You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘અમને ગોળી મારી દો પણ પાછા નહીં જઈએ’- બે ભારતીય નાગરિકો શરણ લેવા પાકિસ્તાન કેમ પહોંચ્યા છે?
- લેેખક, નિયાઝ ફારુકી, શુમાઇલા ખાન
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા
એક રાજનૈતિક અને સામાજિક કાર્યકર મોહમ્મદ હસનૈન તેમના પુત્ર ઇસહાક અમીર સાથે ભારત છોડીને પાકિસ્તાન શરણ લેવા માટે પહોંચ્યા છે. તેઓ ગેરકાયદેસર રીતે અફઘાનિસ્તાનના રસ્તે થઈને કરાચી પહોંચ્યા છે.
તેમનો આરોપ છે કે ભારતમાં તેમને ‘ધાર્મિક દ્વેષ અને સતામણી’નો સામનો કરવો પડતો હતો અને તેઓ પાછા ફરવાને બદલે પાકિસ્તાનમાં જ મરવાનું કે જેલમાં રહેવાનું પસંદ કરશે.
આ બંને ભારતીય નાગરિકો પાકિસ્તાનના કરાચીમાં અંચૌલી વિસ્તારમાં ઈધી હોમમાં રહે છે. તેમના પર ઈધી હોમથી બહાર જવા પર પ્રતિબંધ છે અને બે પોલીસ અધિકારીઓ તેમના પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવ્યા છે.
66 વર્ષીય મોહમ્મદ હસનૈન અને 31 વર્ષીય ઇસહાક અમીરે બીબીસી સાથે વાત કરતા એ દાવો કર્યો હતો કે તેઓ પાંચ સપ્ટેમ્બરે દિલ્હીથી અબુધાબી ગયા હતા જ્યાંથી તેમણે અફઘાનિસ્તાનના વિઝા મેળવ્યા હતા. તેઓ કાબુલ પહોંચ્યા હતા અને ત્યાંથી કંધારના સ્પિન બોલ્ડકથી કેટલાક લોકોએ પૈસા લઈને તેમણે ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના સીમાવર્તી ક્ષેત્ર ચમનમાં દાખલ થવામાં મદદ કરી હતી.
મોહમ્મદ હસનૈને કહ્યું કે, "ચમનથી અમે ક્વેટા માટે દસ હજાર રૂપિયામાં ટેક્સી પકડી અને એ જ ટેક્સીને 50 હજાર રૂપિયા આપીને અમે ક્વેટાથી કરાચી પહોંચ્યા."
તેમના જણાવ્યા અનુસાર, "હોટેલમાં રહેવાની જગ્યા ન મળી એટલે તેઓ સીધા જ પોલીસ ઓફિસરોને મળ્યા અને તેમને પૂરી કહાણી સમજાવી અને કહ્યું કે તેઓ સીમા પાર કરીને આવેલા અપરાધી છીએ અને અહીં શરણ લેવા ઇચ્છીએ છીએ."
પોલીસ તેમને પછી ઇધી સેન્ટર પહોંચાડી દીધા.
મોહમ્મદ હસનૈને જણાવ્યું કે ભારતમાં તેઓ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને દિલ્હીથી આઠ પાનાંનું એક અઠવાડિક અખબાર ‘ચાર્જશીટ’ બહાર પાડતા હતા. જેનું નામ બદલીને પછીથી ‘ધી મીડિયા પ્રોફાઇલ’ રાખવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં તેઓ ક્યાં રહે છે?
મોહમ્મદ હસનૈનનો જન્મ ઝારખંડના જમશેદપુર શહેરમાં વર્ષ 1957માં થયો હતો પરંતુ તેમનું કહેવું છે કે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી દિલ્હીમાં વસતા હતા.
1989માં તેમનાં લગ્ન થયાં જે માત્ર ચાર વર્ષ જ ટક્યા હતા. એ જ લગ્નથી તેમને બે પુત્રો થયા હતા જેમાંથી એક પુત્રનું મૃત્યુ થઈ ગયું હતું. બીજો પુત્ર ઇસહાક અમીર તેમનું એકમાત્ર સંતાન છે.
મોહમ્મદ હસનૈનના જૈબુન્નિસા અને કૌસર નામે બે બહેનો છે. મોટાં બહેન જેબુન્નિસા તેમનાંથી 21 વર્ષ મોટાં છે જ્યારે નાનાં બહેન કૌસર લખનૌના રહેવાસી છે.
