ભારતમાં સમલૈંગિક લગ્ન : 73 વર્ષનાં એ વૃદ્ધ જેમણે સમલૈંગિક લગ્ન કરવા માગતા યુગલોના અધિકાર માટે લડત ચલાવી

માયા શર્મા
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સમલૈંગિક લગ્નને કાયદેસરનો દરજ્જો આપવા સંબંધે સુપ્રિમ કોર્ટ આ સપ્તાહે તેનો નિર્ણય જાહેર કરવાની છે. સમલૈંગિક લગ્ન ભારતમાં એલબીજીટીક્યૂ ચળવળનું નવીનતમ પ્રકરણ છે.

એલજીબીટીક્યૂ કર્મશીલ માયા શર્માએ 1990ના દાયકાની શરૂઆતમાં તેમણે પોતાના 16 વર્ષનાં લગ્નજીવનનો ત્યાગ કર્યો ત્યારે તેમણે કલ્પના પણ કરી નહોતી કે તેઓ સમલિંગી યુગલો, ટ્રાન્સજેન્ડર્સ અને ક્વીયર્સના લગ્નને કાયદેસરનો દરજ્જો આપવા સુપ્રિમ કોર્ટમાં ધા નાખશે.

માયા હવે આયુષ્યના 70ના દાયકામાં છે અને વડોદરામાં તેમનાં મહિલા પાર્ટનર સાથે રહે છે. સમલૈંગિક લગ્નને કાયદેસરનો દરજ્જો આપવામાં આવે તો પણ તેઓ લગ્ન કરવાં ઇચ્છતાં નથી. તેમને આશા છે કે આ કેસ દ્વારા આપણે “સમાન ભાગીદારીની કલ્પના કરી શકીએ છીએ.”

વિજાતીય લગ્નથી માંડીને એક લેસ્બિયન તરીકેની પોતાની જાતીયતાનો સ્વીકાર કરવા સુધી, માયા એલજીબીટીક્યૂ ચળવળનાં કેટલાંક મહત્ત્વનાં સીમાચિહ્નોનો એક મહત્ત્વનો ભાગ બની રહ્યાં છે. તેમના આ જીવનની એક ઝલક પ્રસ્તુત છે.

પ્રારંભિક જીવન

સમલૈંગિક યુગલ

ઇમેજ સ્રોત, Getty Images

રાજસ્થાનના અજમેરમાં શાળાકીય શિક્ષણ લીધા બાદ 1960ના દાયકાના અંત માયા આર્ટ્સમાં બેચલરની ડિગ્રી મેળવવા નવી દિલ્હી આવ્યાં હતાં. તેમણે 1983માં 'સહેલી' નામના એક મહિલા સ્વંયસેવી સંગઠનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 'સહેલી'માં તેમની મુલાકાત "એવી ઘણી મહિલાઓઓ સાથે થઈ હતી, જેઓ લગ્નનું બંધન તોડી અને સામાજિક બંધનોમાં બંધાયેલી રહેવાને બદલે પોતાને મનગમતું કામ કરવાની સ્વતંત્રતા ઇચ્છતી હતી."

માયાને શરૂઆતનાં વર્ષોથી મહિલાઓ પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું. તેઓ કહે છે, "હું બહુ નાની હતી ત્યારે પણ મહિલાઓ સાથે મારે કાયમ ગાઢ મિત્રતા રહેતી. શાળાના અભ્યાસ દરમિયાન મને એક શિક્ષિકા પ્રત્યે પ્રચુર આકર્ષણ થયું હતું."

વર્ષો વીતતાં ગયાં તેમ માયાને વિષમલિંગી વિશ્વમાં ગર્ભવતી થવાનું....મહિલાઓ સાથે સંબંધ બાંધવાનું અશક્ય લાગવા માંડ્યું હતું. તેમના કામને કારણે અનેક આંતરિક સવાલ ઊભા થયા હતા.

