ભારત જાસૂસોની પસંદગી કઈ રીતે કરે છે અને કેવી ટ્રેનિંગ અપાય છે?

કૅનેડામાં શીખ અલગાવવાદી નેતા હરદીપ સિંઘ નિજ્જરની હત્યાના મુદ્દાએ ભારત-કૅનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ લાવી દીધો છે.

તાજેતરમાં આ પ્રકરણના સંદર્ભે ભારતની ઇન્ટલિજન્સ એજન્સી ‘રિસર્ચ ઍન્ડ ઍનલિસિસ વિંગ’ (R&AW - રૉ)ની સરખામણી આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ઇઝરાયલની જાસૂસી એજન્સી ‘મોસાદ’ સાથે કરવામાં આવી રહી છે. RAWમાં રસ ધરાવતા લોકો ઇન્ટરનેટ પર એના વિશે સર્ચ કરી રહ્યા છે.

રૉ એજન્ટ કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે છે? જોડાયા પછી શું કરે છે? કઈ રીતે જાસૂસી કરે છે?

જેમ અમેરિકાની (સેન્ટ્રલ ઇન્ટલિજન્સ એજન્સી - સીઆઈએ) છે, બ્રિટનની એમઆઈ6, રશિયાની એસવીઆર, ચીનની ગૌનપૂ અને પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સીઓ વિદેશમાં ઇન્ટલિજન્સ (જાસૂસી) ઑપરેશન્સ માટે છે એ જ રીતે ભારત પાસે પણ રૉ છે, જે દેશની સુરક્ષાનાં જાસૂસી ઑપરેશનો ગુપ્ત રીતે પાર પાડે છે.

શું RAW પાસે ઑફિસ છે?

ભારતનું રૉ ઇન્ટલિજન્સ યુનિટ કેન્દ્રીય કૅબિનેટ સેક્રેટેરિયેટ – દિલ્હી હેઠળ કામગીરી કરે છે.

તેમના ચીફ ઑફિસરને સેક્રેટરી (આર) કહેવામાં આવે છે. તેમની નીચે સ્પેશ્યલ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, સ્પેશ્યલ ઑપરેશન ડિવિઝન, ડિરેક્ટર જનરલ ઑફ ડિફેન્સ ડિવિઝન વિગેરે હોય છે.

આ ઑફિસરો ઇન્ટલિજન્સ બ્યૂરો (આઈબી) સાથે સંકલન-સહકારથી કામ કરે છે. તે ભારતની આંતરીક સુરક્ષા એજન્સીઓ, ડિફેન્સ, મિલિટરી ઇન્ટલિજન્સ અને અને વિભાગો સાથે જાસૂસી તથા અન્ય ગુપ્ત માહિતીનું આદાનપ્રદાન અને સંકલન કરે છે.

એડિશનલ સેક્રેટરીઓના નીચે દેશો અને પ્રદેશો મુજબના વિભાગો હોય છે. તેને રૉની ભાષામાં ડેસ્ક કહેવામાં આવે છે.

રૉના સેક્રેટરી અને સ્પેશ્યલ સેક્રેટરી વડા પ્રધાન તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે સીધા સંપર્કમાં રહેતા હોય છે.

દિલ્હીની મુખ્ય ઑફિસમાં ખાસ વિભાગ જેમકે પાકિસ્તાન, ચીન, દક્ષિણ પૂર્વ એશિયા, મિડલ ઈસ્ટ, આફ્રિકન દેશો, અન્ય દેશોના ડેસ્ક અને સ્પેશ્યલ ઑપરેશન ડેસ્ક છે.

આ યુનિટની સાથે સાથે ઇલેક્ટ્રૉનિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ પણ રૉના વડામથકમાં હોય છે.

તે વિદેશી શંકમંદ ગતિવિધિઓનું મૉનિટરિંગ કરે છે. વ્યક્તિ વચ્ચે થતો સંદેશાવ્યવહાર, તેમના સંદેશાવ્યવહારના ડિવાઇસ સહિત. (સેટેલાઇટ દ્વારા આ ઇન્ટલિજન્સ મૉનિટરિંગ કરવામાં આવે છે.)

રૉ સિસ્ટમ માટે એક અલગ વિમાન હોય છે?

એક ખાસ ફ્લાઇટ હોય છે. ઇન્ડિયન ઍરફૉર્સનાં વિમાનો ઇમર્જન્સી મિશનો માટે વાપરવામાં આવે છે અને હાઈ રૅન્કિંગ અધિકારીઓનાં સ્પેશ્યલ ઑપરેશન માટે પણ તેનો ઉપયોગ થાય છે.