31 વર્ષીય ઇસહાક અમીર કહે છે કે તેઓ મદરેસા જતા હતા અને તેમણે કુરાન વાંચવાનું શરૂ કર્યું અને કંઠસ્થ કર્યું હતું. પિતા તેમને આલિમ-એ-દીન (ધાર્મિક વિદ્વાન) કે વકીલ બનાવવા માગતા હતા પરંતુ 12મું પાસ કર્યા પછી તેઓ નોકરી કરવા લાગ્યા.
ઇસહાકના જણાવ્યા અનુસાર, તેમણે 2014 થી 2019 દરમિયાન ડીન બ્રૉડબેન્ડ નામની કંપનીમાં કામ કર્યું હતું. તેમણે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી મૅનેજમેન્ટમાં ડિપ્લોમા પણ કર્યો હતો અને દુબઈની એક કંપનીમાં એપ્રિલ 2021 થી 15 ઑક્ટોબર 2021 સુધી એટલે કે લગભગ છ મહિના સુધી સેફ્ટી ઇન્સ્પેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. 2021 માં ભારત પાછા આવ્યા પછી તેમણે નાઇગોસ ઇન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો.
ઈસહાકે જણાવ્યું કે અબુધાબીની એક કંપનીએ તેમને નોકરીની ઑફર કરી હતી જેનો પગાર ચાર હજાર દિરહામ હતો અને નોકરી 10 સપ્ટેમ્બર, 2023થી શરૂ થવાની હતી. પરંતુ અમે ભારત છોડવા માટે સંપૂર્ણ યોજના બનાવી ચૂક્યા હતા.
પિતાએ કહ્યું હતું કે "આપણે આ દેશમાં નથી રહેવું એટલે અમે 5 સપ્ટેમ્બરની ટિકિટ બુક કરાવી લીધી હતી. તેમણે કહ્યું હતું કે એકવાર પ્રયાસ કરીએ. અબુધાબીથી અફઘાનિસ્તાન જઈએ અને પ્રયત્ન કરી જોઈએ. કદાચ કંઈક શક્ય બને."
ઉશ્કેરણીજનક પોસ્ટર લગાવવાનો આરોપ
મોહમ્મદ હસનૈન એ એમ. હસનૈન નામથી અખબારમાં લખે છે. તેમના જણાવ્યા અનુસાર દિલ્હીમાં તેમનું સાપ્તાહિક અખબાર 'ધ મીડિયા પ્રોફાઇલ' પ્રકાશિત કરવા ઉપરાંત તેઓ એક કોચિંગ સેન્ટર પણ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ યુવાનોને અંગ્રેજી ભાષા શીખવતા હતા અને કાયદાના શિક્ષણ માટે તૈયાર કરતા હતા.
એ જ કારણ હતું કે તેઓ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર ઈસહાક અમીર પણ વકીલ બને પરંતુ તેની ઇચ્છા ન હતી.
મોહમ્મદ હસનૈન પોતાને સામાજિક અને રાજકીય કાર્યકર ગણાવે છે અને તેઓ સંસદ, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જોકે, તેમને ક્યાંય સફળતા મળી નથી. એવી માહિતી છે કે તે દરમિયાન તેમની સામે કેટલાક કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં તેમના પર કથિત રીતે ઉશ્કેરણીજનક પોસ્ટરો ચોંટાડવાના આરોપનો સમાવેશ થાય છે.
મોહમ્મદ હસનૈન અને ઈસહાક અમીરના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા પંદર-વીસ વર્ષથી દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને તેમનો છેલ્લો પડાવ ગૌતમપુરીમાં હતો.
ભારતમાં તેમના પરિચિતો આશ્ચર્યમાં ગરકાવ
બીબીસી સાથે વાત કરતા ભારતમાં તેમના પરિચિતોએ આ બંને પિતા-પુત્રના પાકિસ્તાન જવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમનું કહેવું છે કે તેમના પાકિસ્તાન જવાના સમાચાર તેમને મીડિયા દ્વારા મળ્યા હતા.
એમ.એમ. હાશ્મી પોતાને મોહમ્મદ હસનૈનના વકીલ ગણાવે છે. હાશ્મીનું કહેવું છે કે તેમને પણ પિતા-પુત્રના પાકિસ્તાન જવાની કોઈ માહિતી ન હતી.
