ભારતીય રાજકારણમાં પ્રથમ સમલૈંગિક રાષ્ટ્રીય પ્રવક્તા બનનાર અનીશ ગવાંદેની કહાણી

ઇમેજ સ્રોત, X/@ANISHGAWANDE
- લેેખક, અમૃતા દુર્વે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
એનસીપી શરદ પવાર પાર્ટીએ અનીશ ગવાંદેને પોતાના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા છે. ભારતીય રાજકારણમાં એવું પહેલી વાર બન્યું છે કે કોઈ રાજકીય પક્ષે કોઈ સમલૈંગિક વ્યક્તિને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવી હોય.
જોકે, તેમની પસંદગીની ચર્ચા તેમની લૈંગિક ઓળખને લીધે થાય છે પણ, મુંબઈમાં જન્મેલા અનીશ ગવાંદેની ખરી ઓળખ એના કરતાં ઘણી મોટી અને વ્યાપક છે.
રાજકારણ અને રાજકીય નેતાઓ વિશેની પરંપરાગત સમજનો છેદ ઉડાડીને મુંબઈના અનીશ ગવાંદે રાષ્ટ્રીય પ્રવક્તાના પદ સુધી કઈ રીતે પહોંચ્યા?
વિશ્વપ્રસિદ્ધ કોલંબિયા, ઑક્સફર્ડ અને ફ્રૅંકોફોન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ મુંબઈના અનીશે ભારત પાછા આવવાનો નિર્ણય શા માટે કર્યો?
શું ભારતીય રાજકારણમાં ટ્રાન્સજેન્ડર લોકો માટે કશું પરિવર્તન થયું છે? અનીશ ગવાંદે પોતાની રાજનીતિ વિશે શું વિચારે છે?
બીબીસીને મરાઠીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે આ અને અન્ય સવાલોના જવાબ આપ્યા.
અનીશ ગવાંદે પોતાની રાજનીતિ વિશે શું વિચારે છે?

ઇમેજ સ્રોત, X/@ANISHGAWANDE
પ્રશ્ન : અનીશ ગવાંદેને શરદચંદ્ર પવારની પાર્ટી એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમારો પારિવારિક ઇતિહાસ સક્રિય રાજકારણનો નથી; એવામાં તમે પોતાની લૈંગિક ઓળખ જાહેર કરીને પાર્ટીમાં આ પદ પર આવ્યા છો. તમે શું વિચારીને આ નિર્ણય કર્યો?
અનીશ : આ એક સમજીવિચારીને કરેલો નિર્ણય છે. પરંતુ તેની પાછળ 10 વર્ષ જૂની કથા છે. 2014માં, જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારથી મને રાજકારણમાં રસ હતો. હું પહેલેથી જાણતો હતો કે રાજકારણમાં કંઈક ને કંઈક કરવાનું છે. ત્યારે મેં મારી ઓળખ જાહેર નહોતી કરી. એ સમયે મને એવું લાગ્યું કે પોતાની લૈંગિક ઓળખ જાહેર કરીને રાજકારણમાં આવવું શક્ય નથી. પરંતુ, 2019ની ચૂંટણીમાં મને મિલિંદ દેવડા અને અશોક ચવ્હાણ જેવા નેતાઓ સાથે કામ કરવાની તક મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2024માં મારા બંને માર્ગદર્શક પાર્ટી બદલીને અલગ અલગ પક્ષમાં જતા રહ્યા; અને વિચારધારા મજબૂત રાખીને હું એનસીપીમાં જોડાયો.
ત્યાં મેં મારા માટે તક માગી અને તેમાં સુપ્રિયાતાઈ અને પવારસાહેબે મને તક આપી. તે સમયે મને અનુભૂતિ થઈ કે જો રાજકારણમાં કશું પરિવર્તન લાવવું હોય તો વાસ્તવિક રાજકીય પ્રવેશ કરવાથી જ આવશે અને તેથી હું રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયો. હું તેમનો આભારી છું; તેમણે મને પોતાનો રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યો.
પ્રશ્ન : તમે તમારી લૈંગિક ઓળખ જાહેર કરી દીધી છે. તમે સમલૈંગિક છો. આ તક મળવી તમારા અને સમુદાય માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે?
અનીશ : મારી નિમણૂકના એક જ અઠવાડિયામાં મને ઓછામાં ઓછા 200થી 300 કૉલ આવ્યા હશે. દેશભરમાંથી મને ફોન આવ્યા અને લોકોએ મને કહ્યું કે 'તમને જોઈને અમારામાં આત્મવિશ્વાસ પેદા થયો છે. તમારા ઉદાહરણથી પ્રેરાઈને અમને લાગે છે કે અમે પણ રાજકારણમાં કશું કરી શકીએ છીએ.'
