ભારતીય પાઇલટ 20 કલાક પાણી પીધા વિના દોડીને પાકિસ્તાનથી ભારત કેવી રીતે પહોંચ્યો?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વાત 1965ની છે. પાકિસ્તાની હવાઈદળે પઠાણકોટ, હલવાડા અને આદમપુર હવાઈ મથકો પર હુમલા કરવા માટે 180 પેરાટ્રુપર સી-130 હર્ક્યુલિસ વિમાન મારફત છઠ્ઠી સપ્ટેમ્બરની રાતે ઉતાર્યા હતા, પરંતુ એ પૈકીના મોટાભાગનાને ભારતીય સૈન્યએ પકડી પાડ્યા હતા.

તેમાંથી 22 લોકો માર્યા ગયા હતા અને બાકીના પાકિસ્તાન પાછા જવામાં સફળ થયા હતા. એ દરમિયાન પાકિસ્તાનનાં બે કેનબરા વિમાનોએ ભારતના આદમપુર ઍરબેઝ પર હવાઈ હુમલો કર્યો હતો. ત્યાં તહેનાત વિમાનભેદી તોપોએ એક વિમાનને પોતાનું નિશાન બનાવ્યું હતું, જે ઍરબેઝ નજીક તૂટી પડ્યું હતું.

તે લડાયક વિમાનના પાઇલટ તથા નેવિગેટરને પકડીને આદમપુર ઍરબેઝ પરની ઓફિસર્સ મેસમાં લાવવામાં આવ્યા હતા. જીનિવા કરાર મુજબ તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો. એ બન્નેની ઇચ્છા મુજબ, એક પંજાબી ઢાબામાંથી તંદૂરી ચિકન અને બટર નાન મંગાવીને તેમને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

આ યુદ્ધકેદીઓને બીજા દિવસે સેનાને હવાલે કરવામાં આવ્યા હતા. ભારતીય સૈન્યનું લક્ષ્ય આગળ વધીને લાહોર કબજે કરવાનું હતું, પરંતુ 1950ના દાયકામાં બનાવવામાં આવેલી ઇચ્છોગિલ નહેર આગળ વધવામાં એક મોટી અડચણ સાબિત થઈ રહી હતી.

નહેરની પાછળથી ભારતીય સૈનિકો પર 1.55 એમ.એમ.ની હોવિત્ઝર તોપોથી સતત હુમલા કરવામાં આવતા હતા. એ તોપોનો શાંત કરવા માટે ભારતીય સૈન્યે આખરે વાયુદળની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય સૈનિકોની ગેરસમજ

ભારતીય વાયુદળના વિમાનોએ એ તોપોનો ધણધણતી બંધ કરવા અનેક ઉડાણ ભરી હતી. ઘણી વખત એવું થતું હતું કે પાકિસ્તાની સૈનિકોની વિમાનભેદી તોપોના ગોળા તથા મશીનગનથી કરવામાં આવતા ગોળીબારને લીધે આ વિમાનોમાં કાણાં પડી જતાં હતાં.

ભારતીય સીમાની અંદર પાછા આવતાં સુધીમાં પ્લેનનાં એંજિન ફ્લેમ આઉટ થઈ જતાં હતાં અને ભારતીય પાઇલટોએ પેરાશૂટ મારફત નીચે કૂદવું પડતું હતું.

ભારતીય વાયુદળના વિખ્યાત પાઇલટ ગ્રૂપ કૅપ્ટન ફિરોઝ ચિનોય તેમના પુસ્તક ‘ઍસ્કેપ ફ્રોમ પાકિસ્તાનઃ અ વોર હીરોઝ ક્રૉનિકલ’માં લખે છે, “ઘણીવાર ભારતીય પાઇલટોએ પોતાના જ સૈનિકોના ખરાબ વ્યવહારનો સામનો કરવો પડતો હતો. વાયુદળ કમસેકમ એક પાઇલટના પેટમાં ભારતીય સૈન્યના જવાને સંગીન ભોંકી દીધી હતી અને એક પાઇલટના ખભા પર ભારતીય સૈનિકે છોડેલી ગોળી વાગી હતી. તેઓ (પાઇલટો) પાકિસ્તાની પેરાટ્રુપર હોવાની (ભારતીય સૈનિકોની) ગેરસમજને લીધે આવું થયું હતું.”