તેઓ કહે છે, "હું તેમનો વકીલ છું. પરંતુ હું માત્ર એટલું જ જાણું છું કે તેઓ તેમના પુત્રને નોકરી માટે દુબઈ લઈ ગયા હતા. એ પછી મને કંઈ ખબર નથી. જ્યારે સમાચાર આવ્યા ત્યારે મને તેની જાણ થઈ."
પાકિસ્તાન જતા પહેલા તેઓ જ્યાં રહેતા હતા તે સરનામે તેમના પડોશીઓ પણ આશ્ચર્યચકિત છે. તેઓ કહે છે કે જ્યારે મીડિયા અને પોલીસ હસનૈન વિશે પૂછવા આવ્યા ત્યારે તેમને તેના પાકિસ્તાન જવાની ખબર પડી.
એક પાડોશીએ કહ્યું કે, "તેઓ કહી રહ્યા હતા કે તેમના પુત્રને દુબઈમાં નોકરી મળી છે. તેઓ ત્યાં જઈ રહ્યા છે અને આગામી દસ દિવસમાં પાછા આવશે."
મોહમ્મદ હસનૈનના ઘરના માલિક અને પડોશીઓનું કહેવું છે કે તેઓ મોટાભાગે એકલા અને શાંતિથી રહેતા હતા. જો કોઈ તેમને સલામ કરે તો જ તે જવાબ આપે."
એક સ્થાનિક નેતાએ એવો દાવો કર્યો છે કે તેમણે હસનૈનના રાજકીય પક્ષના સમર્થનથી 2017માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી હતી. તેઓ પણ કહે છે કે તેમને પણ આ વાતની મીડિયા મારફતે ખબર પડી હતી.
તેઓ કહે છે, "મને તો સાંભળીને અતિશય આશ્ચર્ય થયું."
તેમનું કહેવું છે કે ચૂંટણી લડ્યા બાદથી તેમનો હસનૈન સાથે કોઈ ખાસ સંપર્ક નથી રહ્યો પરંતુ તાજેતરમાં તેમની સાથે ટૂંકી મુલાકાત થઈ હતી.
એક સ્થાનિક નેતાએ એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમનું અખબાર પણ લગભગ પાંચ વર્ષ પહેલાં ભંડોળના અભાવે બંધ થઈ ગયું હતું.
હસનૈનની પાર્ટીની ઑફિસ જ્યાં હતી તેની આસપાસના લોકો કહે છે કે પાર્ટી થોડાં વર્ષો પહેલાં જ ખતમ થઈ ગઈ હતી.
ચૂંટણી પંચને સબમિટ કરેલા સરનામે પક્ષનું નામ અને તેમના અખબારના જૂના નામનું બેનર 'ગૂગલ સ્ટ્રીટ વ્યૂ'માં જોઈ શકાય છે.
ઉર્દૂ અને હિન્દી ભાષાઓમાં પ્રકાશિત થતા તેમના સાપ્તાહિક અખબારનાં પૃષ્ઠોની નકલો ફેસબુક પર ઉપલબ્ધ છે. તે ભારતમાં મુસ્લિમોની ફરિયાદો અને પીડાને પ્રકાશિત કરે છે.
ઘણી વખત ચૂંટણી લડી
ચૂંટણીપંચને જમા કરાવેલા શપથપત્રથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેમણે 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી સીલમપુર બેઠક પરથી અને 2014ની લોકસભા ચૂંટણી નૉર્થ ઈસ્ટ દિલ્હીથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. જેમાં તેમને અનુક્રમે 571 અને 879 મત મળ્યા હતા.
ચૂંટણી પારદર્શિતા પર કામ કરતા સંગઠન અસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિફૉર્મ્સ(એડીઆર) ના રેકૉર્ડ પરથી ખ્યાલ આવે છે કે તેમણે 2004 અને 2009ની ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો.
તેમના ચૂંટણી શપથપત્ર પરથી ખ્યાલ આવે છે કે તેમના પર આઇપીસીની કલમો હેઠળ ત્રણ કેસ દાખલ થયેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ થયેલી હિંસાના વિરોધમાં પોસ્ટર ચોંટાડ્યા બાદ તેમને જેલ મોકલવામાં આવ્યા હતા. તે કેટલો સમય જેલમાં રહ્યા તે સ્પષ્ટ નથી.
