You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈશનિંદા બદલ સજા કાપી રહેલા હિંદુ પ્રોફેસરને છોડવાની માગ કેમ થઈ રહી છે?
- લેેખક, શુમાઇલા ખાન
- પદ, બીબીસી સંવાદદાતા
“છેલ્લાં ચાર વર્ષથી જાણે અમારું જીવન અસ્તવ્યસ્ત છે. અમે કોઈ ઘરમાં છ મહિનાથી વધારે રહી શકતા નથી. અમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે. કોઈ અમારી મદદ કરે તો સારું.”
આ વાતો અમને મુસ્કાન સચદેવે ફોન પર જણાવી હતી. મુસ્કાનના પિતા પ્રોફેસર નૂતનલાલ હાલમાં જેલની સજા કાપી રહ્યા છે. ઇશનિંદા કરવાના દોષી તરીકે સિંધની એક અદાલતે તેમને જનમટીપની સજા સંભળાવી છે.
પ્રોફેસર નૂતનલાલને છોડી દેવા માટે સિંધ પ્રાંતના કેટલાક સામાજિક કાર્યકર્તાઓ અને લેખકોએ શુક્રવારે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું હતું.
પાકિસ્તાનની બહાર વસતા સિંધી સમુદાયે પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો.
'એક જગ્યાએ રહી નથી શકતા'
મુસ્કાન સચદેવે બીબીસીને જણાવ્યું હતું કે તેમના 60 વર્ષના પિતા ચાર વર્ષથી જેલમાં બંધ છે. તેમણે 30 વર્ષ સરકારી નોકરી કરી છે.
તેઓ કહે છે કે, “અમારા પરિવાર પર પહેલાં ક્યારેય કોઈ કેસ નથી ચાલ્યો. અમે ત્રણ બહેનો છીએ અને અમારો દસ વર્ષનો એક ભાઈ અને માતા છે. 2019થી અમે ઠોકરો ખાઈએ છીએ. અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે, ફોન આવી રહ્યા છે.”
તેઓ કહે છે, “અમે ક્યાંય શાંતિથી રહી શકતા નથી. અમે કોઈને અમારા ઘરનું સરનામું પણ આપી શકતા નથી. અમારા પિતાનો પગાર આવતો બંધ થઈ ગયો છે. અમારી આવકનો કોઈ સ્રોત નથી.”
પ્રોફેસર નૂતનલાલ પર શું આરોપો છે?
નૂતનલાલને 2019માં ઉત્તરી સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાંથી પકડવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘોટકી પોલીસનું કહેવું છે કે આ વિવાદની શરૂઆત ઘોટકી સ્કૂલમાં ત્યારે થઈ જ્યારે પ્રોફેસર નૂતનલાલ એક વર્ગમાં ઉર્દૂ ભણાવી રહ્યા હતા.
તેમના ભણાવ્યા પછી એક વિદ્યાર્થી તેના ઇસ્લામી અધ્યયન કરાવતા શિક્ષક પાસે ગયો. એ વિદ્યાર્થીએ એવો આરોપ લગાવ્યો કે પ્રોફેસર નૂતનલાલે ઇસ્લામના પયગંબર વિશે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે.
શિક્ષકોએ આ મામલાને થાળે પાડી દેવાની કોશિશ કરી હતી. જ્યારે નૂતનલાલે પણ માફી માગતા કહ્યું હતું કે તેમનો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો ન હતો.
પરંતુ ફરિયાદ કરનારા વિદ્યાર્થીએ આ ઘટના અંગે તેના પિતાને જાણ કરી અને ફેસબુક પર એક પોસ્ટ પણ લખી હતી. ત્યારબાદ લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.
આ ઘટના પછી સ્થાનિક બજારમાં હડતાળ પણ થઈ હતી. એ દરમિયાન ઉગ્ર બનેલી લોકોની ભીડે નૂતનલાલની શાળા પર હુમલો કરીને તોડફોડ કરી હતી.
