'મતદારયાદીમાં મોટી ગરબડ' કર્યાનો રાહુલ ગાંધીનો દાવો, ભાજપ અને ચૂંટણીપંચે શું કહ્યું?

ઇમેજ સ્રોત, @RahulGandhi
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારના એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીપંચ પર ગંભીર આરોપ લગાવ્યા.
તેમણે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં 'મતદાર યાદીમાં મોટા પાયે ગોટાળો કરવામાં આવ્યો' હતો.
તેમણે કહ્યું કે, "મશીન-રીડેબલ વોટર લિસ્ટ ન આપવી એ વાતનો પુરાવો છે કે ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં 'ચોરી' માટે ભાજપ સાથે મિલીભગત કરી હતી."
ભારતીય ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપોને 'ગેરમાર્ગે દોરનાર' ગણાવ્યા છે. ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ પોતાની ફરિયાદ લેખિતમાં કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીને આપે.
ચૂંટણીપંચે કહ્યું કે જો રાહુલ ગાંધી સમજે છે કે જે તેઓ કહી રહ્યા છે તે સત્ય છે તો તેઓ શપથપત્ર પર હસ્તાક્ષર કરીને ફરિયાદ આપે અથવા પછી ભારતની જનતાને ગેરમાર્ગે ન દોરે.

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટકના ચૂંટણી અધિકારીએ કહ્યું કે, "આજે આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં તમે મતદારયાદીમાં અપાત્ર મતદારોને સામેલ કરવાનો અને પાત્ર મતદારોને બહાર કરવાનો ઉલ્લેખ કર્યો છે. તમને વિનંતી છે કે તમે મતદાર રજિસ્ટ્રેશન નિયમ, 1960 અંતર્ગત સંલગ્ન ઘોષણા/શપથ પર સહી કરીને આવા મતદારોનાં નામ મોકલી આપો, જેથી કાર્યવાહી શરૂ કરાય."
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટ ચોરી પર રાહુલ ગાંધીના દાવાને ફગાવ્યો હતો.
તેમણે કહ્યું છે કે, "રાહુલ ગાંધી સતત ખોટું બોલી રહ્યા છે અને ખોટાં નિવેદનો કરી રહ્યાં છે. તેમણે પહેલાં કહ્યું કે મહારાષ્ટ્રમાં 75 લાખ વોટ વધ્યા અને હવે કહી રહ્યા છે કે એક કરોડ વોટ વધ્યા. તેઓ ખોટું બોલીને પોતાની હારને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ શું આક્ષેપ કર્યા

ઇમેજ સ્રોત, @RahulGandhi
રાહુલ ગાંધીએ ગરબડના આરોપ લગાવ્યા અને કહ્યું કે-
- મહારાષ્ટ્રમાં અમે જાહેરમાં ચૂંટણીપંચને જણાવ્યું હતું કે પાંચ મહિનામાં જેટલા નવા મતદારો જોડવામાં આવ્યા તેઓ છેલ્લાં પાંચ વર્ષમાં જોડવામાં આવેલા મતદારો કરતાં પણ વધારે હતા, જેનાથી શંકા પેદા થાય છે.
- નવા મતદારોની સંખ્યા તો મહારાષ્ટ્રની વસ્તીથી પણ વધારે થઈ ગઈ, જે બહુ આશ્ચર્યજનક વાત હતી.
- પછી પાંચ વર્ષ પછી અચાનક મતદાન ટકાવારીમાં મોટો ઉછાળ આવ્યો.
- વિધાનસભા ચૂંટણીમાં અમારું ગઠબંધન પૂર્ણ રીતે સાફ થઈ ગયું જ્યારે કેટલાક મહિના પહેલાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં આ જ ગઠબંધન જીતી ગયું હતું. આ બહુ શંકાસ્પદ વાત હતી.
- મહારાષ્ટ્રમાં રાજ્ય સ્તર પર આપણે જોયું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે એક કરોડ નવા મતદારો જોડાયા હતા. આની ફરિયાદ ચૂંટણીપંચને પણ કરવામાં આવી હતી.
- રાજ્યમાં 40 લાખ નકલી મતદારો શોધવામાં આવ્યા.
કર્ણાટકને લઈને શું કહ્યું?
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કર્ણાટક લોકસભા ચૂંટણીમાં ઇન્ટરનલ પોલ્સે 16 બેઠકો જીતવાનું અનુમાન આપ્યું હતું પણ કૉંગ્રેસને માત્ર નવ બેઠકો મળી.
- કૉંગ્રેસની તપાસમાં જાણવા મળ્યું કે કર્ણાટકની મહાદેવપુરા બેઠક પર એક લાખથી વધારે ડુપ્લિકેટ મતદારો, નકલી સરનામાં અને બલ્ક વોટર હતા.
- કર્ણાટકમાં બેંગ્લુરુની મહાદેવપુરા વિધાનસભા બેઠક પર 6.5 લાખ મતદારોમાં એક લાખથી વધારે મતોની ચોરી થઈ.
