મોરબી : ગોપાલ ઇટાલિયાની જીત પછી કાંતિ અમૃતિયા કેમ સતત ચર્ચામાં રહેવા લાગ્યા છે?

ઇમેજ સ્રોત, Kantilal Amrutiya/FB
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વીસાવદરની ચૂંટણી પછી ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ તો કોઈ મોટા ફેરફાર નથી થયાં, પરંતુ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વારંવાર કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહેવા લાગ્યા છે.
ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો આમ તો માપી માપીને બોલતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની પેટાચૂંટણીમાં જીત પછી કાંતિ અમૃતિયા સોશિયલ મીડિયામાં છવાયેલા છે.
સૌથી પહેલાં તો ઇટાલિયાના વિજય પછી કાંતિ અમૃતિયાએ તરત તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને તેમની સામે ચૂંટણીના મેદાનમાં ઊતરવાનો પડકાર ફેંક્યો હતો. આ માટે તેઓ પોતે રાજીનામું આપવા ગાંધીનગર પહોંચી ગયા હતા અને ગોપાલ પણ ત્યાં આવે તેની રાહ જોઈ હતી. જોકે, અપેક્ષા મુજબ જ આ નાટકથી કંઈ થયું ન હતું.
ત્યાર પછી તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા ભેગા થઈ ગયા હતા અને તેમની તસવીરો મીડિયામાં છપાઈ હતી.
કાંતિ અમૃતિયા કેમ ચર્ચામાં આવ્યા?

ઇમેજ સ્રોત, Kantilal Amrutiya/FB
રાજકીય પંડિતો માને છે કે છેલ્લાં ત્રણ વર્ષથી શાંત બેઠેલા કાંતિ અમૃતિયા હવે ચેલેન્જ આપવાનું રાજકારણ રમી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાને તેમણે રાજીનામું આપવાનો પડકાર ફેંક્યો ત્યારે તો ઇટાલિયાએ હજુ ધારાસભ્ય તરીકે શપથ પણ લીધા ન હતા.
ગોપાલ ઇટાલિયા વીસાવદર પેટાચૂંટણી જીતી ગયા હતા ત્યાર બાદ કાંતિ અમૃતિયાએ તેમને રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડી બતાવવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે પડકાર ફેંક્યો કે જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો તેઓ પોતે રાજીનામું આપશે અને બે કરોડ રૂપિયા ઇનામ પણ આપશે.
તેઓ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર વાહનોનો કાફલો લઈને પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયાને ત્યાં આવી બતાવવાનું કહ્યું હતું.અમૃતિયાએ ત્યારે જાહેરાત કરી હતી કે તેઓ રાજીનામું લઈને આવ્યા છે. તેઓ બપોરે 12.15 કલાક સુધી ત્યાં રહેશે, જોકે ગોપાલ ઇટાલિયા ત્યાં નહોતા પહોંચ્યા.
તેમણે ગોપાલ ઇટાલિયા પર પાટીદારોને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોમાસા દરમિયાન મોરબીમાં કેટલી ગંદકી અને અવ્યવસ્થા છે તેના વીડિયો વાઇરલ થયા પછી અમૃતિયાએ છ મહિનાની અંદર મોરબીનો વિકાસ કરવાનાં વચનો આપ્યાં હતાં.
હવે અચાનક તેમણે ગરબા ક્લાસિસને ટાર્ગેટ બનાવ્યા છે અને યુવાનોએ રાતે મોબાઈલ પર વાત કરવી ન જોઈએ તેવું કહ્યું છે.
ગરબા ક્લાસિસ સામે કેમ વાંધો પડ્યો?

