'અમારે પરણવું છે, સાથે રહેવું છે પણ કોઈ ઘર નથી આપતા', ગુજરાતના સમલૈંગિકોની વ્યથા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી
“હું મારા સજાતિય પાર્ટનર સાથે ચાર વર્ષથી રહું છું પણ અમને કોઈ મકાન નથી આપતું એટલે જુદા રહીએ છીએ અને નોકરી પત્યા પછી મળીયે છીએ. અમને આશા હતી કે સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લોકોનાં લગ્નને માન્યતા આપશે, પણ ના મળી. જો કોર્ટે માન્યતા આપી હોત તો અમે ક્યાંક મકાન રાખીને પતિ-પત્નીની જેમ રહેતા હોત.”
આ શબ્દો છે છેલ્લાં પાંચ વર્ષથી સમલૈંગિક સંબંધ ધરાવતા તેજલ પ્રજાપતિના.
તેજલ પ્રજાપતિને નાનપણથી એવું લાગતું હતું કે એનો જન્મ ભલે પુરુષ તરીકે થયો હોય પણ તેઓ એક મહિલા છે. એમને નાનપણથી છોકરીઓ સાથે રમવાનું ગમતું હતું. છોકરીઓનાં કપડાં પહેરવાં ગમતાં હતાં. શાળામાં લોકો એમની મજાક ઉડાવતા હતા.
એમના પિતા વધુ ભણેલા નહોતા એટલે પુત્રમાં મહિલા જેવી જાતિયતા જોઈને એ ભૂવા-તાંત્રિકો પાસે લઈ ગયા પણ તેજલમાં કોઈ ફરક પડ્યો નહીં. એટલે એમના પિતાએ એમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. એમનું અવસાન થયું ત્યાં સુધી એમના પિતા એમની સાથે વાત કરતા નહોતા અને એમના ભાઈઓ એમને ધુત્કારતા હતા.
તેજલ કહે છે કે, “હું છોકરા તરીકે જન્મ્યો પણ મને ક્યારેય છોકરીઓ માટે આકર્ષણ થયું જ નહીં. મારી ચાલ, મારો અવાજ, લહેકો બધું છોકરીઓ જેવું હતું. ઘરમાં બધા મને કહેતા કે 'સુધરી જા' પણ મને સ્ત્રીની જેમ જ રહેવું ગમતું હતું. પુરુષને જોઈ મને આકર્ષણ થતું હતું એટલે પિતાનો ગુસ્સો, ભાઈઓનો તિરસ્કાર નાનપણથી સહન કરતો હતો. હું 13 વર્ષનો હતો ત્યારે અમારા પાડોશમાં રહેતો એક છોકરો મને પ્રેમથી બોલાવતો હતો. એકવાર બપોરે એણે મને એના ઘરે બોલાવી મારું જાતીય શોષણ કર્યું પણ હું ડરના માર્યાં કોઈને કહી ના શક્યો. મારુ વારંવાર જાતીય શોષણ થતું હતું. સ્કૂલમાં પણ છોકરાઓ પરેશાન કરતા હતા. છેવટે કંટાળીને મેં સ્કૂલ છોડી દીધી.”
“ઘરમાંથી તો હું તિરસ્કૃત હતો જ એટલે મેં નોકરી શોધવાની શરૂ કરી. સાડીની દુકાન, મૉલ એમ ઘણી જગ્યાએ નોકરીઓ કરી. આ સમયમાં હું એક છોકરાના પરિચયમાં આવ્યો. એ મને ગમતો હતો અને એણે સામેથી પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. અમે બહાર મળતા હતા."
"અમારા વચ્ચે સમલૈંગિક સંબંધો બંધાયા. એના ઘરે ખબર પડી એટલે એણેે મને છોડી દીધો અને પરિવારના દબાણને વશ થઈને લગ્ન કરી લીધાં. મને આઘાત લાગ્યો અને આઘાતમાંથી હું બહાર આવ્યો ત્યારે સોશિયલ મીડિયા થકી બીજા એક પુરુષ સાથે સંબંધ બંધાયો. અમે સોશિયલ મીડિયાની 'ગે ઍપ' પર મળ્યા હતા. એ સંબંધ લાંબો ચાલ્યો. અમદાવાદના જાણીતા વિસ્તારોમાં સમલૈંગિક સંબંધો બાંધનારા લોકોની બેઠક છે ત્યાં એ મને લઈ જતો."

એક લાંબા ઇંતેજાર બાદ સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટનો વિભાજિત નિર્ણય આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચ જજોની ખંડપીઠ એક તરફ અમુક મુદ્દે સંમત દેખાઈ તો બીજી તરફ અમુક મુદ્દે સ્પષ્ટ અસંમતી પણ જોવા મળી.
