ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનાં જેમની સાથે લગ્ન થયાં તે દીવા શાહ કોણ છે?

જીત અદાણી, બીબીસી ગુજરાતી, ગૌતમ અદાણી, દીવા શાહ અને જીત અદાણીનાં લગ્ન, અમદાવાદમાં ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનાં લગ્ન

ઇમેજ સ્રોત, @gautam_adani

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનાં લગ્ન દીવા શાહ સાથે થયાં છે

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી દીવા શાહ સાથે શુક્રવારે અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે.

સમારોહ અંગે પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર અમદાવાદ ખાતે આયોજિત આ સમારંભ અપેક્ષાથી ઊલટ 'સાદગીભર્યો' રહેશે.

હીરાવેપારી જૈમિન શાહનાં પુત્રી દીવા શાહની અમદાવાદ ખાતે જ માર્ચ 2023માં સગાઈ થઈ હતી.

હાલ, બંનેના લગ્નસમારોહનો માત્ર એક જ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.

નોંધનીય છે કે તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન તેના 'ભવ્યાતિભવ્ય' સમારોહો માટે સમાચારોમાં છવાયેલાં રહ્યાં હતાં.

જોકે, હાલ ભારતના ટોચના ધનિકો પૈકી એક ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીનાં લગ્ન 'સાદગી'થી કરવાના નિર્ણયથી આ લગ્ન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયાં છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

જીત અદાણીનાં લગ્નમાં કોને-કોને આમંત્રણ?

જીત અદાણી, બીબીસી ગુજરાતી, ગૌતમ અદાણી, દીવા શાહ અને જીત અદાણીનાં લગ્ન, અમદાવાદમાં ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનાં લગ્ન

ઇમેજ સ્રોત, @gautam_adani

ગૌતમ અદાણી મહાકુંભ મેળામાં સ્નાન માટે ગયા ત્યારે પ્રયાગરાજ ઍરપૉર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું એ પ્રમાણે જીતનાં લગ્ન સ્ટાર્સની ઝાકઝમાળ વગર, સાદગીપૂર્ણ રીતે અને પરંપરાગત ઢબથી યોજાવાનાં છે.

નોંધનીય છે કે આ પહેલા અનંત અંબાણીનાં લગ્નની જેમ જીત અદાણીનાં લગ્નમાં પણ ભારત અને વિદેશના સ્ટાર્સ આવવાની ચર્ચા ઇન્ટરનેટ પર ચાલી રહી હતી.

હોલીવૂડ ગાયક ટ્રેવિસ સ્કોટ પણ જીત અદાણીના લગ્નસમારોહમાં પર્ફૉર્મ કરવાની અટકળો સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી.

જોકે, ગૌતમ અદાણીના નિવેદન બાદ લગ્નમાં વૈશ્વિક હસ્તીઓ હાજરી આપવાની અટકળોનો અંત આવ્યો છે.

સોશિયલ મીડિયા પર ગૌતમ અદાણીના નાના દીકરાનાં લગ્ન સૌથી મોંઘાં અને સૌથી વૈભવી રીતે યોજાશે એવી ચર્ચા ચાલી રહી હતી.

ગયા મહિને પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પોતાના પરિવાર સાથે ગંગા આરતી કર્યા પછી ગૌતમ અદાણીએ કહ્યું, "મારો ઉછેર અને અમારી કામ કરવાની રીત એક સામાન્ય મજૂર વર્ગની વ્યક્તિ જેવી છે. જીત પણ મા ગંગાના આશીર્વાદ માટે અહીં છે. આ લગ્ન એક સરળ અને પરંપરાગત કૌટુંબિક પ્રસંગ હશે."

મહેમાનોની સંખ્યા કેટલી હશે?

જીત અદાણી, બીબીસી ગુજરાતી, ગૌતમ અદાણી, દીવા શાહ અને જીત અદાણીનાં લગ્ન, અમદાવાદમાં ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનાં લગ્ન

ઇમેજ સ્રોત, Adani Group

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી

જીત અદાણી અને દીવા શાહનાં લગ્ન પહેલાંનો સમારોહ તારીખ 5 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો.

અહેવાલો અનુસાર આ લગ્નમાં મહેમાનોની સંખ્યા 300થી વધુ હોવાની શક્યતા નથી.

જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

જીત અદાણી અને દીવા શાહનાં લગ્ન પરંપરાગત રીતે યોજાવાનાં છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર મનીષ મલ્હોત્રાએ જીત અને દીવા બંને માટે કસ્ટમ-મેડ શાલ બનાવવા માટે બિનસરકારી સંસ્થા ફૅમિલી ઑફ ડિસેબલ્ડ (એફઓડી) સાથે હાથ મિલાવ્યા છે.

આ ઉપરાંત, એનજીઓ લગ્ન માટે હાથથી રંગાયેલી જરૂરી વસ્તુઓ પણ બનાવી રહી છે જેમાં કાચનાં વાસણો, પ્લેટો અને અન્ય એસેસરીઝનો સમાવેશ થાય છે.

લગ્ન પહેલાં મિટ્ટી કાફેની લીધી હતી મુલાકાત

જીત અદાણી લગ્ન પહેલાં તેમણે 500 મહિલાઓને 10 લાખ રૂપિયા કરિયાવર સ્વરૂપે સહાય આપવાની જાહેરાત કરી હતી

ઇમેજ સ્રોત, Adani Group

ઇમેજ કૅપ્શન, જીત અદાણી લગ્ન પહેલાં તેમણે 500 મહિલાઓને 10 લાખ રૂપિયા કરિયાવર સ્વરૂપે સહાય આપવાની જાહેરાત કરી હતી

વિકલાંગ લોકોને મદદ કરવા માટે જાણીતા જીત અદાણીએ આ વિચાર સૂચવ્યો હોવાનું માનવામાં આવે છે.

