ડોનાલ્ડ ટ્રમ્પનો વૉઇસ ઑફ અમેરિકાને બંધ કરવાનો આદેશ, મીડિયાજગતમાં ખળભળાટ

વૉઇસ ઑફ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રેસ સ્વાતંત્ર્ય, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાઝી અને જાપાની પ્રચારનો સામનો કરવા વૉઈસ ઑફ અમેરિકાની સ્થાપના થઈ હતી
    • લેેખક, થોમસ મેકિન્ટોશ અને મર્લિન થોમસ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારના ભંડોળથી ચાલતી સમાચાર સંસ્થા વૉઇસ ઑફ અમેરિકાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે વૉઇસ ઑફ અમેરિકા 'ટ્રમ્પવિરોધી' અને 'કટ્ટરવાદી' હોવાનો આરોપ મૂક્યો છે.

વ્હાઇટ હાઉસના એક નિવેદન પ્રમાણે, ટ્રમ્પના ઑર્ડરના કારણે "હવે કરદાતાઓએ કટ્ટરવાદી પ્રોપગૅન્ડા સાંભળવો નહીં પડે." આ નિવેદનમાં વીઓએની ટીકા કરતા રાજકારણીઓ અને જમણેરી મીડિયાનાં અવતરણો ટાંક્યાં હતાં.

વીઓએ મુખ્યત્વે રેડિયો સર્વિસ છે જેને વિશ્વયુદ્ધ વખતે નાઝી પ્રોપગૅન્ડાનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવી હતી. હાલમાં તે દર અઠવાડિયે આખી દુનિયામાં કરોડો લોકો સુધી પહોંચે છે.

વૉઇસ ઑફ અમેરિકાના ડાયરેક્ટર માઇક એબ્રામોવિત્ઝે કહ્યું કે તેમને અને 1300 લોકોના સમગ્ર સ્ટાફને પેઇડ લીવ પર ઉતારી દેવાયા છે.

એબ્રામોવિત્ઝે કહ્યું કે આ આદેશના કારણે વીઓએ "પોતાનું મહત્ત્વનું મિશન પૂરું કરવામાં અસમર્થ બની ગયું છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે ઈરાન, ચીન અને રશિયા જેવા અમેરિકા વિરોધીઓ અમેરિકાને બદનામ કરવા માટે ખોટી માહિતી ફેલાવવા અબજો ડૉલર ખર્ચી રહ્યા છે ત્યારે."

અમેરિકન પત્રકારોના એક અગ્રણી જૂથ નૅશનલ પ્રેસ ક્લબે કહ્યું કે આ ઑર્ડર મુક્ત અને સ્વતંત્ર પ્રેસ પ્રત્યે અમેરિકાની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને નબળી કરે છે.

તેમાં જણાવાયું હતું કે, "એક આખા ન્યૂઝરૂમને જો રાતોરાત સાઇડલાઇન કરી દેવાય તો તે પ્રેસની સ્વતંત્રતા વિશે શું સૂચવે છે?"

"એક આખા સંગઠનને ટુકડે ટુકડે ખતમ કરવામાં આવી રહ્યું છે. આ માત્ર સ્ટાફિંગનો નિર્ણય નથી પરંતુ મૂળભૂત બદલાવ છે જે વીઓએમાં સ્વતંત્ર પત્રકારત્વના ભવિષ્યને જોખમમાં નાખે છે."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ફ્રીલાન્સ કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય કૉન્ટ્રાક્ટરોને જણાવાયું છે કે હવે પૈસા નથી

વૉઇસ ઑફ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રેસ સ્વાતંત્ર્ય, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે વીઓએને પોતાનું વિરોધી ગણતા આવ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશનું લક્ષ્ય વીઓએની મૂળ કંપની યુએસ એજન્સી ફૉર ગ્લોબલ મીડિયા (યુએસએજીએમ) છે, જે રેડિયો ફ્રી યુરોપ અને રેડિયો ફ્રી એશિયા જેવાં બિનનફાલક્ષી સંગઠનોને પણ ફંડ કરે છે. મૂળભૂત રીતે તેને સામ્યવાદનો પ્રતિકાર કરવા માટે સ્થાપવામાં આવ્યાં હતાં.

ટ્રમ્પના આદેશમાં મૅનેજરોને કાયદા હેઠળ અપેક્ષિત લઘુતમ સ્તરે કામગીરીને લઈ જવા જણાવાયું છે.

