મંજુ મહેતા : સિતાર અને સપ્તકથી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને સમૃદ્ધિ આપનારાં વિદુષી

ઇમેજ સ્રોત, Niranjan Nayak
- લેેખક, વિરાજ અમર
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતમાં શાસ્ત્રીય સંગીતના ચાહકો, ભાવકો અને કલાકારોને જો ગુજરાત વિશે પૂછવામાં આવે તો તેમની પાસેથી અમદાવાદમાં છેલ્લાં 48 વર્ષથી જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં યોજાતા સપ્તક સંગીત મહોત્સવનો ઉલ્લેખ ન મળે તો જ નવાઈ.
ગુજરાતની ઓળખ સામાન્ય રીતે ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસની રહી છે, પરંતુ રાજ્યને કલા-સંસ્કૃતિના ક્ષેત્રે આગવી ઓળખ આપવામાં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે તેવાં વિદુષી સિતારવાદક મંજુ મહેતાનું 20 ઑગસ્ટે અમદાવાદમાં નિધન થયું. તેઓ 79 વર્ષનાં હતાં.
ગુજરાત એક વેપાર પ્રધાન સમાજ હોવાની માન્યતા વચ્ચે ગુજરાતમાં ગુજરાતી કલાકારો એ સમયે નહોતા અને મહિલાઓ તો હતી જ નહીં. એવા સમયે સમગ્ર દેશમાં ગુજરાતની પર્ફૉર્મિંગ આર્ટ્સના એક કેન્દ્ર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં ત્રણ મહિલાનું યોગદાન ક્યારેય નહીં ભૂલી શકાય. તેમાં દર્પણનાં સ્થાપક મૃણાલિનીબહેન, કદમ્બનાં સ્થાપક કુમુદિનીબહેન અને સપ્તકનાં સહ-સ્થાપક મંજુબહેન.
આ ત્રણેય બિનગુજરાતી વિદુષીઓ ગુજરાતમાં પુત્રવધૂ બનીને આવ્યાં અને અહીં જ કર્મભૂમિ બનાવીને પોતાની કળાના માધ્યમથી અમદાવાદને એક સ્પષ્ટ સાંસ્કૃતિક ઓળખ આપી.
એમના પહેલાં ગુજરાતમાં દીકરીઓને શાસ્ત્રીય નૃત્યો કે સંગીતની પદ્ધતિસરની તાલીમ આપીને તેમને એક કલાકાર તરીકે કારકિર્દી ઘડવા દઈ શકાય તેવી સમજ અને તેવી સમજ ધરાવતા પરિવારો ખૂબ ઓછા હતા.
આજે ગુજરાતી છોકરીઓ કથક કરતી થઈ છે તો એ કુમુદિનીબહેનને કારણે, ભરતનાટ્યમ શીખી તો મૃણાલિનીબહેનને લીધે એમ જ ગુજરાતી છોકરીઓ સંગીત શીખતી થઈ તો એ મંજુબહેનને કારણે.
આ ત્રણેય કલાકારોએ પોતાના પ્રયત્નોથી શાસ્ત્રીય નૃત્ય કે સંગીતને ગુજરાતના બહોળા સમાજ માટે માત્ર શોખ તરીકે નહીં પણ આ કળાઓને સમર્પિત નવી પેઢીના કલાકારો તૈયાર કર્યાં.
મંજુબહેન પાસે હું એમના ઘરે સંગીત શીખતી અને એ સમય ગુરુ-શિષ્ય પરંપરાનો હતો, જ્યારે શિષ્ય ગુરુજનોનાં સાંનિધ્યમાં રહીને એમના માર્ગદર્શન હેઠળ પોતાની સંગીતયાત્રામાં આગળ વધતાં. ત્યારબાદ તેમણે મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્થામાં સિતાર શીખવવાનું શરૂ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘરમાં તાલીમ આપતાં મંજુબહેને પછી મૃણાલિનીબહેનની દર્પણ સંસ્થામાં સિતાર શીખવવાનું શરૂ કર્યું. થોડાં વર્ષો બાદ મંજુબહેનનાં જીવનસાથી અને ઉત્કૃષ્ઠ તબલાવાદક પંડિત નંદન મહેતાએ સપ્તકની સ્થાપના કરી. તેની પાછળ મંજુબહેન પણ પ્રેરણારૂપ બન્યાં હતાં.