એડવોકેટ એમ.એમ. હાશ્મીએ પુષ્ટિ કરી છે કે તેમની સામે ત્રણ કેસ નોંધાયા છે.
તેમણે કહ્યું, "એક કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, એક કેસમાં આરોપ ઘડવામાં આવ્યા નથી અને એક કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી."
તેમનું કહેવું છે કે આ બધા રાજકીય કેસ હતા, કોઈ ફોજદારી કેસ નથી. તેમણે આ અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
પાકિસ્તાન કેમ પસંદ કર્યું?
મોહમ્મદ હસનૈને બીબીસીને કહ્યું કે, "જુઓ, આ કોઈ અચાનક લીધેલો કે વિચારવિહીન નિર્ણય નથી કે અમને એક વિચાર આવ્યો અને અમે નીકળી ગયા."
તેમણે બાબરી મસ્જિદ સંબંધિત કોર્ટના નિર્ણયને ટાંક્યો અને આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપની જીત તરફ ઈશારો કરીને આશંકા વ્યક્ત કરી.
અહીં એ વાત નોંધવી જોઈએ કે દિલ્હીમાં જે સંસદીય મતવિસ્તારમાંથી મોહમ્મદ હસનૈન ચૂંટણી લડ્યા હતા ત્યાં 2020માં સાંપ્રદાયિક રમખાણો થયાંં હતાં જેમાં પચાસથી વધુ લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટાભાગના મુસ્લિમ હતા.
મોહમ્મદ હસનૈને કહ્યું, "જો તહેવારનો દિવસ હોય અને આપણા હિંદુ ભાઈઓ તિલક કરીને આવે તો સરળતાથી ઓળખી શકાય છે કે તેઓ હિંદુ છે કે મુસ્લિમ છે. એકવાર થોડી વાત આગળ વધી તો લોકોએ તેને મુદ્દો બનાવી દીધો અને પછી ઝપાઝપી શરૂ થઈ."
"મારા પુત્ર સાથે પણ આવું બે-ત્રણ વખત બન્યું. આથી આ સંજોગોથી દુઃખી થઈને અમને લાગ્યું કે આપણે દેશ છોડી દેવો જોઈએ."
તેમણે કહ્યું, "રસ્તા પર જાઓ, ઓફિસે જાઓ, ટ્રેનમાં જાઓ કે કોઈ કામ માટે બહાર જાઓ તો પણ એક જ ડર મનમાં હોય છે કે અમારી સાથે કંઈપણ થઈ શકે છે. સમસ્યા લૂંટની નથી, સમસ્યા સૂત્રોચ્ચારની છે, ધર્મને નિશાન બનાવવાની છે, ટાર્ગેટ કરીને લોકોને મારવામાં આવે છે તેની છે."
પરંતુ આ બંને પિતા-પુત્રએ અન્ય કોઈ દેશમાં જવાને બદલે પાકિસ્તાન કેમ પસંદ કર્યું? અમારા આ સવાલ પર મોહમ્મદ હસનૈને કહ્યું, "જુઓ, અમે અમીર લોકો નથી કે અમે કોઈપણ દેશમાં જઈને 5-10 કરોડ રૂપિયા ખર્ચીને નાગરિકતા મેળવી લઈએ."
"અમારી પાસે ફક્ત પાકિસ્તાન જ એક એવો વિકલ્પ હતો કે જ્યાં લોકો આપણી જેમ બોલે છે અને રહે છે. એ દેશ બનાવવામાં અમારા પૂર્વજોનો પણ ભાગ હતો."
તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં તેમના કોઈ સંબંધી નથી તેથી તેમને વિઝા મળી શક્યા નથી.
"અમારો વિચાર એવો હતો કે અમે ટુરિસ્ટ વિઝા સાથે ત્યાં જઈશું અને પછી ત્યાં આશ્રય લઈશું. જ્યારે પાકિસ્તાન દૂતાવાસ તરફથી અમને ઇનકાર કરવામાં આવ્યો, ત્યારે અમે બીજો રસ્તો શું થઈ શકે તે શોધવાનું ચાલું કર્યું. બે-ત્રણ વર્ષ આમ જ વીતી ગયા. એ પછી અચાનક અમને એ વાત જાણવા મળી કે જો તમે દુબઈ જાઓ તો ત્યાંથી તમને અફઘાનિસ્તાન માટે વિઝા મળી શકે છે."