ઇમેજ સ્રોત, Kantilal Amrutiya/FB
નવરાત્રી અગાઉ ગુજરાતનાં તમામ નાનાં-મોટાં શહેરોમાં ગરબા શીખવવા માટે ક્લાસિસ શરૂ થાય છે અને મોરબી પણ તેમાં બાકાત નથી.
પરંતુ ગરબા ક્લાસિસમાં અમુક યુવાનો છોકરીઓને ભરમાવતા હોવાના આક્ષેપ સાથે કેટલાક ક્લાસિસ બંધ કરાવાયા. ગરબા ક્લાસિસના સંચાલકોએ તેનો વિરોધ કર્યો ત્યાર પછી મોરબીમાં કાંતિ અમૃતિયાની આગેવાનીમાં એક જાહેર સભા યોજાઈ.
જાહેર સભામાં કાંતિ અમૃતિયાએ મંચ પરથી કહ્યું કે, "નવરાત્રીના ત્રણ મહિના પહેલાં પારંપરિક ગરબાના બદલે ગરબા ક્લાસિસમાં યુવાન છોકરીઓને ખોટી વાતો શીખવા મળે છે. કેટલાક અસામાજિક તત્ત્વો તેમને ભરમાવીને પ્રેમજાળમાં ફસાવીને બ્લૅકમેલ કરે છે. આવા ગરબા ક્લાસિસ બંધ થવા જોઈએ અને માત્ર પટેલની વાડીમાં બહેનોને ગરબા શીખવવામાં આવશે."
પટેલ ક્રાંતિ સેનાના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કાંતિ અમૃતિયાના નિવેદન પછી વિવાદ થયો, કેટલાંક ગરબા સેન્ટરોને ધમકી મળી અને ક્યાંક તોડફોડ પણ થઈ. દરમિયાન ગરબા ક્લાસિસના સંચાલકોએ તેમની સલામતી માટે સત્તાવાળાઓને એક આવેદનપત્ર આપ્યું છે.
ગરબા ક્લાસિસના સંચાલકો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગરબાના વિવાદ વિશે બીબીસીએ મોરબી ગરબા ક્લાસિસ ઍસોસિયેશનના પ્રમુખ સંજય વ્યાસ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "કોઈ ગરબા ક્લાસમાં કંઈક આડું અવળું થયું હોય તેનો અર્થ એવો નથી કે દરેક ગરબા ક્લાસમાં બહેન-દીકરીઓને હેરાન કરાય છે."
"અમારે ત્યાં દરેક સમાજના લોકો આવે છે. ફિલ્મી ધૂન પર રીલ બનાવતા યુવાનો પણ ગરબાના સ્ટેપ શીખે છે, કારણ કે ગરબાના પાર્ટી પ્લૉટમાં ફાસ્ટ ગરબા લેવાય ત્યારે ફિલ્મી ગીતો વાગે છે. તેથી ગરબા ક્લાસવાળા ખોટું નથી કરી રહ્યા."
તેમણે કહ્યું કે, "કેટલાક અસામાજિક તત્ત્વો ગરબા ક્લાસિસમાં તોડફોડ કરીને ધમકી આપે છે તે બંધ થવું જોઈએ. લીલા ભેગું સૂકું પણ બળે તેની સામે અમને વાંધો છે."
મોરબી ડાન્સ અને ગરબા ક્લાસિસના ઉપપ્રમુખ જીતુ રબારીએ બીબીસીને જણાવ્યું કે અમારે ત્યાં માતાપિતાની સંમતિથી બહેનો ગરબા શીખવા આવે છે. તેમાં ગરબા ક્લાસિસનો શું વાંક છે? ક્યાંક અસામાજિક તત્ત્વો આવતા હોય તો તેમને રોકવા જોઈએ, દરેકને એક જ લાકડીએ હાંકવામાં આવે એ ખોટું છે.
કાંતિ અમૃતિયાની દલીલ

ઇમેજ સ્રોત, Kantilal Amrutiya/FB
બીજી તરફ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "નવરાત્રીથી ત્રણેક મહિના અગાઉ ગરબા ક્લાસિસમાં એડમિશન લઈને કેટલાક તત્ત્વો ભોળી યુવતીઓને ફસાવે છે. તેઓ યુવતીઓને ડરાવે છે અને સમાધાનના નામે રૂપિયા પડાવે છે."
તેમણે કહ્યું કે, "આ બધું બે વર્ષથી શરૂ થયું છે જેની મને ઘણી ફરિયાદો મળી છે. તેના આધારે મેં યુવતીઓને ગરબા ક્લાસિસમાં જવાના બદલે પટેલ સમાજની વાડીમાં ગરબા શીખવા આવવા કહ્યું છે."
યુવાનોને મોબાઇલ નહીં આપવાની વાત પર પણ કાંતિ અમૃતિયા વળગી રહ્યા છે. તેમણે કહ્યું કે, "યુવાન છોકરા છોકરીઓ રાત્રે દસ વાગ્યા પછી પોતાના રૂમમાં ભરાઈને ચેટિંગ કરતા હોય તો ખોટા રસ્તે જઈ શકે છે. આ કોઈ વિવાદ ઊભો કરવા કે પબ્લિસિટી માટે નથી કે માત્ર પટેલ સમાજ માટે નથી. આ દરેક સમાજના લોકો માટે છે."
અમૃતિયાના વિવાદો વિશે રાજકીય નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "કાંતિ અમૃતિયા પહેલેથી આક્રમક સ્વભાવના રહ્યા છે અને ઉશ્કેરાઈને ઉતાવળે નિર્ણય લે છે. ગોપાલ ઇટાલિયાએ તેમને ઉશ્કેર્યા અને કાંતિ અમૃતિયા વાજતે ગાજતે રાજીનામું આપવા ગાંધીનગર જવા નીકળી ગયા. પણ ગોપાલ ઇટાલિયાએ તો ધારાસભ્ય તરીકે સોગંધ પણ લીધા ન હતા, તેથી અમૃતિયા ભોંઠા પડ્યા."
"ત્યાર પછી તેમણે છ મહિનામાં મોરબીના પડતર વિકાસનાં કામ પૂરા કરવાની જાહેરાતો કરી. દર મહિને એક નવું વિકાસનું કામ કરવાની વાત કરી."
હવે તેમણે ગરબા ક્લાસિસ બંધ કરાવવાનું નિવેદન આપ્યું જેના પર વિવાદ થયો છે.
કૌશિક મહેતા કહે છે કે, "બદલાતા સમય સાથે બદલાવાની જરૂર હોય છે, જે વાત સમજવા કાંતિ અમૃતિયા તૈયાર નથી."
મહેતાના માનવા પ્રમાણે, "સંસ્કૃતિના ઠેકેદાર બનવાથી તેમને જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ટૂંકા ગાળાનો ફાયદો થઈ શકે પણ યુવા મતદાતાઓ વિમુખ થાય તો નવાઈ નહીં, હવે કાંતિ અમૃતિયા ચેલેન્જનું રાજકારણ રમી રહ્યા છે. તેમની ગણતરી કદાચ એવી હશે કે 2017માં ચૂંટણી હાર્યા પછી મોરબીનો ઝુલતો બ્રિજ તૂટ્યો અને કૉંગ્રેસમાંથી આવેલા એમના હરીફ બ્રિજેશ મેરજા સામે આ રણનીતિ કામ લાગશે."

