અમેરિકા : ભારતીય અમેરિકનોને ટ્રમ્પના બીજા શાસનકાળમાં કઈ ચિંતા સતાવી રહી છે?

ભારત અને અમેરિકાના સંબંધો માટે ડોનાલ્ડ ટ્રમ્પ સારા કે કમલા હેરિસ, નરેન્દ્ર મોદી, ભારતી-અમેરિકનોનો સર્વે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરના એક સર્વે પ્રમાણે, યુએસમાં રહેતા ભારતીયો ભારતના ભવિષ્ય અંગે ખૂબ આશાવાદી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મમાં અમેરિકાનાં ભારત સાથેના સંબંધો અંગે ઊંડી ચિંતાઓ પણ ધરાવે છે.

કાર્નૅગી ઍન્ડોમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસ અને YouGov દ્વારા ઑક્ટોબર-2024માં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભારતીય-અમેરિકન લોકોનાં રાજકીય વલણોને જાણવાનો પ્રયાસ થયો હતો.

ગયા વર્ષે ભારત અને અમેરિકામાં બે મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ હતી, જે દરમિયાન બંને દેશો વચ્ચેની ભાગીદારી ક્યારેક મજબૂત બની તો ક્યારેક તણાવપૂર્ણ પણ હતી. ભારતીય અબજપતિ ગૌતમ અદાણી પર યુએસ ફેડરલે મૂકેલા આરોપ અને અમેરિકન ભૂમિ પર દિલ્હી-સમર્થિત હત્યાના કાવતરાના આરોપોને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.

યુએસમાં 50 લાખ કરતાં વધુ ભારતીય મૂળના લોકો રહે છે.

આ સર્વેમાં તેમને કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા: ભારતીય અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને યુએસ-ભારતનાં સંબંધોને કેવી રીતે સંભાળ્યા હતા અને તેઓ તેમને કેવી રીતે યાદ કરે છે? શું તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ સારા વિકલ્પ તરીકે જુએ છે? અને તેઓ 2024ની ચૂંટણી પછી ભારતે પસંદ કરેલી દિશાનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે?

આ રાષ્ટ્રીય સર્વે ઑનલાઇન હતો, જેમાં એક હજાર 206 ભારતીય-અમેરિકન પુખ્ત રહેવાસીઓનો સમાવેશ કરવામાં આવયો હતો. આ અહેવાલમાંથી કેટલાક મુખ્ય મુદ્દા આ મુજબ હતા.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ભારત અંગે ટ્રમ્પ વિરુદ્ધ બાઇડન

ભારત અને અમેરિકાના સંબંધો માટે ડોનાલ્ડ ટ્રમ્પ સારા કે કમલા હેરિસ, નરેન્દ્ર મોદી, ભારતી-અમેરિકનોનો સર્વે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વર્ષ 2019માં હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે એક શખ્સ

અમેરિકા-ભારત સંબંધોને લઈને ભારતીય અમેરિકનોએ ટ્રમ્પના પહેલા કાર્યકાળની તુલનામાં બાઇડન પ્રશાસનનાં કામકાજને વધુ અનુકૂળ ગણાવ્યું હતું.

'જો ટ્રમ્પની જગ્યાએ કમલા હૅરિસ જીત્યાં હોત' તેવા કાલ્પનિક પ્રશ્નના જવાબમાં પણ મતદાન દરમિયાન હૅરિસ પ્રશાસન દ્વિપક્ષીય સંબંધો માટે બીજા ટ્રમ્પ કાર્યકાળ કરતાં વધુ માફક રહ્યું હોત તેમ જાણવા મળ્યું.

આમાં પક્ષપાતી ધ્રુવીકરણ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે: 66% ભારતીય-અમેરિકન રિપબ્લિકન માને છે કે ટ્રમ્પ યુએસ-ભારત સંબંધો માટે વધુ સારા હતા, જ્યારે માત્ર આઠ ટકા ડેમૉક્રેટ્સ આ બાબતે સંમત થાય છે.

તેનાથી વિપરીત અડધાથી વધુ ભારતીય-અમેરિકન ડેમૉક્રેટ્સ બાઇડનને પસંદ કરે છે, જ્યારે 15% રિપબ્લિકનને.

જો કે મોટાભાગના ભારતીય અમેરિકનો ડેમૉક્રેટ્સ હોવાથી બાઇડનને સરસાઈ મળે છે.

