પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપમાં મહિલા પર હુમલાનો પ્રયાસ, મહિલા પોલીસે બચાવ્યો જીવ

પાકિસ્તાનમાં ધર્મ કે પયગંબર હઝરત મહમદના અપમાનના આરોપમાં કોઈ વ્યક્તિ પર ટોળું હુમલો કરે એ કોઈ નવી વાત નથી.

રવિવારે લાહોરમાં અછરાબજાર વિસ્તારમાં કેટલાક લોકોએ એક મહિલા પર ઈશનિંદાનો આરોપ લગાવીને તેને ઘેરી લીધી.

આ ગુસ્સે ભરાયેલી ભીડનો આરોપ હતો કે મહિલાએ જે પોશાક પહેર્યો હતો તેના પર ‘કુરાનની આયતો લખેલી છે.’

પણ પંજાબ પોલીસનાં એક મહિલા અધિકારીએ આ મામલામાં પોતાની આગવી સમજ દાખવી અને આ મહિલાને સલામત રીતે ભીડમાંથી છોડાવી લીધી.

આ પછી સ્થાનિક ઉલેમા તરફથી આ વાતની પુષ્ટિ કરાઈ અને આ મહિલાનાં વસ્ત્રો પર જે પ્રિન્ટ છે તેમાં કુરાનની આયત નથી.

આ મામલો શું હતો?

ગત રવિવારે બપોરે લાહોરના અછરાબજારમાં પતિ સાથે ખરીદી કરવા પહોંચેલી મહિલાનાં વસ્ત્રો પર અરબી ભાષામાં કેટલાક શબ્દો લખેલા હતા.

આથી મહિલા પર આરોપ લગાવાયો કે તેમણે કથિત રીતે કુરાનની આયતની પ્રિન્ટવાળો પોશાક પહેરીને ધર્મનું અપમાન કર્યું છે.

કેટલાક સમયમાં લોકો ભેગા થઈ ગયા અને આ પછી ટોળાએ મહિલા અને તેમના પતિને હેરાન કરવાનું શરૂ કરી દીધું.

સ્થિતિ વણસતાં આ મહિલાએ લાહોર પોલીસ સ્ટેશન પાસે મદદ માગી. પછી એએસપી ગુલબર્ગ સયદાબાનો નકવી તરત જ ઘટનાસ્થળે પહોંચ્યાં અને સ્થિતિને થાળે પાડી.

તેમણે સ્થાનિક ઉલેમાની મદદથી ભીડને સમજાવી અને ટોળાની ધાર્મિક લાગણીઓને નિયંત્રિત કરી. તેમણે એ મહિલાને પણ ભીડ વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢી.

આ ઘટના પછી તરત જ ટોળા વચ્ચે ઘેરાયેલી મહિલાની ઘણી તસવીરો અને વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર શૅર થવા લાગ્યાં.

એક વીડિયોમાં એ મહિલાને તેમના પતિ સાથે એક રેસ્ટોરાંમાં બેઠેલાં જોઈ શકાય છે જ્યારે ભીડમાંની એક વ્યક્તિ તેમના પર ધર્મનું કથિત અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે અને પરેશાન દેખાતાં તે મહિલા પોતાનો ચહેરો છુપાવતી નજરે પડે છે.

એએસપી સયદાબાનો નકવી ભીડને સમજાવી રહ્યાં છે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કરાયો. તેઓ ટોળાને એ વિશ્વાસ અપાવી રહ્યાં હતાં કે જો મહિલાએ ધર્મનું અપમાન કર્યું છે તો તેઓ આ મહિલા સામે તરત જ કાયદાકીય કાર્યવાહી કરશે.

આ સાથે તે બજારમાં હાજર ભીડમાંથી નકાબ પહેરેલી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢતાં પણ જોઈ શકાય છે.

ઘટના અંગે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. વાટાઘાટથી જ મામલો ઉકેલાઈ ગયો છે.

...તો વાત વણસી જતી

બીબીસી સંવાદદાતા કેરોલિન ડેવિસે એએસપી સયદાબાનો નકવી સાથે વાત કરી.