પરંતુ, અહીં પણ હું કહેવા માગું છું કે મારી પાર્ટીએ મને રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોંપી છે. મારી લૈંગિક ઓળખ એ કામનો ભાગ છે. તે ઓળખને મારા માર્ગનો અવરોધ ન માનું, અને તે હકીકત છે તેનો સ્વીકાર કરું. હું મારી પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણય માટે તેનો આભારી રહીશ. અને તેથી મને લાગે છે કે આ દૃષ્ટિએ ભારતમાં રાજકારણની ગુણવત્તામાં સુધારો થયો છે. સુપ્રિયાતાઈ પણ કહે છે, મને મહિલા સાંસદ ન કહો. સૌથી પહેલાં હું એક સાંસદ છું અને એક મહિલા પણ છું. મારા કિસ્સામાં પણ, મને લાગે છે કે મારી લૈંગિક ઓળખ કરતાં આ જવાબદારી ઘણી મોટી છે.
હાલના રાજકારણમાં તમારે એવા નેતૃત્વની જરૂર છે જે જણાવે કે તમે ક્યાંથી આવ્યા છો? તમારો પરિવાર રાજકારણમાં છે કે નહીં? કશો ફરક નથી પડતો. તમારા ગુણોને જોઈને તમને તક આપવામાં આવશે. જો ત્યાં તમે પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા તો તે તક પણ છીનવી લેવાશે.
‘LGBTQIA+ આંદોલનને રાજકીય ઓળખની જરૂર’

ઇમેજ સ્રોત, X/@ANISHGAWANDE
પ્રશ્ન : જે પ્રશ્નો પર તમે અત્યાર સુધી ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો છો. 2019માં તમે તમારા બે સાથીઓ સાથે મળીને ‘પિંક લિસ્ટ’ તૈયાર કરી હતી. તેમાં LGBTQIA+ સમુદાયના મુદ્દા ઉઠાવનારા રાજકીય નેતાઓની એક સૂચિ હતી. તેમની કેટલીક માગણીઓનું સમર્થન કરવામાં આવ્યું. આ રાજકારણ સંબંધિત કામ હતું પરંતુ સીધી રીતે રાજકારણમાં નહોતું. હવે તમે પોતે રાજકારણમાં ઝંપલાવ્યું છે, તો શું હવે તમે સમુદાય માટે કશું કરવાની યોજના ઘડી રહ્યા છો?
અનીશ : હાલના સમયે આપણે સમાનતાની વિચારધારાને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. LGBTQIA+ સમુદાયના અધિકારોના મુદ્દાને માનવાધિકારનો મુદ્દો માનવો જોઈએ. આ જ માનસિકતા સાથે આપણે LGBTQIA+ સમુદાયના અધિકારો માટે કામ કરવાની જરૂર છે.
આજે આપણે ત્યાં LGBTQIA+ જોડીઓને કશી સત્તાવાર માન્યતા નથી. તમે લગ્ન ન કરી શકો, તમારા સંબંધને સત્તાવાર રીતે મંજૂરી નથી મળી. જો તમે સાથે ઘર ખરીદવા માગતા હો તોપણ ઘણી મુશ્કેલીઓ આવે છે. એટલું જ નહીં, જો તમારો પાર્ટનર હૉસ્પિટલમાં હોય તો તમને તેને મળવાની મંજૂરી નથી, કેમ કે, તમારો સંબંધ સત્તાવાર રીતે માન્યતાપ્રાપ્ત નથી. આવા ઘણા મુદ્દે કામ કરવું જરૂરી છે.
પાર્ટીમાં જોડાયા પહેલાં પણ અમારી પાર્ટી આ મુદ્દા પર અવાજ ઉઠાવી ચૂકી છે. અને હવે મારા આવ્યા બાદ પણ પાર્ટી આ મુદ્દા પર પહેલ કરશે.
અમારી એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટીનો LGBTQIA+ મોરચો છે. જો આ સમુદાય સામે કશી સમસ્યા હોય તો દરેક વખતે અદાલતના દરવાજા ખખડાવવા જ એકમાત્ર સમાધાન ન હોઈ શકે. આ સામાજિક આંદોલનને એક રાજકીય ઓળખ આપવાની જરૂર છે.
જોકે, એ માન્યતા ધીમે-ધીમે સામે આવશે, પરંતુ આ બાબતમાં હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે. આજે આપણને એક વૈવિધ્યપૂર્ણ નેતૃત્વની જરૂર છે. કેમ કે, આપણો દેશ વિવિધતાભર્યો છે.
પ્રશ્ન : તમે હવે એક મુખ્ય રાજકીય પક્ષમાં સામેલ થઈ ગયા છો. શું તમને ક્યારેય એવું લાગ્યું કે પાર્ટીની બહાર રહીને બધા પક્ષો સાથે સારા સંબંધ જાળવીને સમુદાયને મજબૂત કરવાનો પ્રયાસ કરવો જરૂરી છે?