સંગીત શીખવતાં ઓતપ્રોત થઈ જતાં ઉત્તમ શિક્ષક

ઇમેજ સ્રોત, Niranjan Nayak
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હું 6 વર્ષની હતી ત્યારે જ મારાં માતાપિતાએ મને મંજુબહેન પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા માટે મૂકી હતી. એટલે મારા માટે મંજુબહેન અને નંદનભાઈનું ઘર એ મારું બીજું ઘર અને મારો બીજો પરિવાર બની રહ્યો.
મંજુબહેન પાસે મને ગુરુ-શિષ્ય પરંપરાની સાથે સાથે તેમનાં દીકરીની જેમ જ તાલીમ મળી. શિક્ષા કરતાં પણ મને તેમની પાસેથી સંગીતના સંસ્કાર મળ્યા.
બાળપણમાં મારું કદ નાનું હોવાથી મારો હાથ સિતારમાં ઉપર સુધી પહોંચતો નહોતો એ જોઈને મંજુબહેને મારાં માતાપિતાને મારા માટે નાનું સિતાર બનાવડાવવાનું કહ્યું જેથી હું યોગ્ય રીતે સિતાર શીખી શકું. આ રીતે હું પૂર્ણ કદનું સિતાર મારા હાથમાં રાખી શકું એ પહેલાં એક નાનું અને એક મધ્યમ કદનું એમ બે સિતાર મારા માટે બનાવડાવ્યાં.
મંજુબહેનની દીકરી પૂર્વી અને હું સાથે જ એમની પાસેથી સિતાર વગાડતાં શીખ્યાં. હું નાની હતી ત્યારથી અત્યાર સુધી એ મને હંમેશાં ‘વીરુદેવી’ કહીને જ બોલાવતાં. મેં એક દિવસ પણ એવો નથી જોયો કે તેઓ અપસેટ હોય કે ઊંચા અવાજે કોઈની પણ સાથે વાત કરી હોય.
તેમની નાની દીકરી હેતલ જ્યારે ઘોડિયામાં હતી એ સમયે તેઓ એને હિંચકો નાખતાં જાય, ઘરમાં રસોઈ અને બીજું કામ કરતાં જાય અને એ બધાની સાથે અમને સિતારની બારિકીઓ પણ શીખવતાં જાય. આ બધું મલ્ટિટાસ્કિંગ તેઓ ખૂબ સહજતાથી કરી લેતાં. તેઓ શીખવવામાં પૂરાં ઓતપ્રોત થઈ જતાં હતાં. તેઓ ખૂબ જ પ્રેમાળ શિક્ષિકા હતાં.
હું લાંબા સમય સુધી મંજુબહેન પાસે સિતાર શીખી. પછી જ્યારે હું પાચમા ધોરણમાં હતી ત્યારે એક વાર એમણે જ મને કહ્યું કે મારે ગાયન (વોકલ મ્યુઝિક) શરૂ કરવું જોઈએ, કારણ કે શાસ્ત્રીય સંગીતમાં વાદ્ય મારફતે તમારી ગાયકીની જ રજૂઆત થતી હોય છે અને એમ કરવાથી મારું સંગીત સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે. વાદ્ય તો એક માધ્યમ છે.
એમણે મારાં માતાપિતાને આ કહ્યું અને એમના કહેવાથી જ હું સિતાર પછી ગાયકી શીખી. એમના માર્ગદર્શનથી જ હું સિતારમાં ઓમકારનાથ સ્પર્ધામાં 15 વર્ષની નીચેની જુનિયર કૅટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો બીજા વર્ષે નંદનભાઈના આગ્રહ અને માર્ગદર્શનથી ફરીથી વોકલ (ગાયન) સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં પણ વિજેતા બની.
સપ્તકની પ્રગતિ અને મંજુબહેનની વિશિષ્ટ તાલીમ શૈલી

ઇમેજ સ્રોત, Saptak Archives
સપ્તકની શરૂઆત પહેલાં તો ઘરમાં યોજાતી બેઠકોથી થઈ જેમાં નંદનભાઈ અને મંજુબહેન તેમના ઘરે મિત્રો અને મહેમાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રીય સંગીતની રજૂઆત થતી. પછી નંદનભાઈએ સપ્તકની વિધિવત્ સ્થાપના કરી.