ફ્લાઇટ લેફ્ટનન્ટને ગામજનોએ ફટકાર્યા

આવી જ એક ઘટનામાં ભારતીય પાઇલટ ફ્લાઈટ લેફ્ટનન્ટ ઇકબાલ હુસૈનના પ્લેનની ફ્યુઅલ ટૅન્કમાં પાકિસ્તાની વિમાનભેદી તોપના ગોળીબારને કારણે પંક્ચર પડી ગયું હતું.

ચિનોય લખે છે, “તેઓ મારી જ સ્ક્વૉડ્રનના હતા. તેઓ બૉમ્બમારો કરીને ભારતીય સીમામાં પાછા આવી રહ્યા હતા. હું તેમનો નંબર-ટુ હતો. તેથી હું તેમની પાછળ હતો. તેઓ બેઝ પર પહોંચવાના હતા ત્યારે જ તેમનું એંજિન ફ્લેમ આઉટ થઈ ગયું હતું. તેઓ પેરાશૂટની મદદથી આદમપુર પાસેના ગામ નજીક ઊતર્યા. મેં ઉપરથી જોયું તો ગામના લોકોએ તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. ગામલોકોના હાથમાં તલવારો હતો. મેં પ્લેનમાંથી જ આ માહિતી કન્ટ્રોલ ટાવરને મોકલી આપી.”

વાયુદળના બે સૈનિકને તરત જ મોટર સાયકલ પર એ ગામ મોકલવામાં આવ્યા હતા, પરંતુ એ બન્ને ત્યાં પહોંચે તે પહેલાં ઇકબાલ બહુ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા અને બેહોશ હતા. તેમને સૈનિક હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેઓ ચાર દિવસ સુધી આઈસીયુમાં રહ્યા હતા. ગામલોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે ઇકબાલ માટે રક્તદાન કર્યું હતું.

પાકિસ્તાની તોપો નષ્ટ કરવાની જવાબદારી

એક વર્ષ પછી એ જ ઇકબાલ હુસૈને આદમપુરથી જમ્મુ સુધી એક વિમાનમાં લિફ્ટ લીધી હતી. ખરાબ હવામાનને કારણે તે પ્લેન જમ્મુ નજીક એક ખડક સાથે ટકરાતાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 90 ટકા સળગી જવા છતાં ઇકબાલે બે સહયાત્રીઓને સળગતા પ્લેનમાંથી બહાર કાઢ્યા હતા.

તેઓ ત્રીજા યાત્રીને બહાર કાઢવાના પ્રયાસ કરતા હતા ત્યારે પ્લેનમાં જોરદાર વિસ્ફોટ થયો અને ઇકબાલ તેમાં માર્યા ગયા.

1965ની લડાઈના અંતિમ ચરણમાં પાકિસ્તાનની એલ-155 તોપો ભારતીય ઠેકાણાઓ પર જોરદાર બૉમ્બમારો કરી રહી હતી. બીજી તરફ પાકિસ્તાની વાયુદળના સેબર જૅટ વિમાનોએ સતત હુમલા કરીને ભારતીય સૈન્યને આગળ વધતું અટકાવી દીધું હતું.

1965ની 10 સપ્ટેમ્બરે સવારે સાત વાગ્યે આદમપુર ઍરબેઝ પર ગ્રાઉન્ડ લાયઝનિંગ અધિકારીએ ભારતીય યુદ્ધ પાઇલટોને તેમના આગામી મિશન વિશે માહિતગાર કર્યા હતા. તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમણે પાકિસ્તાની સૈન્યની તોપોને નષ્ટ કરવાની છે. એ તોપોની સલામતી માટે ચારેય તરફ વિમાનભેદી તોપો રાખવામાં આવી છે, જેથી ભારતીય વિમાનો તેના પર હુમલો ન કરી શકે.

