'એ ડીલ જોરદાર વિશ્વાસઘાત હતી,' એ યુવાન જેણે કેન્યામાં અદાણીના પ્રસ્તાવિત પ્રોજેક્ટ સામે અવાજ ઉઠાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images/AFP
- લેેખક, ઍસ્થર કાહુમ્બી
- પદ, બીબીસી ન્યૂઝ
એમબીએના વિદ્યાર્થી નેલ્સન અમેન્યાને કેન્યામાં આજકાલ અમુક લોકો હીરો તરીકે ઓળખાવી રહ્યા છે. કેન્યામાં પ્રાઇવેટ કંપનીઓ સાથે સરકારના કરારોમાં પારદર્શિતા લાવવાની હિમાયત કરતાં જૂથો તેમને ખાસ કરીને હીરો તરીકે સંબોધી રહ્યા છે.
કેન્યાના તાજેતરના ઇતિહાસ પર એક નજર નાખીએ તો ભ્રષ્ટાચારને કારણે અસ્તિત્વમાં આવેલા મસમોટાં કૉન્ટ્રેક્ટની કહાણીઓના ડાઘ આંખે ઊડીને વળગે છે. તેને રોકવા માટેના દેશમાં કાયદાઓ હોવા છતાં પણ એ શંકા સેવાતી રહી છે કે આ કૃત્ય (ભ્રષ્ટાચારથી કૉન્ટ્રેક્ટ મેળવવાનું) ચાલુ છે.
ફ્રાન્સમાં એમબીએનો અભ્યાસ કરી રહેલા 30 વર્ષીય અમેન્યાએ જુલાઈ મહિનામાં પોતાના સોશિયલ મીડિયામાં કૅન્યા અને ભારતની મલ્ટિનૅશનલ કંપની અદાણી વચ્ચેના પ્રસ્તાવિત કરારની વિગતો લીક કરી હતી.
આ વિગતો કેન્યાના જોમો કૅન્યાટ્ટા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ સાથે સંકળાયેલી હતી. જે દેશનું સૌથી મોટું ઍરપૉર્ટ છે અને ઘણા લાંબા સમયથી તે સંપૂર્ણ મરાતમ ઝંખી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારવિરોધી અવાજ તરીકે ખ્યાતિ મેળવી રહેલા અમેન્યાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મેં જ્યારે પહેલી વાર કરારના દસ્તાવેજો જોયા, ત્યારે મને એમ જ લાગ્યું હતું કે આ બીજા કરારો જેવી જ કોઈ સરકારી ડીલ છે. મને તેની ગંભીરતાનો જરાય આભાસ પણ નહોતો."
આ ડૉક્યુમેન્ટ્સમાં અદાણી સમૂહે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે તે બે બિલિયન ડૉલરના બદલામાં જોમો કેન્યાટ્ટા ઍરપૉર્ટને 30 વર્ષની લીઝ પર લેશે અને તેનું આધુનિકીકરણ કરીને તેનું સંચાલન કરશે.
જેમ જેમ તેઓ આ કાગળો વિસ્તારપૂર્વક વાંચતા ગયા, તેમ તેમ તેમને આભાસ થતો ગયો કે, "આ કરારથી કૅન્યાના અર્થતંત્રને નુકસાન થશે અને તમામ ફાયદો ભારતની અદાણી કંપની લઈ જશે."
તેમને એવું લાગ્યું કે આ કરાર એ કૅન્યા માટે નુકસાનકારક છે. આટલી મોટી કિંમત ચૂકવ્યા છતાં પણ દેશને તેનો લાભ નહીં મળે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પહેલાં મને ડર લાગ્યો હતો'

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "મને આ ડૉક્યુમેન્ટ્સ પર ભરોસો હતો, કારણ કે જે લોકોએ મને એ આપ્યા હતા એ લોકો ખરેખર સરકારી વિભાગના લોકો હતા."
અદાણી સમૂહ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ અને ઍનર્જી પ્રોજેક્ટ્સમાં વિશ્વસ્તરે સંકળાયેલું રહ્યું છે. ખાસ કરીને ઇઝરાયલ, યુએઈ, ફ્રાન્સ, તાન્ઝાનિયા, ઑસ્ટ્રેલિયા અને ગ્રીસ જેવા દેશોમાં પણ તેના પ્રોજેક્ટ્સ ચાલે છે. તેના સ્થાપક ગૌતમ અદાણી એ ભારતના અર્થતંત્રમાં 'મોટા ખેલાડી' અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકની વ્યક્તિ મનાય છે.