અનીશ : ના, મને એવું નથી લાગતું. કેમ કે, મહારાષ્ટ્રના રાજકારણનું એક ખાસ પાસું એ છે કે તમે ભલે ગમે તે પાર્ટીમાંથી હોવ, તમે બધા પક્ષો સાથે બેસીને સામાજિક મુદ્દા પર ચર્ચા કરી શકો છો. અગાઉ પણ આપણે બધા પક્ષોને બિનરાજકીય સામાજિક મુદ્દા પર એક મંચ પર આવતા જોયા છે. અત્યારના રાજકારણમાં આખા દેશમાં જે પરિવર્તન થયું છે તે એ કે, જો તમે ભાજપમાં છો તો તમારે ભાજપના જ મુદ્દા ઉઠાવવા જોઈએ. જો તમે બીજી પાર્ટીઓમાં છો, તો તમારે એ જ પાર્ટીના મુદ્દા ઉઠાવવા જોઈએ. આ ખોટું છે, અને તેમાં પરિવર્તનની જરૂર છે.
પ્રશ્ન : અત્યારે તમારી પાર્ટી માટે અલગ અલગ મુદ્દા મહત્ત્વના છે. તેના અસ્તિત્વની લડાઈ ચાલે છે. આ બધા મુદ્દા સાથે તમે આગામી વિધાનસભા ચૂંટણીમાં સમુદાયના મુદ્દાને ઉઠાવી રહ્યા છો. શું એ સવાલોને સ્થાન મળશે કે તેને સમાન મહત્ત્વ આપવામાં આવશે?
અનીશ : પાર્ટીની પ્રાથમિકતા જ બધું છે. પરંતુ મારા માટે મહત્ત્વનું એ છે કે શું મારી પાર્ટી એવી કશી રૂપરેખા તૈયાર કરી શકે છે, જેમાં બધા વર્ગોને ન્યાય મળી શકે. જો આપણે ‘શિવ–ફુલે–શાહુ–આમ્બેડકર’ વિચારધારા પર નજર નાખીએ તો ધ્યાનમાં આવશે કે આ એક પ્રગતિશીલ વિચારધારા છે. જેમાં જાતિ, લિંગ, જાતીયતા અને અન્ય, હાંસિયા પરના બધા સમૂહો માટે સામાજિક ન્યાય બનાવાયો છે. આ કારણે તે વિચારધારાને પ્રોત્સાહિત કરવી ખૂબ જરૂરી છે. આજે આપણે આપણી રાજકીય કલ્પનાનો વિસ્તાર કરવાની જરૂર છે. જો આપણે એવું કરીશું તો બધા મુદ્દા આવી જશે, ન્યાય પણ સામેલ થઈ જશે.
‘દશ વર્ષથી અમે મેદાનમાં છીએ, અમે ક્યાં એવા ડરીએ છીએ?’

ઇમેજ સ્રોત, X/@ANISHGAWANDE
પ્રશ્ન : વર્તમાન ભારતીય રાજકારણમાં વ્યક્તિગત ટીકા-ટિપ્પણીઓ ખૂબ વધારે થાય છે. રાજકારણમાં કેટલાક શબ્દપ્રયોગો રૂઢ બન્યા છે. જેમ કે, કોઈ રાજનેતા કહે છે, ‘અમે પુરુષ છીએ’, ‘અમે બંગડીઓ નથી પહેરી’. આવાં વાક્યોનો પ્રયોગ એટલી બધી વાર કરાય છે, અને એ પણ વિચાર્યા વગર કે તેઓ કોઈની લાગણી દૂભવી રહ્યા છે. ભવિષ્યમાં તમારી સાથે પણ આવું થઈ શકે. તમારી વ્યક્તિગત ટીકા પણ થઈ શકે છે. તમે આ વિષયમાં શું વિચારો છો?
અનીશ : ‘દશ વર્ષથી અમે મેદાનમાં છીએ, અમે ક્યાં એવા ડરીએ છીએ?’ તમારી ચામડી છેલ્લાં દશ વર્ષોમાં જાડી થઈ ગઈ છે, તેથી એવી બાબતો મહત્ત્વની નથી રહી. જો તમે રાજકારણમાં આવવાના હો તો તમને ખબર હોવી જોઈએ કે જે પરિવર્તન થાય છે તે ધીરેધીરે થાય છે. જ્યારે આ પરિવર્તન થઈ રહ્યું હોય ત્યારે તમારે ખૂબ ધીરજ રાખવી પડશે. મને લાગે છે કે કાલથી રાજકારણ બદલાશે, કેમ કે, હું રાજકારણમાં સામેલ થયો છું.
તમારે તમારી વાસ્તવિકતા અને તમે જે પ્રાપ્ત કર્યું છે તે બાબતે વિનમ્ર રહેવું જોઈએ. તમારે એ સમજવું પડશે કે તમે જે કંઈ કરી રહ્યા છો તે ખૂબ નાનાં પગલાં છે. તેથી, જો મારે એવી વ્યક્તિગત ટીકાઓનો સામનો કરવો પડે તો હું બે વાત જાણું છું.
પહેલી એ કે, મારી પાર્ટીનું મને પૂર્ણ સમર્થન છે, તેથી મારે ડરવાની કશી જરૂર નથી. બીજી વાત એ કે, જો કોઈ તમારી વ્યક્તિગત ટીકા કરે તો તેનો જવાબ તમારે વ્યક્તિગત ટીકા કરીને ન આપવો જોઈએ. આ બદલવાની જરૂર છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