1988માં બે મહિલા પોલીસ કર્મચારીનાં લગ્નની ઘટના સમાચારમાં ચમકી ત્યારબાદ સમલૈંગિક યુગલોએ એકમેકની સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. માયા કહે છે, "એ જોઈને બહુ સારું લાગ્યું હતું." અલબત, તેમણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બન્ને મહિલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને કેટલાકે આત્મહત્યા કરી લીધી હતી.

માયા કહે છે, "એ સમયે ક્વીયર સમુદાય જેવું ભાગ્યે જ કશું હતું. અમે એકમેકને જાણતા હતા." સમાજની વાત છોડો, મિત્રોમાં પણ પોતાની ખરી જાતીય ઓળખ જાહેર કરવાનું મુશ્કેલ હતું.

‘લેસ ધેન ગે’ રિપોર્ટનું પ્રકાશન

યુગલ

ઇમેજ સ્રોત, Getty Images

1991માં ‘લૅસ ધેન ગે’ શિર્ષક હેઠળ 70 પાનાંના એક રિપોર્ટનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. તેને ‘ધ પિન્ક બૂક’ કહેવામાં આવે છે.

એલજીબીટીક્યૂ યાત્રાના એક મહત્ત્વપૂર્ણ તબક્કા તરીકે માયાને એ ઘટના યાદ છે. એ રિપોર્ટ ભારતમાં એવા સમયે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જ્યારે ડૉક્ટર્સ એચઆઈવી, એઈડ્ઝના દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કરતા હતા. "સમલૈંગિકતાનું ભારતમાં અસ્તિત્વ જ નથી" અથવા તે "નાઇલાજ રોગ છે," એવી વ્યાપક માન્યતાને તેણે પડકારી હતી.

"ભારતમાં ગે અને લેસ્બિયન લોકો વિશેનો સૌપ્રથમ દસ્તાવેજ" ગણાતા એ અહેવાલમાં ત્રણ માગણી કરવામાં આવી હતી. તેમાં કલમ ક્રમાંક 377ની નાબૂદી અને સમલૈંગિક લગ્નને કાયદાકીય સ્વીકૃતિ આપવા માટે કાયદામાં સુધારાનો સમાવેશ થતો હતો.

પ્રેમમાં પડ્યાં

સમલૈંગિક યુગલ

ઇમેજ સ્રોત, Getty Images

એ સમયની આસપાસ માયાએ તેમનાં 16 વર્ષના લગ્નજીવનનો ત્યાગ કર્યો હતો. તેઓ કહે છે, "હું તો એક દિવસ નાનકડી સૂટકેસ લઈને રેલ્વે સ્ટેશન જવા નીકળી ગઈ હતી." માયા પોતાનું ઘર છોડીને દિલ્હીમાં એક સર્વન્ટ ક્વાર્ટરમાં રહેવા આવી ગયાં હતાં. માયાને પરંપરાગત લગ્નજીવન વ્યવસ્થામાં ગોઠતું ન હતું. તેમણે પોતાની લૈંગિકતાને કારણ નહીં, પરંતુ લગ્ન સંસ્થા ખૂબ જ દમનકારી લાગતી હોવાને કારણે લગ્નજીવન છોડ્યું હતું.

માયા કહે છે, "કેટલી અસમાનતા છે, કેટલું દમન છે તે મારા ગળે ઊતરતું ન હતું."

તેમના કાર્યએ આ પગલું લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ કહે છે, "સહેલી'ને કારણે મને બહુ હિંમત મળી હતી."

થોડા સમય પછી તેઓ એક મહિલાના પ્રેમમાં પડ્યાં હતાં.

"એ મારી જિંદગીમાં બહુ સારો તબક્કો હતો. એક હોય, જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે કોણ છીએ, એક જ્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાયતો એક પગલું આગળ વધીએ છીએ."

તેઓ તેમના એ સમયનાં પાર્ટનરને બહુ પ્રેમથી યાદ કરે છે. "હું તો તેમને મારી ગુરુ માનું છું. તેઓ કેટલું કરી શકે છે એ જોઈને હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી."