ત્યારબાદ એક અન્ય ટોળાએ નૂતનલાલના ઘર પર પણ હુમલો કર્યો. તે દરમિયાન સાંઈ સાધરામ મંદિર પર હુમલો કરીને ત્યાં પણ તોડફોડ કરવામાં આવી. પરિસ્થિતિ વણસ્યા બાદ જિલ્લા પ્રશાસને ત્યાં રેન્જરોને બોલાવ્યા હતા.
અદાલતે પ્રોફેસરને સંભળાવી જનમટીપ
આ મામલામાં ઘોટકીની એક સ્થાનિક અદાલતે પ્રોફેસર લાલને જનમટીપની સજા સંભળાવી અને તેમને દંડ પણ ફટકાર્યો હતો.
સિંધમાં છેલ્લાં ઘણાં વર્ષોમાં આ પહેલો મામલો હતો જ્યારે કોઈ હિંદુને ઇશનિંદાના દોષમાં સજા સંભળાવવામાં આવી છે.
અદાલતે તેમના ચુકાદામાં કહ્યું છે કે ફરિયાદી પક્ષ તરફથી 14 સપ્ટેમ્બર, 2019ના રોજ અબ્દુલ અઝીઝ ખાને ઘોટકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ખાને તેમની ફરિયાદમાં એવું કહ્યું હતું કે તેમનો દીકરો એક પબ્લિક સ્કૂલમાં ભણે છે. તેણે તેના પિતાને જણાવ્યું હતું કે શાળાના માલિક નૂતનલાલ વર્ગમાં આવ્યા અને ઇસ્લામના પયગંબર સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ચાલ્યા ગયા હતા.
તેમના દીકરાએ બે સાક્ષીઓ મોહમ્મદ નાવિદ અને વકાસ અહમદની હાજરીમાં આ વાત કહી હતી.
એડિશનલ સેશન્સ જજ મુમતાઝ સોલંગીએ પોતાના ચુકાદામાં લખ્યું હતું કે ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓ 'સ્વતંત્ર અને વિશ્વસનીય' હતા.
તેમનાં નિવેદનો 'દ્વેષ પર આધારિત ન હતાં' કારણ કે તેમાંના કોઈને પણ આરોપીઓ સામે કોઈ અંગત દુશ્મનાવટ ન હતી. આવી સ્થિતિમાં તેમની જુબાનીને અસ્વીકાર કરવા માટે કોઈ વાજબી કારણ નથી.
કોર્ટના જણાવ્યા અનુસાર, ફરિયાદી પક્ષ આરોપી નૂતનલાલ વિરુદ્ધ આરોપો સાબિત કરવામાં સફળ રહ્યો હતો, તેથી તેમને આજીવન કેદ અને 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે કહ્યું કે જો દંડ ન ભરે તો આરોપીને વધુ ચાર મહિનાની જેલની સજા ભોગવવી પડશે. નિર્ણય મુજબ ધરપકડના દિવસથી સજાનો અમલ કરવામાં આવશે.
નૂતનના પિતરાઈ ભાઈ મહેશકુમારે બીબીસીને જણાવ્યું કે આ ઘટનાના કોઈ સાક્ષી નથી, માત્ર અફવાઓ હતી. ફરિયાદી દ્વારા સાક્ષી તરીકે રજૂ કરાયેલી વ્યક્તિઓ પણ તેના પડોશીઓ જ છે.
હાઇકોર્ટમાં પેન્ડિંગ છે આ મામલો
મહેશકુમારે કહ્યું હતું કે ઉત્તર સિંધમાં કોઈ વકીલ તેમનો કેસ લડવા માટે તૈયાર ન હતો.
આ પછી તેણે હૈદરાબાદમાં એક પ્રોગ્રેસિવ ગણાતા વકીલ યુસૂફ લઘારીનો સંપર્ક કર્યો. લઘારી આ કેસમાં દલીલ કરવા માટે 600 કિલોમિટરનો પ્રવાસ કરીને આવે છે. છેલ્લાં બે વર્ષથી કેસની સુનાવણી આગળ વધી નથી.