ખંડપીઠે સમલૈંગિક લગ્નનોને માન્યતા આપી શકવાની અસમર્થતા અંગે સંમતી વ્યક્ત કરી અને કહ્યું કે તેમણે પૅનલનું ગઠન કરવાનો સરકારનો પ્રસ્તાવ માની લીધો.
લગભગ 14 કરોડ વસતીવાળા આ સમુદાયને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો બેસબૂરીથી ઇંતેજાર હતો.
જે ઝડપથી એપ્રિલ અને મે માસમાં આ મામલાની સુનાવણી થયેલી તેના કારણે લોકોને હકારાત્મક નિર્ણયની આશા હતી, પરંતુ મંગળવારના નિર્ણયથી તેઓ ઘણા ઉદાસ જોવા મળ્યા.

સમલૈંગિકોને સરકાર પ્રત્યે કેવી આશા છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેજલનો દાવો છે કે અમદાવાદમાં 18 એવી જગ્યાઓ છે, જ્યાં રોજ સાંજે સમલૈંગિકો ભેગા થાય છે ત્યાંથી એકબીજાની પસંદગી કરે છે, શારીરિક સંબંધો બાંધે છે. મોટા ભાગના લોકો સારા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે.
તેઓ ઉમેરે છે, "મારા બીજો બૉયફ્રેન્ડ મને એના મિત્રો સાથે મને મોકલવાનો પ્રયાસ કરતો. તો ક્યારેક એ મારા 'પૅસિવ' મિત્રોને પૈસા આપી જાતીય સંબંધો બાંધતો હતો. એ મારો ઉપયોગ બીજા સમલૈંગિકો સાથે વૈવિધ્ય માણના માટે કરતો હતો. જેની મને જાણ થઈ અને અમે છૂટા પડ્યા.”
“બે વાર દગો ખાધા પછી આ વખતે મેં બહુ સાચવીને પગલું ભર્યું. બધી રીતે એને ચકાસી લીધા પછી મેં મારા બૉયફ્રેન્ડ સાથે સંબંધ રાખ્યા છે. એના ઘરમાં કોઈને અમારા સંબંધ મંજૂર નથી. મારા ઘરમાં તો પહેલાંથી કોઈને મારા સંબંધ મંજૂર નહોતો. અમે અત્યારે એક જગ્યા ભાડે રાખી છે, જ્યાં નોકરી બાદ મળીયે છીએ. પતિપત્ની જેવું સુખ ભોગવીએ છીએ.”
“અમને એમ હતું કે સુપ્રીમ કોર્ટ સમલૈંગિક સંબંધોમાં લગ્ન કરવાની મંજૂરી આપશે પછી અમે કાયદેસર લગ્ન કરી લઈશું. અમે કોઈ સોસાયટીમાં કે ફ્લૅટ ભાડે લેવા જઈયે તો કોઈ અમને મકાન આપતું નથી. એટલે આમ અમે અલગ રહીયે છીએ. અમે બંનેએ અલગઅલગ રીતે એક રૂમ ભાડે રાખ્યો છે, ત્યાં મળીયે છીએ. જો કોઈ અમને મકાન રહેવા માટે આપે તો અમે પતિપત્નીની જેમ રહેવા તૈયાર છીએ પણ મકાન નથી મળતું એટલે નોકરી પતાવ્યા પછી મોડી રાત સુધી અમે સાથે રહી છૂટા પડીયે છીએ. અલબત્ત નોકરીમાંથી બંનેને સમય મળે ત્યારે વીડિયો કૉલ પર જોડાયેલા રહીયે છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અમે નિરાશ છીએ પણ અમને આશા છે કે સરકાર મારા જેવા લોકો માટે કાયદો લાવી સમલૈંગિક સંબંધો પર મંજૂરીની મહોર મારશે.”
'લગ્નની છૂટ આપી હોત તો ઘણા લોકોને એનો ફાયદો થાત'

ઇમેજ સ્રોત, Getty Images
કંઈક આવી જ સ્થિતિ કંઈક કૌશલ ઉર્ફે કાજલની છે. નિમ્ન મધ્યમવર્ગમાં એમનો જન્મ થયો હતો.
તેઓ નાનપણથી ક્રિકેટના બદલે છોકરીઓ સાથે રમવાનું પસંદ કરતા હતા. એમનાં માતાને કચરા-પોતું, વાસણ ધોવા અને રસોઈમાં મદદ કરાવતા હતા. શરૂઆતમાં બધાને એવું લાગતું હતું કે માતાને મદદ કરે છે પણ એ મોટા થયા એટલે એમના વર્તનમાં ફેરફાર જણાવા લાગ્યો. એમનો અવાજ છોકરીઓ જેવો થઈ ગયો અને એમને છોકરાઓ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું.