નંદનભાઈ ઉચ્ચ કક્ષાનાં તબલાવાદક અને તેમનો સ્વભાવ પણ ખૂબ જ મળતાવડો હતો. તેથી સંગીતનો શોખ ધરાવતાં તેમના મિત્રોની સંખ્યા પણ મોટી હતી. એટલે સંગીતની એ બેઠકો થતી રહેતી. જેઓ સંગીતના સહિયારા પ્રેમ માટે, સન્માનપૂર્વક નંદનભાઈ અને મંજુબહેનનો પડ્યો બોલ ઝીલે તેવા વિદ્યાર્થીઓનું ગ્રૂપ તેમણે બનાવ્યું હતું.
સપ્તકનો વાર્ષિક સંગીત સમારોહ એ અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના વિદ્યાર્થીઓ માટે એક અનોખી તક બની રહેતો. ત્યારે સપ્તક સમારોહમાં ભાગ લેવા આવતાં દેશના દિગ્ગજ કલાકારો બે-ત્રણ દિવસ અથવા ઘણા દિવસો સુધી અમદાવાદમાં જ રોકાતાં. એ સમયે એ કલાકારો ઉતારો હોટલમાં નહોતો અપાતો, પણ મોટે ભાગે તેઓ નંદનભાઈ મંજુબહેનના ઘરે અથવા સંગીત શીખનારા વિદ્યાર્થીઓના ઘરે રહે તેવું આયોજન થતું.
એ ખૂબ જ સારો પ્રયોગ હતો. એ કલાકારો પણ પાંચ-સાત દિવસ અમારા ઘરે રહેતાં. એ સમયે તેઓ અમને કહેતાં કે , “જો ચિરંજીલાલ કાલે ઘરે આવવાના છે, તો એમની પાસેથી પેલી ઠુમરી શીખી લેજે.” તો અમને પણ રાષ્ટ્રીય કક્ષાના કલાકારો પાસેથી શીખવાની તક મળતી, ત્યારે અમારા જેવા પરિવારો જેઓ સંગીતની કોઈ પાશ્વભૂમિ નહોતા ધરાવતા તેમને આ કલાકારો પાસેથી શીખવા સમજવાનો લહાવો આપ્યો એમ હું માનું છું.
ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલમાં સંગીતની તાલીમની શરૂઆત બાદ જ્યારે ધીરે-ધીરે સપ્તકના વાર્ષિક સમારોહનો વ્યાપ અને શ્રોતાઓની સંખ્યા વધી તેની સાથે સાથે તેના આયોજનનાં સ્થળો પણ બદલાતાં ગયાં. છેલ્લાં 48 વર્ષથી યોજાતા સપ્તકના વાર્ષિક સમારોહમાં ભારતમાં શાસ્ત્રીય સંગીતના એવા કોઈ કલાકારો નહીં હોય જેમણે તેમાં ભાગ ન લીધો હોય. જેણે ભાગ નથી લીધો તેઓ ભાગ લેવા ઇચ્છતા હશે.
નંદનભાઈ દૂરદર્શી હતા. તેઓ જ્યારે સપ્તક સમારોહના આયોજનમાં હોય ત્યારે મંજુબહેન પણ સતત તેમને પડખે જ રહેતાં, કારણ કે તેઓ પોતે એક કલાકાર હતાં. આટલા બધા કલાકારો આવવાના હોય અને લાંબો સમય રોકાવાના હોય ત્યારે તેમના માટે યોગ્ય રીતે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવી એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે.
સપ્તકના કારણે એ દિગ્ગજ કલાકારોને સુજ્ઞ શ્રોતાઓનું અને વિદ્યાર્થીઓને આટલાં કલાકારોને એક સાથે મળવાનું અને તેમની પાસેથી શીખવા ભારતના બીજા કોઈ શહેરમાં નહોતું મળતું.
મંજુબહેનની શાસ્ત્રીય સંગીતની તાલીમ કેવી રીતે અલગ

ઇમેજ સ્રોત, Viraj Amar
મને મંજુબહેન પાસેથી સંગીત શીખવાનો સૌથી વધુ લાભ ત્યારે મળ્યો જ્યારે સપ્તકમાં સંગીતના ક્લાસ શરૂ નહોતા થયા.