પરંતુ જેમ ફિલ્મોમાં બતાવવામાં આવે છે તેમ કોઈ પણ એજન્ટ વિમાનમાં ચઢીને ગમે ત્યાં ન જઈ શકે, અને જ્યાં ઇચ્છે ત્યાં દુશ્મનો પર હુમલા ન કરી શકે.

રૉમાં ઍર ટ્રાન્સપૉર્ટ રિસર્ચ સેન્ટર પણ કામ કરતું હોય છે, જે ઍરિયલ સર્વેલન્સ અને ડિફેન્સનું કામ કરતું હોય છે. સ્પેશ્યલ સેક્રેટરી તેના વડા હોય છે.

વળી વિદેશમાં સ્પેશ્યલ ઑપરેશનના વડા તરીકે એક સ્પેશ્યલ સેક્રેટરી રૅન્કના વરિષ્ઠ અધિકારી પણ હોય છે.

RAWનું કામ ગુપ્ત હોય છે?

વિદેશમાંથી ગુપ્ત માહિતી ભેગી કરવી એક સંવેદનશીલ બાબત છે. ભારત સરકાર રૉને કૅબિનેટ હેઠળની એજન્સી તરીકે વર્ગીકૃત કરે છે.

રૉની પ્રવૃત્તિ, નાણાકીય વ્યવહારો, ઑડિટ વિગેરે સંસદમાં જાહેર નથી કરવામાં આવતું. વળી તેની પ્રવૃત્તિ ઇન્ટરનલ ઑડિટ તરીકે વર્ગીકૃત છે.

રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટની કલમ 24 હેઠળ જનતાને રૉ વિશેની માહિતી આપવામાંથી રૉને મુક્તિ આપવામાં આવી છે.

મહત્ત્વની બેઠકોમાં, પરિષદો રૉના વરિષ્ઠ અધિકારીઓ અને ખાસ આમંત્રિત કરાયેલા અધિકારીઓ જ હાજર રહે છે.

જેથી ઑફિસરોની ઓળખ અને પ્રવૃત્તિઓ ગુપ્ત રાખવામાં આવે છે.

ભારતમાં RAWની ઑફિસો ક્યાં આવેલી છે?

ભારતમાં રૉની ઑફિસ 7 ઝોનમાં વહેંચાયેલી છે.

ઉત્તર ઝોન (જમ્મુ), પૂર્વ ઝોન (કોલકાતા), દક્ષિણ પશ્ચિમ ઝોન (મુંબઈ), ઉત્તર પૂર્વ ઝોન (શિલોંગ), દક્ષિણ ઝોન (ચેન્નાઈ), મધ્ય ઝોન (લાંગેલા), પશ્ચિમ ઝોન (જોધપુર).

આ સિવાય રૉના અધિકારીઓ મુખ્ય મેટ્રો શહેરોમાં અલગ અલગ નામથી કામ કરે છે. ઑર્ગેનાઇઝેશનના ફિલ્ડ સ્ટાફનો અર્થ કે એજન્ટ ત્યાંથી કામ કરે છે.

રૉની ઑફિસોમાં મુખ્યત્ત્વે સેક્રેટરી, સ્પેશ્યલ સેક્રટરી, એડિશનલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ડિરેક્ટર, ડેપ્યૂટી ડિરેક્ટર, ટ્રાન્સફર ઑફિસર્સ, સિનિયર ફિલ્ડ ઑફિસર, ફિલ્ડ ઑફિસર, ડેપ્યૂટી ફિલ્ડ ઑફિસર, આસિસ્ટન્ટ ફિલ્ડ ઑફિસર, મિનિસ્ટ્રી સ્ટાફ સામેલ હોય છે.

રૉના એજન્ટ તેમના વિદેશી મિશનોમાં સંબંધિત દેશમાંની ભારતની ઍમ્બેસી સાથે સીધા સંપર્કમાં હોય છે.

RAWના ઑફિસરોને કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે છે?

સિનિયર ફિલ્ડ ઑફિસરથી લઈને આસિસ્ટન્ટ ફિલ્ડ ઑફિસર સુધીની ભરતી મોટાભાગે ઇન્ટરવ્યૂથી કરવામાં આવે છે. કૅબિનેટ સેક્રેટેરિયેટ હેઠળ તેમનું સિલેક્શન કરવામાં આવે છે.