બીબીસીના અમેરિકન ન્યૂઝ પાર્ટનર સીબીએસે જણાવ્યું કે વીઓએના કર્મચારીઓને યુએસએજીએમના માનવ સંસાધન ડાયરેક્ટર ક્રિસ્ટલ થૉમસ દ્વારા એક ઇમેઇલથી જાણ કરવામાં આવી હતી.

સીબીએસને એક સૂત્રે જણાવ્યું કે તમામ ફ્રીલાન્સ કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય કૉન્ટ્રાક્ટરોને જણાવાયું છે કે હવે તેમને ચૂકવવા માટે કોઈ નાણાં નથી.

સીબીએસે મેળવેલા ઇમેઇલ મુજબ રેડિયો ફ્રી એશિયા અને રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટીના માલિકોને જણાવાયું છે કે તેમની ફેડરલ ગ્રાન્ટ બંધ કરવામાં આવી છે.

વીઓએ અને યુએસએજીએમ હેઠળનાં અન્ય સ્ટેશનોએ કહ્યું કે તેઓ 40 કરોડથી વધુ શ્રોતાએ સુધી સેવા પહોંચાડે છે. તેઓ લગભગ બીબીસી વર્લ્ડ સર્વિસની સમકક્ષ છે જેને બ્રિટિશ સરકાર દ્વારા આંશિક રીતે ફંડ અપાય છે.

ચેક રિપબ્લિકના વિદેશમંત્રી જેન લિપાવસ્કીએ કહ્યું કે તેમને આશા છે કે યુરોપિયન યુનિયન પ્રાગમાં રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટીને ચાલુ રાખવામાં મદદ કરી શકે છે.

તેમણે કહ્યું કે તેઓ સોમવારે થનારી બેઠકમાં યુરોપિયન વિદેશમંત્રીઓ સાથે બ્રૉડકાસ્ટરના સંચાલનને કમસે કમ આંશિક રીતે જાળવી રાખવાની યોજના માટે વાત કરશે.

ટ્રમ્પના નજીકના સલાહકાર ઇલૉન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સનો ઉપયોગ કરીને વીઓએને બંધ કરવા આહ્વાન કર્યું છે. ઇલૉન મસ્ક સરકારમાં વ્યાપક કાપ પર નજર રાખે છે.

વૉઇસ ઑફ અમેરિકાનો ઇતિહાસ

વૉઇસ ઑફ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રેસ સ્વાતંત્ર્ય, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન રાષ્ટ્રપતિએ અન્ય ફેડરલ એજન્સીઓને મળતા ફંડમાં પણ કાપ મૂક્યો છે. તેમાં નિરાધાર લોકો માટે કામ કરતી સંસ્થાઓ, મ્યુઝિયમો અને લાઇબ્રેરીઓ સામેલ છે.

ટ્રમ્પ પોતાના પ્રથમ કાર્યકાળમાં વીઓએના આકરા ટીકાકાર હતા. તાજેતરમાં જ તેમણે પોતાના કટ્ટર સમર્થક કેરી લેકને યુએસએજીએમ માટે વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે મુખ્ય પ્રવાહનાં મીડિયા સંગઠનો તેમની વિરુદ્ધ પક્ષપાતી વલણ ધરાવે છે. તેમણે ન્યાય વિભાગમાં પોતાના એક ભાષણ દરમિયાન સીએનએન અને એમએસએનબીસીને 'ભ્રષ્ટ' ગણાવ્યા હતા.

1942માં વૉઇસ ઑફ અમેરિકા શરૂ કરવામાં આવ્યું ત્યારે તેનું કામ નાઝી અને જાપાની પ્રચારનો વિરોધ કરવાનું હતું. બીબીસીએ અમેરિકાને ઉછીના આપેલા ટ્રાન્સમિટર મારફત તેનું પ્રથમ પ્રસારણ થયું હતું.

ભૂતપૂર્વ પ્રમુખ જેરાલ્ડ ફોર્ડે વીઓએની સંપાદકીય સ્વતંત્રતાના રક્ષણ માટે 1976માં તેના પબ્લિક ચાર્ટર પર સહી કરી હતી.

1994 સુધીમાં એક બિનસૈન્ય પ્રસારણ પર નજર રાખવા બ્રૉડકાસ્ટ બોર્ડ ઑફ ગવર્નર્સની સ્થાપના કરવામાં આવી હતી.

2013માં કાયદામાં ફેરફારના કારણે વીઓએ અને તેના સહયોગીઓને અમેરિકામાં પ્રસારણ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.