પર છે. નાણામંત્રીએ પોતાના સમગ્ર ભાષણમાં જૂની કરપ્રણાલીનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો, જેમાં ટૅક્સ છૂટ અને બચતને પ્રોત્સાહન અપાતું હતું.

બજેટ રજૂ કર્યા બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં નિર્મલા સીતારમણે કહ્યું, "જો તમે આજે અમે જે કાંઈ કર્યું એની સરખામણી વર્ષ 2014ની કૉંગ્રેસ સરકાર હેઠળ થયેલાં કાર્યો સાથે કરાય તો દરોમાં બદલાવની દૃષ્ટિએ 24 લાખ રૂપિયા કમાનાર લોકોને પણ લાભ થયો છે. હવે તેમની પાસે જૂની વ્યવસ્થાની સરખામણીએ 2.6 લાખ રૂપિયા વધુ છે. તેથી માત્ર 12 લાખ રૂપિયા સુધીની આવક રળતા લોકોને જ લાભ થયો છે એવું નથી, બલકે ઘણા લોકને આનો લાભ થવાનો છે."

મધ્યમ અને નિમ્ન વર્ગ પર નિશાન

બીબીસી ગુજરાતી, મોદી, બજેટ, 12 લાખ રૂ.ની આવક કરમુક્ત, રાજકારણ
ઇમેજ કૅપ્શન, નવી કરપ્રણાલીમાં કરમાળખું કંઈક આવું બની ગયું છે

સામાન્ય રીતે ચૂંટણી પહેલાં પોતાનાં ઘોષણાપત્રોમાં 'ફ્રી-ફ્રી'નાં ગાણાં ગાતાં દળો સમય પાકે ત્યારે આ જ મુદ્દે એકબીજાની ટીકા કરતાં નથી થાકતાં.

અહીં સુધી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેવડી કલ્ચર અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ ચૂંટણી આવતાંવેત તેમનો પક્ષ પણ પોતાના ઘોષણાપત્રમાં ફ્રી-ફ્રીના નારા પોકારવા લાગે છે. આવી સ્થિતિમાં ઇન્કમટૅક્સમાં છૂટની મર્યાદા વધારીને સરકારે રાજકીય દળો પાસેથી 'ટીકા'નું હથિયાર છીનવી લીધું છે.

હરિયાણાના ગુરુ જમ્ભેશ્વર વિજ્ઞાન અને ટેકનૉલૉજીમાં અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર નરેન્દ્ર બિશ્નોઈએ કહ્યું છે કે, "કેન્દ્ર સરકારે એક બહેતર બજેટ રજૂ કર્યું છે. આવકવેરાની છૂટને 12 લાખ રૂપિયા સુધી લઈ જઈને એક મોટા વર્ગ પર નિશાન સાધવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સેવા શ્રેણીનો અલગ વર્ગ સામેલ છે. અત્યાર સુધીના આંકડામાં એવું જોવા મળ્યું છે કે આર્થિક દૃષ્ટિએ કમજોર વર્ગ સામાજિક દૃષ્ટિએ પછાત વર્ગમાંથી આવતો હોય છે."

"પછી ભલે એ ઓબીસી હોય કે એસસી-એસટી. આવી સ્થિતિમાં તેમની આવકને કરમુક્ત કરીને સીધો તેમને લાભ કરાવાયો છે. આનો લાભ આર્થિક દૃષ્ટિએ કમજોર સામાન્ય વર્ગને પણ મળશે. આ વર્ગ હવે પોતાના ઉપભોગની વસ્તુઓ એટલે કે શૅમ્પૂ, સાબુ, બાઇક, ખાનપાન સહિત અન્ય વસ્તુઓ પર ખર્ચ કરી શકશે. માગ વધશે તો ઉત્પાદન પણ કરવું પડશે. આની અસર એવી થશે કે વધુ રોજગારી પેદા થશે. આ વર્ગને પોતાની આવક વધારવા માટે સરકાર પાસેથી આ પ્રકારના સમર્થનની આશા પણ હતી."

ચૂંટણીલક્ષી તીર

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પાટનગરમાં 70 વિધાનસભા બેઠકો પર એક તબક્કામાં પાંચ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે.

દિલ્હીમાં મતદારોનો એક મોટો વર્ગ જે વર્ગમાંથી આવે છે, તેમને ઇન્કમટૅક્સ સંદર્ભે લેવાયેલા પગલાથી લાભ થવાનો છે.

ભાજપ દિલ્હીમાં 27 વર્ષોથી સત્તાથી બહાર છે, આવી સ્થિતિમાં આ પગલાથી તે રાજકીય લાભની અપેક્ષા જરૂર રાખી રહ્યો હશે.

હરિયાણાના ગુરુ જમ્ભેશ્વર વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર નરેન્દ્ર બિશ્નોઈ કહે છે કે, "દિલ્હીમાં એક મોટો વર્ગ સર્વિસ ક્લાસમાંથી આવે છે. આ વર્ગને એક મોટી ભેટ મળી છે. આની અસર વોટિંગ પૅટર્ન પર કેટલી પડશે એ તો ચૂંટણી બાદ જ ખબર પડશે, પરંતુ ભાજપ સરકારની છબિને જરૂર લાભ થશે."

આ સિવાય નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ઘણાં ઓછાં રાજ્યોનાં નામ લીધાં અને સૌથી વધુ બિહારનું નામ લેવાયું.

મધુબની પેઇન્ટિંગવાળી સાડી પહેરીને બજેટ ભાષણ વાંચી રહેલાં નિર્મલાએ કહ્યું કે બિહારમાં મખાના બોર્ડનું ગઠન કરાશે.

આ સિવાય કેટલાંક નવાં ઍરપૉર્ટ બનાવવાનું પણ એલાન કર્યું છે. અહીં યાદ અપાવી દઈએ કે બિહારમાં ભાજપ નીતીશકુમારની પાર્ટી જેડીયુ સાથે ગઠબંધન સરકારમાં છે અને રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.