ટેરિફ એટલે શું અને કોણે ચૂકવવી પડશે આની કિંમત?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લગાવ્યો છે. એટલે ભારત પર હવે કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પના હસ્તાક્ષરવાળા કાર્યકારી આદેશ અનુસાર, વધારાનો ટેરિફ 21 દિવસ બાદ લાગુ થશે.
બુધવારના વ્હાઇટ હાઉસના કાર્યકારી આદેશ અનુસાર, 'ભારત આ સમયે સીધી કે પરોક્ષ રીતે રશિયન ઑઇલની આયાત કરી રહ્યું છે.'
તેના આધારે અમેરિકાએ ભારતથી આયાત થનાર બધાં ઉત્પાદનો પર 25 ટકા વધુ ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે.
જવાબમાં ભારતે ટ્રમ્પની આ ધમકીને 'અયોગ્ય અને તર્કવિહીન' ગણાવી છે.
હવે સમજીએ કે આ ટેરિફ શું છે જેને કારણે આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
ટેરિફ એટલે શું અને તે કેવી રીતે લાગુ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટેરિફ એ અન્ય દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતો કર છે.
જે કંપનીઓ દેશની અંદર વિદેશી સામાન લાવે, તે સરકારને કરવેરો ચૂકવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્યપણે ટેરિફ એ કોઈ ઉત્પાદનના મૂલ્યની ટકાવારી હોય છે. ચાઇનીઝ ચીજવસ્તુઓ પર 20 ટકા ટેરિફ લાદવાનો અર્થ થાય છે કે, 10 ડૉલરની કિંમતની વસ્તુ પર બીજો બે ડૉલરનો ચાર્જ વસૂલવામાં આવશે.
કંપનીઓ ટેરિફની અમુક કે સમગ્ર લાગત ગ્રાહકોના ખભે નાખવાનો વિકલ્પ અપનાવી શકે છે.
સામાન્યપણે અમેરિકા ચીજવસ્તુઓ પર અન્ય દેશો કરતાં નીચો ટેરિફ વસૂલે છે જેનો અર્થ એ કે, તેના પારસ્પરિક (રૅસિપ્રોકલ) પ્લાનને કારણે કરના દરોમાં તેમજ ચેક-આઉટ વખતે લોકોએ ચૂકવવાની રહેતી કિંમતમાં તીવ્ર ઉછાળો આવી શકે છે.
ટેરિફ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પનું કહેવું છે કે ટેરિફ લાદવાથી અમેરિકન ઉપભોક્તા અમેરિકન સામાન વધુ ખરીદશે.
તેમના પ્રમાણે સામાન આયાત કરવા પર ટૅક્સ લાદવાથી ટૅક્સની વસૂલાત વધશે અે તેનાથી અમેરિકામાં જ રોકાણ કરીને સામાન બનાવવા પર ભાર હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે ટેરિફ ઘરેલુ સ્તરે રોજગાર પેદા કરે છે અને તેનું રક્ષણ કરે છે.
ટ્રમ્પ ટેરિફને અમેરિકન અર્થતંત્ર સાથે જ ટૅક્સ રેવન્યૂ વધારવાની રીત તરીકે જુએ છે.
ટ્રમ્પ વિશ્વના અન્ય દેશોથી ખરીદાતા સામાન અને અમેરિકા વિશ્વના અન્ય દેશોને જે સામાન વેચે છે, તેના અંતરને ઘટાડવા માગે છે.
તેને વેપાર ખાધ કહે છે. ટ્રમ્પનું કહેવું છે કે 'દગાખોરો'એ અમેરિકાનો લાભ ઉઠાવ્યો છે.
ટ્રમ્પે અલગ-અલગ દેશોમાંથી થતી આયાત અને ખાસ સામાન પર અલગ અલગ ટેરિફની જાહેરાત કરી છે.
વર્ષ 2024માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ચૂંટણીઅભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે એક વખત કહ્યું હતું, "મારી યોજના અંતર્ગત અમેરિકન કર્મચારી હવે પોતાના જે દેશમાં વિદેશીઓના કારણે નોકરી ગુમાવવા વિશે ચિંતિત નહીં હોય. બલકે વિદેશી લોકો અમેરિકામાં પોતાની નોકરી ગુમાવવા અંગે ચિંતિત હશે."
બીબીસીના ઇકૉનૉમિક એડિટર ફૈસલ ઇસ્લામ પ્રમાણે ટ્રમ્પ વૈશ્વિક આર્થિક નકશાને મૂળપણે બદલવા માગે છે. સાથે જ તેઓ અમેરિકા સાથે ચીન અને યુરોપના વેપાર સરપ્લસને ઘટાડવા માગે છે, જેને તેઓ 'અમેરિકાને લૂંટવા' તરીકે જુએ છે.
ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે તેમણે વર્ષ 2018માં રાષ્ટ્રપતિ તરીકે જેમ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદ્યા હતા, એ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કરે છે, કારણ કે આ 'રક્ષણ-ઔદ્યોગિક ક્ષેત્રનો પાયો છે.'
