હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ થશે, અદાણી ગ્રૂપ પર આરોપ મૂકીને ચર્ચામાં આવી હતી

ગૌતમ અદાણી અને નેટ એન્ડરસન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી અને નેટ એન્ડરસન

અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચ બંધ થવાની છે. કંપનીના સ્થાપક નેટ એન્ડરસને આ માહિતી આપી છે.

"જેમ કે મેં મારા પરિવાર, મિત્રો અને મારી ટીમને ગયા વર્ષના અંતમાં કહ્યું હતું, મેં હિંડનબર્ગ રિસર્ચને વિસર્જન કરવાનું નક્કી કર્યું છે," નેટ એન્ડરસને હિંડનબર્ગ રિસર્ચની વેબસાઇટ પરની વ્યક્તિગત નોંધમાં આમાં જણાવ્યું છે.

તેમણે કહ્યું કે યોજના એવી હતી કે અમે જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થતાં જ તેને બંધ કરી દેવામાં આવશે. અમે માર્કેટ રેગ્યુલેટર્સને પૉન્ઝી કેસ વિશે જાણ કરી છે જેની અમે તપાસ કરી છે.

નેટ એન્ડરસને કહ્યું, "હું આ ખૂબ જ આનંદ સાથે લખી રહ્યો છું. આ કરવાનું મારા જીવનનું સપનું છે. હાલના તબક્કામાં મને ખબર નથી કે આમ કર્યા બાદ મને કોઈ યોગ્ય તક મળશે કે કેમ. મેં જે નિર્ણય કર્યો છે તે સરળ વિકલ્પ નથી પરંતુ હું જોખમ વિશે જાણતો હતો અને તે તરફ ખેંચાઈ ગયો હતો.

તેમણે પોતાના પોસ્ટમાં લખ્યું કે, આ નિર્ણય કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ નથી. કોઈ જોખમ નથી, ન કોઈ શારીરિક સમસ્યા અથવા કોઈ મોટી વ્યક્તિગત સમસ્યા. હિંડનબર્ગ મારા જીવનનો એક અધ્યાય છે અને કેન્દ્રસ્થાને નહીં.

અત્રે નોંધનીય છે કે, હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં અદાણી ગ્રૂપ સામે છેતરપિંડી, ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન અને મની લૉન્ડરિંગના આક્ષેપો કર્યા હતા. આ પછી હિંડનબર્ગ સંશોધન ભારતમાં ચર્ચામાં આવ્યું હતું.

વૉટ્સઍપ

જ્યારે કંપનીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યનાં મૂળિયાં હલાવી દીધાં

હિંડનબર્ગની વેબસાઈટમાં સ્થાપક નેટ એન્ડરસનની પોસ્ટ

ઇમેજ સ્રોત, hindenburgresearch.com

ઇમેજ કૅપ્શન, હિંડનબર્ગની વેબસાઈટમાં સ્થાપક નેટ એન્ડરસનની પોસ્ટ

હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023ના રોજ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડ્સ થર્ડ રિચેસ્ટ મૅન ઇઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કૉન ઇન કૉર્પોરેટ હિસ્ટ્રી' શીર્ષક હેઠળ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર શેરોમાં ગડબડીનો આરોપ લગાવ્યો ત્યારે તેના માલિક ગૌતમ અદાણી દુનિયાની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ હતા. હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર તેની કંપનીઓના શેરના ભાવમાં ચેડાં કરવાનો અને ટૅક્સ હેવન દેશોના માધ્યમથી છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો હતો.

હિંડનબર્ગનો દાવો છે કે તેમનો રિપોર્ટ બે વર્ષના સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને આ માટે અદાણી ગ્રૂપમાં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ અધિકારીઓની સાથે અન્ય ઘણા લોકો સાથે પણ વાત કરવામાં આવી છે અને ઘણા દસ્તાવેજોને આધાર બનાવવામાં આવ્યા છે.

કંપનીએ તેમની વેબસાઇટ પર લખ્યું છે કે તે માત્ર રોકાણ માટે નિર્ણયો આપવા માટે તે વિશ્લેષણને તો આધાર બનાવે જ છે, સાથે તે ઇન્વેસ્ટિગેટિવ રિસર્ચ અને સૂત્રો પાસેથી મળતી ગુપ્ત માહિતી પર પણ રિસર્ચ કરે છે. જેને શોધી કાઢવું ઘણું મુશ્કેલ હોય છે.