મહેશકુમારના જણાવ્યા અનુસાર કેસની આગામી સુનાવણી 14 નવેમ્બરે થવાની છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોર્ટ ઓછામાં ઓછું નૂતનના વકીલની વાત તો સાંભળશે અને આ કેસમાં ન્યાય કરશે તથા નૂતનલાલને મુક્ત કરશે.
પાકિસ્તાનના સામાજિક કાર્યકર્તાઓએ ચાર વર્ષથી જેલમાં બંધ નૂતનલાલને છોડી દેવા માટે શુક્રવારે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું હતું. તેમણે પ્રોફેસર નૂતનલાલ હૅશટેગ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ઍક્સ પર એક યૂઝર જેસી શર્માએ લખ્યું હતું કે 'પ્રોફેસર #નૂતનલાલ પર કથિત રીતે ઇશનિંદાનો આરોપ હતો. તેઓ જેલમાં છે તેને પણ ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે."
"પ્રોફેસર નૂતનલાલને ખોટી રીતે ફસાવાયા છે. તેમને કોઈ ગુનો કર્યા વગર સજા કરવામાં આવી છે. અમે તેમની તાત્કાલિક મુક્તિની માગ કરીએ છીએ."
સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
સત્તાધારીઓને અપીલ કરતાં સપના સેવાણીએ લખ્યું, "પ્રોફેસર નૂતનલાલ પંજન સરીનને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને તેમને સખત સજા આપવામાં આવી છે."
"અમે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલત અને પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશને તેમની મુક્તિ માટે અપીલ કરીએ છીએ. ચાલો આપણે સાથે મળીને તેમની સ્વતંત્રતા માટે કંઈક કરીએ."
સુનીલ ઠાકુરિયાએ લખ્યું કે 'પ્રોફેસર નૂતનલાલને મુક્ત કરો અને અન્ય ધર્મના લોકોના જીવ સાથે રમવાનું બંધ કરો.'
દિલીપ રતનીએ કહ્યું, "અમે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદને પ્રોફેસર નૂતનલાલની મુક્તિ માટે પાકિસ્તાન સરકાર પર રાજદ્વારી દબાણ લાવવાની ભારપૂર્વક અપીલ કરીએ છીએ."
નારાયણ દાસ ભીલે લખ્યું છે કે, "પાકિસ્તાને તેના સમાજની પ્રગતિ માટે તેના ઈશનિંદા કાયદા પર પુનર્વિચાર કરવો જોઈએ. ઈશનિંદા કાયદાનો દુરુપયોગ થતો રોકવા માટે સરકારે કડક અભિગમ અપનાવવો જોઈએ.”
મુસ્લિમ કાર્યકરો અને નાગરિકોએ પણ સોશિયલ મીડિયા પર તેમની ચિંતા વ્યક્ત કરી અને પ્રોફેસર નૂતનલાલને મુક્ત કરવાની માગ કરી.
અબ્દુલ સત્તાર બાકરે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ''જો તમારે આ દેશમાં જીવિત રહેવું હોય તો એ વાતથી કોઈ ફર્ક પડતો નથી કે તમે ઇશ્વરથી ડરો છો કે નહીં. એ વાત ચોક્કસ છે કે તમારે મૌલવીઓથી ડરવાની જરૂર છે.”
અન્ય એક નાગરિક સીનઘર અલી ચાંડિયોએ લખ્યું, "નિર્દોષ નાગરિકોને હેરાન કરવા માટે ઇશનિંદા કાયદાનો દુરુપયોગ કરવાનું બંધ કરો."
મુબારક અલી ભટ્ટીએ લખ્યું, "પ્રોફેસર #નૂતનલાલ પર કથિત રૂપે ઇશનિંદાનો આરોપ હતો. તેઓ જેલમાં હતા તેને પણ ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે."
“પ્રોફેસર નૂતનલાલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, તેમને કોઈ ગુનો કર્યા વિના સજા કરવામાં આવી છે. અમે તેમની તાત્કાલિક મુક્તિની માગ કરીએ છીએ.”