સપ્તકમાં સંગીતના ક્લાસ શરૂ થયા ત્યાં સુધીમાં હું ગાયકી શીખવા લાગી હતી. એ સાત-આઠ કે દસ વર્ષ મારો સપ્તક સાથેના સંપર્ક ઘટી ગયો હતો. પછી જ્યારે હું એક શાસ્ત્રીય ગાયકીના કલાકાર તરીકે મારા ગુરુ પંડિત રાજન-સાજન મિશ્રા પાસેથી તાલીમ પૂરી કરી ત્યારે ફરીથી સપ્તક સાથે મારું જોડાણ થયું. પરંતુ આ સમગ્ર સમયગાળા દરમિયાન મંજુબહેન સાથેનો મારો સંપર્ક સતત જળવાઈ રહ્યો.
‘ઉપાસના’ શરૂ થઈ તેને 12 વર્ષ થઈ ગયાં. એની શરૂઆત કરી ત્યારે મેં પહેલો ફોન મંજુબહેનને જ કર્યો હતો અને મેં તેમને કહ્યું હતું, “તમારા સિવાય મને બીજું કોણ માર્ગદર્શન આપશે?” ઉપાસનાના સલાહકાર મંડળમાં પણ મંજુબહેન હતાં અને હેતલ અને પૂર્વી પણ સાથે રહીને અમે સંગીત શિક્ષણનો અભ્યાસક્રમ નક્કી કર્યો.
ગુરુ તરીકે પણ મંજુબહેન હંમેશાં વિદ્યાર્થીઓને સતત નવું-નવું શીખવતાં રહેતાં હતાં. અમુક ગુરુઓની પદ્ધતિ એવી હોય કે જેમાં તેઓ એક વર્ષ સુધી સંગીતનો કોઈ એક જ પાઠ શીખવતા રહે, અથવા તો કોઈ ગુરુ એમ પણ કહે કે અમે આ રીતે આટલું જ શીખવીશું. પણ મંજુબહેનને એવું નહોતું.
તેઓ સતત વિદ્યાર્થીઓનો શાસ્ત્રીય સંગીત શીખવા પ્રત્યેનો રસ જળવાઈ રહે તે રીતે જીવંતતાથી શીખવતાં. આજની આધુનિક પદ્ધતિથી સંગીત જે રીતે શીખવવામાં આવે છે, જેમાં શાસ્ત્રીયતાની સાથે સાથે પર્ફૉર્મન્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે તે 10-15 મિનિટ સ્વતંત્ર રીતે વગાડી શકે એવી તાલીમ મંજુબહેન શરૂઆતથી જ વિદ્યાર્થીઓને આપતાં. તેઓ સંગીતના એવા નિશ્ચિત પાઠ તૈયાર કરતાં કે જેની રજૂઆત વિદ્યાર્થીઓ કરી શકે. એટલે વિદ્યાર્થીઓ માટે તે પહેલા દિવસથી જ પર્ફૉર્મન્સ આર્ટ બની જતું.
એટલે કે જે પ્રકારે સંગીત ગુરુ-શિષ્ય પરંપરામાં શીખવવામાં આવતું કે છ મહિના સુધી એક જ રાગ કે પાઠ શીખતાં રહો તેવું મંજુબહેનની તાલીમમાં નહોતું. તેની પાછળનું કારણ એ હતું કે એ સમયે શાસ્ત્રીય સંગીત ઓછા લોકો શીખતા હતા, એમાં પણ સિતાર જેવું વાદ્ય ઓછી છોકરીઓ શીખતી અને ક્લાસ પદ્ધતિ નવી-નવી શરૂ થઈ હતી. એટલે તેઓ પોતે ગુરુ-શિષ્ય પરંપરાનાં જ કલાકાર હતાં અને પંડિત રવિશંકર જેવા મોટા ગુરુનાં શિષ્યા હતાં, પરંતુ તેમણે રચાયેલું સંગીત (કંપોઝ્ડ મ્યુઝિક) શીખવ્યું. એમાં તેમણે કિરવાની જેવો અઘરો રાગ પણ શીખવ્યો હોય. કારણ કે એક વખત એ રાગ કંપોઝ થઈ ગયો હોય ત્યારે તેને શીખવો અને પછી તેની રજૂઆત કરવું સરળ બની જાય છે.