અહેવાલને પાયાવિહોણા ગણાવતા અદાણી ગ્રૂપે કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા હતા.

27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કંપની શૅરબજારમાં સેકન્ડરી શૅર ઇશ્યુ કરવાની હતી. આ કોઈ નાનોસૂનો ઇશ્યુ નહોતો, પરંતુ રૂપિયા 20 હજાર કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો એફપીઓ હતો.

હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023ના રોજ 'અદાણી ગ્રૂપ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો

ઇમેજ સ્રોત, hindenburgresearch.com

ઇમેજ કૅપ્શન, હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023ના રોજ 'અદાણી ગ્રૂપ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો

આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણી દુનિયાના દસ સૌથી વધુ અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા.

તેનું કારણ તેમના રિપોર્ટમાં સામેલ 88 પ્રશ્નો છે, જે તેમણે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી જૂથને પૂછ્યા હતા. આમાં ઘણા પ્રશ્નો ખૂબ ગંભીર હતા અને સીધા અદાણી ગ્રૂપના કૉર્પોરેટ ગવર્નન્સને નિશાન બનાવતા હતા.

જોકે આ 88 પ્રશ્નોના જવાબમાં હિંડનબર્ગને પણ બે મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવે છે - પહેલો, કંપની પોતાને 'ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગ' કહે છે તે અબજો રૂપિયાનો નફો કરવા માટે તો આવું નથી કરી રહી અને બીજો પ્રશ્ન અહેવાલ છે.

અહેવાલ જાહેર થતાં જ અદાણી ગ્રૂપના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. ગ્રૂપના શૅરો પર વેચવાલીએ એટલું જોર પકડ્યું કે જોતજોતામાં અદાણી ગ્રૂપના રોકાણકારો અને પ્રમોટરોની લાખ કરોડની માર્કેટ મૂડી ડૂબી ગઈ ગઈ.

અગાઉ ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થમાં 18 ટકાનો ઘટાડો થયો હતો અને ફોર્બ્સ મૅગેઝિનની વિશ્વના અબજોપતિઓની રીયલ-ટાઇમ યાદી અનુસાર, તેઓ અમીરોની યાદીમાં ચોથા સ્થાનેથી સાતમા સ્થાને જતા રહ્યા હતા.

સેબીનાં ચૅરપર્સન સામે પણ આરોપ થયા હતા

 સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચ

ઑગસ્ટ 2024માં અમેરિકાના શૉર્ટ સેલર ફંડ હિંડનબર્ગ રિસર્ચે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની "અદાણી મની સાઇફનિંગ ગોટાળા" માટે ઉપયોગ કરવામાં આવેલા ઑફશોર ફંડમાં ભાગીદારી છે.

હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે વ્હિસલબ્લૉઅર પાસેથી મળેલા દસ્તાવેજો પ્રમાણે સેબીમાં માધવી પુરી બુચની નિમણૂકનાં થોડાંક અઠવાડિયાં પછી જ તેમના પતિ ધવલ બુચે મૉરેશિયસના ફંડ પ્રશાસક ટ્રિડેન્ટ ટ્રસ્ટને મેલ કર્યો હતો. આ મેલમાં તેમની અને તેમનાં પત્નીના ગ્લોબલ ડાયનેમિક ઑપ્ચર્યૂનિટીઝ ફંડમાં રોકાણનો ઉલ્લેખ હતો.

સેબીનાં ચૅરપર્સનની એ ઑફશોર કંપનીઓમાં ભાગીદારી હતી જે કંપનીઓનો ઉપયોગ અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો. રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, સેબીએ અદાણીની શૅરહોલ્ડર કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી.

હિંડનબર્ગ તરફથી જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટને વિશે સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે નિવેદન જાહેરી કરીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને આરોપોને ફગાવ્યા હતા.

બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું, "આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને નાણાકીય લેવડ-દેવડ જગજાહેર છે."

કોણ છે હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક?

હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

હિંડનબર્ગ રિસર્ચની સ્થાપના 2017માં નાથન એન્ડરસને કરી હતી. વેબસાઇટમાં તેમની ઓળખ ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ ઍનાલિસ્ટ (સીએફએ) અને ચાર્ટર્ડ ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઍનાલિસ્ટ (સીએઆઈએ) તરીકે આપવામાં આવી છે.

એન્ડરસનનો જન્મ અમેરિકાના ન્યૂ ઇંગ્લૅન્ડના કનેક્ટિકટમાં થયો હતો.

રૉયટર્સ અનુસાર, નાથન એન્ડરસન કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિગ્રી સાથે સ્નાતક થયા હતા, તેમણે ડેટા કંપની ફૅક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સ ઇન્કમાં ફાઇનાન્સમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેમણે ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમૅન્ટ કંપનીઓ સાથે કામ કર્યું હતું. તેમણે ઇઝરાયલમાં હિબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થોડો સમય ઍમ્બુલન્સ ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું હતું. તેમના લિંક્ડઇન પેજ પર લખ્યું છે કે તેનાથી આત્યંતિક દબાણ હેઠળ વિચારવાનો અને કામ કરવાનો અનુભવ મળ્યો.

તેમણે 2020માં વૉલ સ્ટ્રીટ જર્નલને તેમના આદર્શ તરીકે હેરી માર્કોપોલોસ (અમેરિકાના નાણાકીય ગોટાળાના તપાસકર્તા)ને ગણાવ્યા હતા. હેરી માર્કોપોલોસે ઍનાલિસ્ટ તરીકે પહેલી બર્ની મૅડોફની ફ્રૉડ સ્કીમને ઉજાગર કરી હતી. નાસ્ડૅકના પૂર્વ ચૅરમૅન બર્ની મૅડોફ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા કૌભાંડીની યાદીમાં આવે છે.

સીએનએનના અહેવાલ અનુસાર, તપાસકર્તાઓએ 14.4 અબજ ડૉલર રિકવર કર્યા હતા.

આ કંપનીના નામની પાછળ પણ એક ખાસ કહાણી છે. આ કંપનીનું નામ હિંડનબર્ગ એક અકસ્માતની ઘટના પરથી રાખવામાં આવ્યું છે. 1937માં થયેલા હિંડનબર્ગ અકસ્માતમાં 35 લોકો મૃત્યુ પામ્યા હતા.

હિંડનબર્ગ એ જર્મન ઍર સ્પેસશિપ હતું. આગ લાગવાથી તે બળીને ખાખ થઈ ગયું હતું. રિસર્ચ કંપનીનું તારણ હતું કે હાઇડ્રોજન બલૂનમાં અગાઉ પણ અકસ્માતો થયા હોવાથી આ અકસ્માત ટાળી શકાયો હોત.

ઍરલાઇને આ સ્પેસશિપમાં 100 લોકોને પરાણે બેસાડી દીધા હતા. કંપનીનો દાવો છે કે હિંડનબર્ગ અકસ્માતની જેમ તેઓ શૅરબજારમાં થઈ રહેલાં ગોટાળા અને ગરબડો પર નજર રાખે છે. તેમને ખુલ્લા પાડવાનો અને સામે લાવવાનો અમારો હેતુ છે.

શૉર્ટ સેલિંગ શું છે?

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણી દુનિયાના દસ સૌથી વધુ અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણી દુનિયાના દસ સૌથી વધુ અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા

'શૉર્ટ સેલિંગ' માટે ઘણા લોકો હિંડનબર્ગના ઈરાદા પર શંકા કરી રહ્યા છે.

વાસ્તવમાં તેને શૉર્ટ સેલર કહેવામાં આવે છે, જે પોતાની પાસે શૅર ન હોવા છતાં તેને વેચે છે. (તમે વિચારતા હશો કે આવું કઈ રીતે બને?)