એએસપી સયદા નકવીએ જણાવ્યું હતું, “અમને બપોરે એકથી દોઢ વાગ્યા વચ્ચે ફોન આવ્યો હતો. ત્યાં કંઈક ખોટું હોવાનો સંકેત હતો. ફોનમાં કહેવાયું હતું કે એક મહિલાએ બજારમાં ઇસ્લામના પયગંબરનું અપમાન કર્યું છે. તેના કુર્તા પર કુરાનની એક આયત લખેલી છે અને લોકો એકઠા થઈ રહ્યા છે.”

એએસપી સૈયદા નકવીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા અને પાંચ-દસ મિનિટમાં તો ભીડ જમા થઈ ગઈ.

તેમણે કહ્યું, “સ્થિતિ થોડી વારમાં વણસી ગઈ. અમે સરળતાથી ત્યાં પહોંચી શકીએ તેમ નહોતું. અમારે ત્યાં સુધી પહોંચવા 400થી 600 મીટર ચાલીને જવું પડ્યું.”

તેઓ કહે છે, “અમે ત્યાં પહોંચ્યાં ત્યાં સુધીમાં તો 200થી 300 લોકો રેસ્ટોરાં બહાર ભેગા થઈ ગયા હતા.”

તેમણે કહ્યું કે ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે પોશાક પર શું લખ્યું છે.

તેઓ કહે છે, "આવી સ્થિતિમાં સૌથી મહત્ત્વપૂર્ણ કામ એ હતું કે મહિલાને તે જગ્યાએથી બહાર કાઢવાનો પ્રયાસ કરવો, જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય."

એએસપી સયદા નકવીએ કહ્યું, “અમારે તેમની (ટોળા) સાથે વાત કરવી હતી. અમે ભીડને કહ્યું કે મહિલાને અમારી સાથે જવા દો અને ટોળાને અમે ખાતરી આપી કે જો તેમણે ગુનો કર્યો હશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”

તેઓ જણાવે છે, “જો મેં તે સમયે બૂમો પાડીને ટોળાને કહ્યું ના હોત કે અમે આ અંગે કંઈક કરીશું તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોત. તે એવો સમય હતો જ્યારે બધું અમારી તરફેણમાં કામ કરી ગયું, ભગવાનનો આભાર.”

પાકિસ્તાનમાં ધર્મના અપમાનના આરોપોની વધતી જતી ઘટનાઓ અંગે એએસપી સયદા નકવી કહે છે, “આવી જ ઘટના બે અઠવાડિયા પહેલાં અને દોઢ મહિના પહેલાં પણ બની હતી. આવી ઘટનાઓ વધી રહી છે પરંતુ અમે તેને નિવારવા પણ સક્ષમ છીએ."

જ્યારે ઉલેમાઓની મદદ લેવાઈ

પરંતુ એએસપી સયદાબાનો નકવી માટે તે મહિલાને ભીડમાંથી સુરક્ષિત રીતે બચાવવું પૂરતું ન હતું.

ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે પોલીસ કોઈ વ્યક્તિને ભીડથી બચાવવામાં સફળ રહી હતી પરંતુ બાદમાં લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને સંબંધિત વ્યક્તિનો જીવ જોખમમાં હતો.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આમાં તે કહી રહ્યા છે કે, “આજે એક મહિલા તેમના પતિ સાથે અછરાબજારમાં ખરીદી કરવા ગઈ હતી. તેણે પહેરેલા કુર્તા પર કેટલાક અરબી અક્ષરો લખેલા હતા. આ પછી ત્યાં હાજર લોકોને લાગ્યું કે આ કેટલાક ધાર્મિક શબ્દો છે અને આ બાબતથી ગેરસમજ ઊભી થઈ.”

આ વીડિયો નિવેદનમાં તેમની સાથે એ મહિલા અને કેટલાક સ્થાનિક ધાર્મિક ઉલેમાઓ પણ હાજર હતાં.