એ મિશનનું નેતૃત્વ સ્ક્વૉડ્રન લીડર ટીપીએસ ગિલ કરી રહ્યા હતા. ફ્લાઇંગ ઓફિસર દારા ફિરોઝ ચિનોય તેમના નંબર-ટુ હતા. તે મિશનના ઉપનેતા તથા નંબર-થ્રી ફ્લાઇટ લેફ્ટનન્ટ રવિ કુમાર હતા. નંબર-ફોરની જવાબદારી ફ્લાઇટ લેફ્ટનન્ટ ગિગી રત્નપારખીને સોંપવામાં આવી હતી.

ટ્રેન પરના હુમલામાં બોમ્બ ખતમ થઈ ગયા

ભારતીય વિમાનોએ બબ્બેની જોડીમાં ચાર એસી ટેક્ટિકલ ફૉર્મેશન ઉડાણ ભરી. તેમણે નીચી ઉડાણ ભરીને તોપોને શોધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા નહીં. એ વખતે તેમને હથિયારો લઈ જતી એક ટ્રેન જોવા મળી હતી. વિમાનોએ હુમલો કરીને તે ટ્રેનનો ખાત્મો કરી નાખ્યો હતો.

વિમાનો પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે તેમને એ પાકિસ્તાની તોપો જોવા મળી હતી, જેની શોધમાં તેઓ નીકળ્યા હતા. તેઓ તેના પર બૉમ્બમારો કરી શક્યા નહીં, કારણ કે ટ્રેન પરના હુમલામાં તેમના બધા બૉમ્બ ખતમ થઈ ગયા હતા.

પાછા આવીને તેમણે જીએલઓને પોતાનો રિપોર્ટ આપ્યો. તેમણે આદેશ આપ્યો હતો કે ઝડપથી ભોજન કરીને ભારતીય પાઇલટ બૉમ્બ લઈને ફરીથી એ સ્થાને જાય અને ત્યાં બૉમ્બમારો કરે.

ફ્લાઇંગ ઓફિસર ચિનોય મેસમાં પહોંચ્યા ત્યારે ત્યાં ઓફિસરોની ભીડ હતી અને ભોજન પીરસતા લોકોને બધાને ભોજન આપવામાં મુશ્કેલી પડતી હતી.

ચિનોયે સવારના મિશન પર જતા પહેલાં પણ કશું ખાધું ન હતું. તેમને બહુ તરસ લાગી હતી. સમગ્ર મિશન દરમિયાન તેમને બહુ પરસેવો વળ્યો હતો એટલે તેમના શરીરમાં પાણીનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું હતું.

તેમણે વેઇટરને પાણી લાવવા જણાવ્યું હતું, પરંતુ તે એટલો વ્યસ્ત હતો કે તેણે ચિનોયની વાત સાંભળી નહીં. ચિનોય ક્રૂ રૂમમાં ચાલ્યા ગયા. ત્યાં ફિલિપ રાજકુમાર બેઠા હતા. તેમણે ચિનોયને કહ્યું, “તમે થોડું પાણી પી લો. ખબર નહીં, તમને પછી પાણી ક્યારે મળશે.”

ચિનોયે ઝડપથી એક ગ્લાસ પાણી પીધું અને રૂમમાંથી બહાર નીકળી ગયા.

ચિનોયના વિમાન પર બોમ્બમારો

તેઓ બેઝ પર પહોંચ્યા ત્યારે જોયું તો તેમના સાથી પાઇલટ પોતપોતાનાં વિમાનો તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે તરત પોતાનાં ફ્લાઇંગ ગિયર પહેરી લીધાં અને પોતાના મિસ્ટિયર પ્લેન તરફ આગળ વધ્યા. ચારેય વિમાન ટેક ઑફ કરીને એ વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં તેમને પાકિસ્તાની તોપો જોવા મળી હતી.