આ કરારને આગળ વાંચતાં અમેન્યાના ધ્યાનમાં આવ્યું કે, "જો અદાણી સમૂહને પોતે કરેલા રોકાણનું વળતર ન મળે તો, અદાણી સાથેના કરારને કારણે કેન્યા પર કંપનીને ચૂકવણું કરવાની પણ સ્થિતિ આવી શકે છે."
તેમણે આરોપ લગાવ્યો હતો કે, "રાષ્ટ્રપતિ દ્વારા આ કેન્યાના લોકોના વિશ્વાસભંગ કરવાનું મોટું ઉદાહરણ હતું. કેન્યા ઍરપોર્ટ ઑથૉરિટી, મંત્રી અને રાષ્ટ્રપતિ, સૌએ લોકો સાથે છેતરપિંડી કરી છે."

હાથમાં પુરાવાઓ હોવા છતાં અમેન્યાને એ ખ્યાલ નહોતો આવતો કે આગળ શું કરવું. તેમની ખુદની સુરક્ષાનો પણ સવાલ હતો. જોકે, તેમના માટે એક સારી બાબત એ હતી કે તેઓ કેન્યામાં નહીં, પરંતુ ફ્રાન્સમાં હતા.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્યામાં ભ્રષ્ટાચારવિરોધી ચળવળકારોમાંથી અનેક લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને અનેકની હત્યા પણ થઈ છે.
એ સમયે તેમના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા હતા, "હું થોડો ડરેલો હતો. હું જાણતો નહોતો કે શું થશે. હું મારી કારકિર્દીને, મારા જીવનને જોખમમાં મૂકવા જઈ રહ્યો હતો. શા માટે મારે આમ કરવું જોઈએ?"
જોકે, તેમણે અંતે નક્કી કર્યું કે ચૂપ રહેવું એ વિકલ્પ નથી.
"માત્ર કાયરો જ લાંબું જીવે છે."
થોડાં અઠવાડિયાં સુધી વિચાર્યા બાદ તેમણે જુલાઈ મહિનામાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ ડૉક્યુમેન્ટ્સ લીક કર્યા અને પછી કેન્યામાં આ મુદ્દે મોટો વિવાદ થઈ ગયો.
ઍરપૉર્ટના કર્મચારીઓ હડતાળ પર ઊતરી ગયા અને તેમણે માગ કરી કે આ કરારને રદ કરી દેવાય.
અમેન્યાએ અદાણી જૂથ તથા કૅન્યાના સત્તાધીશો પર શું આરોપો લગાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેન્યા કહે છે, "આ મારા માટે ફરજ જેવું હતું, મારા દેશ માટે મેં આ કર્યું. હું ભલે મારા દેશથી દૂર છું, પરંતુ મારા દેશ પ્રત્યેની મારી કેટલીક ફરજો છે. હું કેન્યાની પ્રગતિ ઇચ્છું છું, મારા દેશને વિકસિત જોવા માગું છું, હું ઇચ્છું છું કે અહીં ઔદ્યોગિકીકરણ થાય, અને ભ્રષ્ટાચારનો અંત આવે."
તેમને એવો ડર હતો કે ઍરપૉર્ટ ડીલ એ સંકેત છે કે હજુ આગળ શું થવાનું છે.
તેઓ કહે છે, "એ માત્ર અસામાન્ય શરતો કે પારદર્શિતાની કમીની વાત નહોતી કે જેના કારણે સાવચેત રહેવાની જરૂર હતી, પરંતુ કેન્યાના કાયદાઓને પણ આયોજનબદ્ધ રીતે તોડવામાં આવ્યા હોય તેવું પ્રતીત થતું હતું."
"(સત્તાવાળાઓએ) ક્યારેય આ કંપની માટે ઉચિત ધારાધોરણોનું પાલન કર્યું નથી... તેમણે ખરીદીની ઉચિત પ્રક્રિયાનું પણ પાલન કર્યું નથી."
તેઓ આરોપ લગાવે છે કે કેટલાક સરકારી અધિકારીઓએ જાહેર મસલત જેવી કાયદાકીય જોગવાઈઓને પર ધ્યાન ન આપવાનો પ્રયાસ કર્યો. આ કાયદાકીય જોગવાઈઓ સરકારી ધનનું અપવ્યય રોકવા માટેની છે.
કેન્યા ઍરપૉર્ટ ઑથૉરિટીએ એપ્રિલમાં આપેલા આ પ્રસ્તાવિત ડીલ અંગેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "આ કરારમાં સહભાગી લોકો સાથે ચર્ચા કરવાનો કોઈ પ્લાન નહોતો."