લેસ્બિયન્સની ઓળખ

હાથ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1990ના દાયકામાં એલજીબીટીક્યૂ વિશે વધુને વધુ વાતચીત થવા લાગી હતી. સમલૈંગિકતાને કાબૂમાં લેવાના એક પગલા તરીકે કિરણ બેદીએ તિહાડ જેલમાં 1994માં કૉન્ડોમનું વિતરણ બંધ કરાવ્યું, ત્યારે તેનો જોરદાર વિરોધ થયો હતો.

માયા કહે છે, "એ દિવસોમાં મેં પણ વિરોધ કર્યો હતો અને વિરોધ કૂચ પણ કરી હતી."

મહિલા જૂથો પણ એલજીબીટીક્યૂને કાયમ સમર્થન આપતાં નથી. "(નેશનલ ફૅડરેશન ઑફ ઇન્ડિયન વીમૅન)નાં વિમલા ફારુકીએ કહ્યું હતું કે આ અવનતિના માર્ગે ચડેલી પશ્ચિમી સંસ્કૃતિની નિપજ છે.”

ક્વીયર્સે નાનાં જૂથોમાં એકમેકની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ દુનિયા સામે પોતાની ખરી ઓળખ જાહેર કરવાનું બહુ મુશ્કેલ હતું. "એલજીબીટીક્યૂની વાતો થતી હતી ત્યારે ઘણા લોકોને એવો ડર લાગતો હતો કે અમે આ સમાજને તોડી નાખીશું."

વિશ્વ ક્વીયર લોકોનો સ્વીકાર કરશે એવી પોતાની મહેચ્છાની વાત કરતાં તેઓ કહે છે, "મને બહુ વ્યાકુળતા હતી કારણકે હું એટલી યુવાન નહોતી.”

પછી બધું બદલાવા લાગ્યું. માયાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે 1997માં રાંચીમાં મહિલા આંદોલન સંમેલન યોજાયું હતું. તેના ઘોષણાપત્રમાં સમલૈંગિક મહિલાઓના અધિકારોની વાત સમાવવામાં આવી હતી.

ફિલ્મ ‘ફાયર’

ફિલ્મ વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

1998માં પ્રદર્શિત થયેલી ‘ફાયર’ ફિલ્મમાં "પરિવારની બે મહિલાઓ વચ્ચેના શારીરિક સંબંધને વિગતવાર દર્શાવવામાં આવ્યો હતો." તે વધુ એક સીમાચિહ્ન હતું.

મુંબઈ, દિલ્હી અને સુરતના થિયેટરોમાં તોડફોડ તથા વિરોધ પ્રદર્શનો થયાં હતાં. રાજકીય પક્ષો અને એલજીબીટીક્યૂ સમુદાય બન્ને તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિષયની દિવસો સુધી વ્યાપક ચર્ચા થઈ હતી.

માયા કહે છે, "અમે એક પોસ્ટર બહુ પ્રેમ તથા ગર્વસાથે બનાવ્યું હતું. તેના પર લખ્યું હતું ભારતીય લેસ્બિયન. અમે રીગલ સિનેમા સામે એકઠાં થયાં હતાં અને કૅન્ડલ માર્ચ કરી હતી."

બીજા દિવસે સવારે લેસ્બિયન શબ્દ અખબારોના મુખ્ય મથાળામાં ચમક્યો હતો.

"બહુ ડર લાગતો હતો. અમે ગભરાયેલાં હતાં, કારણ કે પરિવારજનોને તેની ખબર નહોતી. તેથી તેનું પરિણામ શું આવશે તેની અમને ખબર ન હતી."

જોકે, વિરોધ પ્રદર્શનને લીધે તેમનો ઉત્સાહ વધ્યો હતો.

માયા કહે છે,"જ્યારે તમે ભયમુક્ત થઈ જાવ છો તો, તો પછી એ સામાવાળા પર જતો રહે છે કે તમે મારું શું કરી લેશો. આવા નાનકડા પડકારો તો ઘણા આવ્યા છે."