કૌશલ ઉર્ફે કાજલ કહે છે કે, "સ્કૂલમાં છોકરાઓ મને પજવતા હતા. કેટલાક છોકરાઓ મારી સાથે ચેનચાળો પણ કરતા હતા. બીજા છોકરાઓ મારો બહિષ્કાર કરતા હતા."
"એ સમયમાં અમારી સોસાયટીની નજીક ઉત્તર પ્રદેશથી એક માણસ આવ્યો હતો. એ ક્યાંક નોકરી કરતો અને એકલો રહેતો હતો. એક સાંજે એ મને ફરવા લઈ ગયો અને મારું પહેલીવાર જાતીય શોષણ કર્યું. એ દિવસ મારા માટે નરક સમાન હતો.”
આવી રીતે વારવાંર લોકોના શોષણનો ભોગ બનેલા કૌશલ ઉર્ફે કાજલ બાદમાં દેહવેપારના દુષણમાં ફસાઈ ગયા હતા.
તેઓ ઉમેરે છે, "મારી ઉંમર થવા લાગી હતી એટલે પરાણે ઘરવારાઓએ મારાં લગ્ન કરાવી દીધાં. મારા ઘરમાં કોઈને ખબર નહોતી કે હું પૈસા કેવી રીતે કમાઉં છું. સમાજની બીકે હું પત્ની સાથે સંબંધ રાખતો અને મારે એક બાળક પણ થયું. "
"હવે હું અમારા જેવા એલજીબીટી લોકો માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલો છું એટલે અમને રક્ષણ મળી રહે છે. પણ સુપ્રીમ કોર્ટે જો સમલૈંગિક સંબંધો ધરાવનારને લગ્નની છૂટ આપી હોત તો ઘણા લોકોને એનો ફાયદો થયો હોત.”

'સમલૈંગિકોને લગ્નનો અધિકાર આપવો જોઈએ'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
એલજીબીટી માટે કામ કરતા મલ્હાર પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “લેસ્બિયન, ગે કે બાય-સેક્સયુઅલ હોવું એ કુદરતી છે. ટ્રાન્સજેન્ડર તો જન્મથી હોય છે. આ લોકોને જીવન જીવવાની સ્વતંત્રતા મળવી જોઈએ. એમને લગ્નની મંજૂરી અપાઈ હોત તો ઘણી સમસ્યા ઓછી થઈ જાત. આજે સંખ્યાબંધ લોકો સમલૈંગિક છે પણ ડરીને રહે છે. જો એમનાં લગ્નને માન્યતા મળી હોત તો એમનો સામાજિક સ્વીકાર થયો હોત. અલબત્ત સરકાર આ દિશામાં વિચારે તો ઘણા લોકોને એનો ફાયદો થઈ શકશે.”
તેઓ ઉમેરે છે, “અમદાવાદ શહેરમાં સમલૈંગિકોના 18થી વધુ અડ્ડા છે. અહીં પોલીસની પરેશાની છે અને લોકો એમનો ખોટો લાભ પણ ઉઠાવે છે . કેટલાક લોકો એને પૈસા કમાવવાનું સાધન બનાવી બેઠા છે, જે બંધ કરવા માટે પણ હવે સરકારે સમલૈંગિકોને લગ્નનો અધિકાર આપવો જોઈએ”
અમદાવાદમાં 25 વર્ષથી એલજીબીટી+ લોકો માટે 25 વર્ષથી કામ કરતી સંસ્થા ‘ચુંવાળ’ ના પ્રમુખ ચંદુભાઈ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “સુપ્રીમ કોર્ટ સમલૈંગિકના લગ્નની મંજૂરી આપશે એવી દરેકને આશા હતી પણ કોર્ટનો ચુકાદો શિરોમાન્ય ગણાય. કોર્ટે સરકારને સત્તા આપી એ જોતાં આવનારા દિવસોમાં આ કાયદો પસાર થાય તો સમલૈંગિકોને ફાયદો થશે. અત્યારે સમાજમાં સ્વીકૃતિ નહીં હોવાના કારણે એ લોકોનાં માતાપિતા કે એમને પરિચિત. ડૉક્ટર પાસે કે પછી ભૂવાતાંત્રિક પાસે લઈ જાય છે, જેના કારણે એમના માનસ પર માઠી અસરો પડે છે. એ લોકો પોતે બહિષ્કૃત હોય એવું મને લાગે છે. આ સંજોગોમાં સરકારે સમલૈંગિકો માટેનો કાયદો લાવી એમને મદદ કરવી જોઈએ.”