આ સિવાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિભાગોમાં ખાસ સ્કિલ ધરાવતા અધિકારીઓ, કૉન્સ્ટેબલો, સૈનિકો વિગેરે રૉના ફિલ્ડ વર્કમાં કામ કરવા માટે પસંદ કરવામાં આવે છે.

વળી રૉ આઈપીએસ, આઈઆરએસ અને આઈએફએસ સર્વિસોમાં પસંદ થયેલા ઑફિસર્સ પણ યોગ્યતા ધરાવતા હોય તો તેમને ઓળખીને ભરતી કરી લેતા હોય છે.

ઘણી વખત જે ઉમેદવારોએ યુપીએસસી અને સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા પાસ કરી લીધી હોય અને સંબંધિત વિભાગમાં જોડાઈ રહ્યા હોય તેમને રૉમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવે છે.

ગ્રૂપ-1ના અધિકારીઓને પણ આ તક મળી શકે છે.

વળી આઈપીએસ (IPS) અને આઈએએસ (IAS) સિસ્ટમની જેમ રૉમાં કાયમી કામ કરનારા ઑફિસરોને ‘RAS’ સર્વિસ કૉડ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના સત્તાવાર સંદેશાવ્યવહારોમાં આ નામ સાથેનો કૉડ વાપરવામાં આવે છે. જેથી સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જાણી શકે કે તેઓ રૉ ઇન્ટલિજન્સ એજન્સીમાં છે.

RAWની તાલીમ કઠિન હોય છે?

ફિલ્ડ ઑફિસર અથવા એજન્ટ તરીકે કામ કરનારા ઉમેદવારની પસંદગી અને ત્યાર પછીની તાલીમ ખૂબ જ કઠિન હોય છે. અંગ્રેજી-હિંદી સિવાય તેમની એક કે બે વિદેશી ભાષામાં નિપુણતા હોવી પણ જરૂરી હોય છે.

રૉમાં જોડાયા પછી તરત જ એક વર્ષ માટે તેમને ઇન્ટલિજન્સ એકત્ર (જાસૂસી) કરવા માટેની એક વર્ષની તાલીમ આપવામાં આવે છે.

તેમને ફાયનાન્સ, આર્થિક વિશ્લેષણ, સ્પેસ ટેકનૉલૉજી, સેટેલાઇટ ટેક્નૉલૉજી, ટેલિકૉમ્યુનિકેશન, ઍનર્જી સિક્યૉરિટી, ઇન્ટરનેશનલ ફૉરેન પોલિસી, રાજદ્વારી સંબંધોમાં તાલીમ આપવામાં આવે છે.

સામાન્ય જુનિયર ઑફિસર તરીકે કામ કરાવીને તેમને ઇન્ટલિજન્સ ભેગું કરવાની તાલીમ આપવામાં આવે છે.

આસિસ્ટન્ટ સેક્રેટરી, ડેપ્યૂટી સેક્રેટરી અથવા ફર્સ્ટ અથવા સેકન્ડ સેક્રેટરી તરીકે વિદેશમાં ભારતની કોઈ પણ ઍમ્બેસીના વિભાગમાં તેમને કામ આપવામાં આવે છે.

આ ઑફિસરોને ઇન-હાઉસ તાલીમ આપવામાં આવે છે. દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાં તાલીમ આપવામાં આવે છે. ભાષાની તાલીમ પણ અહીં જ આપવામાં આવે છે.

આ તાલીમ પૂર્ણ કર્યા પછી તેમને ફિલ્ડ ઇન્ટલિજન્સ તાલીમ આપવામાં આવે છે, જે 2 વર્ષ ચાલે છે. તેને ઍડ્વાન્સ ટ્રેનિંગ કહેવામાં આવે છે.

જેમકે અસામાન્ય સ્થિતિમાં કેવી રીતે કામ કરવું? વિદેશ કઈ રીતે જવું? ત્યાંથી બચીને સ્વદેશ પરત કેવી રીતે આવવું? જો વિદેશમાં પકડાઈ જઈએ તો શું કરવું? કૉન્ટેક્ટ કેવા હોવા જોઈએ? આ મામલે તાલીમ અપાય છે.

ઉપરાંત માર્શલ આર્ટ્સ, હથિયારો ચલાવવાની તાલીમ પણ આપવામાં આવે છે. ઓળખ છુપાવીને કેવી રીતે રહેવું એ તાલીમ પણ આપવામાં આવે છે.

તેમને ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ કૉલેજ, દેહરાદૂન પણ મોકલવામાં આવે છે. અહીં તેમની શારીરિક ક્ષમતા વિકસાવવા માટે કેટલાક મહિનાની તાલીમ આપવામાં આવે છે.