વડોદરા તરફ પ્રયાણ

વર્કશોપ
ઇમેજ કૅપ્શન, ટ્રાન્સ લોકો માટે સામાજિક અને કાનૂની ન્યાય માટે ગુજરાતમાં યોજાયેલા વર્કશોપની તસવીર

માયા 2000ના દાયકાની શરૂઆતમાં ટ્રેડ યુનિયન્સ સાથે કામ કરતાં હતાં. માયા એલજીબીટીક્યૂ ચળવળ સાથે સંકળાયેલાં હતાં તે ટ્રેડ યુનિયન્સને સ્વીકાર્ય ન હતું.

"યુનિયનની પ્રતિષ્ઠા ખરડવા બદલ તેઓ મારા પર બહુ ગુસ્સે થયા હતા. તેથી મારે એ કામ છોડવું પડ્યું હતું."

આખરે તેઓ વડોદરા રહેવા ગયાં અને 'વિકલ્પ' મહિલા જૂથ સાથે જોડાયાં હતાં. આ જૂથ એલજીબીટીક્યૂ અને મહિલાઓના અધિકાર માટે કામ કરે છે.

પોતાના કામના આધારે માયાએ 2006માં ‘લવિંગ વીમેનઃ બીઇંગ લેસ્બિયન ઇન અન્ડરપ્રિવિલેજ્ડ ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં ગ્રામીણ ભારતની સમલૈંગિક મહિલાઓનાં જીવનનો ચિતાર આલેખવામાં આવ્યો હતો.

કલમ 377 માટેની લડાઈ

સમલૈંગિક યુગલ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં સમલૈંગિકતાને અપરાધ જાહેર કરવાની લડાઈ 1990ના દાયકાથી ચાલે છે, પરંતુ 2000ના દાયકાની શરૂઆતમાં તે વિશેની કાયદાકીય લડાઈએ વેગ પકડ્યો હતો. સમલૈંગિકતાને અપરાધ જાહેર કરતી ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 377ને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે 2003માં નકારી કાઢી ત્યારે એલજીબીટીક્યૂ સમુદાયને મોટો ફટકો પડ્યો હતો.

માયા આ લડાઈ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતાં. "અમે પાયદળના સૈનિકો જેવા હતાં,” એમ કહેતાં માયા ઉમેરે છે, "અમને માતા-પિતાનો ટેકો મળ્યો હતો અને લેખક વિક્રમ સેઠ જેવા અગ્રણી લોકો પણ અમારી સાથે હતા."

દિલ્હી હાઈકોર્ટના 2009ના આદેશને ચાર જ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો હતો.

માયા કહે છે, "તે વાસ્તવમાં નિરાશાજનક હતું".

માયાના જણાવ્યા મુજબ, તેનાથી લાભ પણ થયો હતો. આ મામલે એલજીબીટીક્યૂ સમુદાય "એક નિશ્ચિત સમજ સાથે એક થઈ રહ્યો હતો."

તે પૂર્વે આ સમુદાય વિખેરાયેલો અને વિવાદિત હતો.

ટ્રાન્સજેન્ડર્સને સ્વીકૃતિ ને સમલૈંગિકતાની અપરાધ-મુક્તિ

પોસ્ટર સાથે વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

કલમ ક્રમાંક 377 વિશેનો ચુકાદો ઉલટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે વધુ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે ટ્રાન્સજેન્ડર્સને ‘તૃતીય લિંગ’ તરીકે માન્યતા આપવી જોઈએ.

માયાના કહેવા મુજબ, "હવે અમે સરકારને કહી શકીએ તેમ હતા કે તમારે આ ન કરવું જોઈએ અને આ કરવું જોઈએ."

મોટી ક્ષણ ઑક્ટોબર-2018માં આવી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે કલમ 377ને રદ્દ કરી નાખી હતી. સમલૈંગિક હોવાને અપરાધમાંથી મુક્તિ મળી હતી.

માયા પોતાની ઓળખ બાબતે સહજ થઈ ગયાં હતાં ત્યારે આ ચુકાદો મનોબળ વધારનારો હતો. તેઓ કહે છે, "આ અપ્રાકૃતિક છે એવું કોઈ ગમે ત્યારે કહી દેશે એવો ડર તો હંમેશાં રહેતો હતો. તેથી અમે અપરાધી નથી તે જાણવાનો અનુભવ બહુ સુખદ હતો."

