અમેરિકામાં 'રેડ કાર્ડ'ની માગ કેમ વધી રહી છે, શું તે ગેરકાયદે રહેતા લોકોને દેશનિકાલથી બચાવી શકે છે?

ઇમેજ સ્રોત, Handout
"આ (રેડ કાર્ડ) મારી પાસે હોય ત્યારે હું સુરક્ષિત અનુભવું છું. "
લૉસ એન્જલસમાં કોઈ પણ અધિકૃત દસ્તાવેજો વગર રહેતાં ફિલિપીન્ઝનાં પ્રવાસી વેરોનિકા વેલાસ્ક્વેઝ હંમેશા તેમના પર્સમાં એક નાનું લાલ રંગનું કાર્ડ રાખે છે. જેને લોકો 'રેડ કાર્ડ' તરીકે ઓળખે છે.
ક્યારેક આને "નો યોર રાઇટ્સ" એટલે કે તમારા અધિકારોને જાણો કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તે વેરોનિકા અને અન્ય લોકોને તેમના બંધારણીય અધિકારો અને યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (ICE) અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે તેમણે શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન આપે છે. આ કાર્ડ તેમને તેમના અધિકારોની જાણકારી પણ આપે છે.
આ કાર્ડ લગભગ બે દાયકા પહેલા ILRC એટલે કે ઇમિગ્રન્ટ લીગલ રિસોર્સ સેન્ટર નામના કાનૂની અને ઇમિગ્રેશન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને હવે તે 19 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
જોકે, 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિપદ સંભાળ્યું અને "ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ" કરવાનું વચન આપ્યું ત્યારથી આ કાર્ડની માંગમાં સતત વધારો થયો છે.
ILRC એ જણાવ્યું કે "તારીખ 5 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી પછી અમને નવ મિલિયન અરજીઓ આ કાર્ડ મેળવવા માટે મળી છે. જે છેલ્લાં 17 વર્ષની કુલ અરજીઓ કરતાં પણ વધુ છે."
રેડ કાર્ડથી શું ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Handout
અમેરિકામાં રહેતી દરેક વ્યક્તિને તેનું ઇમિગ્રેશન સ્ટેટસ ગમે તે હોય તો પણ દેશના બંધારણ દ્વારા કેટલાક અધિકારો આપવામાં આવેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ILRC રેડ કાર્ડ દેશનિકાલના જોખમ સાથે રહેતા લોકોને કેવી વાસ્તવિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તેનાં ઉદાહરણો પૂરાં પાડે છે. જેમ કે જ્યારે ICE એજન્ટો તેમના ઘરે પહોંચી જાય અને ધમકી આપે.
આ કાર્ડ પાંચમા સુધારાના મૌન રહેવાના અધિકારનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તે વ્યક્તિને ધાકધમકીથી ગુનો કબુલ કરાવતા અને ઇમિગ્રેશન અધિકારીઓના કોઈપણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકારનો અધિકાર આપે છે.
આ કાર્ડ ન્યાયાધીશ દ્વારા સહી કર્યા વગરના વૉરંટ વિના કોઈ પણ એજન્ટને તમારા ઘરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવાની પણ સલાહ આપે છે. તે ચોથા સુધારા વિશે પણ માર્ગદર્શન આપે છે જે લોકોને સરકાર દ્વારા ગેરવ્યાજબી શોધખોળ અને જપ્તીથી પણ રક્ષણ આપે છે.
આ કાર્ડનો રંગ એ લાલ કાર્ડનો સંદર્ભ છે કે જેનો ઉપયોગ ફૂટબૉલની રમતમાં રૅફરી ખેલાડીઓને ફાઉલ કરવા પર મેદાનની બહાર મોકલવા માટે કરે છે.
કૅલિફોર્નિયા સ્થિત ILRC એ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રહેતા કામદારોને લક્ષ્ય બનાવતા શ્રેણીબદ્ધ દરોડાઓ પાડ્યા બાદ આ સમુદાય ડરી ગયો હતો અને તેને શકની નજરે જોવામાં આવતો હતો. જેને કારણે તેમને 2007 માં આ કાર્ડનો વિચાર આવ્યો હતો.
આ સંસ્થા બિનનફાકારક સંસ્થાઓ અને વ્યવસાયોને કાર્ડનું વિતરણ કરે છે જેથી તેઓ શાળાઓ, ચર્ચો, આરોગ્ય કેન્દ્રો અથવા બૅન્કોમાં તેનું વિતરણ કરી શકે.
ઇમિગ્રન્ટ્સ અને આશ્રય શોધનારાઓ સાથે કામ કરતા વકીલોને પણ કાર્ડનું વિતરણ કરવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ તેને પ્રિન્ટ કરી શકે છે. કાર્ડની એક અથવા બંને બાજુ અંગ્રેજીમાં લખેલી હોય છે. જ્યારે બીજી બાજુ વ્યક્તિ પોતાની ભાષામાં લખી શકે છે.