આને અલગ રીતે સમજીએ... જો એક શૉર્ટ સેલરને આશા હોય કે રૂ. 100નો શૅર ઘટીને રૂ. 60ના સ્તર સુધી તૂટી શકે છે તો તે બ્રોકર પાસેથી શૅર ઉધાર લઈને તેને રૂ. 100માં ખરીદવા તૈયાર અન્ય રોકાણકારોને વેચી દેશે. જ્યારે આ શૅર ટૂટીને 60ના સ્તર સુધી આવી જાય ત્યારે શૉર્ટ સેલર તેને ખરીદીને બ્રોકરને પાછા આપી દેશે. આ રીતે શૉર્ટ સેલર દરેક શૅર પર રૂ. 40નો નફો કમાઈ શકે છે.

એક રિસર્ચ કંપનીમાં વિશ્લેષક આસિફ ઇકબાલે કહ્યું હતું, "આ રિપોર્ટથી હિંડનબર્ગને સીધેસીધો આર્થિક લાભ થવાનો છે, એટલે તેની પાછળ કોઈ એજન્ડા હોઈ શકે છે એ સંભાવનાને નકારી શકાય નહીં, પરંતુ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપો, જેમાં જંગી લોન, ઉચ્ચ મૂલ્યાંકન, ઘણા રોકાણકારોની વાત કરવામાં આવી છે. તેના વિશે રોકાણકારો લાંબા સમયથી વાતો કરી રહ્યા છે."

શૅરબજારના વિશ્લેષક અરુણ કેજરીવાલ પણ હિંડનબર્ગના ઇરાદા પર સવાલો ઉઠાવ્યા હતા. તેઓ કહે છે, "જો શૅરધારક ઍક્ટિવિસ્ટ હોય તો તેમનો ઉદ્દેશ પૈસા કમાવવાનો હોતો નથી. શૅરને શૉર્ટ કરીને પછી પૂછવું કે અમારા સવાલોના જવાબ આપો. આ તો ઉઘાડું બ્લૅકમેલિંગ છે. તેના માટે રેગ્યુલેટર છે, તેમને લખવું જોઈએ. આ 88 પ્રશ્નો સેબીને પૂછવા જોઈતા હતા અને સેબીએ જ તેના જવાબો શોધવા જોઈતા હતા."

હિંડનબર્ગનો સૌથી હાઇ-પ્રોફાઇલ દાવ શું છે?

હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

હિંડનબર્ગ સપ્ટેમ્બર 2020માં તેમણે ઇલેક્ટ્રિક ટ્રક મિટર નિકોલ કૉર્પ (NKLA.O) સામે જે સફળતા હાંસલ કરી હતી તેના માટે સૌથી ખ્યાત છે. એન્ડરસને કહ્યું હતું કે આના કારણે હિંડનબર્ગની 'મોટી જીત' થઈ હતી, પરંતુ તેમણે રકમ અંગે ખુલાસો કરવાનો ઇનકાર કર્યો હતો.

હિંડનબર્ગે દાવો કર્યો હતો કે નિકોલાએ તેના રોકાણકારો સાથે ટેકનૉલૉજિકલ ડેવલપમૅન્ટ અંગે દગો કર્યો છે.

એન્ડરસને નિકોલની ઇલેક્ટ્રિક ટ્રક પૂરપાટ ઝડપે જતી બતાવતા એક વીડિયોને પડકાર્યો હતો – ખરેખર એ ટ્રક ટેકરી પરથી નીચે જઈ રહી હતી.

અમેરિકાની જ્યૂરીએ નિકોલાના સ્થાપક ટ્રેવર મિલ્ટનને દોષી ઠેરવ્યા, તેમના પર રોકાણકારોને જૂઠું બોલ્યાનો આરોપ હતો.

વર્ષ 2021માં કંપની અમેરિકાના સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ કમિશનને આ મામલાની પતાવટ માટે 125 મિલિયન ડૉલર આપવા રાજી થઈ હતી.

નિકોલાએ જૂન 2020માં લિસ્ટેડ કંપની તરીકે શરૂઆત કરી હતી અને તેની કુલ વેલ્યુએશન અમુક દિવસોમાં 34 બિલિયન ડૉલરને પાર કરી ગઈ હતી, જે એ સમયે ફોર્ડ મૉટર્સને પણ વટાવી ગઈ હતી.

જોકે, હાલ તેની સંપત્તિ 1.34 બિલિયન ડૉલરની જ રહી ગઈ છે. હિંડનબર્ગે દાવો કર્યો હતો કે કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓએ જ આ તપાસમાં તેમની મદદ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.