વ્હાઇટ હાઉસ ખાતે ફેબ્રુઆરીની મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંનેએ એકબીજાના નેતૃત્વની પ્રશંસા કરી હતી. પરંતુ ટ્રમ્પે ભારતના ઊંચા વેપાર ટેરિફની ટીકા કરી તેને "મોટી સમસ્યા" ગણાવી હતી.

હત્યાના કથિત કાવતરાનો વિવાદ

વીડિયો કૅપ્શન, America Gold card visa : કયા દેશોમાં રૂપિયા ભરીને નાગરિકત્વ મેળવી શકાય છે?

અમેરિકાની ધરતી પર એક અલગતાવાદીની હત્યા કરવાના કથિત ભારતીય કાવતરાની વ્યાપક નોંધ લેવામાં આવી નથી - ફક્ત અડધા ઉત્તરદાતાઓ જ તેનાથી વાકેફ હતા.

ઑક્ટોબરમાં અમેરિકાએ એક ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી પર સ્વતંત્ર શીખ રાજ્ય ખાલિસ્તાનના હિમાયતી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાનો અને મની લૉન્ડરિંગનો આરોપ મૂક્યો હતો.

આવું પહેલી વાર બન્યું જ્યારે ભારત સરકાર કોઈ અસંતુષ્ટની કથિત હત્યાના પ્રયાસમાં સીધી રીતે સંડોવાયેલી હોય. ભારતે કહ્યું છે કે તે યુએસ તપાસમાં સહકાર આપી રહ્યું છે.

જાન્યુઆરીમાં અમેરિકાએ મૂકેલા આરોપોની તપાસ કરવા રચેલી ભારતીય પૅનલે એક અનામી વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. આ વ્યક્તિ કથિત રીતે ભારતના ગુપ્તચર વિભાગની જાસૂસ હતી.

નાનકડી બહુમતી સાથે ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે ભારત "આ પ્રકારનાં પગલાં લેવાં વાજબી રહેશે નહીં અને જો સ્થિતિ ઉલટાવી દેવામાં આવે, તો તેઓ અમેરિકા પ્રત્યે પણ આવી જ અપેક્ષા રાખશે."

ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન

ભારત અને અમેરિકાના સંબંધો માટે ડોનાલ્ડ ટ્રમ્પ સારા કે કમલા હેરિસ, નરેન્દ્ર મોદી, ભારતી-અમેરિકનોનો સર્વે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2024માં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન બન્યા, પરંતુ ભાજપ બહુમતીથી દૂર રહી ગયો હતો

ભારતીય અમેરિકનો પક્ષની રેખાઓ પર વિભાજિત છે. ડેમૉક્રેટ્સ પેલેસ્ટિનિયન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને રિપબ્લિકન ઇઝરાયલતરફી વલણ ધરાવે છે.

10 માંથી ચાર ઉત્તરદાતાઓ માને છે કે હાલમાં ચાલુ સંઘર્ષમાં બાઇડન ઇઝરાયલતરફી રહ્યા હતા.

ઑક્ટોબર 2023માં ગાઝાસ્થિત હમાસના લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઇઝરાયલની અંદર લગભગ એક હજાર 200 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે નાગરિકો હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જો કે મોટાભાગના લોકોને યુદ્ધવિરામ તથા અન્ય કરાર હેઠળ મુક્ત કરી દેવામાં આવ્યા છે.

હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલના લશ્કરી આક્રમણમાં ગાઝામાં 48 હજારથી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતાં.

પહેલી માર્ચે સમાપ્ત થયેલા આ નાજુક યુદ્ધવિરામને લંબાવવાની વાટાઘાટો કતારમાં ફરી શરૂ થાય તેવી શક્યતા છે.

ભારતનું ભવિષ્ય ઉજ્જવળ

ભારત અને અમેરિકાના સંબંધો માટે ડોનાલ્ડ ટ્રમ્પ સારા કે કમલા હેરિસ, નરેન્દ્ર મોદી, ભારતી-અમેરિકનોનો સર્વે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ટૅક જાયન્ટ મસ્ક અને વડા પ્રધાન મોદી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

47 ટકા ભારતીય અમેરિકનો માને છે કે ભારત યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે, જે ચાર વર્ષ અગાઉની સ્થિતિ કરતાં 10 ટકાનો વધારો દર્શાવે છે.