તેઓ ત્યાં પહોંચ્યા કે તરત પાકિસ્તાનની વિમાનભેદી તોપો ગરજવા લાગી હતી. તેજા ગિલે રેડિયો પર કહ્યું, “પુલિંગ અપ ટાર્ગેટ લેફ્ટ, ટેન ઓ ક્લોક.” બે સેકન્ડ પછી ચિનોયે ઉપર જઈને રેડિયો મૅસેજ મોકલ્યો, “નંબર-2 કોન્ટેક્ટ ટાર્ગેટ નાઇન ઓ’ક્લોક રોલિંગ ઇન.”

એ સમયે ચિનોયને તેમની સીટ નીચે જોરદાર ધક્કો લાગ્યો હોય એવી અનુભૂતિ થઈ. દારા ફિરોઝ ચિનોય લખે છે, “જાણે કોઈ ખચ્ચરે લાત મારી હોય એવો જોરદાર ધક્કો હતો. એ ક્ષણે મારું એંજિન સીઝ થઈ ગયું અને એંજિન ફાયર વૉર્નિંગ લાઇટ ચમકી ઊઠી. મારા પ્લેનની ગતિ ઝડપથી શૂન્ય તરફ આગળ વધવા લાગી. મારી કૉકપિટમાં ધૂમાડો છવાઈ ગયો હતો અને મારી પાછળ આગની ગરમીનો અનુભવ થવા લાગ્યો.”

તેમણે મૅસેજ મોકલ્યો, “આઈ એમ હિટ. એંજિન ફ્લેમ આઉટ.” થોડી સેકન્ડમાં ધૂમાડો અને ગરમી એટલાં વધી ગયાં કે તેમને વિમાનની ઇન્સ્ટ્રુમૅન્ટ પૅનલ કે બહારનું કશું દેખાતું ન હતું. ધૂમાડો ઓછો થયો ત્યારે તેમણે જોયું તો એંજિન ડેડ થઈ ગયું હતું અને ઘુમાડા તથા આગની જ્વાળાઓ પાછળથી કૉકપિટમાં ઘૂસવી શરૂ થઈ હતી.

પેરાશૂટ વડે શેરડીને ખેતરમાં કુદ્યા

ચિનોયના વિમાનમાં 2X68 એમ.એમ.ના રૉકેટ્સ પૉડ રાખવામાં આવ્યાં હતાં અને તેમની ઇંધણની ટાંકી 25 ટકા ભરેલી હતી. એ સ્થિતિમાં તેમનું પ્લેન 2,000 ફીટ નીચે પડ્યું હોત તો તેમનું મોત નક્કી હતું. ચિનોયે એક ક્ષણનો વિલંબ કર્યા વિના ઈજૅક્શન બટન દબાવ્યું.

ચિનોય લખે છે, “હું નીચે આવી રહ્યો હતો ત્યારે મને રાઇફલના ગોળીબારનો અવાજ સંભળાતો હતો. વચ્ચે-વચ્ચે વિમાનભેદી તોપોના બૉમ્બ પણ મારી નજીકમાંથી પસાર થઈ રહ્યા હતા. અનેક ગોળી મારા પેરાશૂટને ભેદીને નીકળી ગઈ હતી. ત્યારે મને લાગ્યું કે તેઓ મને નિશાન બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.”

તે જીનિવા કરારની શરતોનું ઉલ્લંઘન હતું, કારણ પ્લેન તોડી પાડવામાં આવે પછી પાઇલટનું પેરાશૂટ તેના બચાવનું એકમાત્ર સાધન હોય છે.

તેઓ લખે છે, “સદ્ભાગ્યે હું શેરડીના ખેતરમાં પડ્યો. પાકની કાપણી કરવામાં આવી નહોતી એટલે મને છૂપાવવાની તક મળી. હું નીચે પડ્યો કે તરત જ મને પાકિસ્તાની સૈનિકોની ચીસો, ગાળો તથા ઑટોમૅટિક હથિયારથી કરવામાં આવતા ગોળીબારનો અવાજ સંભળાવા લાગ્યો હતો.”