લગ્ન પહેલાં જીત અને દીવા શાહે મિટ્ટી કાફેની મુલાકાત લીધી હતી.

મિટ્ટી કાફે એ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત સંસ્થા છે.

આ સંસ્થા દ્વારા વિકલાંગ વ્યક્તિઓને રોજગાર દ્વારા સશક્ત બનાવવામાં આવે છે. જીત અદાણીની આ કાફેની મુલાકાત ખૂબ જ ખાસ હતી, કારણ કે તેઓ લાંબા સમયથી આ કાફે સાથે જોડાયેલા છે.

જીત અદાણીએ અગાઉ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર મિટ્ટી કાફેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

જીત અને દીવા શાહ આ કાફેના સ્થાપક અને મિટ્ટી કાફેની ટીમને તેમનાં લગ્નમાં આમંત્રણ આપવા આવ્યાં હતાં.

આ સમય દરમિયાન, બંનેએ કર્મચારીઓ સાથે વાતચીત કરી, કેક કાપી અને તેમની સાથે સમય વિતાવ્યો. બંનેનું સ્વાગત કરવા માટે, કાફે ટીમે તેમને ગુલદસ્તો અને ગિફ્ટ પણ આપ્યાં હતાં.

ગુજરાતનાં આ મહિલા કલાકારનાં ભીંતચિત્રો લગ્નમાં જોવા મળશે

ગૌતમ અદાણી મહાકુંભમાં પરિવાર સાથે પહોંચ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી મહાકુંભમાં પરિવાર સાથે પહોંચ્યા હતા

જીત અદાણી અને દીવા શાહનાં લગ્નમાં ભારતભરના કારીગરો ભાગ લેવાના છે.

આ લગ્ન ભારતના કલાત્મક વારસાની ઝાંખી કરાવશે એવું કહેવાઈ રહ્યું છે.

આ લગ્ન માટે મહારાષ્ટ્રના નાશિકના કારીગરો દ્વારા લગ્નના મહેમાનો માટે પૈઠણી સાડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

તો લગ્નમાં ગુજરાતના મુન્દ્રાના નીતાબેન દ્વારા માટીકામથી બનાવેલાં ભીંતચિત્રો પણ જોવા મળશે.

જોધપુરના બીબાજી ચૂરીવાળાની પરંપરાગત બંગડીઓ પણ આ પરંપરાગત લગ્નોત્સવમાં 'રંગ ઊમેરશે'.

અદાણીના કારોબારમાં જીત અદાણીની શું ભૂમિકા છે? દીવા શાહ કોણ છે?

જીત અદાણી, બીબીસી ગુજરાતી, ગૌતમ અદાણી, દીવા શાહ અને જીત અદાણીનાં લગ્ન, અમદાવાદમાં ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનાં લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જીત યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાના સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ઍપ્લાઇડ સાયન્સના સ્નાતક છે.

તેઓ એક પ્રશિક્ષિત પાઇલટ પણ છે.

2019માં અદાણી ગ્રૂપમાં જોડાતા પહેલાં તેમણે ફાઇનાન્સ, કૅપિટલ માર્કેટ અને રિસ્ક ઍન્ડ પૉલિસી પર કામ કર્યું હતું.

અદાણી ગ્રૂપની વેબસાઇટ અનુસાર જીત અદાણી પૉર્ટ્સ, અદાણી ડિજિટલ લૅબ્સ જેવા વિભાગોનું સંચાલન કરે છે.

તેઓ હાલમાં અદાણી ઍરપૉર્ટ્સના ડિરેક્ટર છે.

જીત અદાણી 'વિશ્વના સૌથી યુવાન ઍરપૉર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર' ગણાવવામાં આવે છે.

હાલ તેમણે નવોદિત ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડતા કાર્યક્રમ 'શાર્ક ટૅન્ક' થકી વિકલાંગ ઉદ્યોગસાહસિકો અને વિકલાંગો માટે કામ કરતા ઉદ્યોગસાહસિકોને 'માર્ગદર્શન' પૂરું પાડવાની ઑફર કરી છે.

દીવા શાહ અને જીત અદાણીની સગાઈ માર્ચ 2023માં થઈ હતી.

દીવા શાહ વિશે વાત કરીએ તો તેઓ હીરાના વેપારી સી દિનેશ ઍન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના જૈમિન શાહનાં પુત્રી છે. તેમની ડાયમંડ મૅન્યુફેક્ચરિંગ કંપનીઓ મુંબઈ અને સુરતમાં આવેલી છે.

તેની સ્થાપના 1976માં ચિનુ દોશી અને દિનેશ શાહ દ્વારા કરવામાં આવી હતી.

દીવા શાહ હીરાના વેપારી જૈમિન શાહનાં પુત્રી છે અને તેમનો ઉછેર મુંબઈમાં થયો છે.

તેમણે અમેરિકાના ન્યૂ યૉર્કની પાર્સન્સ સ્કૂલ ઑફ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો છે.

તેઓ છેલ્લા એક વર્ષથી અદાણી ફાઉન્ડેશનના વિકલાંગતા કાર્યક્રમ સાથે સંકળાયેલાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.