આમાંથી એક ઉલેમાએ કહ્યું, “અમે કુર્તા પર છપાયેલા અક્ષરો જોયા છે. આ અરબી અક્ષરો છે પરંતુ સામાન્ય શબ્દો છે. આ મહિલાએ પણ કહ્યું છે કે તે આવું વસ્ત્ર ફરીથી નહીં પહેરે, જેના પછી તેમને માફ કરી દેવાઈ છે.”

વીડિયોમાં મહિલાને એમ કહે છે, “હું અછરાબજારમાં ખરીદી કરવા ગઈ હતી અને મેં તે (કૂર્તો) એક ડિઝાઇન સમજીને લીધો હતો. મને નહોતી ખબર કે આના પર એવા શબ્દો લખ્યા છે જેને લોકો અરબી સમજી લેશે."

"મારો એવો કોઈ ઈરાદો નહોતો. જે કંઈ પણ થયું તે માહિતીના અભાવે થયું. હું એક મુસ્લિમ છું અને ક્યારેય ધર્મ કે પયગંબરનું અપમાન કરવાનું વિચારી ન શકું. છતાં હું દિલગીર છું અને આવું ફરીથી નહીં થાય.”

પંજાબ પોલીસે એએસપી સયદાબાનો નકવીને સરકારી સન્માન અને મેડલ આપવા ભલામણ કરી છે.

પંજાબ પોલીસના આઈજી ડૉ. ઉસ્માન અનવરને ટાંકીને બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “લાહોરના એક વિસ્તારમાં સર્જાયેલી સ્થિતિ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને અને મહિલાને ગુસ્સે ભરાયેલા ટોળામાંથી સુરક્ષિત રીતે બચાવનાર એએસપી સયદાબાનો નકવીને પંજાબ પોલીસ તરફથી અસાધારણ હિંમત દાખવવા માટે કાયદા-એ-આઝમ પોલીસ મેડલ આપવા પાકિસ્તાન સરકારને ભલામણ મોકલવામાં આવી રહી છે."

બીજી તરફ ધાર્મિક પાર્ટી તહરીક-એ-લબ્બૈકે પણ નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં દાવો કરાયો છે કે તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના સ્થાનિક નેતૃત્વે પોલીસ સાથે મળીને આ મામલાને ઉકેલ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અમે હવે માગ કરીએ છીએ કે આ ઘટનાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ ઘટનામાં સંડોવાયેલા લોકોને કડક સજા મળવી જોઈએ. જો માનવીય ભૂલને કારણે આવું બન્યું હોય તો સામાન્ય લોકોએ આવા મામલામાં સાવધાની સાથે કામ કરવું જોઈએ. પોલીસની બહાદુરીના કારણે આજે અલ્લાહ તાલાએ દેશને એક મોટી ઘટનામાંથી બચાવ્યો."

મહિલાના ડ્રેસ પર શું લખ્યું હતું?

મહિલાએ પહેરેલા ડ્રેસ અંગે સોશિયલ મીડિયા યૂઝર્સે ઘણા સ્ક્રીનશૉટ શૅર કર્યા છે અને કહ્યું છે કે તે સાઉદી અરેબિયામાં શાલિક રિયાઝ નામની મહિલાઓના કપડાની એક બ્રાન્ડ છે જ્યાં અરબી અક્ષરવાળાં કપડાંની આવી ડિઝાઇન સામાન્ય છે.

મહિલાએ જે ડ્રેસ પહેર્યો હતો તેનાં વિવિધ વીડિયો અને તસવીરોમાં શૅર કરવામાં આવ્યાં હતાં. જેમાં અરબી અક્ષરોમાં 'હલવા' શબ્દ છપાયેલો હતો.

અરબી ભાષામાં હલવો એટલે સુંદર અને મધુર થાય છે.

તો પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે આ મામલામાં મહિલાને બદલે જેણે તેમને હેરાન કર્યા છે તેમણે માફી માગવી જોઈએ.

સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ પોતાની ઓળખ છુપાવીને મહિલાના જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સ મહિલા પોલીસ અધિકારીની હિંમત અને સમજ વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

ઍન્કર રાબિયા અનમે ઍક્સ પર લખ્યું, “મહિલા પોલીસ અધિકારીએ જે ચતુરાઈથી મામલો થાળે પાડ્યો તે બદલ અભિનંદન. હવે રાજ્ય એ મહિલાને સુરક્ષા આપે જેમને ખરાબ રીતે ડરાવવામાં આવ્યાં હતાં, હેરાન કરવામાં આવ્યાં હતાં. જે આવું કરે છે તેમને જેલમાં ધકેલી દો જેથી બીજા કોઈ આવું ના કરે."

પત્રકાર રઝા રૂમીએ લખ્યું, “આ મહિલા પોલીસ અધિકારી સ્ટાર છે. તેઓ એવી રીતે જ વર્ત્યાં જેવી રીતે એક રાજ્યે કરવું જોઈએ. જ્યારે નાગરિકોને ધર્મના કથિત અપમાનના આરોપમાં પરેશાન કરવામાં આવે અને તેમના પર હુમલો કરવામાં આવે."

તેમણે લખ્યું, “પયગંબરના અપમાનના પાકિસ્તાનના કાયદા, અવારનવાર તેનો દુરુપયોગ, હિંસક ટોળું અને રાજ્યના સંરક્ષણ મામલે અતિવાદી જૂથે દેશને આવી ગતિવિધિઓ તરફ ધકેલી દીધો છે.”

રમીશ ફાતિમા નામના યૂઝરે લખ્યું કે, "રાજકીય વિવાદ હોય, આર્થિક મામલો હોય, અંગત હરીફાઈ હોય, નોકરી સંબંધિત કોઈ પણ બાબત હોય કે પછી કોઈની ઇચ્છા હોય, ધર્મના અપમાનના આરોપો હથિયાર છે."

"જે આ હથિયારનું લાઇસન્સ આપે છે, જે તેને કાયદેસર બનાવે છે, જે તેમના ઇરાદા સાચા છે તેવું કહીને ખોટા કામનો આગ્રહ રાખે છે, જે આ ફેક્ટરી ચલાવે છે તે બધા ગુનેગાર છે."

અમ્માર અલી જાને લખ્યું છે કે, "એએસપી સયદાબાનોનો એક મહિલાને ગુસ્સે ભરાયેલા ટોળાથી બચાવવાનો સાહસિક પ્રયાસ રાજ્યની સંસ્થાઓમાં સક્ષમ મહિલાઓને સામેલ કરવાનું મહત્ત્વ દર્શાવે છે."

"જો આપણે પયગંબરનું અપમાન કરવાના ખોટા આરોપો મામલે કડક સજા નહીં કરીએ તો પાકિસ્તાન બરબાદ થઈ જશે. આવા ખોટા આરોપો આપણા સામાજિક તાંતણાને તોડે છે."

પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલના પ્રમુખ મૌલાના તાહિર અશરફીએ લખ્યું છે, "પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલ લાહોરમાં એક મહિલાને તેના ડ્રેસ પર અરબી અક્ષરોના કારણે ઉત્પીડનની નિંદા કરે છે."

"આ પ્રસંગે અછરા પોલીસના ઉત્કૃષ્ટ પ્રયાસો પ્રશંસનીય છે પણ મહિલાને માફી માગવા માટે કંઈ કહેવાનો કોઈ આધાર નહોતો, જે લોકોએ તેમને હેરાન કર્યાં હતાં, માફી તો તેમણે માગવી જોઈએ."

એએસપી સયદાબાનોનાં વખાણ કરતાં અન્ય યૂઝરે લખ્યું, “તે ખૂબ જ બહાદુર મહિલા છે. તે ગુસ્સે ભરાયેલા ટોળાની સામે દીવાલની જેમ ઊભાં રહ્યાં. આપણે વધુ મહિલાઓને સશક્ત બનાવવાની અને બાનોના ઉદાહરણને અનુસરવાની જરૂર છે."