- કર્ણાટકમાં 11 હજાર જેટલા મતદારો એવા મળ્યા જેમણે અલગ-અલગ બૂથ અને અલગ-અલગ રાજ્યોમાં પણ મતદાન કર્યું.
- આ મતદારોનાં નામ, બૂથ નંબર અને સરનામાની યાદી અમારી પાસે છે.
નકલી મતદારો અંગે રાહુલ ગાંધી શું બોલ્યા

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેટલાક મતદારો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ મતદાનમથકોની મતદાર યાદીમાં સામેલ છે.
એક મતદાર બેંગ્લુરુની મહાદેવપુરા બેઠક, પૂર્વી લખનૌ, મુંબઈના પૂર્ણ જોગેશ્વરી ચૂંટણી વિસ્તારમાં મતદારના રૂપમાં નોંધાયેલા છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમની શોધ ટીમે 40 હજારથી વધારે એવા નકલી મતદારોની ઓળખ કરી છે જેમનાં સરનામાં ખોટાં હતાં અથવા એવાં સરનામાં હતાં જેનું કોઈ અસ્તિત્વ નહોતું અથવા તેઓ એ સરનામાં પર ન મળ્યા.
એક-એક ઘરના સરનામા પર 80 અને 46 મતદારો નોંધાયેલા હતા.
નવા મતદારો માટે વપરાતા ફૉર્મ 6નો મોટાપાયે દુરુપયોગ થયો. આવા 33,692 કિસ્સા જોવા મળ્યા.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પર રાહુલે શું આક્ષેપ કર્યા
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે હરિયાણામાં કુલ આઠ બેઠકો પર કુલ બે કરોડ મતદારોમાં હારજીતનું અંતર માત્ર 22,779 હતું.
અહીં એક વિધાનસભા ક્ષેત્રમાં એક લાખ વોટ ચોરી થયાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો. ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસને જીતતા બતાવાઈ હતી સાથે જ 90 બેઠકોની હરિયાણા વિધાનસભામાં કૉંગ્રેસને લગભગ 60 બેઠકો મળતી હોવાનો દાવો કરાયો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે લગભગ બધા ઍક્ઝિટ પોલ્સન ખોટા સાબિત કર્યા અને બહુ આરામથી બહુમતીના આંકડાને પાર કરીને 48 બેઠકો પર જીત મેળવી.
રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ કહ્યું કે, "2024ની લોકસભા ચૂંટણી દરમ્યાન વડા પ્રધાન મોદીને સત્તામાં રહેવા માટે 25 બેઠકો ચોરવાની જરૂર હતી. અને એ ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર 33 હજારથી પણ ઓછા મતોથી જીત મેળવી હતી."
તેમણે કહ્યું કે, "અમે ચૂંટણીપંચને કહી રહ્યા છીએ કે તમે ભારતીય લોકશાહીને નષ્ટ કરવાનું નહીં પણ તેની રક્ષા કરવાનું કામ કરો છો. આ બધી માહિતી એક પુરાવો છે. માત્ર કર્ણાટકની જાણકારી નહીં પરંતુ દેશની દરેક મતદાર યાદી હવે એક પુરાવો છે."
"આ ભારતીય બંધારણ અને ત્રિરંગા વિરુદ્ધ કરેલો ગુનો છે. તેનાથી ઓછું કંઈ નથી. આ એક વિધાનસભામાં થયેલા અપરાધનું પ્રમાણ છે. અમે પૂર્ણ રૂપથી આશ્વસ્ત છીએ કારણ કે અમે પૅટર્ન જોઈ છે. અમે તેનો અભ્યાસ કર્યો છે."
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, "ચૂંટણીપંચે અમને ડેટા નથી આપ્યો, તેમણે જાતે જ કહ્યું કે તેઓ સીસીટીવી ફૂટેજ નષ્ટ કરવા જઈ રહ્યા છે... અને આ જ કારણ હતું કે જેના માટે તેઓ ફૂટેજ નષ્ટ કરવા માગતા હતા."
ચૂંટણીપંચે શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફરન્સ બાદ કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી એક નિવેદન જાહેર કરીને આરોપનો જવાબ અપાયો છે.
તેમાં કહેવાયું છે કે, "કર્ણાટક કૉંગ્રેસ તરફથી મુખ્ય ચૂંટણી અધિકારી સાથે મુલાકાતનો સમય મગાયો હતો. એ બાદ 8 ઑગસ્ટના રોજ બપોરે એકથી ત્રણનો સમય નક્કી કરાયો છે."
"મતદારયાદી જન પ્રતિનિધિત્વ કાયદા, 1950, મતદાર રજિસ્ટ્રેશન નિયમ 1960 અને સમયાંતરે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો પ્રમાણે, પારદર્શિતા સાથે તૈયાર કરાય છે."