સૌથી વધુ ટેરિફ કઈ વસ્તુ પર?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
બુધવારે વ્હાઇટ હાઉસમાં થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે ટ્રમ્પને બીબીસી સંવાદદાતા એન્થની જર્ચરે પ્રશ્ન પૂછ્યો કે 'ચીન સહિત ઘણા દેશ રશિયા પાસેથી ઑઇલ ખરીદી રહ્યા છે, તો પછી ભારતને જ કેમ નિશાન બનાવાયું?'
આના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "હજુ તો માત્ર આઠ કલાક જ થયા છે. જોઈએ આગળ શું થાય છે. તમે હજુ પણ ઘણું બધું જોવા મળશે. ઘણા વધારાના પ્રતિબંધો પણ જોવા મળી શકે છે."
ટ્રમ્પને જ્યારે ફરી સવાલ કરાયો કે 'શું અમેરિકાની ચીન પર પણ વધારાનો ટેરિફ લાદવાની કોઈ યોજના છે?'
આના જવાબમાં તેમણે કહ્યું, "એવું બની શકે છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે અમે આગળ શું પગલું ઉઠાવીએ છીએ."
હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલ માટે અપાયેલી 1 ઑગસ્ટની સમયસીમા સમાપ્ત થયા બાદ 90 કરતાં વધુ દેશો પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરાઈ હતી.
ટ્રમ્પે જે દેશો પર હાઇ ટેરિફ લાદ્યો છે, તેમાં બ્રિક્સ દેશો પણ સામેલ છે. નવી યાદી પ્રમાણે, ટ્રમ્પે બાઝીલ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે.
આ સિવાય દક્ષિણ આફ્રિકા અને ચીન પર 30 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
- 50 ટકા ટેરિફ સ્ટીલ અને એલ્યુમિનિયમનાં ઉત્પાદનોની આયાત પર
- 50 ટકા ટેરિફ તાંબાની આયાત પર, જે 1 ઑગસ્ટથી લાગુ
- 25 ટકા ટેરિફ વિદેશમાં બનેલી કાર, આયાત કરાયેલા એન્જિન અને કારના અન્ય સ્પેરપાર્ટ્સ પર
8 જુલાઈના રોજ ટ્રમ્પે ધમકી આપી હતી કે ફાર્મા સામાનની આયાત પર 200 ટકા ટેરિફ લાદીશું, પરંતુ અત્યાર સુધી તેના પર કોઈ જાણકારી નથી.
ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે લગભગ 800 ડૉલર કે તેનાથી ઓછાં ઉત્પાદનો પર મળેલી ટેરિફ છૂટ પણ 29 ઑગસ્ટથી ખતમ થઈ જશે.
કયા દેશ પર કેટલો ટેરિફ?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ તરફથી અલગ અલગ દરોથી ઘોષિત ટેરિફ હવે ઘણા દેશો પર લાગુ થઈ ગયા છે.
તેમાંથી મોટા ભાગની જાહેરાત આ વર્ષે 2 એપ્રિલે થઈ, જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે 10 ટકા 'બેઝલાઇન ટેરિફ' બધા દેશોમાંથી આયાત થતા સામાન પર લાગુ થશે.
ટેરિફના દર કંઈક આ પ્રમાણે છે :
- 50 ટકા ટેરિફ બ્રાઝીલના સામાન પર
- 30 ટકા ટેરિફ દક્ષિણ આફ્રિકાના સામાન પર
- 20 ટકા ટેરિફ વિયેતનામના સામાન પર
- 19 ટકા ટેરિફ ફિલિપાઇન્સના સામાન પર
- 15 ટકા ટેરિફ જાપાની સામાન પર
- 15 ટકા ટેરિફ દક્ષિણ કોરિયન સામાન પર
ટ્રમ્પે રશિયા પાસેથી ઑઇલ ખરીદવા માટે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આના કારણે ભારતીય વસ્તુઓ પર 27 ઑગસ્ટથી ટેરિફનો દર 50 ટકા થઈ જશે.
યુરોપિયન યુનિયન એવાં જૂથો પૈકી એક છે, જેણે ટ્રમ્પ સાથે વાતચીત માટે અપાયેલી સમયસીમામાં જ ડીલ પર સંમતિ સાધી લીધી. જુલાઈના અંતિમ અઠવાડિયામાં બંને પક્ષો વચ્ચે એવું સમાધાન થયું કે યુરોપિયન યુનિયનના કાર સહિતનાં ઉત્પાદનો પર 15 ટકા ટેરિફ લાગશે. આ ડીલ અતંર્ગત યુરોપિયન યુનિયનમાં સામેલ દેશ કેટલાક સામાન માટે અમેરિકન કંપનીઓ પાસેથી ઝીરો ડ્યૂટી ચાર્જ કરશે.
અત્યાર સુધી યુકે જ એક એવો દેશ છે જેણે અમેરિકાની તરફથી ઓછામાં ઓછા દસ ટકા ટેરિફ લાદવા પર સંમતિ સાધી લીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