હસનૈનનો મહેશ ભટ્ટ સાથેનો એક વીડિયો
હસનૈનના અખબારના નામ સાથે જોડાયેલા એક અકાઉન્ટમાંથી 2016માં એક વીડિયો ઑનલાઇન અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તેઓ પોતાના વિસ્તારમાં પોલીસ અત્યાચારનો વિરોધ કરતા જોઈ શકાય છે.
2017માં અપલોડ કરાયેલા અન્ય એક વીડિયોમાં તેઓ મુસ્લિમોના શોષણ પર ભાષણ આપતા જોવા મળે છે જેમાં તેઓ કહે છે કે સેક્યુલર હોવાનો દાવો કરતા રાજકીય પક્ષો અને નેતાઓએ પણ મુસ્લિમોને કાયમ નિરાશ કર્યા છે.
આ સિવાય 2015માં અપલોડ કરાયેલા એક વીડિયોમાં તેઓ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ સાથે એક કાર્યક્રમમાં સામેલ થતા જોવા મળે છે. જેમાં તેઓ કોઈ એક ફિલ્મના ઉદાહરણનો ઉપયોગ કરીને સેક્યુલરિઝમ અને સાંપ્રદાયિકતા વિશે વાત કરતા જોવા મળે છે.
આ વિડિયોમાં તેઓ મહેશ ભટ્ટના વખાણ કરે છે અને કહે છે કે તેઓ બંને ધર્મના લોકોની માનસિકતાને સારી રીતે સમજે છે પરંતુ તેમને પણ સાવધાનીથી કામ કરવા મજબૂર છે. તેના જવાબમાં મહેશ ભટ્ટ હસતા દેખાય છે.
મોહમ્મદ હસનૈન કહે છે કે, “અમને તમારી નિયત પર શક નથી આ તમારી મજબૂરી છે. આ દેશના હિન્દુ બુદ્ધિજીવીને આટલો ડર છે, આ મજબૂરી છે.”
પંદર મિનિટના આ વીડિયો દરમિયાન તેઓ ભારતીય મુસ્લિમોની ફરિયાદો પર વ્યાપકપણે વાત કરતા જોવા મળે છે.
25 સપ્ટેમ્બરે આ બંને ભારતીય નાગરિકો કરાચી પ્રેસ ક્લબે પહોંચ્યા હતા અને ભારતમાં મુસલમાનો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું જેના પછી તેમના પાકિસ્તાન આવવાના સમાચાર વ્યાપકપણે ફેલાયા.
પાકિસ્તાનમાં નાગરિકતા ન મળે તો...
મોહમ્મદ હસનૈન અને ઇસહાક સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે તેઓ પાછા ભારત જવા માગતા નથી પરંતુ તેમને જો પાકિસ્તાને શરણ ન આપી તો તેઓ શું કરશે?
ઇસહાક અમીર બોલ્યા કે, "અમને તો માત્ર શરણ જ જોઈએ છે. અમારો હેતુ અહીં નોકરી કે ઘર માગવાનો નથી. હું હજુ યુવાન છું. હું ડ્રાઇવિંગ કરી શકું છું. ખાવાનું બનાવી શકું છું. મજૂરીકામ પણ કરી શકું છું. મારા પિતા લોકોને ભણાવી શકે છે, હું પણ ભણાવી શકું છું. મને કુરાન કંઠસ્થ છે. અમને માત્ર શરણ જ જોઇએ છે."
"અમને ગોળી મારી દો કે જેલમાં સડવા માટે મોકલી દો, અમને કોઈ સમસ્યા નથી. ક્યાંક અમને પૂરી દો તો એ પણ મંજૂર છે."
મોહમ્મદ હસનૈનનું કહેવું છે કે, "હું આ દેશમાં જીવવા માટે નથી આવ્યો, હું અહીં સુકૂનથી મરવા આવ્યો છું. મને જીવવાની કોઈ તમન્ના નથી."
તેમણે સીમા હૈદર મામલાનું ઉદાહરણ આપતા કહ્યું કે જો સીમાને ભારતની સરકાર કબૂલ કરી શકતી હોય તો પાકિસ્તાન સરકારને મને કબૂલ કરતા દુનિયાની કઈ તાકાત રોકી રહી છે.