ખાડો ખોદીને નકશો છૂપાવ્યો

ચિનોયે ઝિગઝૅગ સ્ટાઇલમાં હરણની માફક શેરડીના ખેતરમાં દોડવાનું શરૂ કરી દીધું. ભયને કારણે તેમના પગને વધુ ગતિ મળી હતી. તેમણે તરત વિચાર કર્યો કે તેઓ ભારતીય સીમા તરફ પૂર્વમાં દોડશે, એવી પાકિસ્તાની સૈનિકોની ધારણા હશે. તેથી તેમણે પશ્ચિમ દિશામાં દોડવાનું શરૂ કરી દીધું હતું.

ધીરે-ધીરે વાહનો તથા તેમનો પીછો કરી રહેલા પાકિસ્તાની સૈનિકોનો અવાજ આવતો બંધ થઈ ગયો.

દારા ફિરોઝ ચિનોય લખે છે, “તેમ છતાં હું ખેતરની વચ્ચે દોડતો રહ્યો અને મોટાં ખેતરોમાં શેરડીની આડમાં છુપાતો રહ્યો. થોડા વખત પછી મેં ઉત્તરમાં દોડવાનું શરૂ કર્યું હતું. બે કલાક સુધી ઝડપભેર દોડ્યા બાદ મેં શેરડીના એક ખેતરમાં થોડો આરામ કર્યો. થોડીવાર જમીન પર સૂઈ ગયો અને મારા શ્વાસ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કર્યા.”

એ ઘટનાને યાદ કરતા ચિનોય લખે છે, “હું જરાય હલનચલન ન કરું તેના પ્રયાસ કર્યા. હું પાકિસ્તાની સૈનિકોના હાથમાં આવી જઈશ તો તેઓ મારી સાથે કેટલું ખરાબ વર્તન કરશે તેનો મને ખ્યાલ હતો. જલદી અંધારું થઈ જાય તેની પ્રાર્થના કરવા લાગ્યો. અંધારું થયું કે તરત મેં એક ખાડો ખોદીને તેમાં મારો નકશો, રડાર ઑથેન્ટિકેશન શીટ અને દુશ્મનને જરા સરખી પણ મદદ મળી શકે એવી તમામ ચીજો દાટી દીધી. મેં ચહેરા પર કિચડ લગાવી લીધું. મારો જી સૂટ પરસેવાથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયો હતો અને કિચડથી લથબથ હોવાને લીધે કાળો લાગતો હતો.”

પ્રચૂર થાક છતાં નહેર પાર કરી

થોડો સમય આરામ કર્યા પછી ચિનોયે આખરે પૂર્વ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં ઘેરી રાત થઈ ગઈ હતી. ચિનોયે ઊંચા ઘાસ અને શેરડીના ખેતરમાંથી આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેઓ જાણીજોઈને ગામ અને ગામલોકોની નજરમાં આવી ન જવાય તે રીતે આગળ વધતા હતા, કારણ કે તેમને કોઈ વ્યક્તિ કે કૂતરાંએ જોઈ લીધા હોત તો બૂમરાણ મચી ગઈ હોત.

ચિનોયે અનુભવ્યું કે સવારે તેઓ માત્ર એક કપ ચા પીને નીકળ્યા હતા અને છેલ્લા 20 કલાક દરમિયાન પાણીનું એક ટીપું સુદ્ધાં પીધું ન હતું.

તેમને સખત તરસ લાગી હતી અને થાકને કારણે તેમના ચાલવાની ગતિ ધીમી પડી રહી હતી. ગરમી, ગભરાટ અને સતત દોડતા રહેવાને કારણે તેઓ ખરાબ રીતે ડિહાઈડ્રેટ થઈ ગયા હતા.

તેમને ખબર હતી કે થાકને કારણે તેઓ બેહોશ થઈ જશે અને પાકિસ્તાનીઓના હાથમાં આવી જશે તો તેમની સાથે બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવશે.