તે સ્પેનિશ, પોર્ટુગીઝ, અરબી, રશિયન, યુક્રેનિયન, વિયેતનામીઝ, ચાઇનીઝ અને અન્ય ભાષાઓમાં છાપી શકાય છે. જે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા પ્રવાસીઓની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.
પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર 2022 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં 11 મિલિયન ગેરકાયદેસર પ્રવાસીઓ હતા.
આ સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા કુલ ઇમિગ્રન્ટ્સના 23% અને દેશની સામાન્ય વસ્તીના 3.3% જેટલી છે.
લગભગ ચાર મિલિયન લોકો મૂળ મૅક્સિકોના છે, અને લગભગ બે મિલિયન લોકો મધ્ય અમેરિકાના ઉત્તરી ત્રિકોણ (અલસાલ્વાડોર, હોન્ડુરાસ અને ગ્વાટેમાલા) તરીકે ઓળખાતા ત્રણ દેશોના વતની છે.
એશિયન, આફ્રિકન અને અન્ય સમુદાયોના ઇમિગ્રન્ટ્સ પણ છે.
સ્થળાંતર કાર્યકરો કહે છે કે લાલ કાર્ડમાં દર્શાવેલ અધિકાર દેશમાં રહેવા અથવા દેશનિકાલ થવા વિશેના તફાવતની જાણકારી આપે છે.
"તે એક સરળ સંસાધન છે, પરંતુ તેની અસર મોટી છે," કૅલિફોર્નિયાનાં ન્યૂપૉર્ટ બીચ સ્થિત કૉસ્ટલાઇન યુનિવર્સિટીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટરનાં ડાલિયા જેટિના જણાવે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે "આ કાર્ડ ધરાવનાર ઘરની બહાર નીકળતી વખતે અથવા કામ પર જતી વખતે સલામતી અનુભવે છે."
તેઓ આ વિશે વધુ માહિતી આપતાં કહે છે, "જો કોઈ એજન્ટ તમને રોકે તો તમે મૂંઝવણમાં પડી શકો છો. તેથી તમારે ફક્ત કાર્ડમાં જોઇને વાંચવાનું છે અથવા સીધું તેમને આપવાનું છે."
તેઓ જ્યાં કામ કરે છે તે કેન્દ્રએ વિવિધ સમુદાયને સ્પેનિશ, ટાગાલોગ અને વિયેતનામી ભાષામાં લખેલાં 700 કાર્ડનું વિતરણ કર્યું છે.
રેડ કાર્ડની માગમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ આવા NGO અને સ્વયંસેવક જૂથોની ભારે ટીકા કરી છે.
ટ્રમ્પના સરહદ કમિશનર ટૉમ હોમન કે જેઓ દેશનિકાલની કામગીરીના વડા છે તેઓ કહે છે, "તેઓ આ ઝુંબેશને નો યોર રાઇટ્સ કહે છે. પરંતુ ખરેખર તો તેઓ તેમને ધરપકડથી કેવી રીતે બચવું તે શિખવાડે છે."
તેમણે h\ક્સ ન્યૂઝને કહ્યું, "ગુનેગાર પ્રવાસીઓને દેશનિકાલ કરવાથી અમને કોઈ રોકી શકે નહીં. અમે કામ પૂરું કરીશું."
દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ્સનો દેશનિકાલ કરવો એ ટ્રમ્પના સૌથી મોટાં ચૂંટણી વચનોમાંનું એક હતું. તેમણે સત્તા સંભાળી ત્યારથી અમેરિકામાં ઘરો અને કાર્યસ્થળો પર દરોડાનું પ્રમાણ વધી ગયું છે.
નવું વહીવટીતંત્ર તેની પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
વ્હાઇટ હાઉસ, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી અને ICE દરરોજ ધરપકડના ફોટા પ્રકાશિત કરે છે, જેમાં ક્યારેક લોકોને હાથ-પગ બાંધીને વિમાનમાં ચઢાવતા બતાવવામાં આવે છે.
યુએસ સરકારે કહ્યું કે આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે અને તેઓ "ગુનેગારો" ને ભગાડી રહ્યા છે.
જોકે NBC ન્યૂઝ દ્વારા મેળવેલા આંકડા દર્શાવે છે કે ધરપકડ કરાયેલા લોકોમાંથી 40% થી વધુ તો નિર્દોષ હતા.
તેમને જાણવા મળ્યું કે ફેબ્રુઆરીનાં પહેલા બે અઠવાડિયામાં ICE દ્વારા ધરપકડ કરાયેલા 4,422 લોકોમાંથી 1,800 લોકોને કોઇ જ સજા ફટકારવામાં આવી ન હતી કે ગુનાનો કોઇ આરોપ મૂકવામાં આવ્યો હતો.
યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવાસીઓમાં પકડાઈ જવાનો ભય વ્યાપક છે, પરંતુ આ રેડ કાર્ડ આવી પરિસ્થિતિમાં ક્યાંક મદદ કરીને આ ભયના વાતાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