અમેન્યા આરોપો લગાવતાં કહે છે, "આ એપ્રિલ મહિનાની વાત હતી અને જુલાઈમાં જ્યારે મેં તેનો ખુલાસો કર્યો ત્યાં સુધી તેમણે કોઈ જાહેર મસલતની પ્રક્રિયા અનુસરી નથી. એ ઘણી સિક્રેટ ડીલ હતી, અને એ ડીલ થાય તેના એક મહિના પહેલાં મેં તેનો ખુલાસો કર્યો હતો."
"જ્યારે મેં તેના વિશે ખુલાસો કર્યો ત્યારે તેમણે ઉતાવળમાં જાહેર મસલતની પ્રક્રિયા યોજવાનો પ્રયાસ કર્યો હતો અને કેન્યાના ઍરપૉર્ટ ઑથૉરિટી સ્ટાફને અને અન્ય લાગતાવળગતા લોકો સાથે સાથે મિટિંગ કરી હતી."
અદાણી સમૂહે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દેશના વિવિધ અધિકારીઓ અને શાખાઓએ આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા અને અધિકારીઓએ અદાણી ગ્રૂપ સાથે બીજો કરોડો ડૉલરનો સોદો કર્યો હતો. એ સોદો પાવર લાઇનો ઊભી કરવા માટેનો હતો.
અદાણી ગ્રૂપે કહ્યું હતું કે, "અમેન્યાના દાવા પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ હતા."
એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, "આ દરખાસ્ત કેન્યાની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના નિયમોને અનુસરીને રજૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ વિશ્વ કક્ષાનું ઍરપૉર્ટ બનાવવાનો અને અસંખ્ય નવી નોકરીઓનું સર્જન કરીને કેન્યાના અર્થતંત્રને નોંધપાત્ર રીતે આગળ વધારવાનો હતો".
અદાણી ગ્રૂપ વધુમાં કહે છે કે કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા, કારણ કે "ચર્ચા એ કરાર સુધી પહોંચી ન હતી".
કંપની એમ પણ કહે છે કે ઊર્જા કરાર માટેની દરખાસ્ત પ્રામાણિક હતી અને કંપનીએ તેમનાં કામકાજ અથવા દરખાસ્તોમાં કેન્યાના કાયદાઓના કોઈપણ ઉલ્લંઘનના તમામ આરોપો અને સંકેતોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે.
તેમણે નિવેદનમાં કહ્યું હતું કે, "અમે હાથ ધરેલા દરેક પ્રોજેક્ટને પારદર્શિતા સાથે હાથમાં લઈએ છીએ અને સંબંધિત દેશોના કાયદાઓના પાલન સાથે થાય છે."
કંપનીના નિવેદન પ્રમાણે, "અમે જે પ્રોજેક્ટ હાથમાં લઈએ તે જોગવાઈઓ, પારદર્શિતા અને જે તે દેશના કાયદાના પાલનના દૃઢ નિશ્ચયથી દોરાય છે."
અમેરિકાએ જ્યારે અદાણી પર આરોપો લગાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ સરકારે તેનો વિચાર બદલ્યો એ ખરેખર અમેન્યાએ લીક કરેલા દસ્તાવેજોને કારણે નહોતો બદલ્યો.
જ્યારે અમેરિકી સત્તાવાળાઓએ ગૌતમ અદાણી પર કથિતપણે 250 મિલિયન ડૉલરની લાંચ આપવાનો આરોપ લગાવ્યો એ પછી કૅન્યાએ આ કરારને રદ્દ કરી દીધો હતો.
અદાણી જૂથના પ્રતિનિધિઓએ અમેરિકી સત્તાવાળાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને 'પાયાવિહોણા' ગણાવ્યા.
ગત મહિને સંસદમાં રાષ્ટ્રને કરેલા સંબોધનમાં, કૅન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ અદાણી સાથેના બંને સોદા રદ કરવાની જાહેરાત કરી.
રૂટોએ સંસદમાં જોરદાર હર્ષોલ્લાસ સાથે એક ભાષણમાં કહ્યું હતું કે, "ભ્રષ્ટાચાર અંગેના નિર્વિવાદ પુરાવા અથવા વિશ્વસનીય માહિતી હોવાથી, હું નિર્ણાયક પગલું લેવામાં ખચકાતો નથી."
કૅન્યાના લોકોએ આ નિર્ણયની ઉજવણી કરી હતી. આ નિર્ણય પાછળ રૂટોએ તપાસ એજન્સીઓ અને સાથીદાર દેશો દ્વારા પૂરી પાડવામાં આવેલી નવી માહિતીને ક્રેડિટ આપી હતી.
અમેન્યા કહે છે, "જ્યારે આ જાહેરાત થઈ ત્યારે હું મારા વર્ગમાં હતો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો."