તેમને જોતાં જ ગોળી મારી દેવામાં આવે એ પણ શક્ય હતું. તેમણે પહેલાં તો કમરબૂડ પાણી ધરાવતી નહેર પાર કરી અને પછી જોરદાર પ્રવાહવાળી ઇચ્છોગિલ નહેર પાર કરી.

ભારતીય સૈનિકોએ કહ્યું, ‘હેન્ડ્ઝ અપ’

ચિનોય લખે છે, “અમૃતસર-બટાલા રોડ પર પહોંચ્યો ત્યારે મને થયું કે મેં ભારત-પાકિસ્તાન સીમા પાર કરી લીધી છે. એ વેળા મને એક ગામની બહાર એક કૂવો દેખાયો. હું દોડીને કૂવા પાસે પહોંચ્યો. દોરડા વડે એક ડોલ પાણી બહાર કાઢ્યું. બહુ બધું પાણી પીધા બાદ બચેલું પાણી મારા માથા પર ઢોળ્યું તૃપ્ત થયા પછી મારો આત્મવિશ્વાસ પાછો ફર્યો અને હું અમૃતસર-બટાલા રોડ પર દક્ષિણ તરફ આગળ વધવા લાગ્યો.”

ચિનોય જાણી જોઈને મુખ્ય માર્ગથી બચીને ચાલતા હતા. ત્યાં સુધીમાં સવાર પડી ગઈ હતી. ત્યારે તેમને તમિળ ભાષા બોલતા કેટલાક અવાજ સંભળાયા.

તેઓ લખે છે, “આપણા સૈનિકોએ ફ્લાઇટ લેફ્ટનન્ટ વિજય માયાદેવ અને બો ફાટકને કેવી રીતે સંગીન ભોંકી હતી એની મને ખબર હતી. તેથી મેં બહાદૂરીપૂર્વક બૂમ પાડીઃ ત્યાં કોણ છે? મેં એમના ચહેરા પરના હાવભાવ વાંચ્યા. કિચડથી તરબતર જી સૂટમાં સજ્જ મને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ એ પૈકીના એકે મારી સામે રાઇફલ તાકીને કહ્યુઃ હાથ ઉપર કરો. મેં ગોઠણભેર બેસીને મારા હાથ ઊંચા કર્યા.”

ચિનોયના માથા પાસેથી ગોળી પસાર થઈ

ભારતીય સૈનિકોએ ચિનોયને સવાલ પૂછવાનું શરૂ કર્યું. ચિનોય ભારતીય વાયુદળના પાઇલટ છે એ વાત પર તેમને વિશ્વાસ આવતો ન હતો. ચિનોયે તેમને કહ્યું કે તમારા અધિકારીને બોલાવો. એક સુબેદાર મેજર તરત જ ત્યાં જીપમાં આવી પહોંચ્યા. તેમને પણ ચિનોયની વાતમાં વિશ્વાસ આવ્યો નહીં. તેમણે ચિનોયને જીપની પાછલી સીટ પર બેસી જવા કહ્યું.

ચિનોય લખે છે, “હું જીપમાં બેઠો કે તરત મને કવર કરી રહેલો એક ભારતીય સૈનિક પણ જીપમાં ચડી ગયો. ભૂલથી તેની આંગળી ટ્રિગર પર દબાઈ ગઈ અને મારા માથાથી લગભગ એક ઇંચ દૂરથી ગોળી પસાર થઈ ગઈ. ગોળીનો અવાજ જેટલો જોરદાર હતો એટલો જ જોરદાર અવાજ સુબેદાર મેજરે તે સૈનિકને મારેલી થપ્પડનો હતો.”

ચિનોયને એક કૅપ્ટન પાસે લઈ જવામાં આવ્યા. કેપ્ટને તેમનો પરિચય માગ્યો. ચિનોયે તેમને જણાવ્યું હતું કે તેઓ કોઈ મિશન પર જાય છે ત્યારે પોતાનું ઓળખપત્ર સાથે લઈ જતા નથી.