એટલે કોઈ સપ્તકમાં પાંચ-છ વર્ષ સંગીત શીખે અને પછી એની રજૂઆત કરે તો સાંભળનારને ખબર પડે આ સપ્તકમાં પાંચ-છ વર્ષ શીખેલું છોકરું છે. તેમના વિદ્યાર્થીઓ એમણે શીખવેલા સંગીતની રજૂઆત કરી શકતા હોય. આ જ તેમનો વિદ્યાર્થીઓને શીખવવાનો અભિગમ હતો કે મારાં છોકરાઓ બહાર વગાડે તો સાંભળનારાઓને ખબર પડવી જોઈએ કે તેઓ એ પરંપરામાંથી આવ્યા છે, જેને ‘સપ્તક ઘરાના’ કહેવાય.
મંજુ મહેતાનું વ્યક્તિત્વ અને ખાલીપો

ઇમેજ સ્રોત, Saptak Archives
મંજુબહેન હંમેશાં સૌમ્ય અને શાંત રહીને ચુપચાપ કામ કરવામાં માનતી વ્યક્તિ હતી. જ્યારે અવસાન પહેલાં નંદનભાઈ બે-ત્રણ વર્ષ સુધી બીમાર રહ્યા ત્યારે અને એમના અવસાન પછી પણ મંજુબહેને ખૂબ જ મજબૂતીથી કામ કર્યું.
એક પણ વર્ષ નથી ગયું જ્યારે સપ્તકનો વાર્ષિક સમારોહ ના યોજાયો હોય. આ બધા પાછળ એમની દીકરીઓ અને સાથીદારો તો હોય જ પણ મંજુબહેને તમામ સ્થિતિમાં સુપેરે કામ પૂરું કર્યું હતું.
મારી તેમની સાથે છેલ્લી મુલાકાત 15 દિવસ પહેલાં જ થઈ હતી. મારા ગુરુજી સાજન મિશ્રાજી આવ્યા હતા ત્યારે અમે તેમને મળવા ગયાં હતાં. એ સમયે તેઓ હરતાં-ફરતાં હતાં. અમે ખૂબ જ વાતો પણ કરી.
બે-ત્રણ મહિના પહેલાં મને એવી ઇચ્છા થયેલી કે મંજુબહેનના ઘરાનાનો રાગ છે – તિલક શ્યામ. આ રાગ પંડિત રવિશંકરજીએ બનાવેલો છે. એક રાતે મારા મનમાં તેનું કૉમ્પોઝિશન ચાલતું હતું, અને સવારે મને થયું કે કોને ફોન કરું ત્યારે મેં મંજુબહેનને ફોન કર્યો. એમને કહ્યું, મારે તિલક શ્યામ રાગ શીખવો છે. મારા મનમાં ચાલ્યા કરે છે અને હું કોની પાસે જાઉં? તો મને જવાબમાં કહે, “અરે વીરુદેવી આવી જાવ. તમે તો દસ મિનિટમાં શીખી જશો.”
મારા માટે તેઓ અમદાવાદમાં જેમની આગળ મનની વાત કહી શકાય તેવું મોકળું વ્યક્તિત્વ હતાં. હવે જ્યારે મંજુબહેન નથી ત્યારે મને એમ થાય કે હવે હું અમદાવાદમાં કોની આગળ વાત કરીશ. જેમને ગુરુપદે મુકાય તેવી વ્યક્તિ હવે અમદાવાદમાં ન રહી.
(વિરાજ અમર ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઑફ પર્ફૉર્મિંગ આર્ટ્સનાં નિયામક અને શાસ્ત્રીય ગાયિકા છે. આ લેખ તેમણે બીબીસી ગુજરાતીના સંવાદદાતા પારસ જ્હા સાથે મંજુબહેનનાં સંગીત, વ્યક્તિત્વ અને કલાકાર તરીકે તેમની લાક્ષણિકતાઓની વિશે વાત કરી તેના અંશોમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