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની કામગીરીને પણ આટલું જ સમર્થન આપે છે. જો કે 10 માંથી ચાર ઉત્તરદાતાઓને એવું પણ માને છે કે ભારતની 2024ની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, એ દેશને 'વધુ લોકતાંત્રિક' બનાવશે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે ઘણા ભારતીય-અમેરિકનો મોદીને ટેકો આપે છે અને માને છે કે ભારત સાચા માર્ગ પર છે. છતાં અડધા લોકો અમેરિકાની ધરતી પર થયેલા કથિત હત્યાના પ્રયાસથી અજાણ છે.

શું આ માહિતી મેળવવામાં અંતર, પસંદગીયુક્ત જોડાણ અથવા વ્યાપક રાષ્ટ્રવાદી ભાવના છે, જેના લીધે આવી બાબતોની અવગણના કરવાની વૃત્તિ દર્શાવે છે?

અભ્યાસના સહ-લેખક મિલન વૈષ્ણવે જણાવ્યું કે, 'આનું ચોક્કસ કારણ જણાવવું મુશ્કેલ છે, પરંતુ અમારો મત એ છે કે આ પસંદગીયુક્ત જોડાણ સાથે વધુ સંબંધિત છે.'

2020 માં કાર્નૅગી દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે લગભગ 60% ભારતીય અમેરિકનો નિયમિતપણે ભારતીય સરકાર અને જાહેર બાબતો પર નજર રાખે છે.

વૈષ્ણવે કહ્યું, "ઘણીવાર લોકો સમાચાર, સોશિયલ મીડિયા અને મિત્રો અને પરિવાર સાથેની વાતચીતના આધારે જ પોતાની વ્યાપક ધારણ બનાવતા હોય છે. તાજેતરમાં જ અમેરિકામાં આવેલા સમાચારોના પૂરને જોતાં આ બાબત સંપૂર્ણપણે આશ્ચર્યજનક નથી કે 'કથિત હત્યા' કાવતરું સમુદાયના મોટાભાગના લોકો સુધી પહોંચ્યુ જ ના હોય."

ભારતીય-અમેરિકનો ટ્રમ્પ અંગે સર્તક રહે છે અને સામાન્ય રીતે અમેરિકા-ભારત સંબંધો માટે બાઇડન અથવા હૅરિસની તરફેણ કરે છે અને ભારતમાં મોદીને મજબૂત રીતે ટેકો આપવાનું ચાલુ રાખે છે. મોદીની રાષ્ટ્રવાદી નીતિઓને ધ્યાનમાં રાખીને, આ મતભેદનું કારણ શું છે? શું આ વિચારધારા કરતાં વ્યક્તિગત પ્રભાવથી વધુ પ્રેરિત છે?

વૈષ્ણવે કહ્યું, "આ 'જ્યાં તમે બેસો છો, ત્યાં તમે ઊભા રહો છો' જેવો કિસ્સો છે."

વૈષ્ણવે સંબંધિત સંશોધનમાં કહ્યું, "અમે આ પ્રશ્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને જાણવા મળ્યું છે કે ભારતીય-અમેરિકનો સામાન્ય રીતે ભારતની તુલનામાં યુએસની નીતિ અંગે વધુ ઉદાર વિચારો ધરાવે છે."

આ વાતને સમજાવતા વૈષ્ણવ ઉમેરે છે, "દાખલા તરીકે જ્યારે મુસ્લિમ ભારતીય-અમેરિકનો – જે ભારત અને અમેરિકા બંનેમાં લઘુમતીમાં છે - સતત વધુ ઉદારવાદી વલણ રાખે છે. જ્યારે હિન્દુ ભારતીય-અમેરિકનો અમેરિકામાં (જ્યાં તેઓ લઘુમતી છે) ઉદાર વિચારો વ્યક્ત કરે છે, પરંતુ ભારતમાં વધુ રૂઢિચુસ્ત વલણ ધરાવે છે, જ્યાં તેઓ બહુમતી છે."

"બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિની બહુમતી અથવા લઘુમતી પરિસ્થિતિ તેમના રાજકીય વિચારોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે."