ઇમેજ સ્રોત, BBC/Kanti Amrutiya FB
બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી જોનારા પત્રકાર પ્રફુલ ત્રિવેદી કહે છે કે, "સૌરાષ્ટ્રમાં ભાજપથી નારાજ પાટીદારોને પોતાની તરફ ખેંચવા આમ આદમી પાર્ટીની રમત લાગે છે. તેના માટે કાંતિ અમૃતિયા જેવા શોર્ટ ટેમ્પર નેતાઓને ઉશ્કેરવામાં આવે છે. તેથી જ કાંતિ અમૃતિયાના વિવાદાસ્પદ નિવેદન પછી તરત આપના નેતાઓ મોરબીમાં પ્રચાર કરવા નીકળ્યા હતા."
ત્રિવેદી માને છે કે, "2022ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલોએ આમ આદમી પાર્ટીને વધુ સ્વીકારી હતી. તેથી ગોપાલ ઇટાલિયાને લેઉવા પટેલ નેતા તરીકે રજૂ કરીને છ મહિના પછી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લિટમસ ટેસ્ટ કરવા માંગે છે. આ કારણથી જ ચૂંટણીપ્રચારમાં કેશુભાઈ પટેલના નામનો ઉપયોગ કરવામાં આવે છે."
પહેલેથી દબંગ નેતાની છાપ

ઇમેજ સ્રોત, Kantilal Amrutiya/FB
કાંતિ અમૃતિયાએ નગરપાલિકાની ચૂંટણીઓથી શરૂઆત કરી અને ત્યાર પછી પાંચ વખત ધારાસભ્ય બન્યા છે.
અમૃતિયાના એક વખતના સાથીદાર જયેશ પટેલે કહ્યું કે, મોરબીના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલા કાંતિ અમૃતિયાની છાપ પહેલેથી દબંગ નેતાની રહી છે. તેમણે મોરબીમાં વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શિક્ષણ લીધું હતું અને પછી નવનિર્માણ આંદોલનમાં જોડાયા હતા. તે વખતે મોરબીના સ્થાનિક નેતા અમ્બુભાઈ અઘારાની મદદથી તેઓ ભાજપમાં આગળ વધ્યા. ત્યાર બાદ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયા અને 1995માં પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા.
1999માં કાંતિ અમૃતિયાના જીવનમાં મોટો વળાંક આવ્યો જ્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશ રવેશિયાની હત્યાના કેસમાં તેઓ આરોપી બન્યા હતા. 2004માં ગોંડલની કોર્ટે તેમને દોષિત જાહેર કરતા અમૃતિયાએ જેલમાં જવું પડ્યું હતું. પરંતુ 2007માં ગુજરાત હાઈકોર્ટમાંથી તેઓ નિર્દોષ છૂટી ગયા હતા.
2012માં શ્રેષ્ઠ ધારાસભ્યનો ઍવૉર્ડ જીતનારા કાંતિ અમૃતિયા 2017માં કૉંગ્રેસના બ્રિજેશ મેરજા સામે હાર્યા હતા. 2022માં મોરબીનો પુલ તૂટ્યો પછી યોજાયેલી ચૂંટણીમાં કાંતિ અમૃતિયાને ટિકિટ મળી અને તેઓ જીતી ગયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