"નવેમ્બર 2024 અને જાન્યુઆરી 2025માં કૉંગ્રેસને મતદારયાદી ઉપલબ્ધ કરાવાઈ હતી. જ્યાં સુધી ચૂંટણીપ્રક્રિયાની વાત છે, તેમાં માનનીય ઉચ્ચ ન્યાયાલય સામે ચૂંટણી અરજીના માધ્યમથી જ પડકાર આપી શકાય છે."
નિવેદન અનુસાર, "ખબર પડી છે કે આજે આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં તમે પૅરા 3માં ઉલ્લેખિત મતદારયાદીમાં અપાત્ર મતદારોને સામેલ કરવાનો અને પાત્ર મતદારોને બહાર કરવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. તમને વિનંતી છે કે તમે મતદાર રજિસ્ટ્રેશન નિયમ, 1960ના નિયમ 20(3) (બી) અંતર્ગત સંલગ્ન ઘોષણા/શપથ પર સહી કરીને આવા મતદારોનાં નામ સહિત પરત મોકલી આપો જેથી જરૂરી કાર્યવાહી શરૂ કરી શકાય."
રાહુલના આરોપો અંગે નિષ્ણાતોનો મત શો છે?
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અદિતિ ફડણીસે રાહુલ ગાંધીના આરોપોને ગંભીર ગણાવતાં કહ્યું, "આ ચૂંટણીપંચની એક પ્રકારે ઘેરાબંધી છે. ચૂંટણીપંચ આરોપોને માની નથી રહ્યું. તેની પરીક્ષા છે કે એ આવા આરોપો સાથે કેવી રીતે ડીલ કરે."
તેમણે બીબીસીને જણાવ્યું કે, "પહેલી વખત ચૂંટણીપંચ જેવી નિષ્પક્ષ સંસ્થા પર કોઈએ આ પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે કે તેણે હૉલસેલ બેઇમાની કરી છે. ચૂંટણીપંચે તેમની પાસેથી એફિડેવિટ માંગ્યું છે, જે મારા ખ્યાલ પ્રમાણે તર્કસંગત છે. કારણ કે રાહુલ ગાંધી પાસે કોઈક તો પુરાવા હશે, કોઈ પણ જાણકારી વિના તેઓ આરોપ નહીં લગાવી રહ્યા હોય."
રાહુલ ગાંધીના આરોપની ટાઇમિંગ અંગે અદિતી ફડણીસે કહ્યું કે બિહારમાં મતદારયાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલી રહ્યું છે, જે સંદર્ભે હંગામો પણ થઈ રહ્યો છે. વિપક્ષ આને રાજકીય મુદ્દો બનાવી રહ્યો છે.
તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધીના આરોપોથી બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામની વિધાનસભા ચૂંટણીમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દો બનશે.'
ભાજપે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરી અંગે રાહુલ ગાંધીના દાવાને ફગાવી દીધો છે.
તેમણે કહ્યું કે, "રાહુલ ગાંધી સતત જૂઠ બોલી રહ્યા છે અને ખોટી નિવેદનબાજી કરી રહ્યા છે. તેમણે ગત વખતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 75 લાખ મત વધ્યા અને હવે કહી રહ્યા છે કે એક કરોડ મત વધ્યા. તેઓ જૂઠ બોલીને પોતાની હારને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમને ખ્યાલ છે કે તેમની પાર્ટી અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. હું આનો વિરોધ કરું છું. જનતા આગામી ચૂંટણીમાં તેમને પાઠ ભણાવશે."
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું, "મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તમે હાર્યા. લોકસભામાં તમે હજુ વધુ બેઠકો ગુમાવી, એનડીએએ સારું પ્રદર્શન કર્યું. કર્ણાટકમાં વિધાનસભામાં પરિણામો તમારા પક્ષમાં રહ્યાં, પરંતુ લોકસભામાં નહીં. મહારાષ્ટ્રમાં ન વિધાનસભામાં અને ન લોકસભામાં તમારી જીત થઈ. તો તમે દેશ અને દુનિયા સામે શું દેખાડવા માગો છો."
"તર્ક અને બુદ્ધિ પણ કોઈક વસ્તુ હોય છે. શું તમે વિશ્વને બતાવવા માગો છો કે ભારતમાં ચૂંટણી યોગ્ય રીતે નથી થતી? રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતીય સંસ્થાઓને બદનામ કરે છે. જો ચૂંટણીમાં ગરબડ થાય છે તો તમારા ઉમેદવાર ઝારખંડમાં કેવી રીતે જીત્યા? જમ્મુ-કાશ્મીરમાં તમારી જીત કેવી રીતે થઈ?"
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, "આજે રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને તેમણે મતદારયાદી પર પણ વાત કરી. રાહુલ ગાંધી આ પહેલી વખત બંધારણીય સંસ્થા પર હુમલો નથી કરી રહ્યા. પરંતુ જે રાજ્યોમાં તેમની જીત થાય છે, રાહુલ ગાંધી એ રાજ્યોની મતદારયાદીને અમારી સામે કેમ નથી રજૂ કરતા?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