ચિનૉય સાથે સવાલ-જવાબ

ફ્લાઇટ લેફ્ટનન્ટ કૅપ્ટન દારા ફિરોઝ ચિનોયને તેમના યુનિટના લોકેશન અને તેમના કમાન્ડર વિશે પૂછ્યું ત્યારે ચિનોયે જણાવ્યું હતું કે ગ્રૂપ કૅપ્ટન જોક લૉઈડ તેમના સ્ટેશન કમાન્ડર છે.

ચિનોય લખે છે, “કૅપ્ટને પૂછ્યું કે તમે કોઈ કહાઈને ઓળખો છો? મેં જવાબ આપ્યોઃ હા. તેઓ મારા યુનિટમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ છે. તેમનો બીજો સવાલ હતોઃ શું તેઓ જાડા અને પડછંદ શીખ છે? મેં કહ્યુઃ ના. તેઓ દુબળા-પાતળા દાઢીધારી શીખ છે. એ સાંભળતાં જ તેમને ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે મારા તરફ હાથ લંબાવતા કહ્યું, “હું કૅપ્ટન કહાઈ છું. ફ્લાઈટ લેફ્ટનન્ટ કહાઈનો પિતરાઈ ભાઈ.” એ પછી તેમણે મને નાસ્તો કરાવ્યો અને કૉફી પીવડાવી.”

ચિનોયને વિશિષ્ટ સેવા મેડલ

ચિનૉય સ્નાન કરીને તાજામાજા થયા બાદ કૅપ્ટન કહાઈએ તેમને એક જીપમાં બેસાડીને ઍરફોર્સ સેન્ટર, અમૃતસર તરફ રવાના કર્યા હતા. ચિનોય એટલા થાકેલા હતા કે જીપ ચાલતાની સાથે જ તેઓ ઘસઘસાટ ઊંઘી ગયા હતા. તેમની આંખ ખુલી ત્યારે જીપ ઍરફોર્સ સેન્ટરના દરવાજામાં પ્રવેશી રહી હતી.

પાકિસ્તાનના ચાર સેબર જેટ વિમાનોએ ટાંકણે જ ઍરફોર્સ સેન્ટરના રડાર યુનિટ પર હુમલો કર્યો. આટઆટલી તકલીફ વેઠ્યા બાદ ચિનોય બૉમ્બ હુમલામાં મરવા ઇચ્છતા ન હતા. તેમણે બૉમ્બમારાથી બચવા દોડીને એક બંકરમાં આશરો લીધો.

અમૃતસર સ્ટેશનના કમાન્ડરે તેમને પોતાની જીપ મારફત આદમપુર ખાતેના વાયુદળના બેઝ પર પહોંચાડ્યા હતા.

ચિનોય મેસમાં પ્રવેશ્યા ત્યારે તેમના સાથીઓના ચહેરા જોવા લાયક હતા. એ પછીના દિવસે તેમનાં મેડિકલ પરિક્ષણો કરવામાં આવ્યાં અને પછી તેમને ઉડાણ ભરવા માટે લાયક જાહેર કરવામાં આવ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 સપ્ટેમ્બરે યુદ્ધવિરામ થયો હતો. એ સમય સુધી ચિનૉયના ભારત પાછા આવવાનાં સમાચાર છુપાવી રાખવામાં આવ્યા હતા.

યુદ્ધ સમાપ્ત થયાના ત્રણ મહિના પછી 1966ની પહેલી જાન્યુઆરીએ વાયુદળના તત્કાલીન વડા ઍર ચીફ માર્શલ અર્જન સિંહે પાકિસ્તાનથી બચીને સલામત ભારત આવવા બદલ ફ્લાઇંગ ઓફિસરને દારા ફિરોઝ ચિનોયને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કર્યા હતા.

ચિનૉય પછી ભારતીય વાયુદળમાં ગ્રૂપ કૅપ્ટન બનીને નિવૃત્ત થયા હતા. હાલ તેઓ બેંગલુરુમાં તેમનાં પત્ની માર્ગારેટ સાથે રહે છે.