"મને લાગે છે કે જાહેરાત પછીની પહેલી એક કલાકમાં, મારી આંખોમાં આંસું હતાં. હું ખૂબ ખુશ હતો."
ભલે તેઓ પોતાને હીરો માનતા નથી, પરંતુ ભારત સહિત અનેક દેશોમાંથી તેમને સમર્થનના સંદેશાઓનો વરસાદ થયો છે.
તેમનો વર્ગ પૂરો થયાની ચાલીસ મિનિટ પછી, તેમણે ટ્વીટ કર્યું હતું, "એડિઓસ અદાણી!!" એટલે કે, 'ગુડબાય અદાણી'. આ ટ્વીટ અતિશય વાઇરલ થઈ ગયું હતું.
"એ ખૂબ જ મહત્વપૂર્ણ હતું... મેં જે કંઈ કર્યું તેનું આખરે ફળ મળ્યું."
'કેન્યાથી ધમકીઓ મળી'
જોકે, આ વિજયની લાગણી મહિનાઓના વ્યક્તિગત સંઘર્ષ અને દબાણ પછી આવી છે.
ઍરપૉર્ટ સોદાનો પર્દાફાશ કર્યા પછી તરત જ, અમેન્યા પર અદાણી ગ્રૂપના પ્રતિનિધિ અને કેન્યાના રાજકારણીઓ દ્વારા માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો. તેના કારણે તેમને એ સવાલ થયો હતો કે શું તેમણે આ કામ ચાલુ રાખવું જોઈએ.
તેઓ યાદ કરતાં કહે છે, "સરકાર તરફથી કેટલાક લોકો મારી પાસે આવી રહ્યા હતા, તેઓ મને પૈસા ચૂકવવા પણ તૈયાર હતા, તેઓ મને કહી રહ્યા હતા કે - પૈસા લઈ લો અને સરકાર સામેની આ લડાઈ બંધ કરી દો."
"પરંતુ હાર માની લેવી એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હોત. કેન્યાના લોકો સાથે એ કદાચ મારો વિશ્વાસઘાત હોત."
પરંતુ સોદા રદ કર્યા પછી પણ, રાષ્ટ્રપતિ રૂટો હજુ પણ એ સવાલ ઉઠાવે છે કે કેન્યાના લોકોએ આ પ્રોજેક્ટનો અને તેમણે ચલાવેલા અન્ય ઘણા પ્રોજેક્ટ્સનો વિરોધ કેમ કર્યો. તેઓ કહે છે કે, "તેઓ ઍરપૉર્ટને અપગ્રેડ કરવાનો માર્ગ શોધી કાઢશે."
રૂટોએ ડિસેમ્બરની શરૂઆતમાં એક જાહેર કાર્યક્રમમાં પૂછ્યું હતું કે, "મેં તેમને એવું કહેતા જોયા છે કે જેમણે આપણા ઍરપૉર્ટનું અપગ્રેડિંગ અટકાવ્યું તેઓ હીરો છે. ખરેખર તેઓ હીરો છે? જ્યારે તમે પોતાના દેશમાં જ ઍરપૉર્ટનું નિર્માણ અટકાવો છો ત્યારે તેનાથી તમને શું ફાયદો થાય છે?"
"તમને એ ખ્યાલ જ નથી કે આ ઍરપૉર્ટ કેવી રીતે બનશે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમણે ક્યારેય ઍરપૉર્ટની અંદર પગ મૂક્યો નથી, તમે ફક્ત વિરોધ કરવા માંગો છો."
અમેન્યા હજુ પણ માનહાનિના કેસોનો સામનો કરી રહ્યા છે અને હવે તેમની કાનૂની ફી માટે ભંડોળ ઊભું કરી રહ્યા છે. તેઓ કહે છે કે કેન્યામાં તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે.
તેઓ કહે છે, "મને વિશ્વસનીય ગુપ્તચર એજન્સીઓ અને કેન્યામાં લોકો તરફથી ધમકીઓ મળી છે અને તેમણે મને કેન્યા પાછા ન જવાની ચેતવણી આપી છે. કારણ કે દેખીતી રીતે કેટલાક લોકો મારા કામથી ખૂબ ગુસ્સામાં છે."
પરંતુ અમેન્યા કહે છે કે તેઓ આ ભારે કિંમત ફરીથી રાજીખુશીથી ચૂકવવા માટે તૈયાર છે.
તેઓ કહે છે, "આપણે ખરેખર કોઈ આપણને બચાવવા આવે તેની રાહ જોવાની જરૂર નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