એલજીબીટીક્યૂની લાગણીની સ્વીકૃતિ તરફનું એ મોટું પગલું હતું, પણ ઘણું કામ કરવાનું બાકી હતું. "કાયદો બદલાય તે જરૂરી હોય છે, પરંતુ તેનો આદર બહુ ધીમે ધીમે થતો હોય છે," એમ કહેતાં માયા ઉમેરે છે,"જૈસે પહેલી બાર ચાય પત્તી ડાલો તો વો હલકા રંગ લાતી હૈ."

વડોદરામાં નિવાસ દરમિયાન માયાની મુલાકાત જે મહિલા સાથે થઈ હતી તેઓ હવે માયાનાં પાર્ટનર છે. તેઓ આ સમયને ‘ખુશીના દિવસો’ ગણાવતાં કહે છે, "કેમ કે હું મારા સમુદાયમાં કામ કરતી હતી. રોજેરોજ તેમની સાથે મુલાકાત થતી હતી. હું પ્રેમમાં પડી ગઈ હતી."

લગ્નના માર્ગે

સમલૈંગિક યુગલ

ઇમેજ સ્રોત, Getty Images

સમલૈંગિકતાને અપરાધમુક્ત જાહેર કરવામાં આવી અને ટ્રાન્સજેન્ડર્સને સ્વીકૃતિ આપવામાં આવી એ સાથે એલજીબીટીક્યૂ સમુદાયના ઘણા લોકોએ લગ્નના અધિકાર તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

એક સમલૈંગિક યુગલે જાન્યુઆરી-2020માં લગ્નનો અધિકાર માગતી એક અરજી કેરળ હાઈકોર્ટમાં દાખલ કરી હતી.

એવી જ અરજીઓ દિલ્હી અને ઓડિસાની હાઈકોર્ટમાં તેમજ સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ એવી દલીલ કરી હતી કે વિવાહિત ઉભયલિંગી યુગલોને જે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે એ તેમને આપવામાં આવ્યા નથી.

સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી-2023માં આ તમામ અરજીઓ બાબતે એકસાથે કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, માયા લગ્નના વિચારની વિરુદ્ધ છે. તેમણે અને કેટલાય અન્ય લોકોએ ફેબ્રુઆરી-2023માં એક અરજી દાખલ કરી હતી, કારણ કે તેઓ મિલકત અને વારસાના કાયદામાં વધુ સમાનતા લાવવામાં આવે તેવું ઇચ્છે છે.

માયા કહે છે, "હું ક્વીયર લોકોનાં લગ્નની હિમાયત કરતી નથી, કારણ કે લગ્ન શબ્દની સાથે ઘણુંબધું સંકળાયેલું હોય છે. લગ્નને બદલે તેને પાર્ટનરશિપ કહેવામાં આવે તેવું હું ઇચ્છું છું."

તેમને આશા છે કે તેમની અરજીના સંદર્ભમાં લોકો વધારે ન્યાયી અને ઓછી પિતૃસત્તાક સંસ્થાઓ વિશે વિચારવાનું શરૂ કરશે.

માયાની અરજીમાં એક અનોખી માગ કરવામાં આવી છેઃ પોતાનો પરિવાર પસંદ કરવાનો વિકલ્પ. માયા કહે છે, "પરિવારોમાં હિંસા પ્રગટ રીતે દેખાતી નથી. જન્મજાત પરિવારોમાં જે ક્વીયર લોકોએ હિંસાનો સામનો કરવો પડે છે તેમને ટેકો આપવાની વ્યવસ્થા કઈ રીતે કરીશું?"

સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

માયા માને છે કે તેમના આંદોલનનું કામ પૂર્ણ થઈ ગયું છે. માયા કહે છે, "કાયદાનો સંઘર્ષ એક તરફ અને સમાજમાં જે ચાલી રહ્યું છે તે બીજી તરફ. બંનેનું મળવું ખૂબ જ સુંદર ખયાલ હૈ."