ભારત અને અમેરિકાના સંબંધો માટે ડોનાલ્ડ ટ્રમ્પ સારા કે કમલા હેરિસ, નરેન્દ્ર મોદી, ભારતી-અમેરિકનોનો સર્વે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાનું આક્રમક વલણ અપનાવવામાં આવશે, તો ભારતના ફાર્મા ઉદ્યોગને અસર થઈ શકે છે

જો ભારતીય-અમેરિકનો ટ્રમ્પને દ્વિપક્ષીય સંબંધો માટે ખતરા તરીકે જોતા હોય, તો તેમણે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમને શા માટે સ્વીકાર્યા હતા, જેમ કે 'હાઉડી મોદી!' જેવા કાર્યક્રમોમાં જોવા મળ્યું હતું? શું ટ્રમ્પ પ્રત્યેનો તેમનો અભિપ્રાય તેમની નીતિઓને કારણે બદલાયો છે? અથવા તો તે બદલાતા રાજકીય પ્રવાહો અંગે વધુ છે?

વૈષ્ણવે કહે છે, "આપણે એક ઘટના અથવા ભારતીય-અમેરિકન વસ્તીના એક ભાગને લઈને સામાન્યીકરણ ન કરવું જોઈએ. 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનો 'હાઉડી, મોદી!' કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ભેગા થયા હતા, ટ્રમ્પને નહીં. યાદ રાખો કે ટ્રમ્પને આ કાર્યક્રમમાં પાછળથી ઉમેરવામાં આવ્યા હતા."

"બીજું, આ વિવિધ રાજકીય મંતવ્યો ધરાવતો વૈવિધ્યસભર ડાયસ્પોરા છે. જ્યારે ભારતીય-અમેરિકનો ડેમૉક્રેટિક પાર્ટી તરફ ભારે ઝુકાવ ધરાવે છે. જ્યારે પ્રમાણમાં મોટી લઘુમતી – લગભગ 30% - પણ છે કે જેમણે 2024 માં ટ્રમ્પના નેતૃત્વમાં રિપબ્લિકનને ટેકો આપે છે."

ભારતીય અમેરિકનો ડેમૉક્રેટિક પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ છે, પરંતુ તેના જોડાણમાં ઘટાડો આવ્યો છે. ગયા વર્ષે થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે લગભગ 47% ડેમૉક્રેટ્સ તરીકે ઓળખાણ આપે છે, જેનું પ્રમાણ 2020 માં 56% જેટલું હતું.

શું ભારતીય-અમેરિકનો બંને દેશોમાં શૂક્ષ્મ રાજનીતીક સમજ ધરાવે છે અથવા તો તેમનાં મંતવ્યો ડાયસ્પોરા-સંચાલિત વિવિધ કથાઓ અને મીડિયાના ઇકૉ-ચેમ્બરથી વધુ પ્રભાવિત થઇ છે?

વૈષ્ણવે કહ્યું કે 2020 ના ડેટા દર્શાવે છે કે ઑનલાઇન સમાચાર ભારત અંગેની માહિતી મેળવવા માટેનો પ્રાથમિક સ્રોત હતા. ત્યારબાદ ટેલિવિઝન, સોશિયલ મીડિયા અને મૌખિક વાતચીત આવે છે. સોશિયલ મીડિયામાં, યુટ્યૂબ, ફેસબુક અને વૉટ્સઍપ સૌથી સામાન્ય પ્લૅટફૉર્મ હતાં.

"ભારત સાથે તેમનું સીધું જોડાણ મર્યાદિત છે, વિદેશમાં જન્મેલા ભારતીય અમેરિકનો સામાન્ય રીતે યુએસમાં જન્મેલા લોકો કરતાં વધુ સંકળાયેલા છે."

"આમ કહ્યા બાદ પણ આપણે એ હકીકતને અવગણવી જોઈએ નહીં કે સાંસ્કૃતિક જોડાણનાં બંધનો ખૂબ મજબૂત હોય છે. તે બીજી અને ત્રીજી પેઢીના ભારતીય-અમેરિકનો સાથે પણ ખૂબ મજબૂત જ રહે છે."

અંતે, આ સર્વે ભારતીય-અમેરિકન સમુદાયના એક જટિલ ચિત્રને રેખાંકિત કરે છે - જે પસંદગીયુક્ત જોડાણ, બદલાતી રાજકીય હવાઓ અને વિવિધ વ્યક્તિગત અનુભવોના મિશ્રણ દ્વારા આકાર પામેલું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.